સફળતા એ દરેક વ્યક્તિના જીવનનો એક ઉદ્દેશ હોય છે. આજના આ હરીફાઈના યુગમાં દરેકને સફળ થવું છે. એકબીજાથી આગળ જવાની જાણે હોડ લાગી છે. એવું લાગે છે કે લોકો બસ ગાંડા થયા છે. પણ સફળતા એ કાંઈ હાથવેંતમાં નથી. એને માટે પરિશ્રમ અને એના માટેની લગન હોવી ખૂબ જ જરૂરી છે. દુનિયાના મહાનતમ લોકોના જીવન પ્રસંગો જોઇએ તો ખબર પડે કે એ લોકો કાંઈ એમ જ મહાન નથી બન્યા. વૈજ્ઞાનિક હોય કે પછી અર્થશાસ્ત્રી, રાજનેતા કે કોઈ સમાજસેવક, કોઈ રમતનો ખેલાડી હોય કે પછી કોઈ તત્વચિંતક વગેરે જેવા વ્યવસાયો સાથે સંકળાયેલા કોઈ પણ વ્યક્તિના જીવન પ્રસંગ દ્વારા જ જાણી શકાય કે એ વ્યક્તિ પોતે આજે સફળ કેમ છે, કેમ લોકો એને યાદ કરે છે, કેમ આજના નવયુવાનો એ વ્યક્તિને પોતાનો રોલ મોડેલ માને છે. તો આવો આજે આપણે ક્રિકેટની દુનિયામાં જેને એક ઉમદા અને પ્રતિભાશાળી ખેલાડી તરીકે સ્થાન મળ્યું છે તેમજ વિશ્વના સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે જેની નામના છે એવા ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીના એક જીવન પ્રસંગ દ્વારા એના વ્યક્તિત્વ અને ક્રિકેટ પ્રત્યેની એની મહેનત અને લગન વિશે થોડું જાણીએ.
મિત્રો, વાત December – 2006 ની છે. એ વખતે વિરાટ કોહલી ફક્ત 18 વર્ષનો કિશોર હતો. દિલ્હીના ફિરોજ શાહ કોટલા મેદાનમાં કર્ણાટક અને દિલ્હી વચ્ચે રણજી ટ્રોફીની મેચ ચાલતી હતી. કર્ણાટકે પ્રથમ ઈનિંગમાં 446 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં દિલ્હીની અડધી ટીમ 60 રનના સ્કોરે આઊટ થઈ ગઈ હતી. વિરાટ કોહલી અને તેના સાથી ખેલાડીએ બીજા દિવસની રમતના અંતે ટીમનો સ્કોર 5 વિકેટ ગુમાવી 103 રન સુધી પહોચાડ્યો. એ દિવસે સાંજે વાયુવેગે સમાચાર આવ્યાં કે વિરાટ કોહલીના પિતા પ્રેમ કોહલીનું હાર્ટ અટેકને કારણે મૃત્યું થયું છે. વિરાટની જીંગદીમાં જાણે કે વાવાઝોડું આવી ગયું. હવે, વિરાટ પાસે બે વિકલ્પ હતાં. કાંતો તે તેના પરિવાર પાસે જાય અથવા તો દિલ્હી માટે રમીને ટીમને હારથી બચાવે. બીજા દિવસે બધા એકદમ અચંબામાં પડી ગયા જ્યારે વિરાટ ક્રિકેટ રમવા માટે મેદાનમાં ઉતર્યો. એ દિવસે વિરાટ 281 મિનિટ રમ્યો. બીજે દિવસે 238 બોલ રમીને 90 (281 બોલમાં) રનના અંગત સ્કોરે આઉટ થયો. જ્યારે વિરાટ આઉટ થયો ત્યારે દિલ્હીની ટીમ પર હારનો કોઈ ખતરો નહોતો. ડ્રેસિંગ રૂમમાં જઈ પોતે કેવી રીતે આઊટ થયો છે તે વિડિયો જોયો અને પછી ફટાફટ પોતાના પરિવાર પાસે જવા રવાના થયો. વિરાટને કારણે દિલ્હીની ટીમ મેચ બચાવવામાં સફળ રહી.
વિરાટ કોહલી, આમ તો ફક્ત નામ જ બહુ બધું કહી જાય છે, વિરાટના પરિચયની જરૂર નથી.19 વર્ષની વયે ભારતીય ટીમને Under 19 વર્લ્ડકપ અપાવી ભારતનું ગૌરવ વધાર્યું. ખૂબ જ નાની ઉમરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણ કરી ભારતીય ટીમમાં પોતાની દાવેદારી મજબૂત કરી અને હાલમાં ટેસ્ટ ટીમનો કેપ્ટન પણ બન્યો. ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં વિરાટ કોહલીનો જાદુ છે. અત્યારે વિરાટ એ ખૂબ જ ઉમદા ફોર્મમાં ચાલી રહ્યો છે. ભારતની સાથે સાથે દુનિયાના કરોડો લોકો વિરાટના ફેન છે. પણ આટલી બધી સફળતા પાછળ વિરાટની મહેનત અને એની પ્રબળ ઇચ્છાશક્તિ છે. નાની ઉંમરમાં જ ખૂબ જ મહેનત અને આક્રામકતાને કારણે વિરાટ એ સિદ્ધિઓના શિખર પર છે. વિરાટે સાબિત કર્યું છે કે જો આપણે મનમાં દ્રઢ સંકલ્પ અને મહેનત કરીએ તો ધારી સફળતા પ્રાપ્ત કરી શકીએ છીએ.
મૂળ પ્રસંગની વાતમાં વિરાટ જાણતો હતો કે એના પિતા રહ્યાં નથી પણ વિરાટ એ પણ જાણતો હતો કે દિલ્હીની ટીમને એની જરૂર છે અને મેચ બચાવી શકાય તેમ છે અને મેચ બચાવી પણ ખરી. આ પરથી જાણી શકાય કે વિરાટ પોતાની ક્રિકેટની રમત પ્રત્યે કેટલો નિષ્ઠાવાન, પ્રતિબદ્ધ છે અને એનું મનોબળ પણ કેટલું ગઝબ હશે. આ સ્વભાવને કારણે જ વિરાટ કોહલી આજે આટલો સફળ છે અને વિરાટની આ હિંમત આપણને ઘણું બધુ શિખવી જાય છે. છેલ્લે વિરાટ કોહલીએ કહેલી એક વાત જરૂર કહીશ કે, આત્મવિશ્વાસ અને પરિશ્રમથી આપણે સફળતા અવશ્ય મેળવી શકીએ છીએ.