અઝિમ હાશિમ પ્રેમજી (જન્મ – 24 જુલાઈ 1945, મુંબઈ) ગુજરાતી મૂળના મુસ્લિમ વ્યાપારી છે. તેઓ દેશમાં બિઝનેસ ટાઇકુન ગણાય છે, ઉપરાંત મોટા રોકાણકાર અને લોકોપયોગી દાનવીર પણ છે. ભારતીય આઇટી ઇંડસ્ટ્રીઝના સીઝર તરીકે પણ લોકોમાં ખ્યાતિ પ્રાપ્ત અઝીમ પ્રેમજી ભારતીય વિરાટ બહુરાષ્ટ્રીય કંપની વિપ્રોના સ્થાપક ચેરમેન છે. વળી, બદલાતા વૈશ્વિક પ્રવાહો અને બિઝનેસ જગતની આંટીઘૂંટી વીંધી તેમના માર્ગદર્શન અને રાહબરીમાં વિપ્રો દુનિયાના સૉફ્ટવેર માર્કેટમાં આગેવાન કંપની તરીકે ઊભરી છે.
એશિયા વીક દ્વારા વર્ષ 2010માં તેઓને વિશ્વના 20 શક્તિશાળી લોકોમાં સ્થાન આપવામાં આવેલું. પ્રતિષ્ઠિત ટાઈમ મેગેઝિને પણ 2004 અને 2011 એમ બે વખત તેમણે વિશ્વના 100 પ્રભાવશાળી લોકોમાં સામેલ કરેલા છે. મૂળ ગુજરાતમાં કચ્છી શિયા મુસ્લિમ એવા અઝીમ પ્રેમજીના પિતા વગદાર વ્યાપારી હતા અને બર્માના રાઈસ કિંગ તરીકે જાણીતા હતા. ભાગલા વખતે મહમદ અલી ઝીન્હાએ તેમણે પાકિસ્તાન આવવા આમંત્રણ આપેલું પણ તેઓ ભારતમાં જ રહેવાનુ મન બનાવી ચૂક્યા હતા. અઝીમ પ્રેમજી પોતે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના ઈજનેરી સ્નાતક છે અને યાસમીન બાનોને પરણ્યા છે. તેમના સંસારમાં રીશદ અને તારીક એમ બે સંતાનો છે. રીશદ હાલ વિપ્રોના આઇટી બિઝનેસમાં ચીફ સ્ટ્રેટેજીક ઓફિસર છે.
હાલમાં તેઓ ભારતના બીજા નંબરના ધનિક છે. મે-2019 ના એક અંદાજ મુજબ હાલ તેઓ 21.5 બિલિયન અમેરિકન ડોલરની સંપત્તિના માલિક છે. અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન શરૂ કરી 2.2 બિલિયન અમેરિકન ડોલરના ફંડ સાથે તેઓએ ભારતમાં શિક્ષણ ક્ષેત્રે સુધારો કરવા પ્રયાસો શરૂ કરેલા છે. વળી, 2013 માં The Giving Pledge એટલે કે આપવાનો (અથવા છોડી દેવાનો) આનંદ નામના વૈશ્વિક ચળવળમાં સહી કરી પોતાની ઓછામાં ઓછી અડધી સંપત્તિ દાન કરવાનો તેમણે નિર્ધાર જાહેર કર્યો છે.
1945 માં મહમદ હાશિમ પ્રેમજી એ વેસ્ટર્ન ઇંડિયન વેજીટેબલ પ્રોડક્ટસ લિમિટેડ ના નામથી કંપની શરૂ કરેલી અને સનફ્લાવર વનસ્પતિ ઘી અને 787 સાબુ બનાવવાનું શરૂ કરેલું. 1966 માં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં એન્જીનિયરીંગ નો અભ્યાસ કરતાં અઝિમ હાશિમ પ્રેમજી ના પિતાનું અવસાન થતાં 21 વર્ષની ઉમ્મરે તેમણે વતન આવી બાપીકી કંપની સંભાળી લીધી. અને થોડા સમયમાં ઉત્પાદનોની વિવિધતા શરૂ કરી. મૂળ ઉત્પાદનો ઉપરાંત બેકરી માટેનું ઘી, નાહવા-ધોવાના સાબુ, શેમ્પૂ, બાલ પ્રસાધનો અને હાઈડ્રોલિક સિલિન્ડર જેવા વધારાના ઉત્પાદનો પણ શરૂ કર્યા. 1980ના દશકમાં અમેરિકન કંપની IBM ની ભારતીય સબસીડરી બંધ થતાં ભારતમાં આઇટી ઉદ્યોગમાં પડેલો અવકાશ સમયસર ઓળખી જઈને આ યુવા સાહસિકે કંપનીનું નામ વિપ્રો કરી સૉફ્ટવેર ક્ષેત્રે એક અમેરિકન કંપનીના સહયોગથી પગરણ માડી દીધા. અને આમ, સાબૂમાથી સૉફ્ટવેર પર શિફ્ટિંગ કરી દીધું.
તેઓને અનેક નામી શૈક્ષણિક સંસ્થાઓ તરફથી માનદ પદવીઓ તો મળી જ છે. ઉપરાંતમા ભારત સરકારે પણ વર્ષ 2005 માં તેમની વ્યાવસાયિક કામિયાબી અને દેશના વેપાર વણજમાં તેમના યોગદાનને પદ્મભૂષણ સન્માનથી નવાજી છે. વળી, 2011 માં દેશનું બીજું સર્વોચ્ચ સન્માન પદ્મવિભૂષણ પણ તેમણે એનાયત થયેલું છે. અનેક સંસ્થાઓએ દેશ અને દુનિયાના પ્રભાવશાળી લોકોમાં તેમનો સમાવેશ પણ કર્યો છે.
અઝિમ હાશિમ પ્રેમજી એટલે અઢળક કમાણી અને વૈશ્વિક નામના ધરાવતી વિપ્રો કંપની એ સત્ય જ છે પણ એ અધૂરું સત્ય છે. કમાણી અને સંપત્તિ લોકો માટે વાપરવાની વાત આવે ત્યારે તેઓ બધાથી વધી જાય તેવા સાબિત થાય છે. 2001ના વર્ષમાં તેમણે સ્થાપેલ અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન એ નોન-પ્રોફિટ સંસ્થા છે અને તેનું મુખ્ય ધ્યેય ભારતમાં શિક્ષણ અને તેમાં પણ પ્રાથમિક શિક્ષણના સુધારનું છે. બે બિલિયન અમેરિકન ડોલરના ફંડ સાથે તેમણે આ પ્રવૃત્તિ શરૂ કરેલ છે. માર્ચ 2019 માં તેમણે અઝીમ પ્રેમજી ટ્રસ્ટમાં વિપ્રોના 213 મિલિયન શેરનું દાન કરી દીધું. આ રકમ ભારતમાં આ પ્રકારનું સૌથી મોટું દાન છે. વળી, બીજા વિપ્રોના પોતાની માલિકીના 34% શેર પણ તેમણે ફાઉંડેશનને આપવાનું ઠરાવ્યું છે. જેની હાલ કિમત 7.5 બિલિયન અમેરિકન ડોલર થાય છે. આમ, બધુ મળીને ફાઉંડેશનને અઝિમ હાશિમ પ્રેમજી એ 21 બિલિયન અમેરિકન ડોલર જેટલું દાન કરી દીધું છે.
અમેરિકન ધનકુબેર કહી શકાય તેવા વોરન બફેટ અને બિલ ગેટ્સ દ્વારા શરૂ કરાયેલી ઝુંબેશ ‘The Giving Pledge’ માં જોડનાર અઝિમ હાશિમ પ્રેમજી પ્રથમ ભારતીય અને ત્રીજા બિન અમેરિકન છે.
તેઓએ ક્યાક કહ્યું છે કે ” જેઓ ધનવાન થવા નસીબદાર બન્યા હોય તેમની ફરજ છે કે સમાજના છેવાડાના વંચિતો માટે સાર્થક પ્રયત્નો કરવા જ જોઈએ” એપ્રિલ 2013 સુધીમાં તેઓ પોતાની 25% સંપત્તિ દાન કરી ચ્ક્યા હતા અને જુલાઇ 2015 સુધી બીજી 18% સંપત્તિ આપી તેઓ પોતાની 39% સંપત્તિ દાન કરી ચૂક્યા છે.
જેની પાસે છે તેણે દાન કરવું જ જોઈએ તેવી પરંપરા આપણા દેશમાં સદીઓ જૂની છે. પણ નવશ્રીમંત થયેલા મોટા ભાગના ધનીકો તેને અનુસરવાની હિમ્મત કરી શકતા નથી. દેશમાં ખૂબ ઓછા (10% થી પણ ઓછા ) લોકો પાસે દેશની 90% થી વધુ સંપત્તિ સંચિત થયેલી છે. આ ધન દેશના વિશાળ જનસમુદાય ના શિક્ષણ, સ્વાસ્થ્ય, વિકાસ અને જીવનને જીવવાલાયક બનાવવાના કાર્યમાં વપરાય તો દેશનો વિકાસ કોઇથી રોકી શકાય નહીં. આપણા દેશના મોટા ઉદ્યોગપતિ ખાનાદાનો હમેશા સામાન્ય લોકોની ચિંતા કરતાં રહ્યા છે અને અનેક નાની મોટી સંસ્થાઓ તેવું કાર્ય સદીઓથી કરતી આવી છે. પણ વર્તમાનમાં જરૂરિયાતો અને સમસ્યાઓ મોટી થયેલી છે. તેનું નિરાકરણ અઢળક નાણાંથી જ આવી શકે તેમ છે. ત્યારે અઝિમ હાશિમ પ્રેમજી નું ઉદાહરણ દરેક ધનપતિને સમાજ માટે કઈક કરવાનું પ્રોતસન આપે એવી આશા સાથે તેમને જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ.