આજે આપણે 2016 ના અંતિમ મહિનાઓમાં વર્ષ 2000 ને યાદ કરીએ. ત્યારે આપણા ત્યાં લેન્ડલાઇન ફોન સંપર્કનું મુખ્ય સાધન હતો, આજે મોબાઈલ ક્રાંતિએ દુનિયાની સાથે સાથે આપણા ત્યાં પણ સંદેશાવ્યવહાર ક્ષેત્રે આમૂલ પરિવર્તન આણ્યું છે. સમય ખુબ ઝડપથી બદલાઈ રહ્યો છે. ભૂતકાળમાં સદીઓમાં જેટલા બદલાવો નહોતા થયા તે એક સદીમાં થઇ ગયા છે અને ગઈ સદીમાં જે બદલાવો અથવા કહો કે ફેરફારો વર્ષોમાં થતા તે હવે એકાદ વર્ષમાં કે મહિનાઓમાં થઇ રહ્યા છે. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થયા બાદ તેના પરિવર્તનના ગીયર ઝડપથી બદલાઈ રહ્યા છે. આજકાલ ઈન્ટરનેટ ઉપર ફરતા અને વિસ્તૃત અભ્યાસના આધારે તૈયાર કરાયેલા કેટલાક સર્વેના તારણો ખુબ રસપ્રદ છે.
કેટલાક વર્ષો પહેલા બજારમાં પાનની દુકાનો કે PCO વ્યાપક હતા, આજે બજારમાં દર ત્રીજી દુકાન મોબાઈલની હોય છે. થોડાક જ વર્ષોમાં PCO સેન્ટરો ફોનનું રીચાર્જ કરતી દુકાનો બની ગઈ અને હવે મોબાઈલ રીપેરીંગ કે વેચાણ કેન્દ્રો. લોકો ફોનથી જ રીચાર્જ કરે છે અને બેન્કિંગ વ્યવહાર પણ ફોન ઉપર થઇ રહ્યો છે. હવે તો રેલ્વે ટીકીટ કે અન્ય બુકિંગ પણ મોબાઈલથી !!!
1988 માં Kodak કંપનીમાં 1,70,000 કર્મચારી કામ કરતા અને દુનિયાના 85% ફોટો પેપર ઉત્પાદિત કરતી આ કંપનીએ થોડા જ વર્ષોમાં દેવાળું ફૂંક્યું અને તેના તમામ કર્મચારીઓ બેકાર બન્યા. હાલની ચોથી ઔદ્યોગિક ક્રાંતિ અતિ ઝડપથી બદલાવ લાવી રહી છે અને સોફ્ટવેર દુનિયાની માન્યતાઓ બદલી રહ્યા છે. UBER એક સોફ્ટવેર છે, જે ટેક્સી ચલાવે છે. એક પણ પોતાની કાર વગરની એ દુનિયાની સૌથી મોટી ટેક્ષી કંપની છે.
AIRBNB એક પણ પોતાની હોટલ વગરની દુનિયાની સૌથી મોટી હોટલ કંપની બની ગઈ છે, જે દુનિયાભરમાં તમને સવલત પૂરી પાડી રહી છે. IBN–WATSON નામનું સોફ્ટવેર અમેરિકામાં લીગલ સર્વિસ આપે છે. કોઈ પણ વકીલ કરતા ઝડપી અને સચોટ. આગામી 10 વર્ષોમાં અમેરિકામાં 90% વકીલો બેકાર હશે અને જે 10% હશે તે સુપર સ્પેશીયાલીસ્ટ હશે. વકીલાતનો બધો ધંધો અને સેવા સોફ્ટવેર મારફતે થનાર છે.
2018 સુધીમાં વગર ડ્રાઈવરની કાર સડકો ઉપર હશે અને 2020 સુધીમાં આ એક જ શોધ દુનિયા બદલી નાખશે. 90% કારો ઇલેક્ટ્રિક કે હાઈબ્રીડ હશે અને સડકો ઉપરથી 90% ટ્રાફિક ગાયબ !! UBER જેવા સોફ્ટવેરથી તમે જરૂર હોય ત્યારે જ કાર મંગાવી શકશો અને ડ્રાયવર જેવો વ્યવસાય તો દુનિયામાંથી ગાયબ જ થઇ જશે. પાર્કિંગ અને ટ્રાફિક સંચાલનના પ્રશ્નો સુલજાઈ જશે કેમ કે એક કાર આજના કરતા ચાર ગણું કામ આપી શકશે. જો આપણે પાડોશી સાથે શેર કરવાની ભાવનાથી કાર બોલાવીશું તો બાઈક કરતા સસ્તી સવારી થઇ જશે. ડ્રાઈવર વિનાની કાર અકસ્માત ઘટાડી દેશે જેથી મોટર ઇન્શ્યોરન્સનો ધંધો પણ ઠપ. પેટ્રોલીયમની ખપત નહી જેવી અને બધા આરબ દેશો દેવાળીયા.
આ વાતો હવાઈ કિલ્લા માનવા જેવા નથી. હવેની શોધો દ્વારા અમેરિકી ડોક્ટર ભારતમાં પ્રેકટીશ કરશે અને ગુજરાત કે કેરળના ગામડામાંથી દુનિયાની મોટી કંપનીઓનું સંચાલન થઇ શકશે. રિલાયંસ JIO એ કમ્યુનીકેશન કંપનીઓમાં ભૂકંપ સર્જ્યો છે. મફત કોલિંગ અને સસ્તા ડેટા દરેકે આપવાની ફરજ પડવાની છે. 4G કે 5G અને એથી ઉપર આગળ જતા ક્યાય ગયા વિના રૂબરૂ મુલાકાત ફોન દ્વારા થઇ જશે. મેડીકલ અને શિક્ષણ ઘેર બેઠા મળવામાં બહુ સમયની વાર નથી.
આ વર્ષે વર્લ્ડ બેન્કની સામાન્ય સભા પહેલા તેના ચેરમેને કરેલી આગાહી સૂચક રીતે ગંભીર છે. તેમના મતે, મશિનીકરણથી આવનાર સમયમાં ભારતમાં 69% અને ચીનમાં તેથીય વધુ રોજગાર છીનવાઈ જશે. આજેય પુરતી રોજગારી આપી શકાતી નથી અને આ નવી મોકાણ નજીકમાં જ છે. હાલમાં દેશમાં 10% લોકો 90% સમૃદ્ધી ધરાવે છે જ્યારે બાકીના 90% લોકો પાસે 10% જ વેલ્થ છે. અંદાજો મુજબ થશે તો પ્રથમ 1% લોકો 90% સમૃદ્ધી પચાવી પાડશે અને બાકીના 99% પાસે 10% જ રહેવાની છે.
આ તમામ આવનાર બદલાવોને આપણે રોકી નથી શકવાના. આપણા માટે તેમાં જોડાઈ જવાનો જ માર્ગ છે. હું શિક્ષણ સાથે સંકળાયેલો છું એટલે તે ક્ષેત્રની વાત કરીએ. 2010 પછી સેમિસ્ટર પધ્ધતિ આવી અને હવે નાબુદ થઇ રહી છે. સરકારની લાખ કોશિષ છતાં, વર્ષની શરૂઆતમાં બદલાયેલા સિલેબસ મુજબના પુસ્તકો મળી શકતા નથી. પુરક સાહિત્ય આપનાર ખાનગી પ્રકાશકો અભ્યાસક્રમ નક્કી થાય તો પુસ્તકો બનાવે અથવા છાપે ને !!! પરિક્ષા આવે ત્યાં સુધી ખબર નથી હોતી કે GUJCET ગણાશે કે NEET. થોડા સમયમાં ખબર પડે તો અભ્યાસ સાહિત્ય ના મળે.
બદલાવ ઝડપી છે અને હજુ વધારે ઝડપથી થશે. લોકોની આકાંક્ષાઓ વધી છે, સાથે સાથે ટેકનોલોજીકલ વિકાસ ઝડપથી થઇ રહ્યો છે. પુસ્તક છાપવામાં સમય જોઈએ તે જોઈએ જ. તો ઉપાય શું? બદલાતા સમય સાથે જૂની પધ્ધતિ કામ ના આવે. નવીન પધ્ધતિ અપનાવવી પડશે. online અભ્યાસ આજથી જ શરુ કરો. સરકારે પણ રગશિયા ગાડું ચલાવે નથી ચાલવાનું. online પદ્ધતિમાં થોડા સમયમાં વધુ લોકો સુધી માત્ર માહિતી કે અભ્યાસ સામગ્રી પહોચાડવાની જ નહી, નવીન પરિસ્થિતિ સાથે સામંજસ્ય કેળવવાની પણ ક્ષમતા છે. કમ્પ્યુટર અને ઈન્ટરનેટની ક્ષમતા વાપરવી જરૂરી છે. હાલમાં તો મોબાઈલ જ કમ્પ્યુટર બની ગયો છે. પુસ્તકો PDF સ્વરૂપે અને ક્લાસ વિડીયોથી કરી જુઓ. દુનિયા આ માર્ગે ક્યારનીય ચાલે છે. આપણે નવી પધ્ધતિ અપનાવી લો. જે મોડા પડશે તેમણે પસ્તાવાનું છે. જ્યારે છાપા અને સરકારી સેવાઓ પણ ઈન્ટરનેટ ઉપર મળતી થઇ ગઈ છે તો શિક્ષણ માટે કેમ રાહ જુઓ છો?