વિશ્વમાં ઔદ્યોગિકરણ એ સામાજિક, આર્થિક અને રાજકીય બદલાવનું અગત્યનું પરિબળ બનેલું છે. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત યુરોપમાં થઈ. જેના પરિણામે વિશ્વ મધ્યયુગીન વ્યવસ્થામાંથી આધુનિક કાળમાં પ્રવેશ્યું. ઔદ્યોગિક ક્રાંતિના કારણે ઉપનિવેશવાદ વિકસ્યો. યુરોપની પ્રજાઓએ વિશ્વના મોટાભાગના દેશો પર સામ્રાજ્યો સ્થાપ્યા અને રાજકીય, સામાજિક તેમજ આર્થિક વ્યવસ્થાઓ નવીન સ્વરૂપે અમલી બની. ઔદ્યોગિકરણથી જેમ માનવજીવન અને સમાજ ઉપર દૂરગામી પરિણામો આવ્યા તે જ રીતે પર્યાવરણ માટે પણ ઔદ્યોગિકરણ મોટું નકારાત્મક પરિવર્તનનું કારણ બન્યું. ઔદ્યોગિકરણથી શહેરીકરણનો વિકાસ થાય તેમજ વસ્તી વૃદ્ધિ થાય. જેને પરિણામે પ્રાકૃતિક જંગલો તેમજ જંગલી પ્રાણીઓનો નિવાસ વિસ્તાર ઘટે છે એ સ્વયં સ્પષ્ટ છે. આપણે ત્યાં પણ ઔદ્યોગિકરણ, શહેરીકરણ, આધુનિક જીવન પદ્ધતિ વગેરેના સારા અને નરસા પરિણામો દેખાય છે. નરસા પરિણામોમાં જૈવિક વિવિધતાનો વિનાશ સૌથી વધુ વ્યાપકપણે અનુભવાય છે. આ પૂર્વભૂમિકાસહ આજના વિશ્વ વાઘ સંરક્ષણ માટેના દિવસની ઉજવણી કરીએ તો વધુ વ્યવહારૂ ગણાશે.
આજે વિશ્વ વાઘ દિવસ છે. વાઘને બચાવવા અને એની જાળવણી અને લુપ્ત થતાં બચાવવા માટે સેન્ટ પીટ્સબર્ગમાં 2010માં યોજાયેલી Tiger Summit માં 29 જુલાઈને વિશ્વ વાઘ દિવસ તરીકે મનાવવાની શરૂઆત કરવામાં આવી. આ દિવસ મનાવવાનો મુખ્ય ઉદ્દેશ વૈશ્વિક સ્તરે વાઘની જાળવણી અને તેને બચાવવા માટેના ઉપાયો લોકો સુધી પહોચાડવા અને લોકોની સહભાગીદારીથી વાઘને લુપ્ત થતાં બચાવવાનો છે.
ભારતમાં પ્રાકૃતિક સાનૂકૂળતાઓ અને થોડાઘણા અંશે જંગલ વિસ્તારના કારણે ઘણા-બધાં જંગલી પ્રાણીઓ જોવા મળે છે. જંગલનો રાજ સિંહ હોય કે પછી વાઘ. જે રીતે એશિયાઈ સિંહોની વસ્તી માત્ર ભારતના ગુજરાતમાં જ છે એવી રીતે વાઘ માટે પણ ભારત જ પ્રથમ નબરે છે. દુનિયામાં વાઘની વસ્તીના અડધા કરતાં વધારે વાઘ ભારતમાં છે. વાઘ એ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. વાઘ એ ફક્ત રાષ્ટ્રીય પ્રાણી જ નહિ પણ આપણા દેવી દેવતાઓનું વાહન પણ છે. દુનિયામાં અત્યારે વાઘનું અસ્તિત્વ જોખમમાં છે. દુનિયાના ફક્ત 12 દેશમાં જ વાઘનું અસ્તિત્વ છે. વાઘની મુખ્ય 9 પ્રજાતિઓમાંથી 3 પ્રજાતિ તો લુપ્ત જ થઈ ગઈ છે. અને જે વાઘ કે વાઘની પ્રજાતિ વધી છે તેની સંખ્યા પણ વૈશ્વિક લેવલે નહિવત જ છે. છેલ્લી વાઘની વસતી ગણતરી પ્રમાણે વિશ્વમાં વાઘની કુલ સંખ્યા આશરે 3890 છે. જેમાંથી ફક્ત ભારતમાં જ 2226 જેટલા વાઘ છે. એટલે કે ભારત જ વાઘની સૌથી વધારે વસ્તી ધરાવે છે.
અત્યાર સુધી વિવિધ સંસ્થાઓ અને સરકારો દ્વારા વાઘ બચાવોની ઝૂંબેશ તથા કાર્યક્રમો થતાં જ રહ્યા છે, પરંતુ તેમાં કોઈ સફળતા મળી નથી લાગતી. ભારતે આ વિષયે ખૂબ જ ગંભીરતાથી નોંધ લીધી છે તેવું આપણી સરકારોના પ્રયત્નો પરથી દેખાય છે. ભારતમાં 1973માં એ વખતના તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઈંદિરા ગાંધીએ વાઘને બચાવવા માટેનો ‘પ્રોજેક્ટ ટાઈગર’ નામે સૌથી મોટો સંરક્ષણ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો અને વાઘના શિકાર પર કાયદેસરની રોક લગાવી. વાઘ મુખ્યત્વે માનવ વસાહતવાળા વિસ્તારોમાં રહેતા હોવાથી માનવ સાથેનું ઘર્ષણ અને શિકાર એમની ઘટતી જતી સંખ્યા માટે જવાબદાર પરિબળ છે. જેને કારણે એ જ્યાં માનવ વસાહતનો અભાવ હોય એવી 25 જગ્યાઓ પર ટાઈગર રીઝર્વ બનાવવામાં આવ્યા છે. એ પછી સમયાંતરે વાઘને બચાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. છેલ્લી વાઘની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં વાઘની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
વાઘની વસતી ઘટાડા પાછળ મુખ્ય કારણ માનવ વસાહતોનો વધારો અને જંગલોનો વિનાશ માનવામાં આવે છે. 20મી સદીની શરૂઆતમાં દુનિયામાં લગભગ 1,00,000થી પણ વધારે વાઘ હતાં. પરંતુ ત્યારબાદ શિકારની પ્રવૃત્તિઓમાં ખૂબ જ વધારો થયો. એ વખતના રાજા-મહારાજાઓમાં વાઘના શિકારનો એક શોખ હતો. અન્ય લોકો પણ વાઘનો શિકાર કરી એના ચામડાનો વેપાર કરતાં હતા. અંગ્રેજ શાસનના જમાનામાં શોધાયેલી નવી બંદુકોએ પણ શિકારની પ્રવૃત્તિને ઉત્તેજન આપ્યું. વાઘના નખ અને એના ચામડાનું ખૂબ ઊંચી કિંમતે વેચાણ થાય છે. આંતરરાષ્ટ્રીય સ્તરે એની ખૂબ માંગ હોવાથી લોકો વાઘનો શિકાર કરે છે. આ સિવાય ચીન અને એની આસપાસના વિસ્તારોમાં વાઘના વિવિધ અંગોનો ઔષધી તરીકેનો ઉપયોગ પણ વાઘના શિકાર માટે જવાબદાર ગણવામાં આવે છે. વાઘની ચામડી અને નખ માટે થતો શિકાર અને શહેરીકરણ તથા જંગલોના અભાવે વાઘની સંખ્યા માત્ર 3000ની આસપાસ જ રહી ગઈ છે. અન્ય કારણો જોઈએ તો વાઘને રહેવા માટે જરૂરી અને યોગ્ય જંગલોની ઘટતી સંખ્યા, પર્વાવરણમાં વધતું પદૂષણ, ગ્લોબલ વૉર્મિંગ, પાણી અને હવાનું પ્રદૂષણ અને પર્યાવરણમાં વધતું અસંતુલન વાઘની ઘટતી સંખ્યા માટે પણ જવાબદાર છે.