અમરેલી જીલ્લાના ઝાફરાબાદ તાલુકાના દરિયાકાંઠે આવેલ શિયાળબેટ ટાપુનું મરીન કેબલથી વીજળીકરણ કરવામાં આવ્યું. જેનો લોકાર્પણ કાર્યક્રમ તારીખ 11-06-2016 ના દિવસે ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ ના હસ્તે થયો. આઝાદીના 69 વર્ષ બાદ આ ટાપુ વિજળીથી ઝળહળી ઉઠશે. શિયાળબેટ આઝાદી પછી ગ્રીડ કનેકશન વિજપુરવઠાથી વંચિત હતો જેને મરીન કેબલ દ્વારા જોડી રૂ. 17.47 કરોડના ખર્ચે વિજળીકરણ કરવાનુ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. આ કાર્ય ટેકનોલોજીકલી અને સમયની દ્રષ્ટીએ પડકાર રૂપ હોવા છતાં પૂરુ કરીને ગુજરાતે પોતાની યોગ્યતા વધુ એકવાર પૂરવાર કરી છે.
મારા મગજમાં આ મુદ્દો કાઈંક જુદી રીતે ક્લિક થયો. આમ તો દરિયામાં કેબલ નાખીને તેને છેડે વીજળીકરણ 1960માં ઓસ્ટ્રેલીયાના ન્યુ સાઉથ વેલ્સમાં Point Stephens Light નામની દીવાદાંડી અજવાળવા કરેલું. વળી, એવીજ રીતે દરિયામાં કેબલ નાખી તેના છેડે બોમ્બ, માઈન, ટોરપીડો જેવા શસ્ત્રો રાખેલા હોય અને દુશ્મન જહાજ નજીક આવે ત્યારે તેને ઉડાવી દેવા તેનું સ્પાર્કીંગ કરવા દરિયામાં ઈલેકટ્રીક કેબલ નાખવાના અને તેના વિધ્વંસક ઉપયોગો કરવાના પ્રસંગો વિશ્વ-યુધ્ધો દરમિયાન પણ બન્યા. આજે દુનીયામાં અનેક સ્થળે દરિયાઈ ટાપુઓ પર વીજળીકરણ માટે મરીન કેબલ વપરાય છે. સમુદ્રના તળિયે કેબલ નાખી વિશ્વ સાથે જોડાણ એ કાંઈ નવું નથી. 1854 માં ન્યુ ફાઉંડલેન્ડ અને આર્યલેન્ડ નામના બે દેશો વચ્ચે સૌ પ્રથમ ટેલિફોન ના જોડાણ માટે ‘ટ્રાન્સલાન્ટિક ટેલિગ્રાફ કેબલ’ નાખવાનું કાર્ય શરૂ થયું. આશરે ચાર વર્ષની આખી પ્રક્રિયા બાદ પ્રથમ વાર ટેલિફોન પર સંદેશો પહોંચાડવાનું શક્ય બન્યું હતુ.
અહીં, આપણે દરિયાઈ સંચાર કેબલ (મરિન ઑપ્ટિકલ ફાઈબર કેબલ) વિશે વાત કરીશું. દરિયાઈ સંચાર કેબલ એટલે એવો કેબલ જેના દ્વારા ટેલિફોન, TV ના સિગ્નલ્સ અને ઈંટરનેટ ના સિગ્નલ્સ એક સ્થળે થી બીજા સ્થળે દરિયામાં કેબલ પાથરીને પહોંચાડી શકાય. દરિયાની અંદર મરીન કેબલ પાથરવા માટે ખાસ પ્રકારના દરિયાના મરજીવાની ટીમ, ખાસ મશીનરી દ્વારા હાઇડ્રોગ્રાફિક સર્વે તથા ખાસ પ્રકારની કુશળતા ધરાવનાર માણસોની જરૂર હોય છે. ભરતી ઓટના સમયની જાણકારી, હવામાનની પરિસ્થિતિ તથા દરિયાઇ પરિસ્થિતિ મુજબ દિવસમાં અમુક મર્યાદિત કલાકો જ કાર્ય થઇ શકતુ હોય છે. આવી પ્રતિકૂળ પરિસ્થિતિને કારણે કેબલ પાથરવાનું કાર્ય ખૂબ જ ધીમી ગતિએ થાય છે. જેને કારણે આ કાર્ય ખૂબ જ જટિલ અને ખર્ચાળ બની જાય છે.
એક અંદાજ પ્રમાણે 99 % આંતરરાષ્ટ્રીય માહિતી દરિયાઈ સંચાર કેબલના માધ્યમથી સંચારિત થાય છે. આવા કેબલ હજારો કિલોમીટર લાંબા અને ખૂબ જ ઊંડાણમાં સમૂદ્રમાં પથરાયેલા હોય છે. જેને કારણે આવા કેબલને શાર્ક જેવા મોટા દરિયાઈ જીવોથી નુકસાન થવાનો પણ ભય રહેલો છે. કારણ કે કેબલ પાથરવાની પ્રક્રિયા જેટલી જટિલ અને ખર્ચાળ છે તેટલી જ તેને રીપેર કરવા માટેની પ્રક્રિયા પણ જટિલ અને ખર્ચાળ છે. Google જેવી મોટી કંપની હવે શાર્ક પ્રૂફ વાયર વાપરવાનો આગ્રહ રાખે છે, જેના કારણે આવા નુકસાનથી બચી શકાય. એક શાર્ક કેવી રીતે આવો કેબલ ખાવાનો પ્રયાસ કરે છે તે જોવા માટે નીચેનો વિડીયો જુઓ :
અત્યારે પૃથ્વીની આસપાસ જુદાં જુદાં દેશો દ્વારા હજારોની સંખ્યામાં સેટેલાઈટ મૂકવામાં આવ્યા છે. મંગળ ગ્રહ સુધી પહોંચવાના મિશન ચાલી રહ્યા છે. આપણે ભવિષ્યમાં જીવી રહ્યા છીએ ! આમ તો, ઉપગ્રહ કે સેટેલાઈટ દ્વારા થતો માહિતીસંચાર એ દરિયામાં લાંબા કેબલ પાથરવા કરતા સારી પદ્ધતિ છે. 1960 ના દાયકામાં ફાઈબર ઓપ્ટિકલ કેબલ અને માહિતીસંચારના સેટેલાઈટ વિકસાવવામાં આવ્યા. સેટેલાઈટ દ્વારા મોકલવામાં આવતા સંદેશાઓ ખૂબ જ વધુ સમય લેતા હોવાથી તેમ જ દરિયાઈ કેબલ સંચાર એ ઝડપી અને ઉપગ્રહો કરતાં સસ્તી પધ્ધતી હોઇ આજે ય મોટે ભાગે ફાઈબર ઓપ્ટિક કેબલથી જ વધુ પ્રમાણમા માહિતી મોકલાય અને મેળવાય છે જે લગભગ પ્રકાશની ગતિ જેટલી (99.7 %) એ સંદેશાઓ ને સંચારિત કરી શકે છે.
દરિયાઈ કેબલ માટે એક સારી વાત એ પણ કહી શકાય કે આ કેબલ કાપવાનું કાર્ય ખૂબ જ મુશ્કેલ છે. કારણ કે, આવા કેબલમાં હજારોની સંખ્યામાં lethal volts વહી રહ્યા હોય છે. પણ આ કેબલ કાપવાનું કાર્ય અશક્ય પણ નથી. 2013 માં ઇજિપ્તમાં 12500 km લાંબી કેબલ લાઈન કોઈ અજ્ઞાત લોકો દ્વારા કાપી કાપવામાં આવેલી. આ લાઈન એ 3 ખંડોને જોડતી લાઈન હોવાથી અસંખ્ય લોકોને ઈંટરનેટ જોડાણની સમસ્યા નડી હતી. આવા કેબલને રીપેર કેવી રીતે કરાય છે એ નીચેના ફોટા પરથી સમજી શકાય છે.
સામાન્ય રીતે દરિયાઈ સંચાર કેબલ એ સમુદ્રના તળિયે કે ખૂબ જ ઊંડાણમાં અને ખૂબ જ લાંબા અંતરના બે સ્થળો વચ્ચે માહિતી સંચાર માટે પાથરવામાં આવે છે. જેના કારણે આવા કેબલમાંથી આપણી માહિતી ચોરી થવાનો પણ ભય એટલો જ રહેલો છે. જ્યારે USSR અને અમેરિકા વચ્ચે Cold War (ઠંડુ યુદ્ધ) ચાલી રહ્યુ હતું ત્યારે ત્રીજા વિશ્વ યુદ્ધની શક્યતાને પામી અમેરિકાએ USSR ના સંદેશાઓને ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. આજે, સબમરીન સંચાર કેબલની છેડછાડ કરી માહિતી ચોરી કરવી એ જાસૂસ એજન્સીઓ માટે પ્રમાણભૂત ઓપરેટિંગ પ્રક્રિયા છે.
2014 ના આંકડા પ્રમાણે, દુનિયામાં આવા 285 દરિયાઈ સંચાર કેબલ પાથરવામાં આવ્યા છે. જેમાંથી 22 કેબલ હજું સુધી વપરાયા નથી. દરિયાઈ સંચાર કેબલનું આયુષ્ય 25 વર્ષનું હોય છે. જે આર્થિક રીતે પોષાય તેમ છે. અત્યારે વૈશ્વિક માહિતીસંચારનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. ઈંટરનેટ વપરાશકર્તા પણ દિવસે દિવસે વધી રહ્યા છે. આ બધુ જોતા દરિયાઈ સંચાર કેબલ એ આપણા સમગ્ર સંચાર તંત્ર અને એ રીતે આધુનીક જીવન પધ્ધતીમા ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે અને કોઇક નવીન શોધ ના થાય ત્યા સુધી ભજવતા રહેશે.