ભારત એ વિવિધતાવાળો દેશ છે. આપણા દેશમાં સંસ્કૃતિ અને સ્થાપત્યનો અજોડ સમન્વય છે. જુના-પુરાણા સ્થાપત્યો અને કિલ્લાઓ તરફ નજર કરીએ તો આપણને ખ્યાલ આવે કે પ્રાચીન ભારત એ સ્થાપત્ય અને કલાની દ્રષ્ટીએ દુનિયામાં અજોડ હશે. આજે પણ આપણો દેશ એ દુનિયામાં વિવિધ કલાઓ અને સ્થાપત્યો માટે સુપ્રસિદ્ધ છે. દેશના જુદા-જુદા ભાગોમાં આવેલા વિવિધ કિલ્લાઓ અને મહેલો એ વાતની સાક્ષી છે. દર વર્ષે લાખો સહેલાણીઓ દેશની વિવિધતાના દર્શને આવે છે. એમાંય રાજસ્થાન રાજ્યમાં સૌથી વધુ કિલ્લા અને સ્થાપત્યો બંધાયેલા છે. મિત્રો, આજે આપણે રાજસ્થાનમાં આવેલા જૂનાગઢ કિલ્લા વિષે પરિચય મેળવીએ.
જુનાગઢ કિલ્લો એ રાજસ્થાન રાજ્યના બિકાનેર શહેરમાં આવેલ છે. આ કિલ્લો બિકાનેરમાં થરના રણની વચ્ચે આવેલો છે. તેની વાયવ્ય સરહદે અરવલ્લી પર્વતોની હારમાળા છે. આ કિલ્લાને પહેલાં ચિંતામણી તરીકે ઓળખવામાં આવતો હતો પાછળથી જ્યારે રાજપરિવાર બીજા એક લાલગઢ કિલ્લામાં સ્થળાંતરીત થયો ત્યારથી તેને જુનો કિલ્લો એટલે કે જુનાગઢ તરીકે ઓળખવામાં આવ્યો. રાજસ્થાનના મોટાભાગના કિલ્લાઓ ઊંચાઈ પર બાંધવામાં આવ્યા છે પરંતુ આ કિલ્લો સમતલ જમીન પર બાંધવામાં આવ્યો છે. આધુનિક બિકાનેર શહેર આ કિલ્લાની ફરતે વિકસ્યું છે. આ કિલ્લાનું બાંધકામ બિકાનેરના છઠ્ઠા રાજા રાય સિંહએ 1571માં શરૂ કર્યું હતું. આ કિલ્લામાં 37 નાના-મોટા મહેલો, ઘણા બધા મંદિરો અને ગલિયારાઓ આવેલા છે. કિલ્લાની અંદર આવેલા મહેલોમાં કરણ મહેલ, અનુપ મહેલ, ચંદ્ર મહેલ, ગંગા મહેલ અને બાદલ મહેલ મુખ્ય છે. મંદિરોમાં ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણના મંદિરો અને અન્ય જૈન મંદિરો આવેલા છે. જૂનાગઢનો કિલ્લો એ ઘણાબધા રાજાઓ દ્વારા નિર્મિત છે અને ઘણા વર્ષો સુધી આ કિલ્લામાં અનેક સુધારા-વધારા થતા ગયા. જેને લીધે આ કિલ્લો સ્થાપત્ય અને કલાની દ્રષ્ટિએ સમૃદ્ધ બન્યો.
રાજા રાયસિંહ બાદ ગાદિપતિ થયેલા રાજાઓએ મુઘલ સમ્રાટ અકબર અને એના પુત્ર જહાંગીરની શરણાગતિ સ્વીકારી અને મોગલોના આધિપત્ય નીચે રાજ કર્યું. જેમ-જેમ રાજાઓ બદલાતાં ગયા એમ આ કિલ્લામાં વધુ ને વધુ સજાવટ થતી ગઈ. દરેક ગાદિપતિ રાજાઓએ અહી પોતાના અલગ-અલગ ઓરડા બનાવ્યા, મંદિરો બંધાવ્યા અને આ કિલ્લાને વધુ ને વધુ સમૃદ્ધ કરતાં ગયા. જુનાગઢના કિલ્લામાં આવેલ ઈમારતોમાં મહેલો અને મંદિરો છે, જે લાલ (ડુલમેરા) પથ્થર અને આરસના બનેલા છે. આ ઝરોખા, ગલિયારા, બારી વગેરે અન્યંત વિશિષ્ટ અને સ્થાપત્યકલાની દ્રષ્ટિએ બેજોડ છે. બીકાનેરના મેદાન પ્રદેશમાં બનેલ કિલ્લો સરેરાશ 760 ફૂટ ઊંચો છે અને 1000 યાર્ડ લાંબો અને વિશાળ છે. 37 બુરજ અને 5 પ્રવેશ દ્વાર ધરાવતો આ કિલ્લો દુશ્મનોના હુમલાને ખાળવા સમર્થ છે. 15મી સદીના ઘણા પ્રાચીન હિંદુ અને જૈન મંદિરો આ કિલ્લામાં આવેલા છે. આ કિલ્લાની મુખ્ય વિશેષતા તેના લાલ અને સોનેરી પથ્થરમાં કરેલી કોતરણી છે. આ કિલ્લાની આંતરીક સજાવટમાં પારંપારિક રાજસ્થાની ચિત્રકારીની ઝલક આપણને જોવા મળે છે. જે પરથી કલા અને સ્થાપત્ય ક્ષેત્રે ભારતની સમૃદ્ધિનો ખ્યાલ આવે છે.
જૂનાગઢના કિલ્લામાં 5 દ્વાર છે જેમાં મુખ્ય દ્વાર કરણ પોળ નામે ઓળખાય છે. કિલ્લાના પ્રવેશ દ્વારને સૂર્ય પોળ કહે છે. કિલ્લાના દરવાજા પર લોખંડના ભાલા જેવા તીક્ષ્ણ ભાગો જડવામાં આવ્યા છે. આ તીક્ષ્ણ ભાગો એ કોઈ યુદ્ધ સમયે કિલ્લાના દરવાજાનું રક્ષણ કરે છે. કિલ્લાના દરવાજા પર રેતીના પથ્થરમાંથી કોતરેલા મહાવત સહીતના હાથી છે જે દ્વારપાળ જેવા લાગે છે. આ દ્વારની ઉપર આવેલ મંડપમાંથી આવતાં જતાં રાજ વ્યક્તિ કે વિશેષ અતિથિની ની જાહેરાત થતી અને સંગીત પણ વગાડવામાં આવતું હતું. કિલ્લાના અન્ય દ્વાર દૌલત પોળ, ચાંદ પોળ અને ફતેહ પોળ છે. કિલ્લાના આ પાંચેય પ્રવેશદ્વારો દ્વારા કિલ્લાના વિવિધ ભાગો સુધી પહોંચી શકાય છે. આ પાંચેય દ્વારમાં દૌલત પોળનું વિશેષ મહત્વ છે. આ દરવાજાની ભીંત પર 41 સતી થનાર રાણીઓના હાથની લાલ છાપ આવેલી છે, જે પ્રાચીન સમયમાં આપણા સમાજના એક દૂષણની પ્રતીતિ કરાવે છે.
કિલ્લામાં આવેલા મુખ્ય મહેલો તરફ એક નજર :
કરણ મહેલ :
17મી સદીમાં મોગલ સમ્રાટ ઔરંગઝેબની પર પોતાની વિજયની ખુશીમાં કરણ સિંહ દ્વારા કરણ મહેલ બંધાવવામાં આવ્યો હતો. આ મહેલ એક અત્યંત નાજુક કલાકારીગરી કરીને બંધાવેલ મહેલ મનાય છે. તે રાજસ્થાની કળાના સૌંદર્યની ઓળખ કરાવે છે. આમાં રંગબેરંગી કાચના ટુકડાને જોડીને બનાવેલી ભાતની બારીઓ છે. સૂક્ષ્મ નકશીકામ કરેલ ઝરૂખા અને સ્તંભો તેની વિશેષતા છે. કરણ સિંહ બાદ ગાદિપતિ થયેલા રાજાઓએ આ મહેલમાં લાલ અને સોનેરી રંગકામ કરાવી વધુ ચળકાટ ઉમેર્યો.
અનુપ મહેલ :
અનુમ મહેલ એ એક બહુમાળી ઈમારત છે, જેને રાજા અનુપસિંહે બંધાવ્યો હતો. આ મહેલ રાજ્યની વ્યવસ્થાકીય ઈમારત હતી. અનુપ મહેલમાં લાકડાની છત બેસાડેલી છે. મહેલની બારીઓ પર સુંદર કોતરણી કામ કરેલું છે. જૂનાગઢ કિલ્લાના વિશાળ બાંધકામમાં સમાવિષ્ટ આ મહેલ કિલ્લાનો સૌથી મોટો મહેલ છે. આ મહેલમાં સોનાના વરખ પર કરેલ ચિત્રકારી પણ જોવાલાયક છે.
ચંદ્ર મહેલ :
ચંદ્ર મહેલમાં કિલ્લાનો સૌથી વૈભવી અને આરામદાયક ઓરડો છે. આમાં સોનાનું પાણી ચડાવેલ દેવતાની મૂર્તિ, કિમતી પથ્થરોથી જડેલ ભિંત ચિત્રો વગેરે કિલ્લાના વૈભવને ઉજાગર કરે છે.આ મહેલની એક અલગ વિશેષતા છે. રાજાના અંગત શયન ખંડમાં એક કાચ એવી રીતે બેસાડવામાં આવ્યો છે કે રાજા એના ખંડમાં પ્રવેશતા કોઈ અન્ય વ્યક્તિને પલંગ પરથી જ સૂતા-સૂતા જોઈ શકે.
ગંગા મહેલ :
20મી સદીમાં મહારાજા ગંગાસિંહ દ્વારા બંધાવવામાં આવ્યો હતો. મહારાજા ગંગાસિહે 56 વર્ષો સુધી બિકાનેર પર રાજ્ય કર્યું હતું. આ મહેલમાં એક મોટો દરબાર હોલ છે જેને ગંગાસિંહ હોલ કહેવામાં આવે છે. સમય જતાં આ હોલને સંગ્રહાલયમાં રૂપાંતરીત કરાયો છે. આ સંગ્રહાલયમાં ઘણો શસ્ત્ર સરંજામ પ્રદર્શિત છે અને પ્રથમ વિશ્વયુદ્વ દરમિયાન ઉપયોગમાં લેવાયેલું એક વિમાન પણ છે જેને અહીં સંગ્રહાલયમાં મૂકવામાં આવ્યું છે.
બાદલ મહેલ :
બાદલ મહેલ એ અનુપ મહેલનાનો જ એક ભાગ છે. આ મહેલ એના વિવિધ ભિંત ચિંત્રો અને અનન્ય ચિત્રકારી માટે પ્રસિદ્ધ છે. વિવિધ રંગોની પાઘડી પહેરેલા સિપાઈઓ, ખીલા ઉપર, લાકડા અને તલવાર પર ઉભેલા લોકો અને વાદળોની વચ્ચે રાધા-કૃષ્ણ ના અદભુત અને નયનરમ્ય ચિત્રો આકર્ષણનું કેન્દ્ર છે.
રાજસ્થાનમાં આવેલ વિવિધ કિલ્લાઓ પૈકી જૂનાગઢનો આ કિલ્લો એ એના સ્થાપત્ય અને કલા-કારીગરી માટે વિશ્વભરમાં જાણીતો છે. વર્ષ 2000માં આ કિલ્લામાં એક સંગ્રહાલય બનાવવામાં આવ્યું છે. આ સંગ્રહાલયમાં વિવિધ ચિત્રો, ઘરેણા, રાજકીય પોષાક, રાજકીય પત્રો અને ફરમાન, ભગવાનના પોષાક, વિવિધ પાલખીઓ, નગારા વગેરે જેવી અનેક વસ્તુઓને સાચવવામાં આવી છે. આ સંગ્રહાલય સહેલાણીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહે છે. આપણા દેશની સંસ્કૃતિ અને શિલ્પ-સ્થાપત્યના અજોડ નમૂના સમાન જૂનાગઢનો કિલ્લો એ ખરેખર જોવાલાયક અને એનો ઇતિહાસ જાણવાલાયક છે. દેશની અસ્મિતામાં વધારો કરતાં આ કિલ્લાને રાજસ્થાન પર્યટન વિભાગ દ્વારા સાચવવામાં આવે છે.