સહકાર ની આજે વાત કરીએ તે પહેલા જાણીએ કે, આજનો સમય સ્પર્ધાનો છે. દરેકને બીજાથી આગળ નીકળી જવું છે. આગળ નીકળવા મહેનત કરો એ સારું છે. પણ આજે પેલી જૂની કહેવત મુજબ ‘મારી લીટી મોટી કરવાને બદલે સામાની લીટી નાની કરવાની’ સ્પર્ધા ચાલે છે. જે બધા માટે નુકસાનકારક બને છે. જો તમે સામાનું નુકશાન કરીને તમારો ફાયદો વધારવાનો પ્રયત્ન કરો, તો સામો પણ એમજ કરશે ને! સરવાળે બંનેનું નુકસાન થશે.
એકજ ઉદ્દેશ અથવા કામ-ધંધા વાળા લોકોમાં સ્પર્ધા થાય જ એવી એક સામાન્ય સમજ છે. પણ એમાં સત્ય ઓછું છે. જેમ કે, બે એક જ વર્ગમાં ભણતા વિદ્યાર્થીઓ પ્રથમ ક્રમ માટે સામાના માર્ક્સ ઓછા આવે તેવો પ્રયત્ન કરે તે કરતા બન્ને એકબીજાને પુરક બને તો બંનેનું પરિણામ સુધરે. આપણે ત્યાં એક જ પ્રકારનો ધંધો કરવા વાળાની દુકાનો સાથે સાથે કે નજીક હોય તો વેપાર વધે. એટલે જ પહેલાના સમયમાં સોનાની બધી દુકાનો માણેકચોકમાં અને કાપડની બધી રતનપોળમાં હતી. હવે કોઈ પણ ચીજ વસ્તુ એકજ કે નજીકની જગ્યાએ વેચાતી હોય તો સ્પર્ધા થાય પણ અદેખાઈ ના હોય તો સરવાળે બધાને ફાયદો થાય જ.
સહકારી સંસ્થાઓ કે મંડળીઓ એનું સારું ઉદાહરણ છે. જેમાં સમાન કામ, ધંધો કે જરૂરીયાતવાળા લોકો સાથે મળીને એકબીજાની મદદ લેવા અને સામાની મદદ કરવા તથા તે દ્વારા સહુનો વિકાસ કરવા સાથે મળીને કામ કરે છે. કીડીઓ કે ઉધઈનું ઉદાહરણ પણ એ જ બતાવે છે કે નાનામાં નાની જીવાત પણ પરસ્પરના સહકાર થી કેટલી ઉચ્ચ પ્રકારની વ્યવસ્થા ગોઠવી શકે છે.
આજે આપણા સમાજમાં તમામ ક્ષેત્રે રાજકારણને ભેળવી દેવાયું છે. ધર્મ સાથે રાજકારણ, જાતી સાથે રાજકારણ, વર્ગ સાથે રાજકારણ, અરે ગામડાઓમાં પણ નાની નાની વાતોમાં રાજકારણ ભળી ગયું છે. જેથી પણ સ્પર્ધાની જગ્યાએ ઈર્ષા અને સહકારની જગ્યાએ અદેખાઈનું પ્રમાણ વધી ગયું છે. આપણે સામાન્ય નાગરિકોએ સાચી સ્થિતિ સમજીને જ્યાં જરૂર નથી ત્યાંથી રાજકારણને વેગળું રાખતા શીખવું પડશે. સહકાર વિના કોઈ સમૂહ કે સમાજનો વિકાસ શક્ય નથી. આ વાત સહુએ વહેલામાં વહેલી જાણી અને સમજી લેવાની જરૂર છે.