મિત્રો આજે આપણે એક મહાન વિજ્ઞાનીનો પરિચય મેળવીએ અને તેમની શોધ એ વિજ્ઞાનના અભ્યાસ અને વિકાસમાં કેટલી મહત્વની છે તે પણ જાણીએ. સુર્ય અને પૃથ્વી બ્રહ્માંડમાં એકબીજાના ગુરુત્વાકર્ષણથી જોડાયેલા છે. જો ગુરુત્વાકર્ષણ ન હોય તો સુર્ય-પૃથ્વી એકબીજાથી ક્યાંય દૂર ફંગોળાઈ ચુક્યા હોત. એ રીતે બ્રહ્માંડના બધા પદાર્થોને જોડતું એકમાત્ર દોરડું એટલે ગુરુત્વાકર્ષણ બળ. એ દોરડું કોઈને દેખાતું નથી, પણ બધાને પકડી રાખે છે.
ગુરુત્વાકર્ષણનો નિયમ ન વર્ણવાયો હોત તો શું ફરક પડયો હોત એ ખબર નથી પણ તેની ઓળખાણ વિજ્ઞાન જગત માટે બહુ મહત્ત્વની પુરવાર થઈ છે. એ વાત સમગ્ર વિજ્ઞાાન જગત સ્વિકારીને ચાલે છે. સિદ્ધાંતની હાજરી તો વર્ષોથી હતી જ પરંતુ તેની વિધિવત ઓળખ અને ગુરુત્વાકર્ષણ જેવી કોઈ ચીજ અસ્તિત્વ ધરાવે છે, એવું 1687 માં સર આઈઝેક ન્યુટને પ્રતિપાદિત કર્યુ હતું. ન્યુટનનો જન્મ 1643મા બ્રિટનના વૂલ્સથોર્પ મેનોરમાં થયો હતો. ન્યુટન ઇંગ્લેન્ડના મહાન ભૌતિક વિજ્ઞાની, ગણિતશાસ્ત્રી, ખગોળશાસ્ત્રી, ફિલસૂફ, રસાયણવિજ્ઞાની અને ધર્મશાસ્ત્રી હતા, જેમની ગણના અનેક વિદ્વાનો અને સમાજના પ્રતિષ્ઠિત સભ્યો દ્વારા માનવીય ઇતિહાસમાં સૌથી વધુ પ્રભાવશાળી પુરુષોમાંના એક પુરૂષ તરીકે થાય છે.
સફરજનના વૃક્ષ નીચે બેસેલા ન્યુટનને ઝાડ પરથી પડતાં સફરજનને જોઈને વિચાર આવ્યો કે દરેક પડતો પદાર્થ જમીન તરફ જ શા માટે આવે છે? એ સવાલનો જવાબ શોધવામાંથી જ ન્યુટને ગુરુત્વાકર્ષણનો નિયમ શોધી કાઢ્યો. ન્યુટનનું જન્મસ્થાન હવે પ્રવાસીઓ માટે મ્યુઝિયમ છે અને અહીં ન્યુટન જેમની નીચે બેઠા હતાં એ સફરજનનું વૃક્ષ તો નથી, પરંતુ તેનુ વંશજ વૃક્ષ ઉભું છે.
નિયમ પ્રમાણે બ્રહ્માંડમાં અસ્તિત્વ ધરાવતા દરેક પદાર્થને તેના ગજા પ્રમાણે ગુરુત્વાકર્ષણ બળ હોય છે. એટલે કે એ પદાર્થ પોતાના બળને આધારે બીજા પદાર્થને ખેંચતો હોય છે. એટલે જ બ્રહ્માંડમાં પૃથ્વી અને બીજા ગ્રહો કોઈ ટેકા વગર એકબીજાના ગુરુત્વાકર્ષણના આધારે ટકી રહ્યાં છે. આપણે પણ પૃથ્વી ઊંધી હોય કે ચત્તી અવકાશ તરફ ફંગોળાઈ જતાં નથી કેમ કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ આપણને ચોંટાડી રાખે છે. ગુરુત્વાકર્ષણને કારણે જ આપણે કુદકો મારીએ ત્યારે પાછા પૃથ્વી પર પટકાઈએ છીએ, ઊંચે ઊડી નથી જતાં. મહાસાગરોમાં પાણી માત્રને માત્ર ગુરુત્વાકર્ષણને જ કારણે ક્યાંય છલકાઈ નથી જતું.
ગુરુત્વાકર્ષણ પહેલા ન્યુટને નાનપણમાં એક સુર્યઘડિયાળ અને પવનચક્કીનું મોડેલ પણ બનાવ્યુ હતું. ગુરુત્વાકર્ષણનું વર્ણન તેમણે પોતાના પુસ્તક 'મેથેમેટિકલ પ્રિન્સિપલ ઓફ નેચરલ ફિલોસોફી'માં કર્યુ હતું. એ પુસ્તકમાં વિજ્ઞાાન જગતને માર્ગદર્શન આપે એવી અનેક શોધો-સંશોધન હોવાથી એ પુસ્તક વિજ્ઞાાન ઈતિહાસના સૌથી મહત્ત્વના ગ્રંથ પૈકીનું એક ગણાય છે. અનેક નાની-મોટો શોધો અને ખાસ તો વિજ્ઞાાન જગતને દિશા આપનારી શકવર્તી શોધોને કારણે ન્યુટન જગતના ઈતિહાસના સૌથી મહાન વિજ્ઞાની ગણાય છે.
ન્યુટને આપેલા ગતિના નિયમો :
પહેલો નિયમ (જડત્વનો નિયમ) : સ્થિર સ્થિતિમાં રહેલી વસ્તુ સ્થિર બની રહેશે અને સમાન ગતિ અવસ્થામાં રહેલી ચીજવસ્તુ પર કોઈ બાહ્મ બળ લાગૂ નહીં પડે ત્યાં સુધી તે સમાન દિશામાં સમાન વેગ સાથે ગતિ કરતી રહેશે
બીજો નિયમ : એક વસ્તુ પર લગાવવામાં આવેલું બળ સમય સાથે તેના વેગમાં ફેરફારના દર બરાબર હોય છે.
ત્રીજો નિયમ : અનુસાર, દરેક ક્રિયાની સમાન અને વિપરીત પ્રતિક્રિયા હોય છે.
નાતાલના દિવસે જન્મેલા ન્યુટનનો શારીરીક બાંધો નબળો હતો અને તેમનો જન્મ પણ અધુુરા માસે થયો હતો. એટલે એ વખતે ન્યુટન લાંબુ જીવશે કે કેમ એ અંગે શંકાઓ હતી પણ તેઓ 1727 સુધી જીવ્યા અને તેમણે શોધેલો નિયમ હજુ પણ તેમને જીવંત રાખે છે અને અનંતકાળ સુધી જીવંત રાખશે.
उपयोगी माहिती प्राप्त थाय छे.
खूब सरस माहितीनो संग्रह-खजानो मने तो आपना तरफथी मली गयो छे.
खूब खूब धन्यवाद