કરો યોગ-રહો નિરોગ ! યોગ એ પ્રાચીન ભારતે વિશ્વને આપેલી અમૂલ્ય ભેટ છે.
યોગ એ એક વિજ્ઞાન છે. પ્રાચીન સમયમાં યોગની ઉપયોગિતા હતી અને તેનો વ્યાપક ઉપયોગ પણ હતો.
પરંતુ આજના સમયમાં યોગની વિશેષ જરૂરિયાત છે.
યોગ એ માત્ર વ્યક્તિગત વિકાસને નહિ પરંતુ સાર્વત્રિક વિકાસને ઉત્તેજન આપે છે.
વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથ એવા વેદ, સાહિત્ય, ઉપનિષદ સહિત અનેક ગ્રંથોમાં યોગનું વર્ણન થયેલું છે.
યોગની આ ઉપયોગિતાને વિશ્વ સમક્ષ મૂકનાર આપણો ભારત દેશ યોગનો જનક દેશ છે.
આવા વિશિષ્ટ ઉપયોગો અને મહત્તાને લઈને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 21 જૂનના દિવસને “આંતરરાષ્ટ્રીય યોગદિન” તરીકે જાહેર કરાયો છે.
સમગ્ર વિશ્વ આ દિવસે યોગના વિવિધ કાર્યક્રમો કરી યોગના વ્યાપક પ્રચાર-પ્રસાર અને લોકોમાં જાગૃતતા આવે એ માટે પ્રયત્ન કરે છે.
યોગનો અર્થ :
યોગ શબ્દ સંસ્કૃત ભાષાના “ युज “ ધાતુ પરથી બનેલો છે; જેનો અર્થ જોડાણ, મિલન, મેળાપ કે સંયોગ થાય છે. ચિત્તનું વૈશ્વિક ચેતના સાથે જોડાણ કરવું તે યોગ છે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે, “દરેક વ્યક્તિ દિવ્યતા પ્રાપ્ત કરવાની સંભાવના ધરાવે છે.” યોગ આપણામાં છૂપાયેલી દિવ્યતાને પ્રગટ કરે છે.
મહર્ષિ પતંજલીએ તેમના યોગસુત્ર નામના ગ્રંથમાં પ્રથમ પ્રકરણના બીજા સૂત્રમાં યોગની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે. “योग: व्हित्तवृत्ति निरोध:।” એટલે આપણા ચિત્તમાં સતત જન્મની નિરંકુશ વૃત્તિઓને યોગાભ્યાસ દ્વારા રોકવી તેનું નામ જ યોગ છે. મહર્ષિ પતંજલીના મતે યોગ એ મનોવિજ્ઞાન પણ છે. યોગનું મુખ્ય ધ્યેય ચિત્તની વૃત્તિઓના નિયંત્રણ દ્વારા નકામા વિચારોને નાબુદ કરી, વ્યક્તિત્વના વિકાસમાં ઉપયોગી બને એવા વિચારોને સ્થિર કરવાનું છે.
योगेन चितस्य पदेन वाचां मलं शरीरस्य च वैदकेन ।
याडपाकरोएवं प्रवरं मुनिनां पतंजलिं पांजलिमानतो अस्मि ॥
યોગાભ્યાસના લાભો :
યોગ એ શરીર અને મન બંનેનું વિજ્ઞાન છે. તેથી તેને દુનિયાભરમાં આવકાર અને વૈજ્ઞાનિક સ્વીકૃતિ મળી છે. સંયુક્ત રાષ્ટ્રોની વિશ્વ-આરોગ્ય સંસ્થા (WHO)એ પણ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની મહત્વની કડી તરીકે યોગના પ્રશિક્ષણ પર ભાર મૂક્યો છે.
1. યોગનો દરરોજ અભ્યાસ કરવાથી બુદ્ધિનો સાહજિક વિકાસ થાય છે.
2. વિદ્યાભ્યાસની સાથે સતત અને સાતત્યપૂર્ણ રીતે યોગાભ્યાસ કરવાથી શરીર સ્વચ્છ અને સ્વસ્થ બને છે. યોગ એ આંતરિક અનુભૂતિનો વિષય છે.
3. યોગાભ્યાસ દ્વારા યમ-નિયમનું પાલન કરવાથી સહજ રીતે આપણામાં શ્રદ્ધા, નમ્રતા, શિસ્ત, સાધના, સેવા, સાદગી, સંકલ્પશક્તિ વગેરે ગુણોનો વિકાસ થાય છે.
4. પ્રાણાયામથી પ્રાણ બળવાન બને છે.
5. જ્ઞાન પ્રાપ્તિ માટે ચેતાતંત્ર અતિ મહત્વનું માધ્યમ છે. ચેતાતંત્રની કાર્યક્ષમતાનો બધો જ આધાર કરોડરજ્જુની સ્થિતિસ્થાપકતા પર છે. આસનો કરવાથી કરોડરજ્જુ સ્થિતિસ્થાપક બને છે.
6. જ્ઞાનપ્રાપ્તિ માટે વિદ્યાર્થીએ ચંચળ મનને શાંત અને એકાગ્ર બનાવવું પડે. મનની એકાગ્રતા માટે રોજ ધ્યાનનો અભ્યાસ કરવો જોઈએ. ધ્યાનથી નિજાનંદની અનુભુતિ પણ થાય છે.
7. આજના સમયમાં ભૌતિક વસ્તુઓ પાછળની સમજણ વિનાની દોડને કારણે શારીરિક બિમારીઓ અને માનસિક યાતનાઓ વધી છે. આ બધી વિકારયુક્ત સ્થિતિમાંથી મુક્તિ મેળવવાનો રાજમાર્ગ યોગ છે.
“કરો યોગ-રહો નિરોગ”
યોગ અંગેના સમાજમાં કેટલાક ભ્રામક ખ્યાલો કે ગેરસમજો :
1. યોગ સામાન્ય લોકો માટે નહિ, પરંતુ સાધુસંતો માટે જ છે.
2. યોગ એ અલૌકિક વિષય છે.
3. યોગ એટલે માત્ર આસન અને પ્રાણાયમ.
4. યોગ એટલે એક પ્રકારની કસરત.
5. યોગ એટલે કેવળ ચિકિત્સા-પદ્ધતિ.
6. યોગ એ ધાર્મિક-સાંપ્રદાયિક વિષય છે.
7. યોગ એ વાચન-પ્રવચનનો વિષય છે.
8. યોગ સુંદરતા માટે છે.
9. યોગ એક ચમત્કાર છે.