આજે 31 ઓક્ટોબર છે અને આજનો દિવસ સરદાર સાહેબનો જન્મ દિવસ તથા ઇન્દિરા ગાંધીનો નિર્વાણ દિવસ છે. બન્ને મહાનુભાવો વચ્ચે અનેક અસમાનતાઓ વચ્ચે અનેક સમાનતાઓ પણ છે. સહુથી વધુ દ્રશ્યમાન સમાનતા એટલે લોખંડી મનોબળ અને કરેલો નિર્ધાર પૂર્ણ કરવાની ક્ષમતા. બન્ને નેતાઓનો કાર્યકાળ જુદો-જુદો હતો અને તેમની સામેની સમસ્યાઓ પણ જુદી જુદી હતી, છતાં બન્નેએ બાખૂબી પોતાનો રોલ ભારતના વર્તમાનને ઘડવામાં નિભાવ્યો અને આજે ભારત જે છે તેમાં બન્ને નેતાઓના કાર્યનું પ્રતિબિંબ દેખાય છે.
સરદાર પટેલ
સરદાર પટેલ વિષે ગુજરાતી પાઠક માટે લખવું ખુબ જોખમ ભર્યું છે. સરદાર સાહેબ વિષે આપણે ઘણું જાણીએ છીએ અને અર્વાચીન નેતાઓ પોતાના લાભ માટે પણ તેમના વિષે ચર્ચા જગાવતા રહે છે. વળી, વર્તમાનમાં પાટીદાર અંદોલનના કારણે પણ સરદાર સાહેબને દરરોજ માત્ર યાદ જ કરવામાં નથી આવતા પણ તેમના વક્તવ્યો અને ક્વોટ પણ ટાંકવામાં આવે છે. સરદાર સાહેબને આપણે જેટલા યાદ કરીશું તેટલું આપણું ભલું જ થવાનું છે કારણ કે આપણી સમસ્યાઓને હાલ કરવામાં તેમનું ઉદાહરણ, તેમના વિચારો અને તેમનું ચિંતન ખુબ ઉપયોગી છે.
એક ખેડૂત પિતાનો પુત્ર અને નડીયાદમાં ગુજરાતી માધ્યમમાં શરૂઆતનો અભ્યાસ કરનાર વ્યક્તિ પોતાના મક્કમ મનોબળથી બેરિસ્ટર બને એ જેટલું કુતુહલ પ્રેરે તેટલું જ ઠાઠ-માઠની જિંદગી છોડી ગાંધીજીના સંપર્કમાં આવ્યા બાદ ધીમે ધીમે ગાંધીજીના સિદ્ધાંતો સાથે એટલા ઓતપ્રોત બની જાય કે સહુ તેમને ગાંધીજીનો પડછાયો માનવા પ્રેરાય. અંતમાં જ્યારે દેશના ભાગલાનો સમય આવ્યો અને કોઈની હિમ્મત નહોતી કે ગાંધીજી સમક્ષ વાત મુકે ત્યારે માત્ર ગાંધીજીને વાત કરી સંમત કરવાની જ નહી પણ જો ગાંધીજી ના માને તો તેમને કોરાણે મૂકી ભાગલા સ્વીકારી લેવાની હિંમત માત્ર સરદારમાં જ હતી અને તે તેમણે કરી દેખાડ્યું. વાતોના વડા કરવા અને શાંત ચિત્તે ધ્યેય સાધવો એ બે વચ્ચે શું ફરક છે તે સરદારના જીવનમાંથી શીખવા મળે છે.
ખેડૂત હિતની વાતો કરી નેતા બની જનારા લોકોએ સાચી ખેડૂત ચળવળ ચલાવવા સરદારના બારડોલી સત્યાગ્રહમાંથી ઘણું શીખવું પડે તેમ છે. તેમની જેમ માત્ર હિમ્મત જ નહી ફના થઇ જવાની તૈયારી કેળવવી પડશે. વહીવટી આયોજન અને સંપૂર્ણ વફાદાર બીજી હરોળના નેતાઓ જ નહી સંનિષ્ઠ કાર્યકરોની વિશાળ ફોજ તૈયાર કરવી પડે. અને તો જ ખેડૂત આંદોલનો સફળ થાય. આજે તો આંદોલનકારીઓ નાનકડો તાલુકા-જીલ્લનો હોદ્દો મળતા જ ફરી જાય છે અને સરકાર પાસે તો મંત્રીપદથી શરુ કરીને અનેક હોદ્દાની લાલચ હાથવગી છે. અર્વાચીન ભારતની ખેડૂત ચળવળો નિષ્ફળ જવામાં સક્ષમ નેતાગીરીનો અભાવ મુખ્ય કારણ છે.
સરદાર સાહેબની સરખામણી કોઈ બિસ્માર્ક સાથે કરે છે ત્યારે એ યાદ રાખવાનું છે કે બીસ્મારકે નાનકડા જર્મનીનું એકીકરણ કર્યું હતું અને સરદારે એક ઉપખંડ જેવડા ભારતનું એકીકરણ કરેલું. ભારત અનેક વિવિધતાઓ ભર્યો દેશ હોવા સાથે સરદારે સહુ રાજવીઓની સાથે સમજાવટથી કાર્ય પાર પાડેલું એ પણ યાદ રાખવા જેવું છે. આમ સરદાર સાહેબની કોઈ સાથે સરખામણી શક્ય જ નથી અને જો કરવી જ હોય તો તેમને ચાણક્યની સાથે સરખાવવા જોઈએ. મુસદ્દીગીરીમાં સરદાર સાથે એક પાટલે બેસે તેવો અર્વાચીનોમાં તો કોઈ છે જ નહી. વળી, થોડા વર્ષોમાં પોતાને છોટે સરદાર કહેવડાવાની જે ફેશન ચાલી છે તે પણ સરદારનું અપમાન છે. આજે કોઈ ગમે તેટલું મોટું કામ કરી બતાવે પણ સરદારે કરેલા કામ સમયે જે પરિસ્થિતિઓ હતી તેને કેમ ભૂલી જવાય? આજે તો આપણા નેતાઓ ચડ્યા રોટલા પીરસવાનું જ કામ કરે છે અને પોતાને છોટે સરદાર કહેવડાવવા મથે છે. રાજકારણની ચાપલુસીભરી જમાતમાં ખાંડી ભડકી એટલે મેંડી ભડકે, અને કહેવાતા અનુયાયીઓ પણ પોતાના નેતાને છોટે સરદાર કહેવડાવે. કાંય નહી તો, આપણે ગુજરાતીઓએ તો કોઈને પણ છોટે સરદાર કહેતા કે કહેવડાવતા રોકવા જ જોઈએ.
સરદાર સાહેબ મહાનાયક તો હતા જ પણ સાથે સાથે મહામાનવ પણ હતા. વિપરીત પરિસ્થિતિમાં નિયત ધ્યેય સાધવા જરૂરી એકાગ્રતા અને યોગ્ય સમયે ત્વરા બન્ને બાખૂબી વાપરી જાણતા. તત્કાલીન સમયે નેતાઓ અનેક હતા પણ કોંગેસના સંગઠન ઉપર જે પકડ સરદાર સાહેબની હતી તે અન્ય કોઈનામાં નહોતી. તેમની સંગઠન શક્તિ તેમની દરેક મુસીબતમાં સાથ આપતી અને વિપત્તિને તેઓ ઉપલબ્ધિમાં ફેરવી દેતા. સરદાર સાહેબના જીવનના પાને પાને આપણી સમસ્યાઓના ઉકેલ પડ્યા છે આપણે માત્ર તેનું યોગ્ય સમયે અનુકરણ કરવાની જરૂર છે. આજે આપણે તેમને અનુસરવાનું પ્રણ લઇ તેમને સાચી શ્રદ્ધાંજલિ અર્પીએ.
ઇન્દિરા ગાંધી
ઇન્દિરા ગાંધીને યાદ કરવાની અને તેમના જીવનમાંથી પ્રરણા લેવાની આજે સહુથી વધુ જરૂર છે. નેતાઓની જન્મ તારીખ કે નિર્વાણ તીથી યાદ ના હોય તો વાંધો નહી પણ તેમના કાર્યને તો આપણે એક કૃતઘ્ન રાષ્ટ્ર તરીકે યાદ રાખવું જ પડે. સરકારમાં પક્ષ બદલાઈ જવાથી કોઈ નેતાનું પ્રદાન ઘટી નથી જતું. કટોકટીનો નિર્ણય અને તેના પરિણામો ઈન્દિરાજીએ તેમના કાર્યકાળમાં જ ભોગવી લીધેલા અને તે પછી શંભુમેળો જેવી સરકારોથી ત્રાસી આ દેશે જ તેમને ફરીથી બાઇજ્જત નેતા સ્વીકાર્યા હતા ને? આજે કોન્ગેસને કટોકટી માટે ગાળો દેતા નેતાઓ કટોકટીના સાચા વિલન તરીકે વગોવાયેલા સંજય ગાંધીના વારસદારોને કેમ જવાબદેહીમાથી મુક્ત ગણે છે? પક્ષ બદલવાથી જવાબદેહી પૂરી ના થઇ જાય પણ પ્રજા જ્યારે ટૂંકી યાદદાસ્ત રાખે ત્યારે નેતાઓ પોતાની ગમતી વાત ચલાવે રાખે અને અણગમતી વાતો સિફતપૂર્વક ઢાંકી દેતા હોય જ છે.
ઈન્દિરાજીએ દેશ માટે અનેક કાર્યો કર્યા છે પણ આજે તો બાંગ્લાદેશ મુક્તિના યુદ્ધ સમયે તેમણે દર્શાવેલી મક્કમતાની તાતી જરૂર છે. દેશ પાસે આજે છે તેનાથી ખુબ ઓછી શક્તિ, સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સ્વીકાર્યતા હોવા છતાં મક્કમ મનોબળ અને આયોજનથી તેમણે પાકિસ્તાનના ભાગલા કરીને જે મુસદ્દીગીરી બતાવી એની આજે ભારતને જરૂર છે. વાર-તહેવારે આતંકી હુમલા અને ઉપરથી પરમાણુ બોમ્બનો ભય દેખાડતા પાકિસ્તાનની સમસ્યાનો ઉકેલ શોધવાનો સમય આવી ગયો છે. અમેરિકા કે બીજા કોઈ પણ દેશને કરગરવાથી આપણું ભલું થવાનું નથી. બીજા આપણા પ્રશ્નો ઉકેલવાના નથી એ સત્ય આપણા નેતાઓ જેટલું વહેલું સમજે તેટલું દેશનું વધુ ભલું થશે.
બીજી અગત્યની સમસ્યા કાશ્મીર અને આતંકવાદની છે અને તેનો ઉકેલ પણ ઇન્દિરાજીની મક્કમતામાં છે. ઓપરેશન બ્લ્યુ સ્ટાર વખતે તેમણે લઘુમતી-બહુમતી અને મતનું રાજકારણ બાજુમાં મૂકી સુવર્ણ મંદિરમાં જે રીતે લશ્કર મોકલવાનો નિર્ણય કર્યો તેવા જ મક્કમ અને પરિણામદાયી પગલાની આજે કાશ્મીરમાં જરૂર છે. વળી, નકસલવાદ સાથે પણ મક્કમતા દર્શાવ્યા વિના પરિણામ મળવા મુશ્કેલ છે.
ઇન્દિરા ગાંધીને બાજપાઈજી એ દુર્ગા કહેલા એમાં કોઈને અતિશયોક્તિ ભલે લાગતી હોય પણ તત્કાલીન સમયમાં તે એક જ મર્દ હતા એ તો સહુ સ્વીકારે છે. દેશ એવી મર્દાનગી માગે છે. દેશનો પ્રત્યેક નાગરિક પોતાના નેતાના સ્વમાનમાં દેશનું સ્વમાન જુવે છે, અને તેથી જ લોકો ઇન્દિરા ઈઝ ઇન્ડીયા અને ઇન્ડીયા ઈઝ ઇન્દિરા કહેતા એ આપણે ભૂલવું ના જોઈએ. 1971ના યુધ્ધમાં દેશે સૈનિકો અને અન્ય ઘણું ગુમાવ્યું હશે પણ એ જીતથી જે સ્વાભિમાન મળ્યું તે અમૂલ્ય છે. આજે ફરીથી એની જરૂર છે. જો 125 કરોડની વસ્તીને દેશાભીમાન અને સ્વાભિમાન પૂરું પાડવામાં આવે તો વિકાસના નવા શિખરો ટૂંકા સમયમાં આંબવાની શક્તિ આ દેશમાં આજે પણ છે જ. ચાલો આજે એ મર્દ નારીના જીવનમાંથી પ્રેરણા લઇ આપણે સુવર્ણ ભવિષ્ય ઘડવા કૃતનિશ્ચયી બનીએ.
Very good
Iron Man Sardar vallabhbhai Patel