ભારત એ દુનિયાનો સૌથી ઝડપી વિકાસ કરતો દેશ છે. ભારત હવે વિકસિત દેશોની હરોળમાં છે. સાથે સાથે ભારત એક મહાસત્તા તરીકે પણ ઉભરી આવ્યો છે. ભારત એક મહાસત્તા હોવાની સાથે દુનિયાનો સાતમો સૌથી મોટો દેશ છે. પડોશી દેશોની આતંકી પ્રવૃત્તિઓને કારણે આપણો દેશ હંમેશા ઝઝૂમતો રહ્યો છે. પરંતુ આપણા વીર અને હિમ્મતવાન સિપાઈઓને કારણે એનો સામનો કરી શકીએ છીએ. આપણા આવડા મોટા દેશની સુરક્ષાની જવાબદારી આપણા સિપાઈઓને શિરે હોય છે. તો મિત્રો, ચાલો આજે આપણે ભારતની કેટલીક સિક્યુરીટી ફોર્સ વિશે માહિતી મેળવીએ જેનાથી આપણા દેશના દૂશ્મનો ધ્રુજે છે.
માર્કોસ (MARCOS) – “The few the fearless”
માર્કોસ એ ભારતીય નૌસેનાની એક સ્પેશિયલ ફોર્સ છે. માર્કોસ એ પહેલા મરીન કમાંડો ફોર્સ તરીકે ઓળખાતી હતી. માર્કોસની સ્થાપનાનો મુખ્ય હેતુ દરિયામાં કે દરિયાઈ સીમામાં કોઈ મહત્વના ઓપરેશન કે મિશન પાર પાડવાનો છે. MARCOSનો અર્થ મરીન કમાંડોસ થાય છે. મરીન કમાંડો ફોર્સની રચના 1987માં થઈ હતી અને 1991માં તેને માર્કોસ નામ આપવામાં આવ્યું. માર્કોસ કમાંડોને પાણીમાં યુદ્ધ માટેની ખાસ તાલીમ આપવામાં આવે છે. જમ્મુ કાશ્મીરમાં આ કમાંડો દાઢીવાળી ફોજ તથા જળ મુર્ગી અને મગરમચ્છના નામથી ઓળખાય છે. માર્કોસ કમાંડો કુશળ તરવૈયા અને સમૂદ્રી મરજીવા જેવા હોય છે. માર્કોસ કમાંડોની તાલીમ વિશ્વની સૌથી કપરી તાલીમ પૈકીની એક માનવામાં આવે છે.
મુખ્ય ઓપરેશન :
- કારગિલ યુદ્ધ – 1999
- ઓપરેશન બ્લૅક ટોર્નેડો – મુંબઈ આતંકવાદી હુમલો – 2008
NSG (નેશનલ સિક્યુરીટી ગાર્ડ) – सर्वत्र सर्वोत्तम सुरक्षा
NSG એ ભારતની મુખ્ય સિક્યુરીટી ફોર્સ છે. તેનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિઓને રોકવા માટે અને રાજ્ય અથવા દેશમાં થઈ રહેલા આંતરિક વિખવાદ સમયે કરવામાં આવે છે. NSG કમાંડોને એમના કાળા ગણવેશને કારણે બ્લેક કેટ તરીકે ઓળખવામાં આવે છે. 1984ના ઓપરેશન બ્લુ સ્ટાર બાદ NSGની સ્થાપના કરવામાં આવી હતી. NSG એ ભારતના ગૃહ મંત્રાલયના સીધા નિયંત્રણમાં કામ કરે છે. NSG લગભગ 15000 થી પણ વધારે કમાંડો સેવામાં છે. NSG કમાંડોને એવી રીતે તાલીમ આપવામાં આવે છે કે એ કપરામાં કપરી પરિસ્થિતિમાં પણ દુશ્મનોનો સામનો કરી શકે. NSG કમાંડો એ જમીન પર, પાણીમાં કે હવાઈ ઓપરેશન પણ પાર પાડી શકે છે. બૉમ્બ ડિસ્પોજલ થી લઈને બ્લાસ્ટ બાદની ચકાસણી પણ NSG કમાંડો કરે છે. NSG કમાંડોનો ઉપયોગ કોઈ મોટી આપત્તિ સમયે જ કરવામાં આવે છે.
મુખ્ય ઓપરેશન :
- ઓપરેશન બ્લેક ઠંડર 1 – પંજાબ – 1986
- ઓપરેશન બ્લેક ઠંડર 2 – પંજાબ – 1988
- અક્ષરધામ આતંકવાદી હુમલો – ગુજરાત – 2002
- ઓપરેશન બ્લૅક ટોરનેડો – મુંબઈ આતંકવાદી હુમલો – 2008
- પઠાણકોટ એર બેઝ આતકંવાદી હુમલો – 2016
ગરૂડ કમાંડો ફોર્સ – ॥प्रहार से सुरक्षा॥
ગરૂડ કમાંડો ફોર્સ એ ભારતીય વાયુસેનાની સ્પેશિયલ ફોર્સ છે. ગરૂડ કમાંડો ફોર્સની સ્થાપના 6 ફેબ્રુઆરી, 2004માં કરવામાં આવી હતી. 2001માં જમ્મુ-કાશ્મિરના વાયુસેનાના બે એર બેઝ પર આતંકવાદી હુમલા બાદ વાયુસેનાને આવા હુમલા સામે રક્ષણ માટે સ્પેશિયલ કમાંડો ફોર્સની રચના કરવાની જરૂરિયાત જણાઈ અને ગરૂડ કમાંડો ફોર્સની રચના થઈ. ગરૂડ કમાંડો મુખ્યત્વે હવાઈ ઓપરેશન માટે ઉપયોગમાં લેવાય છે. ગરૂડ કમાંડોનું મુખ્ય મથક નવી દિલ્હી ખાતે આવેલું છે. ગરૂડ કમાંડોને આતંકવાદી હુમલા સમયે ફસાયેલા નાગરિકોને બચાવવા અને એર બેઝ જેવા મહત્વના સ્થળે થતા હુમલામાં આખા એર બેઝના રક્ષણની જવાબદારી આપવામાં આવે છે. ગરૂડ કમાંડોની તાલીમ ભારતની તમામ ફોર્સ પૈકીની સૌથી લાંબી છે. ગરૂડ કમાંડોની તાલીમ ચાર વર્ષ જેટલી લાંબી હોય છે. ગરૂડ કમાંડો ફોર્સમાં અંદાજે 2000 જેટલા જવાનો હાલમાં સેવામાં છે.
મુખ્ય ઓપરેશન :
- પઠાણકોટ એર બેઝ આતકંવાદી હુમલો – 2016
- UN પીસકિપીંગ ઓપરેશન
PARA સ્પેશિયલ ફોર્સ – “Men apart, every man an emperor”
PARA કમાંડો એ ભારતીય સેનાનો એક ભાગ છે. આ ફોર્સનો મુખ્ય હેતુ રેસ્ક્યુ ઓપરેશન, આતંકી ગતિવિધીઓ રોકવા માટે તથા બંદી બનાવાયેલા નાગરિકોને છોડાવવા માટે થતા હૉસ્ટેજ રેસ્ક્યુ ઓપરેશન ચલાવવાનો છે. PARA ફોર્સની સ્થાપના 1966માં થઈ હતી. 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ બાદ આપણી સિક્યુરિટી ફોર્સમાં વધારો કરવાના હેતુથી એની સ્થાપના થઈ હતી. PARA ફોર્સને કારગિલ યુદ્ધમાં પણ મહત્વની જવાબદારી સોંપાઈ હતી. PARA ફોર્સની 8 બટાલિયન હાલમાં ભારતમાં સેવામાં છે.
મુખ્ય ઓપરેશન :
- ભારત-પાકિસ્તાન યુદ્ધ – 1971
- ઓપરેશન બ્લુ સ્ટાર – 1984
- ઓપરેશન પવન – શ્રીલંકા – 1987
- ઓપરેશન કૅક્ટસ – માલદીવ – 1988
- કારગિલ યુદ્ધ – 1999
- મ્યાનમારમાં આતંકવાદી છાવણી પર હુમલો – 2015
સ્પેશિયલ ફ્રંટિઅર ફોર્સ :
સ્પેશિયલ ફ્રંટિઅર ફોર્સની સ્થાપના 14 નબેમ્બર, 1962માં થઈ હતી. આ ફોર્સની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ ભારત-ચીન યુદ્ધ પછી ચીનની સરહદે રક્ષણ અને જો ફરીથી યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો તેના માટેની પૂર્વતૈયારી કરવાનો હતો. આ ફોર્સ એ ભારતની ગુપ્તચર સંસ્થા RAWના સીધા નિયંત્રણમાં કાર્યરત છે. હાલમાં 10,000થી પણ વધુ જવાનો સ્પેશિયલ ફ્રંટિઅર ફોર્સમાં સેવામાં છે. આ ફોર્સનું વડુમથક ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું છે. આ ફોર્સનો મહત્તમ ઉપયોગ પર્વતો અને જંગલોમાં થતા ખાસ ઓપરેશન માટે કરવામાં આવે છે.
મુખ્ય ઓપરેશન :
- ભારત-પાકિસ્તાન યુદ્ધ – 1971
- ઓપરેશન બ્લુ સ્ટાર – 1984
ઘાતક ફોર્સ :
ઘાતક ફોર્સ એના નામ પ્રમાણે જ સાચે જ ઘાતક છે. ભારતીય સેનાના સીધા નિયંત્રણમાં આવતી આ ફોર્સમાં આશરે 7000થી પણ વધારે જવાનો સેવામાં છે. ઘાતક ફોર્સમાં શારીરિક રીતે સૌથી સારા અને મજબૂત જવાનોને સામેલ કરાય છે અને આવા કમાંડો કોઈ અન્ય બટાલિયન કે સેનાની સહાય વગર પણ પોતાનું ઓપરેશન પાર પાડી શકે તે રીતે તાલીમબદ્ધ કરાય છે. દરેક ભારતીયને શાંતિ અને સુરક્ષાનો અહેસાસ થાય તેવી ઘાતક ફોર્સની માત્ર કામગીરીજ નહી સાંત્વના પણ છે. આ ફોર્સ ગમે તેવા વિપરિત સંજોગોમાં કામ કરી શકે છે. ઘાતકનો એક સૈનિક દૂશ્મનના અનેક જવાનો માટે પૂરતો તેમ જ વિધ્વંશક છે. ઘાતક ફોર્સની તાલીમ શાળા કર્ણાટકા રાજ્યમાં આવેલી છે.
મુખ્ય ઓપરેશન :
- કારગિલ યુદ્ધ – 1999
- જમ્મુ-કાશ્મિરના મોટા ભાગના ઓપરેશન
સ્પેશિઅલ પ્રોટેક્શન ગ્રુપ (SPG) – शौर्यम् समर्पणम् सुरक्षणम्
SPG ની સ્થાપના ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઇંદિરા ગાંધીની હત્યા બાદ 1988માં કરાઈ હતી. SPGની સ્થાપનાનો મુખ્ય હેતુ વડાપ્રધાન અને ઉચ્ચ હોદ્દેદારોના કુટુંબના નીકટના લોકોની સુરક્ષા કરવાનો છે. SPGમાં હાલમાં 3000 જેટલા જવાનો સેવામાં છે. SPG ફોર્સના હેડને ડિરેક્ટર કહેવામાં આવે છે જેમની નિમણૂક કેંદ્ર સરકાર દ્વારા કરાય છે. આ ફોર્સ સીધા કેંદ્ર સરકારના ગૃહ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. SPGનું મુખ્ય મથક નવી દિલ્હીમાં છે. SPG ના જવાનો અદ્યતન હથિયારોથી લેસ હોય છે. APG ઍક્ટ-1988 હેઠળ આ જવાનો મિડિયા કે કોઈ અન્ય માહિતીસંચારના સાધનો સાથે જોડાઈ શકતા નથી.
જય હિંદ