પરિશ્રમરૂપી પારસમણિના સ્પર્શ વડે જ સિદ્ધિરૂપી સોનું પ્રાપ્ત થઈ શકે છે. આપણે સૌ જીવનમાં સફળ થવા માટે અથાગ પ્રયત્નો કરતાં હોઈએ છીએ. સફળતા સુધી પહોંચવા માટેનો માર્ગ સીધો અને સરળ નથી હોતો. આ માર્ગ પર આપણને અનેક અવરોધો નડે છે. સફળતા પામતાં પહેલાં નિષ્ફળતાના ઘણા કડવા ઘૂંટડા પણ પીવા પડે છે તેમજ ખૂબ જ પરિશ્રમ કરવો પડે છે. આપણા જીવનમાં સફળતા મેળવવા માટે આપણે સખત મહેનત કરવાની જરૂર છે. આજના આ સ્પર્ધાત્મક યુગમાં પરિશ્રમ જ આપણા માટે સફળતાની એક સીડી છે. મહેનતના ફળ મીઠા લાગે છે. મહેનત કર્યા વિના કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. એટલે જ કોઈ કવિએ કહ્યું છે કે, ‘ઉદ્યમીઓ ધૂળમાંથી સોનું શોધી જાય છે.’ સફળતા અથવા સિદ્ધિ સુધી પહોંચવા માટે કોઈ ટૂંકો માર્ગ હોતો નથી. જો કોઈ આવો માર્ગ અપનાવે તો એને સિદ્ધિ મળવાની શક્યતા જ નથી. પરીક્ષામાં સારા ગુણ મેળવવા માટે કે ધંધામાં સારી પ્રગતિ કરવા માટે આપણે સખત પરિશ્રમ કરવો જ પડે. પરિશ્રમ એ જ પારસમણિ છે. એટલે સિદ્ધિ મેળવવા ઈચ્છતા હોઈએ તો કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. સાચી દિશામાં કરેલો પરિશ્રમ ક્યારેય નિષ્ફળ જતો નથી. વહેલું કે મોડું તેનું સુખદ પરિણામ આવે જ છે.
‘મનુષ્યયત્ન અને ઈશ્વરકૃપા’ એ ઉક્તિ જાણીતી છે. પણ માત્ર ઈશ્વરકૃપાની રાહ જોઈને બેસી રહેવાથી કંઈ મળી શકે નહીં. પુરુષાર્થ વગર તો પ્રારબ્ધ પણ પાંગળું છે. જે બેસી રહે છે તેનું નસીબ પણ બેસી રહે છે. ઈશ્વર તેને જ મદદ કરે છે જે પરિશ્રમ કરવા માટે સદાય તત્પર રહે છે. આમ, પુરુષાર્થ કરવાથી સિદ્ધિ મળે કે ન મળે, પુરુષાર્થ કર્યાનો સંતોષ અને આનંદ તો મળે જ છે. ઊંચા મનોરથ સેવવા માત્રથી કે મોટા મોટા સપના જોવાથી આપણને સફળતા મળતી નથી. ધીરજ અને ખંત રાખીને આપણે મહેનત કરતાં રહીશું તો આપણને આપણા કાર્યમાં સફળતા મળશે જ. એટલે જ એક સંસ્કૃત સુભાષિતમાં સાચું જ કહેવાયું છે કે, ‘ઉદ્યમથી જ કાર્યસિદ્ધિ મળે છે ; મનોરથ સેવવાથી નહિ.’
उधमेन हि सिध्यन्ति कार्याणि न मनोरथै :|
नहि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगा : |
you are most well come
thanks for sharing your great information with us