જીવનમાં સફળતા માટે આપણે સૌ ઘણા બધા સપના જોઈએ છીએ અને એ સપનાને સાકાર કરવા માટે ઘણા બધા પ્રયત્નો પણ કરીએ છીએ. પણ ક્યારેક આપણું લક્ષ્ય ખૂબ જ મુશ્કેલ કે મોટું હોય છે જેના લીધે એક લાંબા સમય સુધી આપણે આપણા એ સપનાને સાકાર કરી શકતા નથી. ઘણીવાર ભાગ્ય પણ આપણી પરીક્ષા કરતું હોય છે.
મિત્રો, મારે આજે એ વિશે વાત કરવી છે કે જીવનમાં આપણે જોયેલા સપનાઓ પાછળ મહેનત તો કરવી જ પડશે. થોડો સમય લાગી શકે છે પણ સફળતા અવશ્ય મળશે. જો કોઈ વાર એવું થાય કે વારંવાર આપણે અસફળ થઈએ તો કદી એમ ના માનતા કે તે નિષ્ફળતા છે કેમ કે કોઈકે કહ્યું છે કે નિષ્ફળતા એ અનુભવ છે અને તેના પછી મળતી સફળતા વધુ પાકટ તથા સ્થાયી હોય છે. એવું પણ લાગે કે હવે બસ હાર માની લઉં અને ઘણીવાર એવું પણ લાગે છે કે આમાં આપણું કામ નથી પણ આપણે યાદ રાખવું જોઈએ કે હાર માની લેવાથી કશું જ મળવાનું નથી, પણ હા તેનાથી ગુમાવવાનું જરૂર છે, હાર માનો એટલે અગાઉના પ્રયત્નો તો ગયા જ અને આપણો આત્મવિશ્વાસ પણ ઓછો થાય, અને તેથી આપણે જોયેલા સપના ક્યારેય પૂરા નહીં કરી શકીએ પણ જો તમે તેમાં એક પ્રયાસ વધારે કરો તો એવું પણ બની શકે છે કે તમને તેમાં કદાચ સફળતા પણ મળી જાય. એક વધારે પ્રયાસ તમને તમારી સપનાની જિંદગી અપાવી શકે છે.
આપણા માટે સદાય પ્રેરણાસ્ત્રોત અને તમામ ભારતીયોના હૈયે વસેલા વીર, પરાક્રમી અને ટેકીલા મેવાડના મહારાણા પ્રતાપના જીવનમાંથી આપણે આ વાત શીખવા જેવી છે. રાણા પ્રતાપ જ્યારે હાર્યા ત્યારે તેમને મેવાડ છોડી દેવું પડ્યું, જંગલમાં રહેવું પડ્યું, જીવન ટકાવવા ઘાસની રોટી બનાવીને ખાવે પડી. આટ આટલી મુશ્કેલીઓ વેઠીને પણ પથારીમાં નહી સૂવાનું પ્રતિજ્ઞા પાળતા. મહારાણા પ્રતાપને તેમના જેવા જ દેશ દાઝથી ભરપૂર વીર ભામાશાએ નાણાકીય મદદ પૂરી પાડી અને અંતે ટેકીલા રજપૂત રાજે પોતાનું પ્રાણ પ્યારુ માદરે વતન મેવાડ પરત લીધું. જો અગાઉ પડેલી મુશ્કેલીઓથી નાસીપાસ થઈને મહારાણા પ્રતાપે પ્રયત્ન છોડી દીધો હોત તો આજે આપણે તેમને યાદ પણ ન કરતા હોત. આથી જ આપણે અંતિમ સમય સુધી ધ્યેય પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ.
એટલે જ જીવનમાં કદી હાર ના માનો, સતત પ્રયાસ કરતા રહો, સફળતા જરૂર મળશે જ.