Press "Enter" to skip to content

ભારતમાં ઘર કરી રહેલો હેકર્સનો આતંક

Yogesh Patel 0

આજે ભારત એ દુનિયાનો સૌથી વધુ ઝડપથી વિકસતો દેશ છે. વિકાસની સાથે સાથે ભારત એ મોબાઈલ અને ઈંટરનેટના ઉપયોગમાં પણ વિકસિત બની રહ્યો છે. આજે દેશના મોટાભાગના લોકો સુધી સ્માર્ટ ફોન પહોંચી ગયો છે. Reliance Jio આવતાની સાથે લોકો ફ્રી ઈંટરનેટ અને ફ્રી કોલિંગની સુવિધાએ એમાં ઘણા અંશે વધારો કર્યો છે. પરંતુ એની સાથે સાથે લોકો હેકર્સનો પણ ભોગ બની રહ્યા છે. ઈન્ટરનેટ સર્ફીંગમાં ભારતની વેબસાઈટો અને સર્ફીંગ કરનારાઓને નિશાન બનાવવામાં આવે છે. સાયબર હુમલા કરનારાઓની યાદીમાં ભારત 15મા નંબરે છે. કેટલાક સર્વે તો એમ પણ કહે છે કે ભારતમાં સર્ફીંગ કરનારાની સંખ્યા વધી છે પણ તે લોકો પાસવર્ડ પ્રોટેક્શન અંગે ઈન્ટરનેટ પરની સાવચેતી બાબતે બહુ નોલેજ નથી ધરાવતા. ઈ-મેલ મારફતે હેકીંગ કરનારા જે દેશો પર હેકર્સ ત્રાટકે છે તેમાં ભારત ત્રીજા નંબરે છે. ભારતમાં સર્ફીંગ કરનારાઓને લોટરીના મેલથી દૂર રહેવા અને સંપત્તિના મેલથી દુર રહેવા વારંવાર જણાવાય છે છતાં સર્ફીંગ કરનારા માત્ર મેલ ખોલતા નથી પણ પૈસા મેળવવાની લાલચમાં પોતાની ગુપ્ત માહિતી જાહેર કરી છેતરાય પણ છે.

ફીશીંગ એટેકની તો યુઝર્સને ખબર પણ નથી પડતી. ક્રેડીટ કાર્ડ પર થતા ટ્રાન્ઝેક્શન પર આવી ફીશીંગ સિસ્ટમ નજર રાખે છે. ક્રેડીટ કાર્ડનો ઓનલાઈન ઉપયોગ કરનાર ઈ-કોમર્સનો ઉપયોગ કરે છે ત્યારે તેનો કાર્ડ નંબર ફીશીંગ એટેક કરનાર પાસે આવી જાય છે. ભારતમાં ક્રેડીટ કાર્ડ ઈસ્યુ કરતી ટોચની બેંકો ગ્રાહકોની સુરક્ષા રાખવામાં નિષ્ફળ નીવડે છે. ગ્રાહકને જ્યારે મોબાઈલ પરથી ખ્યાલ આવે છે કે તેના કાર્ડનો ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે તે કાર્ડ બંધ કરાવવા કેસ કરે ત્યાં સુધીમાં તો તેના કાર્ડ પર હજારોનું ટ્રાન્ઝેક્શન થઈ ગયું હોય છે. બિચ્ચારા ગ્રાહકે તે પૈસા ભરવા પડે છે. ક્યારેક ગ્રાહકને રીફંડ મળે છે. તો ક્યારેક પૈસા ગુમાવવા પડે છે. એવરેજ ગ્રાહકો પૈસા ગુમાવે છે. હેકર્સ ભારતના ડેટા પણ ચોરે છે. સાયબર સિક્યોરિટી એજંસીઓનો અંદાજ છે કે ભારતના મંત્રાલયો, સંરક્ષણ ખાતુ વૈજ્ઞાાનિક સંસ્થાઓ અને દૂતાવાસોના ડેટા હેકર્સે ચોર્યા છે. હાલમાં જ કેટલીક બૅન્કોના લાખો ATM એક સાથે બંધ કરવાની ફરજ પડી. કારણ એ હતું કે ગ્રાહકોનો ડેટા કોઈ હેકર્સ ગ્રુપે ચોરી લીધો છે. નિષ્ણાતો માને છે કે સાયબર હુમલાનો સામનો કરવા ભારતે એક અલગ સલામતી એજંસી ઉભી કરવી જોઈએ. જેમાં સાયબર હુમલાનો સામનો કરવાની નીતિને પણ સમાવવી જોઈએ.

hacking_sl_31_03_2012

મિત્રો આજે સ્પામ મેલ અને ફીશીંગ મેલ ના માધ્યમથી હેકર્સ લોકોને છેતરવાનું કાર્ય કરતા હોય છે. ઈંટરનેટનો ઉપયોગ કરવાવાળા કેટલાય લોકો એવા હશે જેઓ આ વિશે અજાણ હશે અને હેકર્સનો ભોગ બનતા હશે. આપણે એના વિશે પણ થોડું માર્ગદર્શન મેળવીએ.

સ્પામ મેલ

સાયબર હુમલા કરનારાનું સુવ્યવસ્થિત તંત્ર હોય છે. દરેક દેશના સર્ફીંગ કરનારાની લાલચને તે ઓળખે છે. ભારત સર્ફીંગ કરનારાઓની નજર લોટરી, અચાનક મળતી સંપત્તિ, સેક્સ વગેરે પર વધુ હોય છે. ભારતના સર્ફીંગ કરનારા કોઈને મદદ કરવા પણ તલપાપડ હોય છે. એટલે જ જ્યારે લોટરી જીત્યાના મેલ અને કરોડો રૃપિયા કમાવવાની વાત આવે છે ત્યારે તે તરત જ મેલ ખોલે છે. લોટરીની લાલચવાળા મેલ ખોલવા જોખમી હોય છે તે જાણકારી હોવા છતાં તે પૈસાની વાતમાં ભોળવાય છે. આવા સ્પામ મેલ સર્ફીંગ કરનારને ફસાવે છે.

ફીશીંગ મેલ

ફીશીંગ મેલને તળાવના કિનારે ગલ નાખીને માછલી પકડનારા સાથે સરખાવી શકાય. ફીશીંગ મેલ તમારા કોમ્પ્યુટર પર કબજો જમાવી દે છે. વપરાશકારોને તેની ખબર નથી હોતી. પરંતુ ઈન્ટરનેટ પર જ્યારે કોઈ ફાયનાન્શીયલ ટ્રાન્ઝેક્શન થાય છે કે ક્રેડીટ કાર્ડનો ઉપયોગ થાય છે ત્યારે ફીશીંગ કરનાર સક્રિય બની જાય છે અને ટ્રાન્ઝેક્શનના પાસવર્ડ-યુઝર નેમ વગેરે તેની પાસે આવી જાય છે.
ફીશીંગ કરનારા ધીરજ રાખીને બેઠા હોય છે, જ્યારે ટ્રાન્ઝેક્શન થાય છે કે તરત જ તેના આંગળાની કરામત શરૃ થઈ જાય છે. લોકોના ખાતામાં લાખો રૃપિયા અદ્રશ્ય કરવાની તાકાત આ ફીશીંગ કરનારાઓએ બતાવી છે.

indianhackers

ભારત પર તથા ત્રાસવાદી હુમલામાં કોઈને કોઈ ત્રાસવાદી સંગઠન વહેલી-મોડી જવાબદારી સ્વીકારી લે છે, પરંતુ સાયબર ત્રાસવાદ સાયલન્ટ હોય છે. તે હુમલો કરે છે પણ પકડી શકાતો નથી. સાયબર હુમલાના આંકડા પર નજર કરીએ તો 2008 માં 2000 સાયબર હુમલા થયા હતા તો 2011માં તે સંખ્યા 12,000 પર પહોંચી છે. વિશ્વમાં સાયબર હુમલા સૌથી વધુ રશિયા પર થાય છે. અન્ય દેશોમાં થતા સાયબર હુમલા તે દેશનો વિષય છે પણ જ્યારે ભારતમાં ઈન્ટરનેટનો વપરાશ વધ્યો છે ત્યારે સાયબર હુમલાનો શિકાર થનારની સંખ્યા પણ વધી છે. ભારતમાં ઈન્ટરનેટ પર સલામતી આપવી તે સરકારની ફરજમાં આવે છે પણ જ્યારે સરકારના મહત્વના ડેટા ચોરાતા હોય ત્યારે તે સામાન્ય પ્રજા માટે શું કરી શકે?

ભારતના આઈટી કાયદા નબળા છે અને કાયદાનું અમલીકરણ કરતી સંસ્થાઓમાં બાહોશ સ્ટાફનો અભાવ છે. સાયબર હુમલા સામે ભારત શું કરી શકે તે વિચારવાનો સમય સરકાર પાસે નથી. ભારતની આઈટી કંપનીઓએ સરકારને ચેતવી છે કે કાયદા કડક બનાઓ. ભારતના રાજકારણમાં સાયબર યુધ્ધ ભારતના રાજકારણમાં સાયબર યુધ્ધ તખ્તા પર આવી રહ્યું છે. બ્લોગ અને ટ્વીટર પર નેતાઓ બેસતા થઈ ગયા છે અને પોતાનો ઓપીનીયન આપતા થઈ ગયા છે. કોંગ્રેસના વાઈસ પ્રેસિડેન્ટ રાહુલ ગાંધીએ કોંગ્રેસના નેતાઓને ઈન્ટરનેટનો ઉપયોગ કરવા સમજાવ્યા છે. પરંતુ હાલમાં જ રાહુલ ગાંધીનું ટ્વીટર એકાઉંટ હેક કરી એમાં અભદ્ર મેસેજ લખવામાં આવ્યા હતાં. સાથે સાથે કૉંગ્રેસનું પણ ટ્વિટર એકાઉંટ હૅક કરવામાં આવ્યું હતું. રાજનેતાઓ પોતાની વિરોધી પાર્ટીઓ પર એનું દોષારોપણ કરે છે પણ સમજવાની વાત એ છે કે આવા સાયબર ક્રાઈમ સામે દરેક રાજકીય પક્ષો એક ક્યારે થશે ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *