વિશ્વ વર્તમાનમાં પર્યાવરણ સંબંધી જટિલ સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે તે આપણે સૌ જાણીએ જ છીએ. આવાં સંજોગોમાં તારીખ 5 જુન એ સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ – world environment day તરીકે ઉજવવામાં આવે છે. જેનો ઉદ્દેશ વૈશ્વિક પર્યાવરણ અંગે જાગૃતિ ફેલાવવી તેમજ પર્યાવરણની જાળવણી માટે સામૂહિક પ્રયાસોને વેગવાન બનાવવાનો છે. પર્યાવરણ એ કુદરતની માજવજાત માટે ઊભી કરેલી એવી રચના છે જેના વિના માનવીનો વિકાસ અને માનવ સંસ્કૃતિની પ્રગતિ શક્ય નથી. આપણાં અસ્તિત્વ માટે પણ સંતુલીત પર્યાવરણ અનિવાર્ય છે. માનવ જાતે વિકાસની આંધળી દોડમાં પર્યાવરણને અપૂર્ણનીય નુકસાન પહોંચાડ્યું છે. કેટલીક બાબતોમાં તો સહનશીલતાની હદ વટાવી દીધી છે.
પરિસ્થિતિની ગંભીરતા:
માનવજાતે વૈશ્વિક પર્યાવરણને કરેલા નુકશાનની અસરો આજે તેના ગંભીર સ્વરૂપે દેખાઇ રહી છે. ગ્લોબલ વૉર્મિંગ, ઓઝોન સ્તરમાં ખવાણ, ઋતુચક્રમાં ફેરફાર, જળ, જમીન અને હવાની બદતર બનેલી ગુણવત્તાં એ તેના દ્રશ્યમાન લક્ષણો છે. ભારત જેવાં વિકાસશીલ દેશોમાં શહેરો જાણે કે, ગૅસ ચેમ્બર બની ગયાં છે. આપણાં શહેરોનું હવામાં પ્રદુષનું સ્તર યોગ્ય માત્રા કરતાં અનેક ગણું વધારે પ્રદુષિત થઈ ચુક્યુ છે. આપણે અનાયાસ આગામી પેઢીને પ્રદુષિત પર્યાવરણની મુશ્કેલીઓ વારસામાં આપી રહ્યાં છીએ.
વળી, આપણાં દેશમાં પર્યાવરણ સંરક્ષણ અંગે અન્ય બાબતોની જેમ જ અપૂરતા પ્રચાર- પ્રસાર અને જાણકારીના અભાવે લોકો પર્યાવરણને તેમજ પોતાની જાતને પણ ગંભીર નુકશાન પહોંચાડે છે અને તેઓ એ બાબતે જરાય સચેત પણ નથી. ખેતરોમાં વધેલા કચરાને બાળી મૂકવાની, પ્રદુષિત પાણી જમીનમાં ઊતારી દેવાની, ઔદ્યોગિક પ્રદુષિત પાણી પુન:વપરાશ યોગ્ય બનાવ્યા વિના જમીનમાં ઊતારી દેવું કે જળ સ્ત્રોતોમાં તેનો નિકાલ કરી દેવો, પેસ્ટીસાઈઝ અને રાસાયણિક ખાતરોનો અવિચારી ઉપયોગ કરવો જેવી અનેક પર્યાવરણને હાનિકારક પ્રવૃત્તિઓ બે-રોકટોક ચાલે છે અને તેનાં લાંબા ગાળાના પરિણામો આજે આપણે ભોગવી રહ્યાં છીએ. દેશના કેટલાંક ભાગોમાં દુષ્કાળ તો અન્ય ભાગોમાં અતિશય વરસાદ એ હાલના સમયમાં રુટીન બની ગયેલ છે. જેનાંથી બે બાજુનું નુકશાન ભોગવવું પડે છે. આ અંગે વ્યાપક જાગૃતિની ખાસ જરૂર છે.
અમેરિકા અને પેરિસ સંધિ :
હાલમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના પૅરિસ સંધિમાંથી ખસી જવાની એક તરફી જાહેરાત કરી જે વિશ્વનાં દેશોનાં પર્યાવરણ જાણવણી અંગેનાં સામુહિક પ્રયાસોને મોટા ફટકારૂપ છે. પૅરિસ સંધિ એ વિશ્વના દેશોનાં વર્ષોનાં પ્રયત્નને અંગે તૈયાર થયેલ સંધિ છે. જેમાં કાર્બન ઉત્સર્જનનું પ્રમાણ ક્રમશ ઘટાડવાની સમજુતી થયેલ છે અને તે સંધિ દુનિયાના લગભગ 196 દેશોએ સ્વીકારેલ હતી. હવે જો અમેરિકા જેવો દુનિયાનો સૌથી વધુ પ્રદુષણ ફેલાવતો દેશ આ સંધિ માંથી ખસી જાય તો સકારાત્મક પરિણામો મેળવવાં અતિદુષ્કર બની જાય તેમ છે. આવાં વૈશ્વિક રાજકારણ અને સમય સંજોગોનાં ત્રિભેટે ઉભેલી દુનિયા અત્યારે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ ની ઉજવણી માટે તૈયારી કરી રહી છે. જેથી તેનાં ઇચ્છિત પરિણામો અંગે શંકા થવી વ્યાજબી છે. જો કે અમેરિકા સિવાયનાં બધાં દેશોએ અમેરિકાના આ નિર્ણયની ટીકા કરી છે અને અમેરિકા સિવાય પણ બધાં એ પૅરિસ સંધિને અમલમાં મુકવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. જે આવકાર દાયક છે.
સામૂહિક પ્રયાસોની જરૂર:
આપણે એ સમજી લેવાની જરૂર છે કે વ્યક્તિગત કે સામુહિક રીતે થઈ રહેલાં પર્યાવરણ બચાવવાનાં પ્રયત્નો અપુરતાં છે.
વર્ષમાં એક દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી પૂરતી નથી.
પર્યાવરણને માણસે જે નુકસાન પહોંચાડ્યું છે તે કોઈ રીતે પુરી શકાય તેમ નથી.
આપણે તો માત્ર કુદરતની સાથે એટલો વધું સંઘર્ષ ન કરીએ
કે જેનાં માઠાં પરિણામો માનવજાતનું જ નિકંદન કાઢી નાખે તેની કાળજી રાખી શકીએ તેમ છીએ.
એ પણ સ્પષ્ટ છે કે પર્યાવરણ સાથે હવે વધુ છેડછાડને કુદરત સહેવાની નથી.
પૃથ્વીરૂપી ગ્રહ એ કુદરતની રચનાઓનો એક નાનકડો ભાગ છે,
પણ માનવજાત માટે તે સમસ્ત છે.
લોકો બ્રહ્માંડમાં જીવનની શક્યતા વાળી અન્ય જગ્યાઓની શોધમાં હંમેશાં લાગેલાં રહે છે.
પરંતું આપણાં આ ઘરને જીવવાલાયક સાચવી રાખવામાં હજુ જોઈએ તેટલી સજાગતા નથી જે ખરેખર દુ:ખની બાબત છે.
જો કે સામુહિક પ્રયાસો તેમજ પર્યાવરણ જાણવનીની સજાગતાં વધે તો આપણે હજુ પણ ઘણું કરી શકીએ તેમ છીએ.
આમ, પણ માનવ સંસ્કૃતિ અનેક પડકારોનો સામનો કરીને આજે આ તબક્કે પહોંચી છે.
અને ભવિષ્યમાં આવનાર પડકારોનો પણ સામનો કરશે એવી આશાએ હકારાત્મક વલણ રાખી ચાલો આપણે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી કરીએ.
સામાન્ય લોકો, વિદ્યાર્થીઓએ, સમાજ સેવકો, નેતાઓ, પર્યાવરણવિદ્દો, સહુનો આ કાર્યમાં સહકાર જરૂરી છે.
સહુ સાથે મળીને પ્રયાસો કરીશું તો જ સારા પરિણામો મળશે
અને ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ ની ઉજવણી માત્ર દેખાડો નહીં પણ પરિણામદાયક ઝુંબેશ બનશે.