ભાવનગર શહેરમાં ચાલુ વર્ષે ચોમાસા દરમ્યાન શહેરના જુદા જુદા સ્થળે 1000 જેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું તેમજ તેને ઉછેરવાની પણ જવાબદારી લીધી હતી.
ગ્રીનસીટી દ્વારા ચાલુ ચોમાસાની સીઝન દરમિયાન આશરે 1000 જેટલા વૃક્ષોનું ટ્રી-ગાર્ડ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. આ તમામ વૃક્ષોની ગ્રીનસીટી સંસ્થા દ્વારા નિયમિત રીતે સંભાળ લેવાઇ રહી છે. તાજેતરમાં ગ્રીનસીટી સંસ્થા દ્વારા શહેરના ઘોઘાસર્કલથી શીવાજીસર્કલ કે જે લીમડી ચોક તરીકે જાણીતો છે અને જ્યાં લીમડાના અનેક વૃક્ષો વર્ષોથી શીતળતા આપી રહ્યાં છે. આ રોડ ઉપર જ્યા જ્યાં લીમડાના વૃક્ષો નથી અને જગ્યા ખુલ્લી છે તે સ્થળ ઉપર ગ્રીનસીટી દ્વારા 51 લીમડાના વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે.
આથી થોડા જ વર્ષોમાં આ આખો જ વિસ્તાર લીમડાના વૃક્ષોની ઠંડક અને છાયાથી ઘેઘુર થઇ જશે. જે એક અલગ જ નઝારો આ વિસ્તારને આપશે તેમ ગ્રીનસીટીના દેવેનભાઇ શેઠે જણાવ્યું હતું. વધુમાં આ વિસ્તારના દરેક દુકાનદારોએ આ વૃક્ષારોપણને ખુબ જ આવકાર્યુ હતું અને વૃક્ષોને પાણી પાવાની તથા સંભાળ લેવાની જવાબદારી દુકાનદારોએ સ્વીકારી હતી. ચાલુ ચોમાસા દરમિયાન પર્યાવરણની રક્ષા માટે ભાવનગરની પ્રજાએ વૃક્ષારોપણ માટેનો ઉત્સાહ દાખવ્યો હતો.
વૃક્ષારોપણ એ માત્ર પ્રાસંગિક ઉત્સવ ન બની રહેતાં વાવેલા વૃક્ષોનું જતન થાય તેમજ વર્ષો સુધી તેના થનાર ઠંડક તેમજ પ્રદૂષણ મુક્તિ જેવા લાભો પર્યાવરણ અને લોકોને મળી રહે તે માટે વૃક્ષારોપણ પછી વૃક્ષોની સંભાળ અને જાળવણી માટે પણ કાર્ય કરતી ગ્રીનસીટી જેવી સંસ્થાઓનું કાર્ય ખરેખર પ્રશંસનીય છે.