ચાંપાનેર ની વાત કરીએ તો,આમ તો પંચમહાલ જિલ્લો એ વનાચ્છાદિત આદિવાસી વસ્તિ ધરાવતો સાથે સાથે હાલોલ-કાલોલના ઔદ્યોગિક પટ્ટાને સમાવતો અને વડોદરા જેવા અતિવિકસિત ઔદ્યોગિક જિલ્લાને અડીને આવેલો પાંચ મહાલોનો જિલ્લો ગણાય. અહીં, વડોદરાથી 50 km દૂર ચાંપાનેર આવેલું છે. ચાંપાનેર એ પાવાગઢની તળેટીમાં વસેલું નાનકડું ગામ છે. વર્ષો પહેલાં ચાંપાનેર સમગ્ર ગુજરાતની મહમદ બેગડાની સલ્તનતનું મુખ્ય મથક હતું. આમ, આ સ્થળનું ઐતિહાસિક મહત્વ છે. વધુમાં, પાસે જ પાવગઢ ઉપર માચી ગામ આવેલું છે, જે પાવાગઢના મહાકાળી દેવીનું પવિત્ર સ્થાનક છે. આમ, આ સ્થળનું ધાર્મિક અને પ્રવાસનની દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વ છે.
ગુજરાત રાજ્યના પંચમહાલના હાલોલ તાલુકામાં આવેલું ચાંપાનેર ગુજરાતનાં સુલતાન મહમદ બેગડાની રાજધાની હતી. આ સ્થળની ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ધાર્મિક અગત્ય જોતાં વર્ષ 2004માં તેને સંરક્ષિત સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું છે અને તેના ઐતિહાસિક મહત્વને આધારે તેની જાળવણીનું કામ યુનેસ્કો (UNESCO) દ્વારા થઇ રહ્યું છે. ચાંપાનેર-પાવાગઢ હેરિટેજ સાઇટ 2,812 હેક્ટરમાં ફેલાયેલ છે. રાતા પીળા રંગના પથ્થરોમાંથી બનાવેલા અહીંના સ્થાપત્યો એ ભારતના સૌથી જૂના માનવામાં આવે છે. પોતાનામાં બાંધકામ અને સ્થાપત્યની એક વિશિષ્ટ શૈલી ધરાવતા અનેક ભગ્ન અવશેષો માત્ર સચવાયેલા હોવા છતાં તેને અત્યારે પણ જોવામાં આવે તો અનુભવી શકાય કે સમયના કોઈ ચોક્કસ મુકામે આ સમગ્ર વિસ્તાર રાજકીય અને સાંસ્કૃતિક મહત્વનું કેન્દ્ર હતું અને સમય જતાં ધીરે ધીરે પોતાનું મહત્વ ગુમાવી દીધું તેમ છતાં રસ્તામાં કે આડા અવળા પડેલા નમુનેદાર પથ્થરો જોઈને લાગ્યા વગર ન રહે કે આ માત્ર પથ્થર નહિ કોતરણી અને સ્થાપત્યની એક આગવી કવિતા છે. આજે આપણે એક પ્રવાસન સ્થળ તરીકે ચાંપાનેરનું મહત્વ સ્વીકારીને ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા તેનો શક્ય તેટલો વધુ પ્રચાર-પ્રસાર થઈ રહ્યો છે. જે આવકાર્ય છે.
પાવાગઢ પંચમહાલ જિલ્લાનું ગામ છે, જે ઐતિહાસિક ગામ ચાંપાનેરની નજીક આવેલું છે. પર્વત પર આવેલા પાવાગઢ ખાતે મહાકાળી માતાનું મંદિર આવેલું છે, જે શ્રધ્ધાળુઓ માટે એક અગત્યનું યાત્રાધામ છે અને દર વર્ષે લાખો લોકો પાવાગઢની મુલાકાતે આવે છે. ચૈત્રી તેમજ આસોની નવરાત્રિના નવ દિવસોમાં અહીં સૌથી વધુ લોકો દર્શનાર્થે આવે છે. હવે તો પાવાગઢમાં પગથિયા ચડીને થતી યાત્રા આધુનિક ઉડન ખટોલાથી વધારે સગવડ ભરી થઈ છે. તેમજ વૃદ્ધ તેમજ અશક્ત લોકો પણ પોતાના આરાધ્ય દેવીની યાત્રા કરીને ધન્યતા અનુભવી શકે તેવી સ્થિતિનું સર્જન થયું છે. ગુજરાતની આગવી અસ્મિતા ગણાતાં ગરબા અને લોકગીતોમાં પાવાગઢ તેમજ અહીં સ્થાપિત શક્તિપીઠ મહાકાળી માતાજી વિશે અનેક દંતકથાઓ લોકગીતો, ગરબા તથા પરાપૂર્વથી આવતી માન્યતાઓમાં આ સ્થાનનું અનેરું મહત્વ છે.
એક ધાર્મિક માન્યતા મુજબ વર્ષો પહેલા પાવાગઢ – ચાંપાનેર પંથકમાં પતઇ કુળના રાજા રાજ્ય કરતા હતા. તેઓ મહાકાલી માતાના પરમ ઉપાસક હતા. તેમની ભક્તિથી પ્રસન્ન મહાકાલી માતા દર નવરાત્રિના નવ દિવસ અહીં ગરબા રમવા આવતા હતા. પતઇ કુળના છેલ્લા શાસક રાજા જયસિંહ કે જેઓએ એકવાર નવરાત્રિમાં મદિરાપાન કર્યું અને રુપ બદલી ગરબે રમતા માતાજીને જોઇ તેમના રુપથી મોહિત થઇ ગયા. તેમણે માતાજીનો પાલવ પકડી રાણી બનવા કહ્યું. માતાજીના ઘણું સમજાવ્યા બાદ પણ પતઇ રાજા જયસિંહે પોતાની જીદ છોડી નહી, તેથી કોપાયમાન થઇ માતાજીએ પોતાનું અસલ સ્વરુપ ધારણ કરી રાજાને શ્રાપ આપ્યો કે આવતા છ મહિનામાં તારું સામ્રાજ્ય નષ્ટ થઇ જશે. આ પતઇ રાજા જયસિંહને મહમદ બેગડાએ હરાવી ચાંપાનેર જીતી લીધું અને ત્યાં મુઘલ સામ્રાજ્ય સ્થાપ્યું.
પાવાગઢ એ ગુજરાતના સોલંકી કુળના રાજાઓનો એક પ્રખ્યાત હિંદુ ગઢ હતો. ચૌદમી સદી પહેલાં ચાંપાનેર પતઇ કુળનાં તાબા હેઠળ નું એક શાંત અને સુંદર રાજ્ય હતું. તે સમયે અમદાવાદના શાસક સુલતાન મહમદ બેગડાની ઇચ્છા આ રાજ્ય પામવાની હતી તેથી ચાંપાનેર પર આક્રમણ કરી ચૌદમી સદીનાં અંતભાગમાં તેને જીતી લીધું. ત્યારબાદ તેને મહમુદાબાદ એવું નામ આપ્યું હતું. ત્યારબાદ તેમણે અહીં ઘણાં કિલ્લા અને મસ્જિદનું નિર્માણ કરાવ્યું અને પોતાની રાજધાની અમદાવાદની જગ્યાએ ચાંપાનેર ને બનાવી. અહીં હિંદુ-મુસ્લિમ સ્થાપત્યનો એક અનેરો સમન્વય જોવા મળે છે. અહીંની જામી મસ્જિદ એ સંપૂર્ણ હિંદુ-મુસ્લિમ સ્થાપત્યનું મિશ્રણ લાગે છે. જે પછીના સમયમાં મુસ્લિમ સ્થાપત્યો માટે એક આદર્શ બની રહી. આમ, મુઘલ સામ્રાજ્યમાં ચાંપાનેરને ઘણું મહત્વનું સ્થાન મળ્યું પરંતુ ટુંક સમય માં જ તેની આ જાહોજલાલી નાશ પામી અને મરાઠા તેમજ બ્રિટિશ સામ્રાજ્યમાં આ કિલ્લા અને મસ્જિદ જર્જરિત બની ગયા જે ઐતિહાસિક ઘરોહર તરીકે આજે પણ મોજુદ છે.
પ્રવાસનની દ્રષ્ટિએ અહીં પવિત્ર યાત્રાધામ પાવાગઢ અને ઐતિહાસિક કીલ્લો છે. જેમાં મોતી મસ્જિદ, જામા મસ્જિદ આવેલી છે, જે સુલતાન મહમદ બેગડાના સમયમાં બની હતી. એક માન્યતા મુજબ સુર સમ્રાટ તાનસેન ને સંગીતમાં હરાવીને પોતાના પિતાનાં મૃત્યુનો બદલો લેનાર બૈજુનું જન્મ સ્થળ પણ આ ચાંપાનેર ગામમાં જ હતું. ચાંપાનેર પંચમહાલ જિલ્લા નું મુખ હોવા ઉપરાંત તેની આસપાસ આવેલી વન્યસૃષ્ટિ અને વનરાજી માટે પણ જાણીતું છે. અહીં પર્વતારોહકો પર્વતારોહણ દ્વારા પાવાગઢ તેમજ આસપાસનાં નાની ટેકરીઓ સર કરવાના કાર્યક્રમનું પણ આયોજન કરતા હોય છે. અહીં આસપાસ જોવાલાયક એવા પાવાગઢ, જાંબુઘોડા અભયારણ્ય જેવા અનેક નાના મોટા સ્થળ છે.