સ્વામિનારાયણ સંપ્રદાયની સમાજોપયોગી પ્રવૃત્તિઓથી ગુજરાતમાં કોઈ અજાણ નથી. આ તમામ પ્રવૃત્તિઓના વર્તમાન સમયમાં પ્રેરક અને સૌના પૂજ્ય તથા વંદનીય પ્રમુખ સ્વામી હવે આપણી વચ્ચે રહ્યા નથી. સુદીર્ઘ અને યશસ્વી આયુષ્ય ભોગવીને પૂજ્ય પ્રમુખ સ્વામી હરીધામમાં સંચર્યા છે. તેમના જવાથી ના પૂરી શકાય તેવી ખોટ પડી છે.
સ્વામિનારાયણ સંપ્રદાયના જુદા જુદા ફાંટા પડેલા છે. આમ છતાં તે તમામની કામગીરી અને કાર્ય પધ્ધતિ કે ઉદ્દેશમાં કોઈ ફરક નથી. મોટે ભાગે આ ધાર્મિક સંપ્રદાય ગુજરાતમાં ખુબ વ્યાપક પ્રમાણમાં અનુયાયીઓ ધરાવે છે. આ એક ધાર્મિક સંપ્રદાય હોવા ઉપરાંત સામાજીક સુધારણા અને સામાન્ય માણસનું જીવન જીવવા લાયક બનાવવા જે પ્રવૃત્તિઓ હોય તેવી તમામ પ્રવૃત્તિઓ તેમાં અગ્રતા ક્રમે થાય છે. શિક્ષણ માટે ગુરૂકુળોની સ્થાપના અને તેનું ખુબ સરસ સંચાલન એ તે પૈકીની અગત્યની કામગીરી છે. સામાન્ય માણસને પોસાય અને વતનની નજીક રહીને ભણી શકાય તેવી વ્યાપક સગવડ સમગ્ર ગુજરાતમાં ઉભી કરવામાં આ સંપ્રદાયનો મોટો ફાળો છે. પૂજ્ય પ્રમુખ સ્વામીના જવાથી ગુજરાતને શિક્ષણ ક્ષેત્રે મોટી ખોટ પડી છે.
શિક્ષણની સાથે સાથે વ્યાસન મુક્તિ એ પણ સ્વામીનારાયણ સંપ્રદાયનું વ્યાપક કાર્ય છે. સરકારો જે નથી કરી શકી તેવા ઉમદા પરિણામો આ કાર્યમાં સ્વામીનારાયણ સંપ્રદાયે મેળવી બતાવ્યા છે. સામાન્ય બીડી-તમાકુથી લઇ દારુ જેવા વ્યસનોથી થતા આર્થિક, સામાજીક તેમજ શારીરિક નુકશાન પરત્વે સમાજમાં જાગૃતિ ફેલાવી લોકોને વ્યાસન મુક્ત કરવાનું ભગીરથ કાર્ય હજુ પણ ચાલશે જ, પણ પૂજ્ય પ્રમુખ સ્વામીના બ્રહ્મલીન થવાથી તેમાં ખોટ પડશે એ ચોક્કસ.
નારાયણ નિવાસી બનેલા પૂજ્ય સ્વામી બાપાનું કાર્ય અને વ્યક્તિત્વ એવું વિશાળ હતું કે આધાળાઓએ જોયેલા હાથી જેવી આપણી હાલત છે. જેમ જે અંધને હાથીનો પગ પકડી થાંભલા જેવો તો કાન પકડવાવાળાને સુપડા જેવો હાથી લાગ્યો તેમ આપણા જેવા લોકોને સ્વામી બાપાનું જે વ્યક્તિત્વ દેખાયું એવા આપણે તેમને માન્યા. ડૉ. અબ્દુલ કલામ અને અમેરિકી પ્રમુખ ક્લીન્ટનથી લઇ સામાન્ય હરિભક્તને તેઓની જુદી જુદી છબી દેખાઈ છે, પણ હકીકતે તે તમામ છબીઓનો સરવાળો એટલે પૂજ્ય પ્રમુખ સ્વામીનું વ્યક્તિત્વ. તેમના કાર્યો અગણિત છે જેમ કે, 1100 જેટલા મંદિરોનું નિર્માણ હોય કે 2,50,000 થી વધુને નિર્વ્યસની બનાવવાનું કાર્ય હોય કે 9090 સંસ્કાર કેન્દ્રોની સ્થાપના હોય અથવા દુનિયાભરમાં વિપત્તિના સમયે સેવા પૂરી પાડવા 55,000 સ્વયંસેવકો ધરાવતી અને મુશ્કેલીમાં ફસાયેલા લોકોને બચાવતી ટુકડીઓ બનાવવાનું કાર્ય હોય એમનું કાર્યક્ષેત્ર એટલું વિશાળ રહ્યું છે કે સામાન્ય જન તેનાથી લાભાન્વિત થયા વિના ભાગ્યેજ રહ્યો હોય.
ગુજરાતની ઓળખ અને ભારતીય સ્થાપત્ય કલાના બેનમુન નમુના એટલે વિશ્વભરમાં ફેલાયેલા સ્વામીનારાયણ મંદિરો. વિશ્વના ધનવાન દેશોમાં તેમના મંદિરો કરતા પણ જાજવલ્યમાન મંદિરોનું નિર્માણ કરીને સ્વામીનારાયણ સંપ્રદાયે ભારતીય સંસ્કૃતિનો વૈશ્વિક ફેલાવો કરી સાચા અર્થમાં वसुदैव कुटुम्बकम ને ચરિતાર્થ કર્યું છે. પ્રમુખ સ્વામી આ કાર્યમાં માત્ર માર્ગદર્શક નહી પણ સમગ્ર પ્રવૃત્તિના સંચાલક બળ રહ્યા છે. તેમના ના રહેવાથી આવા કાર્યો બંધ ના થાય તોય એક સ્વપ્નદ્રષ્ટાની ખોટ તો જરૂરથી પડે જ ને?
આ ઉપરાંત અનેક સમાજોપયોગી પ્રવૃત્તિઓ સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા રાજ્ય, દેશ અને વિશ્વ કક્ષાએ થઇ રહી છે તે તમામમાં સ્વામીજીના ના રહેવાથી ખોટ પડવાની છે. પ્રભુ આપણને તેમના બતાવેલા માર્ગે ચાલવાની શક્તિ અને મતિ આપે. પૂજ્ય પ્રમુખ સ્વામી તો હવે વૈકુઠવાસી થયા એટલે તેમણે જે પ્રવૃત્તિઓ દ્વારા સામાજીક વ્યવસ્થા સુધારવાની કેડી કંડારી છે તેને સદાય ચાલુ રાખી આપણે સૌ તેમનું ઋણ અદા કરીએ એ જ સાચી શ્રધાંજલિ. સાથે સાથે આપણું પોતાનું જીવન પણ સાત્વિક અને પરોપકારી બનાવવા તેમણે જે ઉપદેશ જીવનભર આપ્યો છે તેને ચરિતાર્થ કરી તેમને અંજલિ અર્પણ કરીએ.
ૐ શાન્તિ..