વાઘ બારસ એ દિવાળીના તહેવારોની શરૂઆત છે. આસો વદ બારસ એટલે વાઘ બારસ.
ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં (ખાસ કરીને પૂર્વીય પટ્ટામાં) વાઘ અને તેના જેવા જંગલી પ્રાણીઓથી રક્ષણ અર્થે ઈશ્વરની પૂજા કરવા માટેનો આ તહેવાર છે.
ગુજરાતી વેપારીઓમાં વાઘ બારસના દિવસથી જ વર્ષ પૂર્ણ ગણાય છે. સહુ આ દિવસથી વાર્ષિક હિસાબો પૂરા કરી ચોપડા પૂરા કરે છે.
આ દિવસથી ત્રણ દિવસ દુકાન, ઓફિસની સાફ સફાઈ કરી નવા વર્ષે નવા ચોપડે હિસાબોની શરૂઆત કરે છે.
વચ્ચેના દિવસો દિવાળીની રજાઓ ગણાય છે.
ઘરોમાં આજથી દિવાળીનો માહોલ શરૂ થઈ જાય છે. સાંજે ઊમરોઠ પર તેમજ ગોખમાં દિવડા પ્રગટાવવાની શરૂઆત થઈ જાય છે.
જે આખા દિવાળી તહેવાર દરમિયાન ચાલુ રખાય છે.
દિવાળી દરમિયાન મીઠાઈઓ અને અન્ય વ્યંજનો બનાવવાનું અને એકબીજાને શુભેચ્છા પાઠવવાનું પણ શરૂ થઈ જાય છે.
પોડા બારસ :
આ દિવસને પોડા બારસ પણ કહેવાય છે.
અગાઉ જ્યારે લીંપણવાળા મકાનો અને આગણાં હતા ત્યારે ઘરની સાફ સફાઈ પતાવી નવું લીંપણ કરી આ દિવસથી દિવાળીની શરૂઆત કરવાનો રિવાજ હતો.
વાક બારસ :
આસો વદ બારસને વાક બારસ પણ કહેવામા આવે છે.
વાક એટલે વાણી. આ દિવસે વિદ્યાની દેવી સરસ્વતીનું પૂજન કરવામાં આવે છે.
(ધનની દેવી લક્ષ્મીના તહેવાર ધનતેરસ અગાઉ વિદ્યાની દેવીનું પૂજન એમ સૂચવે છે કે, ધન કરતાં વિદ્યા મહત્વની છે અને તેના મહત્વ અનુસાર દિવાળીમાં પ્રથમ શરૂઆત વિદ્યાની દેવીના પૂજનથી થાય છે).
વસુ બારસ :
આ દિવસ વસુ બારસ તરીકે પણ ઓળખાય છે.
વસુ એટલે ગાય. આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે, ગાયના રૂએ રૂએ દેવતાનો વાસ છે. આથી દિવાળીના તહેવારોની શરૂઆત ગાયના પૂજનથી કરવામાં આવે છે. આ દિવસે ગાયને નીરણ કે ખાણ ખવડાવવાનો મહિમા છે.
અગાઉના સમયમાં તો કોઇની ધન સંપત્તિ પણ તેની પાસે કેટલી ગાયો છે તેના આધારે નક્કી થતી.
વળી ખેતીપ્રધાન ભારતમાં ગાયનું આર્થિક અને ધાર્મિક મહત્વ અનન્ય છે.
એવું મનાય છે કે આ દિવસે ક્ષીર સાગરમાથી ગાયનું પ્રાગટ્ય થયું હતું.
આમ, આ દિવસ ગૌવંદનાનો દિવસ ગણાય છે.
આપણે ઉપર આસો વદ બારસની પૌરાણિક માન્યતાઓ અને મહત્વ જોયું.
આજે તો એ માત્ર રૂટિન તહેવાર બની ગયેલ છે.
જન સામાન્ય અને ખાસ કરીને બાળકોમાં આપણા તહેવારો પ્રત્યે, તેના મહત્વ અને સમાજ જીવનમાં તેના અગત્ય અંગે જાગૃતિ ફેલાય એ જરૂરી છે.