Press "Enter" to skip to content

સાસણ ગીર : વન્યજીવ સંરક્ષણનું એક સફળ ઉદાહરણ

Pankaj Patel 2

આ વર્ષે તારિખ 5 જૂન 2016ના દિવસે સમગ્ર વિશ્વની સાથે સાથે આપણે પણ વિશ્વ પર્યાવરણ દિવસ મનાવ્યો. કેટલાંક સમારંભો થયા અને સેમીનારો થયા, વાતો થઈ અને ઉજવણી પૂરી થઈ. કેટલાંક નેતાઓ અને કહેવાતાં સમાજસેવીઓએ ફોટા પડાવ્યા અને T.V તથા છાપામાં સમાચાર આપ્યાં. હમણાથી કોઈ પણ ઉજવણીઓ પ્રત્યે પ્રજામાં ઉત્સાહનો અભાવ વર્તાય છે તેનું કારણ ઉજવણીઓનો અતિરેક ઉપરાંત વાસ્તવિકતા અને આવા મેળાવડાઓમાં કહેવાતી વાતો વચ્ચે મોટો તફાવત હોય તે પણ છે.

હમણાના વર્ષોમાં ગુજરાત સરકારની ઘણી યોજનાઓ માત્ર ઉજવણી માટે હોય તેવું લાગે પરંતુ સિંહોની જાળવણી અને તેની વસ્તી વૃદ્ધિના ક્ષેત્રે ખરેખર વાસ્તવિક પરિણામલક્ષી કામગીરી થઈ છે. આ વર્ષે વિશ્વભરમાં પર્યાવરણ દિવસની ઉજવણીમાં મુખ્ય ભાર વન્યજીવોને અનઅધિકૃત શિકારથી બચાવવા અને તેને ગેરકાયદેસર વેપારને બંધ કરવા ઉપર મૂકવામાં આવેલ છે. સાચાં અર્થમાં સમગ્ર વિશ્વમાં વન્યજીવોનો શિકાર અને તેના જુદા-જુદા ભાગોનો અનઅધિકૃત વેપાર કેટલાંક વર્ષોથી ખૂબ વધી રહ્યો છે. જેવી રીતે ડ્રગ કાર્ટેલ તેમજ પૌરાણિક કલાકૃતિઓની દાણચોરી સમગ્ર વિશ્વમાં ફેલાયેલ ગુનાઓ છે અને તેમાં નાના-મોટા દેશના અનેક નામી અનામી વ્યાપારીઓ, નેતાઓ તેમજ મોટી સિંડિકેટો સંડોવાયેલી છે. તેવી જ રીતે વન્યજીવોના કેટલાંક શારિરીક ભાગોનો વેપાર પણ સતત વધી રહ્યો છે અને એક અંદાજ મુજબ દુનિયાના સૌથી ઝડપથી વિસ્તરતા ઉદ્યોગો કરતાં પણ આ ક્ષેત્રે વધારે વૃદ્ધિ થઈ રહી છે. તેનાથી ચિંતિત થઈ આ વર્ષના પર્યાવરણ દિવસનો મુખ્ય આશય વન્યજીવોને અનઅધિકૃત શિકાર અને વેપારથી બચાવવાનો રાખવામાં આવેલ છે.

હવે આપણી મૂળ વાત, ગુજરાતે આ ક્ષેત્રે મેળવેલી એક મોટી સિદ્ધિની કરવી છે. આપણે સૌ જાણીએ છીએ કે એકાદ સદી પહેલાં દુનિયાના અનેક દેશોમાં સિંહોનું અસ્તિત્વ હતું અને તેમાય એશિયાઈ સિંહો પહેલાના સમયમાં અવિભાજિત ભારત ઉપરાંત બર્મા, અફઘાનિસ્તાન, ચીન અને મધ્ય-પૂર્વના દેશો સુધી જોવા મળતા. સમગ્ર એશિયાનો યુરોપિયનો દ્વારા સાંસ્થાનિક કબજો થતાં અને તે સમયે નવી શોધાયેલી બંદુકોના કારણે વાઘ, સિંહ, ચિત્તા જેવા પ્રાણીઓનો શિકાર નિરંકુશ પણે વધ્યો અને વસ્તી વધતાં જંગલો ધીમે ધીમે ઘટવા લાગ્યા જેથી આવા પ્રાણીઓનું નૈસર્ગિક રહેઠાણ ઘટતાં પણ વસ્તી ઘટવા લાગી. એક સમયે એશિયાઈ સિંહોની વસ્તી આંગળીના વેઢે ગણી શકાય તેટલી થઈ ગઈ હતી. તેવામાં જુનાગઢના નવાબે અગમચેતી વાપરી પોતાના વિસ્તારમાં સિંહોના શિકાર પર પ્રતિબંધ મૂક્યો. જેને આઝાદી પછી ચાલુ રાખવામાં આવ્યો. આમ જોઈએ તો એશિયાઈ સિંહો બચાવવા અને વસાવવા ગ્વાલિયરના સિંધિયાઓએ પણ પ્રયત્નો કરેલાં. જો કે તે નિષ્ફળ ગયા. જ્યારે જુનાગઢ નવાબના પ્રયત્નો કાંઈક અંશે સફળ થતાં ગુજરાત એ એશિયાઈ સિંહોનું એકમાત્ર આશ્રય સ્થાન બની રહ્યું. આઝાદી પછીના સમયમાં રાજ્ય અને કેન્દ્ર સરકારે અસરકારક કામગીરી કરી સિંહોની વસ્તી વધે અને તેનો સમૂળ નાશ ના થાય તેવા જે પ્રયત્નો કર્યા તેમાં ગીર જંગલને અભયારણ્ય તરીકે સ્થાપિત કરી તેની યોગ્ય જાળવણી કરી તેના મીઠા ફળ આજે આપણે જોઈ શકીએ છીએ.

ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને ગીર અભયારણ્ય જે "ગીરનું જંગલ" કે "સાસણ-ગીર" તરીકે પણ ઓળખાય છે તે ગુજરાતમાં આવેલું જંગલ અને વન્યજીવો માટેનું અભયારણ્ય છે. તેની સ્થાપના 1965માં કરવામાં આવી હતી, તે કુલ 1412 ચો.કી.મી.ના વિસ્તારમાં ફેલાયેલ છે. જેમાં 258 ચો.કી.મી. રાષ્ટ્રીય ઉદ્યાન અને 1153 ચો.કી.મી. અભયારણ્ય છે. આ ઉદ્યાન વેરાવળથી લગભગ 43 કી.મી. દૂરી પર આવેલું છે. આ એશિયાઇ સિંહો નું એકમાત્ર રહેઠાણ છે અને એશિયાના અતિમહત્વનાં રક્ષિત વિસ્તાર તરીકે ધ્યાને લેવાયેલ છે. ગુજરાતના ચાર જિલ્લાઓમાં ફેલાયેલા આ જંગલમાં એક સમય એવો પણ હતો જ્યાં શિકારીઓનું રાજ હતું. ગીરના જંગલને રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય જાહેર કરવામાં આવ્યું અને જેને કારણે વન્યજીવોના શિકાર પર પ્રતિબંધ લદાયો. સિંહો સિવાય 2375 પ્રાણી પ્રજાતિ ધરાવતી ગીર પ્રાણીસૃષ્ટીમાં 39 પ્રકારના સસ્તન પ્રાણિઓ, 300 કરતા વધુ પ્રકારના પક્ષીઓ, 37 સરીસૃપો અને 2000થી વધુ કીટકોનો સમાવેશ થાય છે.

 

 

ગીરના જંગલમાં સિંહો માટે શિકાર ઉપરાંત પાલતું પશુઓ પરના હુમલાને કારણે ઝેર આપવાની ઘટનાઓ ક્યારેક જલપ્રલય, આગ, મહામારી કે અન્ય કુદરતી આપદાઓ પણ તેમને નુકશાન પહોંચાડે છે. આ તમામ પ્રતિકૂળતાઓ વચ્ચે પણ પાછળના કેટલાંક વર્ષોમાં ગીરમાં સિંહોની વસ્તીમાં વધારો થયો છે અને હાલ તો અભયારણ્ય તરીકે રક્ષિત વિસ્તાર ઉપરાંત અન્ય વિસ્તારો તેમાં સમાવવા પડે તેટલી વસતી ગીચતા જણાઈ રહી છે. ભારતમાં હાથી, વાઘ વગેરે જેવા પ્રાણીઓના સંરક્ષણ માટે જુદા-જુદા રાજ્યોમાં અભયારણ્ય બનાવી તેમનું અસ્તિત્વ ટકાવી રાખવા પ્રયત્નો થયેલ છે. તેમ છતાં, સાચા અર્થમાં માત્ર ગીર જંગલને અને એશિયાઈ સિંહોની વસ્તી વધારવામાં જે સફળતા ગુજરાતે મેળવી છે તેવી અન્ય કોઈ રાજ્યમાં મળી નથી.

હમણા, જાણવા મળ્યા મુજબ ગીરમાં એક નવો ઉત્સવ આવનાર છે. આ ઉત્સવ એટલે સરકારી રીતે જાહેરાત કરાયેલો અથવા કહેવાતો ઉત્સવ નહીં પરંતુ દેશ અને દુનિયાના વન્ય-જીવ પ્રેમીઓને સાચાં અર્થમાં આનંદ પ્રેરે તેવો ગીરના જંગલમાં બાળ સિંહોનો જન્મ અંગેનો ઉત્સવ આવનાર છે. ગયા વર્ષે પૂરને કારણે લગભગ 12 થી 15 સિંહો  નું મૃત્યું થયું હતું. વન્યપ્રેમીઓની વાત કરીએ તો તેમના માટે આ બાબત એ એક આઘાતજનક બાબત કહેવાય. અને ત્યારથી જ વન્ય અધિકારીઓ ઉપર સિંહોની સાચવણી અને તેની સંખ્યા વધારવા માટે ખૂબ જ દબાણ હતું. અને આ કારણથી જ વન્ય અધિકારીઓએ આ માટે ખૂબ જ મહેનત કરી અને છેવટે આ મહેનત નું ફળ મળી રહ્યું હોય તેમ લાગે છે. એમના માટે આનંદના સમાચાર એ છે કે લગભગ 100 જેટલી સિંહણો ગર્ભવતી છે. આ પરથી એક આશા એવી છે કે ગીરના જંગલમાં 200 થી 250 નવા બાળ સિંહોનું આગમન થશે. આ બાબત ગુજરાત સરકાર, વન વિભાગ અને સાસણ ગીરમાં આ કામગીરી સાથે સંકળાયેલા સૌને માટે અભિનંદનને પાત્ર છે.

એશિયાઇ સિંહનો આવાસ ખુલ્લો વગડો અને ઝાડી ઝાંખરા વાળો વનપ્રદેશ છે. હાલમાં અહીંયા 523 જેટલા એશિયાઇ સિંહો જ જંગલમાં બચ્યા છે, જે ફક્ત ગીરના જંગલ અને રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે. આમ તો જોકે ગીરનું જંગલ સારી રીતે રક્ષીત છે, છતાં ક્યારેક સિંહોના શિકારની ઘટનાઓ જાણવા મળે છે. એશિયાઈ સિંહો માટે આશ્રયસ્થાન એવા આ ગીરના જંગલમાં એક સમયે સિંહોનું અસ્તિત્વ પણ જોખમમાં હતું. પણ તેની જાણવણીના પ્રયાસોને કારણે જે સિંહોની સંખ્યા 2011 માં 411 હતી તે 2015 ની સિંહ ગણતરી પ્રમાણે 523 થઈ ગઈ હતી. છેલ્લા લગભગ એક દશકાથી જંગલના રાજા સિંહને બચાવવાવી કામગીરી ખૂબ જ ઝડપી બની હતી. જે ખૂબ જ ઉમદા કાર્ય છે. અને તેના પરિણામ પણ આપણા સૌની સામે છે અને આ અંગે આ કામગીરી માટે ગુજરાત સરકાર તથા તેમાં સંકળાયેલ તમામ ખરેખર અભિનંદનને પાત્ર છે.

ગીરનું આ જંગલ એ પ્રવાસન માટે પણ ખૂબ જ અગત્યનું છે. છેલ્લા વર્ષથી અત્યાર સુધી લગભગ 5 લાખ જેટલા દેશી પ્રવાસીઓ અને 7000 જેટલા વિદેશી પ્રવાસીઓ ગીરના આ જંગલમાં પ્રવાસન અર્થે અને સિંહ દર્શન માટે આવ્યા હતાં. જેને કારણે પ્રવાસન વિભાગની આવકમાં પણ ઉત્તરોતર વૃદ્ધિ જોવા મળી રહી છે. નવા બચ્ચાઓના આગમનને કારણે વધુમાં વધુ પ્રવાસીઓ ગીરની મુલાકાત લેશે અને પ્રવાસને વિભાગની આવકમાં પણ વધારો થશે. તો પર્યાવરણની સાથે સાથે આ બાબત આર્થિક રીતે પણ લાભદાયી છે.

 

 

 

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

  1. Pankaj Patel Pankaj Patel

    thanks …. 

  2. rajnikant rajnikant

    Good message & good for general knowledge 

     

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *