કાનની પીડા અથવા કર્ણશૂળ એ ખૂબ પીડાદાયક તકલીફ હોય છે.
ઘણી વખત તાત્કાલિક ઉપાય ના યોજવામાં આવે તો ખૂબ મુશ્કેલી અનુભવાય છે.
અહી કેટલાક સરળ ઉપચારો દર્શાવ્યા છે જે કર્ણશૂળમાં ઉપયોગી થાય તેવા છે.
આ ઉપાયો અનુભવજન્ય છે. અને દરેક ઉપાય બધા માટે અસરકારક ના પણ હોય.
આમ છતાં, આ પૈકી કોઈક ઉપાય દરેકને ઉપયોગી થઈ શકે અને દર્દ મટાડવા કામ આવે તેવા આશયથી રજૂ કરેલ છે.
આવા કેટલાક સરળ ઉપાયો નીચે મુજબ છે:
- તેલમાં લસણની કળી કકડાવીને, તે તેલનાં ટીપાં કાનમાં નાંખવાથી કાનના સણકા અને કાનની રસી મટે છે.
- આદુંનો રસ સહેજ ગરમ કરી કાનમાં નાંખવાથી ચસકા મટે છે.
- મધનાં ટીપાં કાનમાં નાંખવાથી કાનનો દુખાવો અને રસી મટે છે.
- તલના તેલમાં હિંગ નાંખી ઉકાળી તે તેલનાં ટીપાં કાનમાં નાંખવાથી દુખાવો મટે છે.
- તુલસીના રસનાં ટીપાં કાનમાં નાંખવાથી કાનનો દુખાવો અને સણકા મટે છે અને પરુ નીકળતું હોય તો તે પણ મટે છે.
આ ઉપરાંત નીચેના ઉપાયો પણ કાનની પીડા માટે ઉપયોગમાં લઈ શકાય:
- કાંદાનો રસ અને મધ મેળવી તેનાં ટીપાં નાંખવાથી સણકા મટે છે અને પરુ થયું હોય તો તે પણ મટે છે.
- નાગરવેલના પાનનો રસ ગરમ કરી તેના ટીપાં નાંખવાથી કાનનાં સણકા અને દુખાવો મટે છે.
- આંબાના પાનનો રસ ગરમ કરી તેનાં ટીપાં નાંખવાથી કનના સણકા અને દુખાવો મટે છે.
- ફુલાવેલી ફટકડી અને હળદર ભેગી કરી કાનમાં નાંખવાથી કાન પાક્યો હોય અને રસી નીકળતી હોય તો તે મટે છે.
- વરિયાળી અધકચરી વાટીને પાણીમાં ખૂબ ઉકાળો. તે પાણીની વરાળ દુખતા કાન પર લેવાથી કાનની બહેરાશ, કાનનું શૂળ અને કાનમાં થતો અવાજ મટે છે.
- તેલમાં થોડી રાઈ વાટીને કાનના સોજા પર લેપ કરવાથી સોજો મટે છે.
સ્થળ સમય અને વ્યક્તિના દર્દ અનુસાર આ ઉપાય પણ અજમાવી શકાય:
- કાનમાં કોઈ જીવજંતુ ભરાઈ ગયું હોય તો સરસિયાના તેલના ટીપાં નાંખવાથી બહાર નીકળી જાય છે.
- કાનમાં બગાઈ, કાનખજૂરો જેવાં જીવજંતુ ગયાં હોય તો મધ અને તેલ ભેગાં કરી કાનમાં ટીપાં નાંખવાથી ફાયદો થાય છે, કાનનું શૂળ અને રસી પણ મટે છે.
- કાનની બહેરાશ દૂર કરવા પાંચ-સાત પેશાબનાં ટીપાં દરરોજ નાંખતાં રહેવાથી બહેરાશ દૂર થાય છે.
- તુલસીનાં પાંદડાને લીંબુના રસમાં વાટી તેનાં ચાર ટીપાં દિવસમાં ત્રણવાર કાનમાં નાંખવાથી દુખાવો મટે છે.
- માતાના ધાવણમાં મીઠું મેળવી ટીપાં નાંખવાથી કર્ણશૂળ મટે છે.
- ભોરિગણીનું મૂળિયું ઘસી કાનમાં ટીપાં નાંખવાથી કર્ણશૂળ મટે છે.
- કાનફોડીના પાનનો રસ કાનમાં નાંખવાથી દુખાવો મટે છે.
- આકડાના પાન પર ઘી લગાવી તેને ગરમ કરી રસ કાઢી કાનમાં ટીપાં નાંખવાથી કર્ણશૂળ મટે છે.
આવી જ રસપ્રદ જાણકારી નાભિ અંગે જાણવા જુઓ : નાભિ – કુદરતની અણમોલ દેન
કબજિયાતના ઘરેલુ ઉપાયો જાણવા જુઓ : કબજિયાત – અનેક રોગોનું મૂળ