તાલુકા પંચાયત એ ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયત વચ્ચેની પંચાયતિરાજની ખૂબ અગત્યની સંસ્થા છે.
અહી તાલુકા પંચાયતની રચના, કાર્યો અને તેને લગતી માહિતીનો આ લેખમાં સમાવેશ કરવા પ્રયત્ન કરેલ છે.
તાલુકા પંચાયત ની રચના:
તાલુકા પંચાયતમાં એક લાખની વસતી સુધી 15 બેઠકો રહેશે અને વધારાની દર 25000 વસતિએ બે બેઠકો વધારાની રહેશે.
દરેક તાલુકા પંચાયતના સદસ્યોની ચૂંટણી તાલુકાના લાયકાત ધરાવતા મતદારો દ્વારા સીધી ચૂંટણીથી કરવામાં આવે છે.
તાલુકા પંચાયતમાં મહિલાઓ માટે 1/3 બેઠકો અનામત રખાય છે,
બક્ષીપંચ માટે 10 ટકા અને એસ.સી./ એસ.ટી. માટે વસતિના ધોરણે અનામત બેઠકો રખાય છે.
તાલુકા કે તેના ભાગમાંના કોઈપણ મતદાર મંડળમાંથી ચૂંટાયેલા ગુજરાત વિધાનસભા સભ્યો આવી તાલુકા પંચાયતમાં કાયમી આમંત્રીત ગણાશે, પરંતુ તેમને મતાધિકાર નહીં હોય.
20 લાખથી ઓછી વસતિ ધરાવતાં રાજ્યોમાં તાલુકા પંચાયતની જોગવાઈ નથી.
વિભિન્ન રાજ્યોમાં તાલુકા પંચાયતનાં વિભિન્ન નામો:
જુદા જુદા રાજ્યોમાં તાલુકા પંચાયત અલગ અલગ નામે ઓળખાય છે.
- પંચાયત સમિતિ – બિહાર, હરિયાણા, પંજાબમ રાજસ્થાન, ત્રિપુરા, પશ્ચિમબંગાળ, ચંદીગઢ, અંદમાન, નિકોબાર
- તાલુકા પંચાયત – ગુજરાત, કર્ણાટક મડલ પરિષદ – આંધ્રપ્રદેશ
- આંચલિક પરિષદ – આસામ
- જનપદ પંચાયત – મધ્યપ્રદેશ
- પંચાયત યુનિયન – તમિલનાડુ
- ક્ષેત્ર પંચાયત – ઉત્તરપ્રદેશ
- અંચલ સમિતિ – અરુણાચલ પ્રદેશ
- બ્લોક પંચાયત – કેરાલા બ્લોક ડેવલપમેન્ટ કાઉન્સીલ – જમ્મુ કાશ્મીર
જુદા જુદા રાજ્યોમાં તાલુકા પંચાયતના મુખ્ય પદાધિકારી જુદા જુદા નામે ઓળખાય છે.
- અધ્યક્ષ : હરિયાણા, હિમાચલ ઓરદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, પંક્જાબ, તમિલનાડુ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, જમ્મુ-કશ્મીર, ચંદીગઢ, પાંડિચેરી
- પ્રમુખ :આંધ્રપ્રદેશ, બિહાર, ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, કેરાલા, આંદોમાન નિકોબાર
- સભાપતિ : પશ્ચિમબંગાળ
તાલુકા પંચાયતની ચૂંટણી :
તાલુકા પંચાયતની ચુંટણી પક્ષીય એટલે કે રાજકીય ધોરણે લડાય છે.
સામાન્ય રીતે તાલુકા પંચાયતની ચૂંટણીની અન્ય જોગવાઈઓ ગ્રામ પંચાયતની ચૂંટણીની જેવી જ છે.
તાલુકા પંચાયત/ જિલ્લા પંચાયતની ચૂંટણી પક્ષીય ધોરણે લડાતી હોવાથી તા. 19-1-1979 થી તાલુકા/જિલ્લા પંચાયતોને પણ પક્ષાંતર ધારો લાગુ પાડવામાં અવ્યો છે.
તાલુકા પંચાયતની પ્રથમ બેઠક અને પ્રમુખ – ઉપપ્રમુખની ચૂંટણી:
સામાન્ય ચૂંટણીમાં ચૂંટાયેલા સભ્યોના નામો પ્રસિદ્ધ કરવામાં આવે તે તારીખથી ચાર અઠકાડિયાની અંદર, જિલ્લા વિકાસ અધિકારી જે તારીખે નક્કી કરે તે દિવસે તાલુકા પંચાયતની પ્રથમ બેઠક મળે છે.
તાલુકા પંચાયતની પ્રથમ બેઠકના પ્રમુખની નિમણૂકનો અધિકાર જિલ્લા વિકાસ અધિકારિને છે, જિલ્લા વિકાસ અધિકારી જે અધિકારીને બેઠકના પ્રમુખ નિયુક્ત કરે તે બેઠક અધ્યક્ષ ગણાય છે,
જો કે તેમને મતાધિકાર રહેશે નહિ. પ્રથમ બેઠકમાં માત્ર પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી સિવાય કોઈ કાર્યવાહી હાથ ધરી શકશે નહીં.
આ કલમ હેઠળની ચૂંટણીમાં જો બે ઉમેદવારોને સરખા મતો પડે તો, અધ્યક્ષ સ્થાન લેનાર અધિકારીની હાજરીમાં ચિઠ્ઠી નાંખીને નક્કી કરવામાં આવે છે.
સભ્યો, પ્રમુખ તથા ઉપ-પ્રમુખના હોદ્દાની મુદત:
તાલુકા પંચાયતના સભ્યો, પ્રમુખ તથા ઉપપ્રમુખના હોદ્દાની મુદત પંચાયતના જેટલી જ એટલે કે પાંચ વર્ષની રહેશે.
તાલુકા પંચાયતના કાર્યો:
પ્રત્યેક તાલુકા પંચાયતે કરવાના મહત્વના કાર્યો નીચે પ્રમાણે છે.
- સ્વાસ્થ્ય/સફાઈ ક્ષેત્રે: પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, હોસ્પિટલ, પ્રસૂતિગૃહો, ઔષધાલયો ચલાવવાં.
- ગ્રામ્ય પાણી પુરવઠાની યોજનાઓ પાણીનું પ્રદૂષણ અટકાવવું. કુટુંબ નિયોજનનું કાર્ય કરવું
- શિક્ષણ : સમાજ શિક્ષણ ક્ષેત્ર: પ્રાથમિક શાળાની સ્થાપના અને સંચાલન પ્રાથમિક શાળાના ઓરડા બાંધવા, રમતગમતનાં મેદાનો બનાવવાં.
- અનૌપચારિક શિક્ષણ, પ્રૌઢશિક્ષણ અને સમાજશિક્ષણનાં કેન્દ્રો ચલાવવાં.
- કૃષિ-સિંચાઈ ક્ષેત્ર: ખેતીવાડી સુધારણા, સિંચાઈ બાંધકામ અને જમીન નવસાધ્ય કામગીરી ખેતી-સિંચાઈ માટે ધિરાણની વ્યવસ્થા ખેડૂતોના તાલીમ વર્ગો અને વિસ્તરણ કાર્યક્રમો યોજવા.
- ગોડાઉન સ્થાપવાં અને નિભાવવાં વોટરશેડ વિકાસનાં કામો કરવાં.
- પશુ સંવર્ધન ક્ષેત્ર : પશુદવાખાનાં અબે કૃત્રિમ ગર્ભધાનનાં કેન્દ્રો ચલાવવાં. ડેરી વિકાસને પ્રોત્સાહન આપવું.
- સમાજ કલ્યાણ અને સમાજસુરક્ષા ક્ષેત્ર :
- અસ્પૃષ્યતા નિવારણ:
- સમાજના નબળા વર્ગો, વિકલાંગો, નિરાધાર, વૃદ્ધો, વિધવા વ્યક્તા માટેની યોજનાઓ નિરાધાર લોકો માટે અનાથાશ્રમો સ્થાપવા અને ચલાવવાં.
- ગ્રામ વસવાટ ક્ષેત્રે : ગમતળનો વિકાસ અને ગ્રામીણ રહેઠાણોનું આયોજન
તાલુકા પંચાયત ની બેઠકો:
સામાન્ય રીતે તાલુકા પંચાયતની બેઠક દર ત્રણ માસે ભરવી જોઈશે. પરંતુ તાલુકા પંચાયતના ઓછામાં ઓછા 1/3 સભ્યો પ્રમુખને લેખિત વિનંતિ કરે તો બેઠક કોઈ પણ સમયે બોલાવવી જોઈશે.
તાલુકા પંચાયતની સમિતિઓ:
આનો સવિસ્તાર ઉલ્લેખ ‘પંચાયતી સમિતિઓ’ લેખમાં કરેલ છે.
તાલુકા પંચાયતના પ્રમુખનાં કાર્યો અને સત્તાઓ:
- તાલુકા પંચાયતના પ્રમુખે નીચેના કાર્યો બજાવવાનાં છે.
- પ્રમુખે તાલુકા પંચાયતની બેઠક બોલાવવી, બેઠકોનું અધ્યક્ષ સ્થાન લેવું અને તેનું સંચાલન કરવું.
- પંચાયતોના દફ્તરો તપાસી શકાશે. પંચાયતોનાં આર્થિક અને કરોબારી વહીવટ પર દેખરેખ રાખવી.
- પંચાયતના અથવા તેની કોઈપણ સમિતિના ઠરાવો અથવા નિર્ણયોનો અમલ કરાવવા માટે તાલુકા વિકાસ અધિકારી પર દેખરેખ રાખશે.
- આ અધિનિયમ હેઠળ જરૂર જણાય તો કોઈપણ કૃત્ય જનહિત માટે તત્કાલિક કરવાની અથવા મોકુફ રાખવાની સત્તા ધરાવે છે.
- તે માટે તાલુકા નિધિમાંથી ખર્ચ કરવાની સત્તા પણ ધરાવે છે.
- તાલુકા પંચાયતની કોઈ સમિતિમાં સભ્ય તરીકે હોય તો તે સમિતિનો હોદ્દાની રુએ અધ્યક્ષ બને છે.
તાલુકા પંચાયતના ઉપપ્રમુખનાં કાર્યો:
- પ્રમુખની ગેરહાજરીમાં બેઠકનું અધ્યક્ષસ્થન લેવું.
- રાજ્યસરકારના નિયમોને આધિન, પ્રમુખ વખતોવખત જે સત્તાઓ કાર્યો લેખિત સોંપે તે પ્રમાણે કામગીરી કરવાની રહેશે.
- પ્રમુખની ગેરહાજરીમાં પ્રમુખની ફરજો બજાવશે.
તાલુકાના સદસ્યો, ઉપપ્રમુખ અને પ્રમુખનું રાજીનામું:
- તાલુકા પંચાયતનો સદસ્ય પ્રમુખને પોતાનું રાજીનામું લેખિતમાં આપી શકે છે અને રાજીનામું મળે તે તારીખથી અમલમાં આવે છે.
- ઉપપ્રમુખ પ્રંચાયતને લેખિતમાં રાજીનામું આપી શકે છે પરંતુ પંચાયત જ્યાં સુધી રાજીનામું સ્વીકારે નહિ ત્યાં સુધી અમલમાં આવશે નહિ.
- તાલુકામાં પ્રંચાયતના પ્રમુખ જિલ્લા પંચાયતને લેખિતમાં રાજીનામું આપી હોદ્દા પરથી દૂર થઈ શકે છે, પરંતુ જ્યાં સુધી જિલ્લા પંચાયત મંજૂર ન કરે ત્યાં સુધી અમલમાં આવશે નહિ.
- રાજીનામાં અંગે કોઈ તકરાર ઉભી થાય તો રાજીનામું અમલમાં આવ્યા તારીખ થી 30 દિવસની અંદર વિકાસ કમિશ્નરને લેખિતમાં ફરિયાદ કરવાની રહેશે. 30 દિવસ પછી કોઈ તકરાર ચાલશે નહિ.
અવિશ્વાસની દરસ્ખાસ્ત:
પ્રમુખ કે ઉપપ્રમુખ વિરુદ્ધ તાલુકા પંચાયતનો કોઈ સભ્ય નિયત ફોર્મમાં કુલ સભ્યોના 50 % સભ્યોની સહીથી અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરી શકશે.
જો પ્રસ્તાવને પંચાયતના કુલ સભ્યોના 2/3 સબ્યોની બહુમતિથી પસાર કરવામાં આવે તો જે તારીખે પ્રસ્તાવ પસાર કર્યા હશે તે તારીખથી ત્રણ દિવસ પછી પ્રમુખ કે ઉપપ્રમુખની વિરુદ્ધમાં અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હોય તે બેઠકમાં પ્રમુખ કે ઉપપ્રમુખ અધ્યક્ષસ્થાને રહી શકશે નહીં,
જો કે આવી બેઠકમાં બોલવાનો કે મત આપવાનો અધિકાર રહેશે.
સભ્ય, ઉપપ્રમુખ કે પ્રમુખને હોદ્દા પરથી દૂર કરવા બાબત:
કોઈ સભ્ય, ઉપપ્રમુખ કે પ્રમુખ પોતાની ફરજ બજાવવામાં કસૂર કરે, સત્તાનો દુરુપયોગ કરે અથવા ફરજ બજાવવા અસમર્થ થયો હોય તો, યોગ્ય કાર્યવાહી કરીને જિલ્લા વિકાસ અધિકારી સંબંધિત સભ્ય, ઉપપ્રમુખ કે પ્રમુખને હોદ્દા પરથી દૂર કરી શકે છે.
આવા હુકમની સામે વિકાસ કમિશ્નરને અપીલ કરી શકાય છે,
વિકાસ કમિશ્નરે આપેલ હુકમ સામે રિવિઢન અરજી થઈ શકતી નથી. હાઈકોર્ટમાં અપીલ કરવી પડે.
જો પ્રમુખ કે ઉપપ્રમુખ સામે નૈતિક અધઃપતનવાળા કોઈપણ ગુનામાં કોઈ ફોજદારી કાર્યવાહી સામે થઈ હોય અથવા કાર્યવાહી દરમિયાન જેલમાં અટકમાં રાખવામાં આવ્યા હોય તો જિલ્લા વિકાસ અધિકારી જે તે પ્રમુખ કે ઉપપ્રમુખને હોદ્દા પરથી દૂર કરી શકે છે.
આવા હુકમની વિરુદ્ધમાં હુકમની તારીખથી 30 દિવસની મુદતની અંદર રાજ્ય સરકારને અપીલ થઈ શકશે.
પ્રશ્નોનો નિર્ણય બહુમતી દ્વારા:
તાલુકા પંચાયત અથવા તેની સમિતિની બેઠકમાં સઘળા નિર્ણયો લેવાના રહેશે.
આ નિયમમાં અન્યથા ઠરાવ્યું હોય તે સિવાય બેઠક અધ્યક્ષસ્થાન લેનાર અધિકરીને સરખા મતો પડે તેવા દરેક પ્રસંગે બીજો અથવા નિર્ણાયક મત આપવાનો અધિકાર છે.
તાલુકા ફંડ:
દરેક તાલુકામાં એક ફંડ રહેશે જે તાલુકા ફંડ તરીકે ઓળખાશે.
તાલુકા ફંડમાં નીચેની રકમો જમા કરવામાં આવે છે.
- પંચાયતે નાંખેલ કર કે ફીની આવક સઘળાં છાણ, ધૂળ કચરો અથવા પશુઓના મડાદાની વેચાણની ઊપજ
- જિલ્લા પંચાયત કે રાજ્ય સરકારે આપેલ ફાળાની રકમો
- જિલ્લા પંચાયત કે રાજ્ય સરકારમાંથી લીધેલ લોનની રકમ
- તાલુકા પંચાયતને મળેલ બક્ષિસ કે ફાળાની રકમો તાલુકા પંચાયતને પ્રાપ્ત થતી કોઈ મિલકતની આવક કે ઉપજ
- સ્ટેમ્પ ડ્યુટીમાંથી થતી આવક
- ભાડાં તરીકે કે ફોજદારી કેસમાં કોઈપણ દંડની રકમ સિવાયની બીજી ગુનેગારી તરીકે વસૂલેલી રકમ.
તાલુકા ફંડનો ઉપયોગ:
તમામ રકમનો ઉપયોગ પંચાયત અધિનિયમ હેઠળના નિર્ધારિત કાર્યો માટે વપરાશે.
બાકી રહેલાં નાણાં ચાલું ખર્ચ માટે જોઈતાં ન હોય તો ઠરાવ કરીને યોગ્ય રીતે રોકાણ કરી શકશે.
પંચાયતે લીધેલ કોઈપણ લોનનાં દાખલામાં મુદ્દલ રકમ અથવા તેના હપ્તાની ચુકવણી અને તે અંગેની વ્યાજની ચૂકવણી તેના ફંડ પર પ્રથમ બોજો ગણાશે.
તાલુકા પંચાયતનો સેક્રેટરી, અધિકારીઓ અને કર્મચારી ગણ:
દરેક તાલુકા પંચાયત માટે એક સેક્રેટરી રહેશે.
દરેક તાલુકા પંચાયતમાં રાજ્ય સરકાર દ્બારા નિયુક્ત તાલુકા વિકાસ અધિકારી રહેશે અને તે હોદ્દાની રૂએ તાલુકા પંચાયતનો સેક્રેટરી ગણાશે.
આ ઉપરાંત અધિનિયમમાં ઠરાવ્યા મુજબના અધિકારીઓ અને નોકરો રહેશે.
તાલુકા વિકાસ અધિકારીને જુદા જુદા રાજ્યોમાં – તાલુકા વિકાસ અધિકારી, બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર અથવા મુખ્ય વહીવટી અધિકારી તરીકે ઓળખવામાં આવે છે.
તાલુકા વિકાસ અધિકારીની ફરજો અને કાર્યો:
- પંચાયત અધિનિયમ પ્રમાણે બજાવવાની ફરજો અદા કરશે.
- તાલુકા પંચાયતના અધિકારી/કર્મચારીઓ/સેવકોની ફરજો નક્કી કરશે.
- પંચાયતની તમામ પ્રવૃત્તિઓની બાબતમાં દેખરેખ અને નિયંત્રણ રાખવું.
- તાલુકા પંચાયતનાં વિકાસ કામોના અમલ કરવા જરૂરી પગલં લેવાં.
- પંચાયતનાં તમામ દફ્તરો/રેકોર્ડો/દસ્તાવેજો કસ્ટડીમાં રાખવાં.
- નિધિમાંથી નાણાં ઉપાડવાં અને ખર્ચવાં.
- પંચાયતની બીજી ફરજો જો કોઈપણ સમિતિને સોંપવામાં ન આવી હોય.
- તાલુકા પંચાયતનાં મંત્રી તરીકે પંચાયતની બેઠકો બોલાવવાની કાર્યસૂચી-નોટિસો તૈયાર કરવી.
(ટી.ડી.ઓ) તાલુકા વિકાસ અધિકારીની સત્તાઓ:
- તાલુકા પંચાયતના અધિકારી/કર્મચારીઓની રજા મંજૂર કરવી.
- તાલુકા પંચાયત કે તેની કોઈપણ સમિતિની બેઠકમાં હાજર રહેવું.
- પોતાના તાબા હેઠળના અધિકારીઓ/કર્મચારીઓના ગુપ્ત રેકોર્ડ લખવા.
- તાલુકા પંચાયતની કારોબારી સત્તા તાલુકા વિકાસ અધિકારીની છે.
- ગ્રામ પંચાયતની પ્રથમ બેઠકની તારીખ નક્કી કરવી.
- ગ્રામ પંચાયતની સભ્ય – ઉપસરપંચના રાજીનામાની તકરારનો નિર્ણય કરવાની સત્તા છે.
- તાલુકા પંચાયતના અધિકારી/કર્મચારી પાસેથી ખુલાસો માંગવાની સત્તા છે.
આ વિષયમાં આથી અગાઉનો લેખ ‘ પંચાયતીરાજની યોજનાઓ -2 ગ્રામીણ સમૃદ્ધિના પ્રયાસો‘ પણ જુઓ.