Press "Enter" to skip to content

મહાપર્વ નવરાત્રી

Yogesh Patel 0

या देवी सर्वभुतेषू शक्तिरूपेण सं‍‍स्थिता।

नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥

નવરાત્રી એટલે આરાસુરી માં અંબાની ઉપાસનાનો તહેવાર. નવ રાત્રીનો મહોત્સવ એટલે નવરાત્રી. દેશનો લાંબામાં લાંબા તહેવાર અને એક સાંસ્કૃતિક પર્વ તરીકે નવરાત્રી એ આપણી ગરવી ગુર્જર ભૂમિની એક આગવી ઓળખ સમાન છે. આપણા ગુજરાતની અસ્મિતા તણા આ પર્વનું ગુજરાતની સાથે સાથે દેશ-વિદેશમાં પણ ખૂબ જ મહત્વ છે. નવરાત્રીમાં આદ્યશક્તિ માતા નવદુર્ગાની ઉપાસના અને ભક્તિનું અનેરુ મહત્વ છે. નવરાત્રી એ પ્રાણ અને આત્માને સ્વચ્છ અને તંદુરસ્ત રાખવાનો ઉત્સવ છે. જે આપણાં તન-મનમાં છુપાયેલા અસૂરોનો નાશ કરે છે.નવરાત્રી દરમિયાન શક્તિના નવ સ્વરૂપોની પૂજા થાય છે. દેવીની પૂજા પ્રદેશની પરંપરાના પર આધારિત હોય છે. દેવી માતા નવ સ્વરૂપોમાં પ્રગટ થઇ અને એક એક દિવસે માટે એક સ્વરૂપની પૂજા કરવાનું કહેવામાં આવ્યું છે. દેવીના નવ સ્વરૂપો મહત્વપૂર્ણ રીતે વિવિધ લક્ષણો સાથે આપણા પર પ્રભાવ પાડે છે.

  • દુર્ગા, જે અપ્રાપ્ય છે તે
  • ભદ્રકાલી
  • અંબા કે જગદંબા, વિશ્વમાતા
  • અન્નપૂર્ણા, જે અનાજ (અન્ન)ને મોટી સંખ્યામાં સંઘરીને રાખે છે તે.
  • સર્વમંગલા, જે બધાને (સર્વને) આનંદ (મંગલ) આપે છે તે.
  • ભૈરવી
  • ચંદ્રિકા કે ચંડી
  • લલિતા
  • ભવાની
  • મોકામ્બિકા

નવરાત્રી એક એવો મહોત્સવ છે કે જે લોકોને ગાંડા કરી મૂકે છે. મોડી રાત સુધી લોકો ગરબા રમે છે અને ખૂબ ઉમંગ અને ઉલ્લાસથી નવરાત્રીનો આ મહાઉત્સવ ઉજવે છે. આ ઉત્‍સવ દરમ્‍યાન ગુજરાતીઓ શેરીઓમાં, પોળોમાં, મેદાનોમાં ગરબે ઘુમવા ઉમટી પડે છે. 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી સદા કાળ ગુજરાત' આ કાવ્‍ય પંક્‍તિને અનુરૂપ ફક્‍ત ગુજરાતમાં જ નહીં, પરંતુ જ્યાં જ્યાં ગુજરાતીઓ વસેલા છે, ત્‍યાં ત્‍યાં તેમણે આ ઉત્‍સવની મહેક પહોંચાડી દીધી છે. આ ઉત્‍સવ માટે ગુજરાતીઓ જ નહિં, પરંતુ તેમની સાથે વસતા અન્‍ય લોકો પણ રાહ જુએ છે.

નવરાત્રી એ એકતા અને અસત્‍ય પર સત્‍યનો વિજયનો પ્રતિક રૂપ તહેવાર છે. નવરાત્રી ઉત્‍સવ માનવીને પોતાની ભૂલો સમજીને તેને સુધારવાની તક આપે છે. માનવીય સ્‍વભાવમાં ત્રણ પ્રકારના ગુણો આવેલા છે. પહેલો તમો ગુણ જે ડર, લાગણી અને તણાવ દર્શાવે છે, બીજો રજો ગુણ જે દયા દર્શાવે છે અને ત્રીજો ગુણ સત્‍વગુણ જે સત્‍ય, સ્‍વચ્‍છતા, શાંતિ સ્‍વભાવ દર્શાવે છે. આ ત્રણેય ગુણો પર વિજય મેળવવા માટે ત્રણ ત્રણ દિવસ માં શક્તિની આરાધના કરવામાં આવે છે. નવરાત્રીના નવ દિવસો પૈકી પ્રથમ ત્રણ દિવસોમાં માં દુર્ગાની આરાધના કરવામાં આવે છે. દેવી એક પવિત્ર શક્તિ તરીકે અલગ થઇ જેથી આપણી તમામ અપવિત્રતાનો તે નાશ કરી શકે, જે દુર્ગા કે કાલી તરીકે ઓળખાય છે. બીજા ત્રણ દિવસોમાં માં લક્ષ્મીની આરાધના કરવામાં આવે છે. માતાની પ્રેમપૂર્વક પવિત્ર સંપત્તિ આપનાર લક્ષ્મી પણ છે, સંપત્તિની દેવી હોવાને કારણે તેમના ભક્તોને અખૂટ સંપત્તિ આપવા માટે તે સક્ષમ છે. અંતિમ ત્રણ દિવસોને બુદ્ધિના દેવી સરસ્વતીની પૂજા માટે અર્પિત કરવામાં આવે છે. જીવનમાં તમામ સફળતા મેળવવા માટે, લોકો આ તમામ દેવી નારી સ્વરૂપોના આશીર્વાદ મેળવવા જરૂરી સમજે છે, અને માટે જ નવ રાત્રીની પૂજા કરવામાં આવે છે.

નવરાત્રી દરમિયાન કેટલાક દુર્ગામાતાના ભક્તો ઉપવાસ અને પ્રાર્થના કરે છે જેથી તેમના સ્વાસ્થ્ય અને સમૃદ્ધિને રક્ષણ મળતું રહે. આ સમય આત્મનિરક્ષણ અને પવિત્રતાનો છે, કોઇ પણ નવું કાર્ય કરવા માટે પરંપરાગત રીતે નવરાત્રીનો આ સમય, એક માંગલિક અને ધાર્મિક સમય છે. નવરાત્રી દરમિયાન શ્રદ્ધાળુંઓ માતાને રાજી કરવા માટે અને દુનિયામાં શાંતિ સદભાવનું વાતાવરણ બનતું રહે તે માટે પ્રાર્થના કરે છે. દશમા દિવસે અસત્‍ય પર સત્‍યના વિજયના પ્રતિક રૂપે વિજયા દશમી તહેવાર ઉજવવામાં આવે છે. નવરાત્રીનો તહેવાર અબાલ-વૃદ્ધ દરેક ઉમરનો તફાવત ભૂલીને હળીમળીને ઉજવે છે. આ દરમિયાન દુનિયાભરના લોકો ગુજરાતની પરંપરા અને સંસ્‍કૃતિને માણવા માટે આવે છે.

નવરાત્રીમાં ગરબા રમવા માટેની ઘણા પ્રકાર છે. કેટલાક પ્રાચીન તો કેટલાક અર્વાચીન દાંડિયા દ્વારા રાસ રમવામાં આવે છે. ગરબા દોડીયું, સાદી પાંચ, સાદીસાત, પોપટીયું, ત્રિકોણીયું, લેહરી, ત્રણ તાળી, હુડો, પતંગિયું જેવી શૈલીમાં રમવામાં આવે છે. નવરાત્રી દરમ્યાન લોકો માના ગોખની ફરતે મોડી રાત સુધી ગરબા ગાઈને ઉજવણી કરે છે. આજના કાળમાં નવરાત્રીમાં યુવાનો-યુવતીઓમાં થનગનાટ જોવા મળે છે. નવ દિવસ સુધી યુવા હૈયાઓ અવનવા વેશભૂષા સાથે ઢોલીડાના તાલે ગરબે રમીને ઝુમી ઉઠે છે. દર વર્ષે ઉજવાતી નવરાત્રીના સંગીત, નૃત્‍ય, પૌશાકમાં નવીનતા જોવા મળે છે. આ નવીનતાની સાથે નવરાત્રીની પરંપરા અને સંસ્‍કૃતિ પણ અકબંધ રહે છે. આ નવદિવસ દરમિયાન નૃત્‍ય અને સંગીતની ધૂમ ચાલે છે. નવરાત્રી ગુજરાતના ધાર્મિક મૂલ્‍ય, સમૃદ્ધ ઇતિહાસ, સંસ્‍કૃતિ, પરંપરાની ઝાંખી કરાવે છે. નવરાત્રી દરમિયાન પ્રવાસીઓ એક ઉજળા, સુંદર, ધાર્મિક અને પવિત્ર ગુજરાતની છાપ લઇને જાય છે.

हे देवी, भगवती माता, विद्यादायिनी, शक्ति।

लक्ष्मी प्रदान करने वाली को बारंबार नमस्कार है।।

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *