કોઈએ સાચું જ કહ્યું છે કે આ દુનિયામાં બધા અનર્થ થવા પાછળ જો કોઈ મુખ્ય કારણ હોય તો એ પેટ છે. આપણા નાનકડા પેટનો ખાડો પૂરવામાં આપણી જિંદગી પૂરી થઈ જાય છે. પરંતુ હજુ સુધી કોઈનુય પેટ ભરાયું નથી. આજે સૌ પેટ માટે વૈતરા કરતા નજરે પડે છે. મનુષ્ય સતત વેઠ કરતો રહે છે પરંતુ પેટનો ખાડો પૂરાતો નથી. આ કહેવત એ આપણા મનુષ્ય જીવનની એક કરુણતાને દર્શાવે છે. કામ કરતા નાના બાળકો અને વૃદ્ધોને જોઈએ એટલે સમજાય છે કે સાચે જ પેટ કરાવે વેઠ.
વેઠ એટલે ગુલામી:
વેઠ શબ્દનો અર્થ ગુલામી એવો થાય છે. પહેલાના સમયમાં મહેનતાણુ આપ્યા સિવાય માત્ર ખાવાનું આપીને ગુલામો પાસે જે મજૂરી કરાવાતી તેને વેઠ કહે છે. રાજા-રજવાડાના સમયમાં સમાજમાં કેટલોક આખો વર્ગ એવો હતો કે જેને ઉચ્ચ વર્ગની વેઠ કરવાની રહેતી અને વળતર તરીકે માત્ર પેટ પૂરતુ ખાવાનું મળતું. આજના સમયમાં મોંઘવારી, બદલાતું જીવનધોરણ તેમજ બેરોજગારી જેવા પરિબળોથી સામાન્ય માણસ ગુલામ ન હોવા છતાં ગુલામ જેવી સ્થિતિ ભોગવે છે. આમ, પ્રાચીન સમયની આ કહેવત આજે પણ એટલી જ પ્રસ્તુત છે.
આપણા જીવનના દરેક તબક્કામાં અને વિવિધ પરિસ્થિતિઓમાં આપણે આ પેટ માટે જ વેઠ કરીએ છીએ.
ડૉક્ટર, મોટો વેપારી કે પછી શ્રમજીવી વર્ગ હોય, સૌ કોઈ સતત કામ કરતા નજરે પડે છે.
આપણા દેશના દૂષણોમાં એક દૂષણ ગરીબી પણ છે. દેશનો એક મોટો વર્ગ બે ટંકના ભોજન માટે વલખા મારે છે.
આવા પરિવારોમાં બાળકો પણ કામ કરવા મજબૂર હોય છે.
ભીખ માંગીને કે પછી કોઈ નાનું-મોટું કામ કરીને લોકો પોતાનું જીવન ગુજારે છે.
વૃદ્ધ અને અશક્ત લોકો જ્યારે મજબૂરીમાં હાથલારી ખેંચતા હોય,
અશક્ત હોવા છતા કાળી મજૂરી કરતા હોય અને ખાણોમાં કામ કરતા હોય જ્યાં શ્વાસ લેવામાં પણ તકલિફ પડે છે,
આવી પરિસ્થિતિઓમાં લાગે છે કે આ પેટ આપણને પ્રાણીઓ કે પશુઓથીય બદતર કરી નાખે છે.
લોકોને આવા કામ કરવા ગમે છે એવું નથી.
પરંતુ આ પેટનો ખાડો પૂરવા માટે બીજું કોઈ કામ નથી અને આવા ગરીબ લોકો મજબૂર હોય છે.
ગમે તેમ કરીને તેઓ પોતાના પરિવારના એક ટંકના ભોજનની પણ જો વ્યવસ્થા કરી લે તો જેમ-તેમ કરીને એમનું ગુજરાન ચાલે છે.
ભીખ :
રેલવે ફાટક પર ભીખ માંગતા નાના બાળકો હોય કે પાતળી રસ્સી પર ચાલતું બજાણિયા પરિવારનું નાનું બાળક હોય, સર્કસમાં કામ કરતા બાળકો હોય કે પછી ચાની લારી પર કામ કરતાં બાળકો વગેરે પોતાના પેટ માટે જ વેઠ કરે છે. અપંગ કે વૃદ્ધ લોકો જ્યારે મજૂરી કરવા માટે મજબૂર બને છે ત્યારે આ પેટનો એક વરવો ચહેરો આપણી નજર સમક્ષ આવે છે. ઘણીવાર આપણે આવા લોકો જોયા હશે અને એમના પર દયા પણ આવી હશે. પરંતુ આ એક કરુણ સત્ય છે. જે સ્વીકારવું જ રહ્યું.
ઘણા લોકો કાળી મજૂરી કરીને પેટનો ખાડો પૂરતા હોય છે, જ્યારે કેટલાક ગુનાહિત પ્રવૃત્તિઓ તરફ વળે છે. ચોરી, લૂંટ, મારઝૂડ વગેરે જેવા ગુનાઓના મૂળમાં આ જ હોય છે. લોકો ક્યારેક તો ગંભીર ગુના તરફ પણ પ્રેરાય છે. દુનિયામાં ઘણા દેશો એવા છે કે લોકો ભૂખના મારે કાંઈ ન મળતા પશુ પક્ષીઓને મારી તેનો ખોરાક બનાવે છે. આવી બધી બાબતોથી આપણે સમજી શકીએ કે પરિસ્થિતિ કેવી દયનીય હશે. લોકો કેવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં રહેતા હશે? એક બાજું માનવી લાચાર છે તો બીજી બાજુ ભ્રષ્ટાચારથી ખરડાયેલા આપણા સમાજમાં એક વર્ગ એવો પણ છે કે જે ભેગું કરવામાં જ રચ્યો પચ્યો રહે છે.
શું મહેનત જ વિકાસનો મંત્ર છે?
આ તો થઈ મિત્રો પેટ માટે મનુષ્ય દ્વારા કરવામાં આવતી વેઠની.
હવે આપણે વેઠ કરવી કેમ જરૂરી છે એ તરફ નજર કરીએ.
એક બાજુ વેઠનો ખરાબ ચહેરો જરૂર છે.
લોકો કાળી મજૂરી કરે છે પરંતુ બીજી બાજુ એ આપણા જીવનના વિકાસ માટે પણ જરૂરી છે.
ખેતી, ઉદ્યોગ ધંધા, વેપાર વગેરે આજે છે એનું એક જ કારણ છે કે સૌને મહેનત કરવાની જરૂર છે.
પેટ માટે વેઠ કરવી જ પડે છે.
આજે આપણા સૌ માટે મહેનત કરવી જરૂરી છે છતાં પણ કેટલાય લોકો આળસુ અને ભોગ વિલાસી દેખાય છે.
જો પેટ માટે વેઠ જ ન હોત તો પરિસ્થિતિ શું હોત એનો આપણે અંદાજ લગાવી શકીએ છીએ.
મોટા ભાગના લોકો તો આળસું જ મળે અને ભોગ વિલાસ એ વિનાશ તરફ જ લઈ જાય.
આપણે જીવનમાં જે પણ કાઈ સંઘર્ષ કરીએ છીએ તેમાંથી કાંઈક ને કાંઈક નવું શીખીએ છીએ. આપણા જીવનના વિવિધ પડાવોમાં અને પરિસ્થિતિઓમાં મેળવેલા અનુભવો દ્વારા જ આપણું જીવન ઘડતર થાય છે. જો આપણું પેટ એમ જ કુદરતી રીતે ભરાઈ જતું હોય તો માનવી કોઈ વિકાસ કરી જ ન શકે. આપણે આપણું જીવન ઘડતર પણ ન કરી શકીએ. એક બાજું પેટ વેઠ કરાવે છે તો બીજી બાજુ મનુષ્યના વિકાસ માટે એનું એટલું જ મહત્વ છે તે સમજવું રહ્યું.
આવા અન્ય વિચાર -વિસ્તાર માટે અમારી ચેનલ ‘સુવિચાર અને વિચાર વિસ્તાર‘ જોતાં રહો.