માણસોમાં આધુનિક સમયમાં છૂટાછેડા અને લગ્ન વિચ્છેદ વધી રહ્યા છે તેવામાં સારસનું દામ્પત્યજીવન અનુકરણીય લાગે છે. આપણા અભ્યાસમાં પર્યાવરણ અને પ્રદુષણ હવે અગ્રતાક્રમે રહે છે. જીવનની વિવિધતા જાણવાથી આપણું સામાન્ય જ્ઞાન પણ વધે છે. આ વિષય પર્યાવરણ અંતર્ગત આવે છે. http://www.zigya.com/gseb આપણો દેશ ઉપખંડ જેટલો વિશાળ છે અને અનેક પક્ષીઓ અહી જોવા મળે છે. આ વિવિધતાપૂર્ણ પક્ષી જગતમાં સૌથી મોટું પક્ષી સારસ ગણાય છે અને તેની ‘મેઈડ ફોર ઈચ અધર’ની જીવનશૈલી માટે વિખ્યાત છે. પક્ષીવીદ્દો, કવિઓ અને સામાન્યજનો પણ કહે છે કે, આ પંખી દંપતી પરસ્પર એવી લાગણી અને વફાદારી ધરાવે છે કે જો જોડીમાંથી એક મૃત્યુ પામે તો બીજું પોતાના જીવનસાથી માટે ઝૂરી ઝૂરીને મોતને ભેટે. આમ તો સારસ પુરા દેશમાં જોવા મળે છે, પરંતુ ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણા, દિલ્હી, બિહાર તથા આસામ જેવા રાજ્યોમાં વધુ જોવા મળે છે. એમ તો જમ્મુ વિસ્તારમાં પણ સારસ જોવા મળ્યાનું નોંધાયું છે અને આંધ્રપ્રદેશમાં પણ ૨૦૦૬માં એક સારસ જોવા મળ્યું હોવાનું નોંધાયું છે.
સામાન્ય રીતે માનવી જેટલી ઊંચાઈ ધરાવતું સારસ ઊભું હોય ત્યારે તેની ઊંચાઈ ૧૫૨ થી ૧૫૬ સેન્ટિમિટર હોય છે. સારસ સંપૂર્ણપણે જમીન પર રહેનારું પક્ષી છે, તેનો માળો પણ જમીન પર જ હોય છે. તણખલા વડે તે માળો બનાવે છે. સારસ ડાંગરના પાક વચ્ચે ઊભું હોય તો તેના શરીરનો અડધો ભાગ લહેરાતી ડાંગરની ઉપર જોવા મળે ત્યારે તેનો ઠસ્સો જોવા જેવો હોય છે. રાખોડી રંગનું આખું શરીર, ડોક લાંબી અને માથું લાલ રંગનું અને ટાલકું સફેદ રંગનું તો વળી પાતળા લાંબા પગ ગુલાબી ઝાંયવાળા હોય છે. માથાના લાલ રંગની નીચે થોડો સફેદ રંગ અને તે આગળ જતાં આખા શરીર ઉપર રાખોડી થઈને પ્રસરી ગયો લાગે. આપણે ત્યાં ગામડામાં તેને ‘વિલા’ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે સારસ માનવી સાથે ભળી ગયેલું પક્ષી છે. ૧૨ કિલોથી વધુ વજન હોવાને કારણે નાના પંખીઓની જેમ ઊડી જવાનું તેને ફાવતું નથી, તેણે ઊડતા પહેલાં જેમ વિમાન રન-વે ઉપર દોડે છે, તેમ દોડીને પછી ઠેકડો મારીને ઊડવું પડે છે. જોખમ ન હોય તો તે ઊડતું નથી. નજીકમાં જ ખોરાક મળતો હોય તો તે ઊડીને ત્યાં જવાને બદલે ઠાઠથી ચાલીને પહોંચી જતું હોય છે માદા અને નરને એકલા જુઓ તો બંને સરખા જ લાગે, પરંતુ તે જોડીમાં હોય તો માદા નર કરતાં થોડી નીચી હોય છે. ખેતર કે પાણીવાળા વિસ્તારની આસપાસના મેદાનોમાં જોવા મળતા સારસનું ભોજન ખેતી વિસ્તારના રહેણાકને લીધે દાણા કે કૂમળી વનસ્પતિ હોય છે. પાકને નુકસાન પહોંચડાતા અને ખેતી તથા ખેડૂતો માટે આફતનું કારણ બનતા તીડ પણ સારસનો ખોરાક બની જાય છે. જળાશયમાં રહેતા દેડકા તો ક્યાંક કાચબાના ઇંડાંને પણ સારસ પોતાનું ભોજન બનાવતું જોવા મળે છે.
સારસની જોડીને જુઓ તો શાંત જોડી લાગે. ખાસ ચહલ-પહલ કે અવાજ નહીં. હા, સંવનન ઋતુમાં તેનો અવાજ સંભળાય ખરો. દુશ્મનોથી સચેત રહેવા કે સાથીને બોલાવવા સારસ બુલંદ અવાજ કાઢે છે. પ્રજનન ઋતુ દરમિયાન સાથીને બોલાવતા સારસનો અવાજ કર્ણપ્રિય હોય છે. સંવનન ઋતુ શરૂ થાય ત્યારે સારસ બેલડી એક મોહક નૃત્ય કરતી હોય છે. અંગ્રેજીમાં જેને કોર્ટશિપ કહે છે, એ પ્રેમનૃત્ય ખૂબ જ મનમોહક હોય છે. એ ખરું કે સારસનું એ મોહક નૃત્ય માત્ર સંવનન ઋતુમાં જ જોવા મળે એવું નથી, ક્યારેક તે ખુશમિજાજમાં હોય ત્યારે પણ એ નૃત્યના ઠેકડા મારી લેતું હોય છે. આ પ્રેમનૃત્ય એક મિનિટથી વધુ લાંબુ નથી હોતું, પરંતુ પાંખો ફેલાવીને, તે જે રીતે કૂદે, ઠેકડા મારે તે જોઈને આપણને હસવું ભલે આવી જતું હોય, પરંતુ માદાને મનાવી લેવા માટે એ નૃત્ય ઘણું અસરકારક બની રહે છે, માદા પણ નરને મંજૂરીની મહોર મારતી હોય એમ નાચી ઊઠે છે.
કોર્ટશિપ સંવનન માટેની પૂર્વ ભૂમિકા ગણાય છે, પછી માદા જૂનથી ઓક્ટોબર સુધીમાં જમીન ઉપર બનાવેલા માળામાં એક વખતે એકથી ત્રણ ઇંડાં મૂકતી હોય છે. સારસના ઇંડાં ફિક્કા લીલા કે ગુલાબી સફેદ રંગના હોય છે. ટૂંકમાં જમીન સાથે તે લગભગ ભળી જતા હોય છે. તેના ઇંડાં કૂતરા જેવા પ્રાણી સરળતાથી ખાઈ જતાં હોય છે, તેથી કુદરતે એના ઈંડાં માટીમાં ભળી જાય એવા રંગના બનાવ્યા છે. ઇંડાં સેવવાની જવાબદારી માતાને માથે જ હોય છે. નર સારસ સંત્રી તરીકે ઈંડાંની ચોકી કરતો રહે છે, જેથી ઇંડાંને કોઈ નુકસાન કરી શકે નહીં. ઇંડાંમાંથી નીકળીને બચ્ચાં તરત દોડી શકે તેવા હોય છે, એ કારણથી એક કે બે બચ્ચાં પેદા થતાં હોવા છતાં સારસની વસ્તી ટકી રહી છે. સારસના બચ્ચાં નાના હોય ત્યારથી તેને પાળ્યા હોય તો તે આપણી સાથે ભળી જાય છે. વળી, જેમ માદા ઇંડાં સેવતી હોય ત્યારે નર ચોકી કરતો હોય એ ગુણ પાળેલા સારસમાં પણ જોવા મળે છે, તેથી ઘરે કોઈ અજાણી વ્યક્તિ આવે તો તે લાંબી ડોક કરીને ચાંચ મારી શકે છે, તો વળી, વિશાળ પાંખો ફફડાવીને પણ ડરાવી દેતું હોય છે.
હરિયાળા વિસ્તારમાં મહ્દઅંશે જોવા મળતું સારસ કચ્છના રણમાં પણ જોવા મળ્યાના દાખલા છે. ગુજરાતમાં સારસ બન્નીના ઘાસના મેદાનો, છારૂ ધાન્ડ (કચ્છ), ભાલપ્રદેશ, ગીર નેશનલ પાર્ક અને અભયારણ્ય, ખિજડિયા અભયારણ્ય, નળ સરોવર, મહેસાણાનું થોળ સરોવર, દાહોદનું રામપુરા ગ્રાસલેન્ડમાં જોવા મળે છે. ઉપરાંત, વેળાવર કાળિયાર અભયારણ્ય, ખેડા વેટલેન્ડ, જંગલી ગધેડા અભયારણ્ય તથા નંદા ટાપુ વગેરે સ્થળોએ સારસની સારી એવી વસ્તી છે. જોકે, દક્ષિણ ગુજરાતમાં નવસારી જિલ્લામાં વેડછા, હાંસાપોર અને ગાંધીસ્મૃતિ સ્ટેશનો વચ્ચે આવેલા ખેતરોમાં પણ સારસની બે જોડી અને ગયા વર્ષે એક બચ્ચું પણ જોવા મળ્યું હતું. સુલતાનપુર પાસે તો એક સાથે અઢાર સારસ જોવા મળ્યા હતા. શિયાળામાં ખોરાક સહેલાઈથી મળતો હોવાને કારણે એ ઋતુ સારસને નિહાળવા માટે સાનુકૂળ સમય મનાય છે.
સમગ્ર વિશ્વમાં વૈવિધ્યપૂર્ણ જીવસૃષ્ટિ માનવીની વિકાસ દોડના કારણે સંકટોનો સામનો કરે છે. વાઘ-સિંહ જેવા જંગલી પ્રાણીઓથી લઈને નાના-નાના જીવો માનવીની પ્રવૃત્તિઓથી પોતાનું અસ્તિત્વ જાળવવા સંઘર્ષ કરી રહ્યા છે તેમ સારાસની વસ્તી પણ ઘટી રહી છે. મોટે ભાગે આપણે ત્યાં તેનો ખાસ કોઈ શિકાર કરતું નથી છતાં, ખેતીમાં વપરાતી જંતુનાશક દવાઓના કારણે જેમ ગીધ નામશેષ થવાના આરે છે તે જ રીતે આ કારણથી સારસની વસ્તી ઉપર જોખમ છે. ઉપરાંત હવે ખેતીની જમીન ઓછી થવા માંડી છે, બાંધકામો વધી રહ્યા છે, તે સંજોગોમાં સારસને માળા બાંધવા માટે અનુકૂળ જગ્યા મળતી નથી, તે કારણે પણ સારસની વસ્તી ઘટવા માંડી છે. વિકાસના કામો માટે ખેતર કે ગોચરની જમીનો ઉપયોગમાં લેવાવા માંડી છે, તેથી પણ સારસ ઉપર જોખમ વધ્યું છે. સારસના માળા વસ્તીની નજીક આવી જતાં તેના ઇંડાં અને નાના બચ્ચાંનો કૂતરા જેવા પ્રાણી શિકાર કરી જતાં હોવાથી પણ તેની વસ્તીમાં ઘટાડો જોવા મળ્યો છે.