હતાશા એટલે આપણે જે કામ કરતા હોય અથવા જે સંજોગો સાથે સંકળાયેલા હોય અને તેમાં તકલિફ કે વિપત્તિ આવે ત્યારે જે કરતા હોય તે બધું મૂકી દઈ કંઈજ ન કરવાનું મન થાય અથવા માનસિક રીતે એવું માનવા લાગીએ કે હવે મારાથી કઈજ થઈ શકે તેમ નથી. આવી સ્થિતિ મનુષ્ય માટે કોઈ નિષ્ફળ કામ કરવા કરતાં પણ ખરાબ ગણાય કારણ કે, નિષ્ફળતા એ કર્મનું પરિણામ છે પરંતુ કર્મ જ ન કરીએ એ તો પલાયનવૃત્તિ કહેવાય. હતાશાના કારણો અનેક હોઈ શકે પરંતુ તેનું નિરાકરણ શોધવાને બદલે મુઠ્ઠી વાળીને બેસી જવું એ કોઈપણ રીતે યોગ્ય નથી.
દરેક માણસોના જીવનમાં ક્યારેક હતાશા અને નિરાશાનો સમય આવે જ છે. આપણા જીવનમાં સુખ અને દુઃખ એ એક સિક્કાની બે બાજુઓ જેવું જ છે. આજની આ મહત્વાકાંક્ષી અને સપનાઓની દુનિયામાં ક્યારેક વિપત્તિ એટલે કે અસફળતાથી કે પ્રગતિ કરવાની દોડમાં માણસ હતાશાનો ભોગ બને છે. આવા સમયે આપણે લાચાર થઈ જઈએ છીએ. ધારેલું કોઈ લક્ષ્ય પાર ન પડે ત્યારે આપણા અંદરની હિંમત અને ધૈર્યને ટકાવી રાખવું ખૂબ જ મુશ્કેલ છે પરંતુ તે ટકાવી રાખવું એટલું જ જરૂરી છે. ક્યારેક આપણા જીવનમાં ઘટી રહેલી કેટલીક ઘટનાઓ આપણા માટે હતાશાનું કારણ બને છે. આવા કારણોને આપણે જલદી આપણા મન-મગજમાંથી કાઢી શકતા નથી. આપણી બધી જ ખૂશીઓ અને મનની શાંતિ ક્યાંક ખોવાઈ જાય છે અને આપણું મન વ્યથિત થઈ જાય છે. ઘણીવાર વધારે હતાશામાં લોકો એકલતાનો અનુભવ કરે છે અને કેટલાંક તો આત્મહત્યા કરવા જેવા અંતિમ પગલા તરફ પણ દોરાઈ જતા હોય છે.
ભૂતકાળના કોઈ ઘા કે વ્યથા, ગુસ્સો અને બદલાની ભાવનાને કારણે આપણે આગળ વધી શકતા નથી અને એને કારણે હતાશામાં સપડાઈ જઈએ છે. હતાશામાંથી બહાર આવવાનો જો કોઈ વિકલ્પ હોય તો એ છે કે તમે હતાશાને ખંખેરી આગળ વધો. બદલાતી પરિસ્થિતિ સાથે તેમાંથી બહાર આવવાનો પ્રયત્ન જ આપણને આ અંધકારમાંથી બહાર લાવી શકશે. ઉદ્યમ એ સંકટ સમયની સાંકળ સમાન છે. આગળ વધવાના પ્રયત્નો જ આપણને એક નવો ધ્યેય, તે ધ્યેય સિદ્ધ કરવાની નવો જોશ, પ્રેરણા અને શક્તિ આપશે. જે થયું તેનો સ્વીકાર કરી, તેમાં જાણે-અજાણે થયેલી ભૂલોનો સ્વીકાર કરી તેમાં સુધારા કરવાનાં પ્રયત્નો કરવા જોઈએ. કારણ કે નિષ્ફળતા એજ સફળતાની ચાવી છે. આપણે જેટલી વધારે મુશ્કેલીઓ, વિપત્તિ કે અસફળતાઓનો સામનો કરશું તેટલા જ વધારે પરિપક્વ અને અનુભવી બનશું અને છેવટ જતાં તે જ પરિપક્વતા અને અનુભવ આપણને જીવનમાં એક નવી પ્રેરણા અને રાહ પ્રદાન કરશે જે આપણી તથા આપણા પરિવારની સુખાકારી અને પ્રગતિમાં સહભાગી બનશે.
(ધોરણ 8 થી 10માં વિચાર વિસ્તાર અંતર્ગત આવી પંક્તિઓ પુછાઈ શકે છે.)