આમ તો, ધોરણ – 7 સુધી ગુજરાતી ભણેલ કોઈ વ્યક્તિ ઝવેરચંદ મેઘાણી વિશે અપરિચિત હોય તેવું ન બને છતાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી વિશે નવી પેઢીમાં જાગૃતિ ફેલાય તેમજ તેમનું સમૃદ્ધ સાહિત્ય કે જેણે કોઈક સમયે સમગ્ર ગુજરાત અને દેશના યુવાનો તેમજ એક પેઢીને પ્રભાવિત કરી રાહ ચિંધવાનું કામ કરેલ તેવા પ્રખર રચનાકારથી વર્તમાન યુવાનોને જોડવા તેમજ તેમના સાહિત્યનું વ્યાપક વાંચન થાય અને તત્કાલિન ગુલામીના વાતાવરણમાં પણ ખૂબ ઓછા સમયગાળામાં મેઘાણીજીએ કરેલ સાહિત્ય સર્જનથી આજનો યુવાન પરિચિત બને તેવા આશયથી આ લેખ લખવાની પ્રેરણા મળેલ છે.
ઝવેરચંદ મેઘાણી નો જન્મ 17 ઓગસ્ટ, 1897 માં ગુજરાતનાં ચોટીલા ગામમાં થયો હતો. તેમનાં માતાનું નામ ધોળીબાઈ તથા પિતાનું નામ કાળીદાસ મેઘાણી હતું. તેઓ બગસરાનાં જૈન વણીક હતાં. તેમના પિતાની નોકરી પોલીસ ખાતામાં હતી અને પોલીસ ખાતા થકી તેમની બદલીઓ થવાને કારણે તેમણે પોતાના કુટુંબ સાથે ગુજરાતનાં અલગ અલગ ગામોમાં રહેવાનું થયું.
ઝવેરચંદનું ભણતર રાજકોટ, દાઠા, પાળીયાદ, બગસરા, અમરેલી વગેરે જગ્યાઓએ થયું હતું. તેઓ અમરેલીની તે વખતની સરકારી હાઈસ્કૂલ અને હાલની ટી પી ગાંધી એન્ડ એમ ટી ગાંધી ગર્લ્સ સ્કૂલમાં 1910 થી 1912 સુધી માધ્યમિક શિક્ષણ મેળવીને મૅટ્રીક થયા હતા. ઈ.સ. 1916માં તેઓએ ભાવનગરનાં શામળદાસ મહાવિદ્યાલયમાંથી અંગ્રેજી તેમજ સંસ્કૃતમાં સ્નાતકીય ભણતર પૂરું કર્યું.
ભણતર પુરુ કર્યા બાદ ઈ.સ. 1917માં તેઓ કોલકાતા સ્થિત જીવનલાલ લીમીટેડ નામની એક એલ્યુમિનીયમની કંપનીમાં કામે લાગ્યા. આ કંપનીમાં કામ કરતી વખતે તેઓને એકવાર ઈંગ્લેંડ જવાનું પણ થયું હતું. 3 વર્ષ આ કંપનીમાં કામ કર્યા બાદ વતનના લગાવથી તેઓ નોકરી છોડીને બગસરા સ્થાયી થયા. ઈ.સ. 1922 માં જેતપુર સ્થિત દમયંતીબેન સાથે તેમના લગ્ન થયા. નાનપણથી જ ઝવેરચંદને ગુજરાતી સાહિત્યનું ધણું ચિંતન રહ્યું હતું અને તેમના કલકત્તા રહ્યા દરમ્યાન તેઓ બંગાળી સાહિત્યનાં પરિચયમાં પણ આવ્યા હતાં. બગસરામાં સ્થાયી થયા બાદ તેમણે રાણપુરથી પ્રકાશીત થતાં 'સૌરાષ્ટ્ર' નામનાં છાપામાં લખવાની શરુઆત કરી હતી. 1922 થી 1935 સુધી તેઓ 'સૌરાષ્ટ્ર'માં તંત્રી તરીકે પણ રહ્યા હતા. આ સમય દરમ્યાન તેઓએ પોતાના સાહિત્યીક લખાણને ગંભીરતાપુર્વક લઈ ‘કુરબાનીની કથાઓ’ ની રચના કરી કે જે તેમનું પહેલું પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેઓએ 'સૌરાષ્ટ્રની રસધાર' નું સંકલન કર્યુ તથા બંગાળી સાહિત્યમાંથી ભાષાંતર કરવાની પણ શરુઆત કરી.
કવિતા લેખનમાં તેમણે ઇ.સ. 1926માં વેણીનાં ફુલ' દ્વારા પગ માંડ્યા. ઇ.સ. 1928માં તેમને લોકસાહિત્યમાં તેમનાં યોગદાન બદલ રણજિતરામ સુવર્ણચંદ્રક પારિતોષિકથી નવાજવામાં આવ્યા હતા. તેમનાં સંગ્રામ ગીતોનાં સંગ્રહ 'સિંઘુડો' – એ ભારતનાં યુવાનોને પ્રેરીત કર્યા હતાં અને જેને કારણે ઇ.સ. 1930માં ઝવેરચંદને બે વર્ષ માટે જેલમાં રહેવું પડ્યું હતું. આ સમય દરમ્યાન તેમણે ગાંધીજીની ગોળમેજી પરિષદ માટેની લંડન મુલાકાત ઉપર 'ઝેરનો કટોરો’ કાવ્યની રચના કરી હતી. ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણી ને રાષ્ટ્રીય શાયરના બિરુદથી નવાજ્યા હતાં. તેમણે 'ફુલછાબ' નામનાં છાપામાં લઘુકથાઓ લખવાનું પણ ચાલુ કર્યુ હતું. ઇ.સ. 1933માં તેમનાં પત્નીનાં દેહાંત બાદ તેઓ 1934માં મુંબઈ સ્થાઈ થયા. અહીં તેમનાં લગ્ન ચિત્રદેવી સાથે થયા. તેમણે 'જન્મભૂમિ' નામનાં છાપામાં 'કલમ અને કીતાબ' નાં નામે લેખ લખવાની તેમજ સ્વતંત્ર નવલકથાઓ લખવાની શરુઆત કરી. ઇ.સ. 1936 થી 1945 સુધી તેઓએ ફુલછાબનાં સંપાદકની ભુમીકા ભજવી જે દરમ્યાન 1942માં 'મરેલાનાં રુધીર' નામની પોતાની પુસ્તીકા પ્રકાશિત કરી. ઇ.સ. 1946માં તેમના પુસ્તક 'માણસાઈનાં દીવા' ને મહીડાં પારિતોષિકથી સન્માનવામાં આવ્યું હતું અને તે જ વર્ષે તેમને ગુજરાતી સાહિત્ય પરિષદનાં સાહિત્ય વિભાગનાં વડા તરીકે નીમવામાં આવેલાં.
મેઘાણીએ ચાર નાટકગ્રંથ, સાત નવલિકા સંગ્રહ, તેર નવલકથા, છ ઇતિહાસ તેમજ તેર જીવનચરિત્રની રચના કરી હતી. તેમણે લોકસેવક રવિશંકર મહારાજની અનુભવેલ કથાઓનું "માણસાઇના દીવા"માં વાર્તારુપે નિરુપણ કર્યુ છે. મેઘાણી તેમના લોકસાહિત્યમાં સૌરાષ્ટ્રની ધિંગી તળપદી બોલીની તેજસ્વિતા અને તાકાત પ્રગટાવી શક્યા છે. તુલસીક્યારો, યુગવંદના, કંકાવટી, સોરઠી બહારવટિયા, સૌરાષ્ટ્રની રસધારા વગેરે તેમનું નોંધપાત્ર સર્જન છે.
9 માર્ચ 1947 નાં દિવસે, 50 વર્ષની ઉંમરે, હ્રદય રોગના હુમલામાં તેમના બોટાદ સ્થિત નિવાસસ્થાને તેમનું મૃત્યુ થયું.
thanks
Nice Sir
73