Press "Enter" to skip to content

રક્ષાબંધન

Yogesh Patel 0

hrb

बांधे बहन, बंधे भाई, यह अमर स्नेह का नाता ।

बंधन से रक्षा करती, रक्षा से बंधन आता ॥

આપણી ભારતીય સંસ્કૃતિમાં સામાજિક તહેવારોનું વિશેષ મહત્વ રહ્યું છે. જીવનની ભાગદોડમાંથી થોડા સમય માટે અલિપ્ત રહીને આપણે આ તહેવારોનો આનદ માણીએ છીએ. સામાજિક તહેવારો આપણામાં ધર્મ પ્રત્યેની ભાવનાને જીવંત કરે છે અને આપણા સંબંધોમાં મીઠાશ પૂરે છે. સામાજિક તહેવારો સમાજમાં એકતા માટે પણ એટલા જ જરૂરી છે. સૌ સાથે મળી આ તહેવારો ઉજવે છે અને આનદ-હર્ષોલ્લાસથી પોતાના જીવનમાં એક નવી ઊર્જા અને નવા જોશનું સિંચન કરે છે.  પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને સાથે સાથે વિવિધ તહેવારોની ભરમાડ પણ. આ તહેવારો પૈકી આજે રક્ષાબંધનના તહેવાર નિમિત્તે સૌને અભિનંદન.

આપણે સૌ જન્મથી જ સંબંધોની વિશિષ્ટ રચનામાં આવી જઈએ છીએ. એ પૈકી જો કોઈ સૌથી પવિત્ર સંબંધ હોય તો એ ભાઈ-બહેનનો સંબંધ છે. આજે રક્ષાબંધન છે. રક્ષાબંધનનો તહેવાર એ ધાર્મિકની સાથે સાથે આપણો સામાજિક તહેવાર પણ છે. આ દિવસે દરેક બહેન પોતાના ભાઈને રાખડી બાંધીને એના મંગલ ભવિષ્યની કામના કરે છે. પવિત્ર શ્રાવણ માસની પૂનમને દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. રક્ષાબંધનનો તહેવાર એ ભાઈ-બહેનના પવિત્ર પ્રેમને પ્રગટ કરે છે. આપણા તહેવારો પૈકી આ તહેવાર એ વિશિષ્ટ મહત્વ ધરાવે છે. આ દિવસે ભાઈ અને બહેન સવારે વહેલા ઊઠી નવા કપડા પહેરે છે. બહેન પોતાના ભાઈને કપાડ પર કુમકુમનો ચાંદલો કરી આરતી ઉતારે છે. પછી જમણા હાથે રાખડી બાંધે છે અને પોતાના ભાઈ માટે મંગલ કામના કરે છે. ભાઈ પણ પોતાની બહેનની જીવનભર રક્ષા કરવાનું વચન આપે છે અને યથાશક્તિ કોઈ ભેટ આપી બહેનને ખૂશ કરે છે. રક્ષાબંધનનું મહત્વ વધારે છે એનું એક કારણ એ પણ છે કે આ તહેવારમાં નાત-જાતના કે કોઈ સંબંધોના ભેદભાવ વગર પોતાના માનીતા ભાઈને બહેન પ્રેમથી રાખડી બાંધે છે. રાખડી એ બહેનની પોતાના ભાઈ પ્રત્યેની મંગલ કામના અને પ્રેમનું પ્રતિક છે. રાખડીનો સાચો અર્થ પણ એ જ થાય છે કે કોઈને પોતાની સુરક્ષા માટે બાંધી લેવો. આ દિવસે બહેનો, પોતાના ભાઈને રાખડી બાંધીને પોતાના જીવનની રક્ષાની જવાબદારી સોંપી દે છે. રક્ષાબંધનના ધાર્મિક મહત્વની વાત કરીએ તો આ દિવસે બ્રાહ્મણો નદી કે સરોવર કિનારે જઈ વિધિવત સ્નાન કરી પોતાની જનોઈ બદલે છે. સાગરખેડુ ભાઈઓ આ દિવસે દરિયાદેવને નાળિયેર ચઢાવી પૂજા કરે છે. તેથી આ દિવસને નાળીયેરી પૂનમ પણ કહેવામાં આવે છે.

રક્ષાબંધનમાં બ્રાહ્મણો પણ રાખડી બાંધે છે. આપણા પૌરાણિક ઇતિહાસમાં ઘણા એવા પ્રસંગો છે જેમાં ભાઈ બહેન સિવાયના સંબધોમાં પણ રાખડી બાંધવામાં આવી હોય. એક પૌરાણિક કથા અનુસાર ભાગવાન શ્રી હરિ વિષ્ણુએ જ્યારે વામન રૂપ લઈ બલિ રાજા પાસે ત્રણ ડગલાનું દાન માગ્યું ત્યારે ભગવાને પ્રથમ પગલામાં સમસ્ત પૃથ્વી, બીજા પગલામાં સમસ્ત બ્રહ્માંડ અને ત્રીજું પગલું બલિરાજાના માથા પર મૂકી એમને પાતાળલોકમાં મોકલી એનું સર્વસ્વ લઈ લીધું. ભગવાનનું આ કાર્ય લક્ષ્મીજીને કપટ લાગતા એમણે બલિરાજાના હાથે રાખડી બાંધી હતી જેથી તેમનું રક્ષણ થાય. બલિ રાજાના નામ પરથી આ તહેવાર બળેવ તરીકે પણ ઓળખાયો. મહાભારતમાં પણ કુંતા માતા અભિમન્યુને રાખડી બાંધીને યુદ્ધમાં મોકલે છે. દેવ દાનવના યુદ્ધ વખતે પણ ઇંદ્ર દેવની રાણી ઈંદ્રાણી ઇંદ્રદેવ અને અન્ય દેવને રાખડી બાંધે છે. આવા રાખડીના અનેક પ્રસંગો છે જે રક્ષાબંધનના મહત્વને સિદ્ધ કરતા હોય.

રક્ષાબંધન એ ખરેખર ભાઈ-બહેનના એકબીજા પ્રત્યેના અંતરના અસીમ પ્રેમને ઉજાગર કરતું પર્વ છે. ભાઈ-બહેન સુખ દુઃખના અનેક પ્રસંગોમાં સાથે હોય છે, અનેક વાર લડતા ઝઘડતા અને પરિણામે રિસામણાની પરિસ્થિતિ પણ આવે, તોય અંતરમાં તો એકબીજા પ્રત્યે અનન્ય પ્રમ ધબકતો જ રહે છે.  રક્ષાબંધન એ સૌને આનદ આપતો અને સમાજિક સંબંધોમાં મીઠાશ આપતો તહેવાર છે. ભાઈ-બહેનનું નિઃસ્વાર્થ હેત આપણા બધાયે સંબંધોમાં આગવું અને એક અનન્ય સ્થાન ધરાવે છે. પરંતુ ક્યારેક વધારે અપેક્ષા વાદ વિખવાદને પણ જન્મ આપે છે પરંતુ આપણે આ તહેવાર પ્રેમથી ઉજવવો જોઈએ. જીવનનું એક કટુ સત્ય એ પણ છે કે જીવનમાં સંબંધો જ મહત્વના છે. બીજા બધા સાધનો તો ફક્ત ભૌતિક સુખાકારી માટે જ છે. જો સંબંધો સચવાયેલા હશે તો દરેક સુખ આવશે જ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *