દિવાળી એ આપણો સૌથી અગત્યનો તહેવાર છે, એટલે તેના વિષે કોઈ ના જાણતું હોય એવું ના બને.
આપણે સૌ જાણીએ છીએ કે આસો માસના અંતે એટલે કે વર્ષના અંતે દિવાળી ઉજવાય છે અને ઘણા તહેવારોના સમુહને દિવાળી કહીએ છીએ.
આજે દિવાળી વિષે લખવાનું મન એટલા માટે થયું કે ઘણા વિદ્યાર્થીઓ આપણા તહેવારો વિષે જાણે છે બધું પરંતુ જો તેમને મારો પ્રિય તહેવાર વિષય પર નિબંધ લખવાનો કહો તો ગૂંચવાઈ જાય છે.
કૈક જાણવું અને તેને શબ્દોમાં રજુ કરવું એ બન્ને વચ્ચે ફરક છે.
તો ચાલો આજે આપણે દિવાળીના તહેવારનું મહત્વ સમજીએ.
વર્ષનો અંતિમ તહેવાર
ભારત દેશના બધા ભાગોમાં વિક્રમ સંવત પ્રમાણે વર્ષના અંતિમ માસ આસોની અમાસ એટલે દિવાળી. મોટે ભાગે વાઘ બારસ, ધન તેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતું વર્ષ અને ભાઈ બીજ એટલે કે આખું અઠવાડિયું આપણે દિવાળી તરીકે ઉજવીએ છીએ. પરંતુ, અઠવાડિયા દશ દિવસ અગાઉથી શરુ કરી અને છેક દેવ-દિવાળી સુધી સહુ આ તહેવાર મનાવે છે. આપણા ચોમાસું પાકો આ સમયે લેવાઈ ગયા હોય છે અને નાના ખેડૂત કે મજૂરથી શરુ કરી સમગ્ર અર્થ-વ્યવસ્થામાં આવક હોવાથી સહુ ખર્ચ કરવાની અને ખુશાલી મનાવવાની સ્થિતિમાં હોવાથી આ તહેવાર સમગ્ર રીતે ખુબ આનંદ ઉલાસ અને ખુશીથી મનાવાય છે.
ઐતિહાસિક અને ધાર્મિક રીતે પણ આ તહેવારનું અનેરું મહત્વ છે. પ્રભુ રામ રાવણ વધ કરી આ દિવસે અયોધ્યા પહોચ્યા હતા. અંધારી અમાસની રાતને પ્રકાશના દીવડાઓથી શણગારીને દિવાળી મનાવવાની પરંપરા ત્યારથી ચાલી આવે છે. વળી, જીવનમાં જે કોઈ પણ પ્રકારનો અંધકાર હોય તેને પ્રકાશ દ્વારા દૂર કરી શુભ જીવન બનાવવાનો આ તહેવારનો ઉમદા હેતુ પણ છે.
એક નહીં અનેક તહેવારોનો સમૂહ
વાઘ બારસ એટલે કે વાક બારસ અને આ દિવસે વાણી ની દેવી સરસ્વતીનું પૂજન થાય છે.
ઘણા આદિવાસી અને જંગલ વિસ્તારોમાં વાઘ (જંગલી પશુઓ)નું પૂજન પણ થાય છે.
ત્યાર બાદ ધનતેરસ એ દેવી લક્ષ્મીની પૂજાનો દિવસ છે.
પ્રથમ વિદ્યાની દેવી સરસ્વતીનું પૂજન કરી બીજે દિવસે લક્ષ્મી-પૂજનનો અર્થ એ છે કે જ્ઞાનનું મહત્વ ધન દોલતથી વધારે છે.
લક્ષ્મી પૂજનના દિવસે દેવી લક્ષ્મીજી પાસે માત્ર ધન નહી સંતાન અને ધન બંનેની માગણી કરવાની પૂજા થાય છે.
કાળી ચૌદશના દિવસે અશુભ તત્વો કે આસુરી શક્તિઓ આપણા જીવનથી દૂર રહે તે માટે પ્રાર્થના કરવામાં આવે છે,
તો વળી કેટલાક લોકો સ્મશાનમાં પૂજા પણ કરે છે.
ખુશી, આનંદ અને શુભેચ્છાઓનો તહેવાર
દિવાળીના દિવસે દીપ પ્રગટાવી આનંદ ઉત્સવ મનાવાય છે. નવા કપડા પહેરી બાળકો ફટાકડા ફોડીને ઉત્સવ મનાવે છે. વિવિધ પ્રકારની મીઠાઈઓ અને ફરસાણ બનાવવાનો અને ખાવાનો પણ રીવાજ છે. બીજા દિવસે કારતક સુદ એકમ એટલે કે નવું વર્ષ મનાવાય છે. સહુ એક-બીજાને મળી શુભેચ્છાઓ પાઠવે છે. વેપારીઓ ચોપડા પૂજન કરી નવા વર્ષના કામકાજનો પ્રારંભ કરે છે. બીજા દિવસે ભાઈ બીજે ભાઈઓ બહેનના ઘરે જાય છે. બહેન ભાઈને જમાડી તેના શુભ માટે પ્રાર્થના કરે છે, તો ભાઈ બહેનને ભેટ-સોગાદ આપે છે.
અન્ય માન્યતાઓ મુજબ દિવાળીને ‘દિપાવલી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ‘દીપ’ એટલે ‘પ્રકાશ’ અને ‘આવલી’ એટલે ‘હરોળ’. આ પ્રકાશની હરોળને દર વર્ષે દીવડાઓ પ્રગટાવીને દર્શાવવામાં આવે છે. આસો સુદ પૂર્ણિમાના તેરમાં દિવસે (ધનતેરસે) દિવાળીનો પ્રથમ દિવસ ઉજવવામાં આવે છે. ‘ધન’ એટલે ‘સંપત્તિ’ અને ‘તેરસ’ એટલે ‘તેરમો દિવસ’. આ દિવસે લક્ષ્મીજીની એટલે કે ધનની દેવીની પુજા કરવામાં આવે છે. ભારતમાં ઘણી જગ્યાઓએ મૃત્યુના રાજા ‘યમરાજ’ માટે સતત પ્રગટતા દીવાઓ મુકવામાં આવે છે. ચૌદમાં દિવસે (નર્ક ચતુર્દશી) હિન્દુઓની માન્યતા મુજબ ભગવાન કૃષ્ણએ દુનિયાને ભયભીત કરનાર રાક્ષસ નાર્કાસુરનો વધ કર્યો હતો. આ દિવસથી થોડાઘણા ફટાકડાઓ ફોડવાનું શરૂ થાય છે.
ફટાકડા, દિવડા અને મીઠાઈઓ
પખવાડિયાના પંદરમાં દિવસે સાચી દિવાળી ઉજવવામાં આવે છે.
દિવાળીના શુભ દિવસે મહાલક્ષ્મીની પૂજા કરવામાં આવે છે.
આ દિવસ સુધી ઘર સાફ કરવામાં ન આવ્યું હોય તો, દિવસની શરૂઆતમાં જ લક્ષ્મીજીને આવકારવા સાફ-સફાઈ કરવી જ જોઈએ.
આ દિવસે ઉપહારો અને મીઠાઈઓની સમગ્ર પરિવાર અને મિત્રો વચ્ચે આપ-લે કરવાથી સંબંધો મજબુત બને છે.
રાત્રે જમ્યા પછી ફટાકડા ફોડવામાં આવે છે.
શ્રી ક્રુષ્ણ અને વિક્રમદિત્ય
કાર્તિકના અજવાળિયાના પ્રથમ દિવસે ભગવાન કૃષ્ણએ ગોવર્ધન પર્વત આંગળી પર ઉપાડી ગોકુળના લોકોની ઇન્દ્રના ક્રોધથી રક્ષા કરી હતી.
વળી, રાજા વિક્રમાદિત્યને મુગટ પહેરાવવામાં આવ્યો હતો.
દિવાળીના તહેવારના છેલ્લા અને પાંચમાં દિવસને ‘ભાઈબીજ’ તરીકે ઉજવવામાં આવે છે.
ભારત ખુબ વિશાળ દેશ છે એટલે પ્રદેશે પ્રદેશે થોડી રીત કે માન્યતાના ફેરફાર સાથે પણ આ તહેવાર સમગ્ર દેશમાં અને ભારતીયો વિદેશોમાં જ્યાં પણ વસ્યા છે તે દરેક જગ્યાએ ઉજવાય છે. આપ સહુને દિવાળીના તહેવારોની ખુબ ખુબ શુભેચ્છા….