આપણો રાષ્ટ્રધ્વજ ‘ત્રિરંગો’ એ આપણી આન-બાન-શાન, આપણા સ્વાભિમાન અને દેશના લોકોની આશાઓ અને આકાંક્ષાઓનુંં પ્રતિક છે. ત્રિરંગો એ આપણું ગૌરવ છે. આપણો રાષ્ટ્રધ્વજ આપણા દેશના અસ્તિત્વ અને અસ્મિતાના પ્રતિક સમાન છે. આપણામાં રાષ્ટ્રપ્રેમ, સર્વધર્મસમભાવ, વિવિધ જાતિઓ અને વિવિધ લોકસમૂહને એકસૂત્રમાં બાંધનાર તથા રાષ્ટ્ર માટે તન, મન અને ધનથી સમર્પિત થવાની પ્રેરણા આપનાર આપણો રાષ્ટ્રીય ધ્વજ છે. ખાદીના એક ટુકડામાંથી બનેલો આપણો ધ્વજ એ ફક્ત કાપડનો ટૂકડો ન રહેતા આખા દેશનો આત્મા છે. આપણી આઝાદીનું પ્રતિક છે આપણો ત્રિરંગો, જેના વિશે આપણા પ્રથમ પ્રધાનમંત્રી શ્રી જવાહરલાલ નહેરું એ કહ્યું હતું કે ‘રાષ્ટ્રધ્વજ માત્ર ભારતની આઝાદીનું જ નહી પણ ભારતમાં રહેનારા દરેક નાગરિકની આઝાદીનું પ્રતિક છે.’
22મી જુલાઈ, 1947ના રોજ મળેલી ભારતીય બંધારણ સભાની બેઠકમાં આપણો રાષ્ટ્રધ્વજ નક્કી કરવામાં આવ્યો હતો. બંધારણ સભાએ નિર્ણય કર્યો કે રાષ્ટ્રધ્વજ એવો રાખવો જે દરેક પક્ષ અને સમાજને અનુકુળ આવે અને એ વખતે ત્રિરંગાનો રાષ્ટ્રધ્વજ તરીકે સ્વીકાર કરાયો અને ત્રિરંગો આપણો રાષ્ટ્રીય ધ્વજ બન્યો. આ રાષ્ટ્રધ્વજ ‘પિંગાલી વૈકય્યા’ દ્વારા રચિત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ધ્વજના આધારે રચવામાં આવેલો હતો. આપણો રાષ્ટ્રધ્વજ આડા ત્રણ રંગના પટ્ટા ધરાવે છે, જેમાં ઉપરનો પટ્ટો ઘેરો કેસરી, વચ્ચે સફેદ અને નીચે લીલો રંગ હોય છે. કેન્દ્રમાં ઘેરા વાદળી રંગનુ 24 આરા ધરાવતું ચક્ર આવેલું છે, જે અશોક ચક્ર તરીકે ઓળખાય છે. અશોક ચક્ર એ સારનાથના સિંહાકૃતિવાળા અશોક સ્તંભમાંથી લેવામાં આવ્યું છે. બહોળા અનધિકૃત અર્થમાં કેસરી રંગ આધ્યાત્મ અને શુધ્ધતા, સફેદ રંગ શાંતિ અને સત્ય, લીલો રંગ હરિયાળી અને ઉત્પાદકતા અને ચક્ર ન્યાય અને અધિકારોનું પ્રતિક મનાય છે. અશોક ચક્રનો વ્યાસ સફેદ પટ્ટાની પહોળાઇનાં ¾ ભાગ જેટલો હોય છે. આપણો રાષ્ટ્રધ્વજ 2 ફૂટ લાંબો અને 3 ફૂટ પહોળો હોય છે. આપણો રાષ્ટ્રધ્વજ ભારતીય સૈન્યનો યુધ્ધ ધ્વજ પણ ગણાય છે અને તમામ સૈનિક છાવણીઓ પર દરરોજ ફરકાવવામાં આવે છે.
ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને પાછળથી રાષ્ટ્રપતિ બનેલ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણએ આપણા રાષ્ટ્રધ્વજમાં રહેલી ભાવના વર્ણવતા કહ્યું હતું કે, ” ભગવો અથવા કેસરી રંગ ત્યાગ અને સમર્પણનું પ્રતિક છે, આપણા નેતાઓએ ભૌતિક સુખોનો ત્યાગ અને દેશ તથા પ્રજાની સેવા અને પોતાની ફરજ પ્રત્યે સમર્પણની ભાવના રાખવી. સફેદ રંગ પ્રકાશનું કેન્દ્ર છે, જે સત્ય સુધી જવાનો આપણો માર્ગ પ્રકાશીત કરશે અને લીલો રંગ આપણો માટી (જમીન) સાથેનો સંબંધ દર્શાવે છે, આપણો વૃક્ષ, છોડ, લીલોતરી સાથેનો સંબંધ દર્શાવે છે, કે જેની પર તમામનાં જીવન આધારીત છે. મધ્યમાં રહેલ અશોક ચક્ર એ ધર્મ ચક્ર છે, સત્ય અને ધર્મ એ બન્ને આ ધ્વજ હેઠળ કામ કરનાર માટે માર્ગદર્શક સિધ્ધાંતો છે. તે ઉપરાંત ચક્ર સતત ગતિશીલતાનું પ્રતિક છે. સ્થિરતા એ મૃત્યુ છે અને ગતિશીલતા એ જીવન છે. ભારતમાં પરિવર્તનને હવે રોકી શકાશે નહીં, તેને ગતિશીલ બની અને આગળ ધપવું જ પડશે. ચક્ર ઉર્જાયુક્ત શાંતિપૂર્ણ ફેરફારનું પ્રતીનિધિ બનશે. તે દીવસનાં 24 કલાકનું પણ દર્શક છે.”
આપણા રાષ્ટ્રધ્વજના ત્રિરંગા સુધી પહોંચવાની સફર અત્યંત રોમાંચિત છે. જોકે પોતાના દેશનો રાષ્ટ્રધ્વજ હોવાનો પ્રથમ વાર વિચાર રાજા રામમોહન રાયના મનમાં ઉઠ્યો હતો. 20મી સદીની શરૂઆતમાં ભારતમાં આઝાદી માટે સ્વતંત્રતાની ચળવળોએ વેગ પકડ્યો. એ વખતે કોઈ એક એવા શક્તિશાળી માધ્યમની જરૂરિયાત જણાઈ જે સૌ લોકોને એક સાથે જોડી શકે અને સૌની એકતાનું પ્રતિક બની શકે.
આ સમયમાં સૌ પ્રથમ 1904માં સ્વામી વિવેકાનંદના શિષ્યા સિસ્ટર નિવેદિતાએ સૌ પ્રથમ ધ્વજ રજૂ કર્યો. જે સિસ્ટર નિવેદિતા ધ્વજ તરીકે ઓળખાયો. આ ધ્વજ લાલ ચોરસ આકારનો હતો. જેમાં પીળા રંગનું વજ્રનું ચિહન અને બંગાળી ભાષામાં વંદે માતરમ લખેલું હતું. આ ધ્વજમાં લાલ રંગ આઝાદી અને પીળો રંગ વિજયના પ્રતિક હતા.
7 ઑગષ્ટ,1907ના રોજ બંગાળના ભાગલાના વિરોધમાં કોલકાતામાં સૌ પ્રથમ વાર ત્રણ રંગનો ધ્વજ લહેરાવવામાં આવ્યો. જે કલકત્તા ધ્વજ તરીકે ઓળખાયો. આ ધ્વજમાં એકસરખા ત્રણ આડા પટ્ટા હતા. જેમાં સૌથી ઉપરનો નારંગી, વચ્ચે પીળો અને નીચેનો પટ્ટો લીલા રંગનો હતો. જેમાં ઉપલા નારંગી પટ્ટામાં આઠ અડધા ઉઘડેલા કમળ અને નિચલા પટ્ટામાં સુર્ય અને ચાંદ-તારાના ચિત્રો હતાં. વચ્ચેનાં પટ્ટામાં હિંદીમાં વંદેમાતરમ લખેલ હતું.
22 ઑગષ્ટ, 1907ના રોજ ક્રાંતિકારી ભીખાઈજી કામાએ જર્મનીમાં એક ત્રણ રંગનો ધ્વજ લહેરાવ્યો. આ ધ્વજમાં ઉપરનો પટ્ટો લીલો, વચ્ચેનો કેસરી અને નીચેનો પટ્ટો લાલ રંગના હતા. જેમાં લીલો રંગ ઇસ્લામ, કેસરી રંગ હિંદુ અને લાલ રંગ બૌદ્ધ ધર્મના પ્રતિક હતા. આ ધ્વજમાં ઉપરના પટ્ટામાં 8 કમળ અને નીચેના લાલ પટ્ટામાં અર્ધચંદ્ર અને સૂર્યના ચિહ્નો મૂકવામાં આવ્યા હતા. આ ધ્વજ ભિખાઈજી કામા, વીર સાવરકર અને શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા સંયુક્ત રીતે રચવામાં આવ્યો હતો.
1917માં હોમરૂલ ચળવળ માટે બાળ ગંગાધર તિલક અને એની બેસન્ટ દ્વારા એક નવો ધ્વજ પસંદ કરાયો જેમાં પાંચ લાલ અને ચાર લીલા રંગની પટ્ટીઓ તથા ‘યુનિયન જેક’ ધરાવતો હતો. ઉપર ચંદ્ર અને સૂર્યનું સફેહ ચિહ્ન અને સપ્તર્ષીના પ્રતિક સમાં સાત તારા દર્શાવવામાં આવ્યા હતાં.
1921માં મહાત્મા ગાંધી સમક્ષ એક ત્રિરંગો રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં ઉપરનો પટ્ટો સફેદ રંગનો, વચ્ચેનો પટ્ટો લીલા અને નીચેનો પટ્ટો લાલ રંગનો હતો. જેમાં એક ચરખો પણ દર્શાવવામાં આવ્યો હતો. આ ધ્વજ પ્રથમ વખત અમદાવાદમાં કોંગ્રેસ પક્ષનાં સંમેલન વખતે ફરકાવાયેલ, જોકે તેને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષનાં અધિકૃત ધ્વજ તરીકે પસંદ કરાયો નહીં.
ત્યારબાદ ઘણા બધા લોકોના સૂચન બાદ 2 એપ્રિલ, 1931 નાં રોજ “કોંગ્રેસ કાર્યકારી સમિતી” દ્વારા સાત સભ્યોનીં “ધ્વજ સમિતી” નીં રચના કરવામાં આવી. આ સમિતીએ એક જ રંગનો, સોનેરી-પીળો રંગ અને ઉપરનાં ખુણામાં ચરખાનું ચિત્ર ધરાવતા ધ્વજની ભલામણ કરી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આ ધ્વજ કોમી કારણોસર નામંજુર થયો.
છેલ્લે, જ્યારે 1931 માં કોંગ્રેસ સમિતી કરાચીમાં મળી ત્યારે રાષ્ટ્રધ્વજ પર આખરી ઠરાવ પસાર થયો અને “પિંગાલી વૈકય્યા” નાં ધ્વજનાં આધારે ત્રિરંગો ધ્વજ જેમાં કેસરી, સફેદ અને લીલો ત્રણ આડા પટ્ટા અને વચ્ચે ચરખાનું ચિત્ર હતું તેમાં ચરખો દૂર કરી સારનાથના અશોક સ્તંભના ચક્રને સમાવીને હાલનો ત્રિરંગો ધ્વજ જાહેર કરવામાં આવ્યો.
આજ સમયે “ભારતીય રાષ્ટ્રીય સેના” (Indian National Army) દ્વારા આજ પ્રકારનો પરંતુ ઉપર નીચે “આઝાદ-હીંદ” લખેલ અને વચ્ચેનાં પટ્ટામાં તરાપ મારતા વાઘનાં ચિત્ર વાળો ધ્વજ વપરાતો હતો. જેમાં વાઘ સુભાષચંદ્ર બોઝ નાં આઝાદી માટેનાં સશસ્ત્ર સંઘર્ષનું પ્રતિક હતો. આ ધ્વજ ભારતનીં ભૂમિ પર પ્રથમ વખત સુભાષચંદ્ર બોઝ નાં હસ્તે મણિપુર માં ફરકાવવામાં આવ્યો હતો.
રાષ્ટ્રધ્વજ એ દેશનું રાષ્ટ્રીય ચિહ્ન હોઈ પહેલા સરકારી કચેરીઓ અને સરકારી ભવનો સિવાય જાહેરમાં ક્યાંય પણ ફરકાવી શકાતો ન હતો. 2002માં આમાં સુધારો કરવામાં આવ્યો અને દેશની સામન્ય જનતાને રાષ્ટ્રધ્વજની ગરીમા અને સન્માન જળવાય તે રીતે તમામ દીવસોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાની છુટ આપવામાં આવી. રાષ્ટ્રધ્વજના સન્માન અને જાળવણી માટે આચારસંહિતા બનાવવામાં આવી અને ભારતીય ધ્વજ સંહિતા – 2002 ધારો લાગૂ કરવામાં આવ્યો.
રાષ્ટ્રધ્વજ અંગેની આચારસંહિતા :
- જ્યારે પણ ઝંડો લહેરાવવામાં આવે ત્યારે તેને સન્માનપૂર્ણ સ્થાન આપવામાં આવે અને તેને એવા સ્થાન પર લગાવવામાં આવે જ્યાથી તે સ્પષ્ટ રૂપે જોવા મળે. સરકારી ભવન પર ઝંડો રવિવારે અને અન્ય રજાઓને દિવસે પણ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી લહેરાવવામાં આવે છે. વિશેષ પ્રસંગો વખતે તેને રાત્રે પણ ફરકાવી શકાય છે.
- રાષ્ટ્ર્ધ્વજ જમીન અથવા પાણીને અડતો હોવો જોઇએ નહીં.
- કમરથી નીચેનાં કપડાં, આંતરવસ્ત્રોમાં, ગાદી-તકિયાનાં કવર કે ગળાનાં સ્કાર્ફમાં રાષ્ટ્રધ્વજનો ઉપયોગ થઇ શકતો નથી.
- રાષ્ટ્ર્ધ્વજને ઉંધો ,કશાની અંદર ઉંડાઇમાં કે કશું વિંટાળીને (ફુલપાંદડીઓ સીવાય) વાપરી શકાતો નથી.
- ઝંડાને હંમેશા ઉત્સાહપૂર્વક લહેરાવવામાં આવે અને ધીરે ધીરે આદરપૂર્વક ઉતારવામાં આવે. ઝંડો ફરકાવતી વખતે અને ઉતારતી વખતે બ્યુગલ વગાડવામાં આવે છે. તેથી આ વાતનું વિશેષ ધ્યાન રાખવામાં આવે કે ઝંડાને બ્યુગલની સાથે જ લહેરાવવામાં અને ઉતારવામાં આવે.
- જ્યારે ઝંડો કોઈ અધિકારીની ગાડી પર લગાવવામાં આવે તો તેને સામેની બાજુ વચ્ચે કે કારની જમણી બાજુ લગાડવામાં આવે.
- ફાટેલો કે મેલો ત્રિરંગો ફરકાવવામાં નથી આવતો.
- ત્રિરંગો ફક્ત રાષ્ટ્રીય શોક સમયે જ અડધો નમેલો રહે છે. કોઈ વસ્તુ કે વ્યક્તિને સલામી આપવા માટે ઝંડાને નમાવવામાં નથી આવતો.
- કોઈપણ બીજા ધ્વજને રાષ્ટ્રીય ધ્વજથી ઉપર કે ઊંચો ન લગાવવો જોઈએ કે ન તો તેની બરાબર મુકવો જોઈએ.
- ત્રિરંગા પર કંઈ પણ લખેલુ કે છપાયેલુ ન હોવુ જોઈએ.
- જ્યારે ધ્વજ ફાટી જાય કે મેલો થઈ જાય તો તેને એકાંતમાં સંપૂર્ણ રીતે નષ્ટ કરવો જોઈએ.
- પ્લાસ્ટિકના ત્રિરંગાનો ઉપયોગ બિલ્કુલ ન કરવો જોઈએ.
: દેશના અન્ય કેટલાક મહત્વના ધ્વજ :
ભારતના રાષ્ટ્રપતિ |
જમ્મુ-કાશ્મીર |
ભારતીય તટરક્ષક દળ |
ભારતીય સેના |
ભારતીય નૌસેના |
ભારતીય વાયુસેના |
જય હિંદ