અડાલજની વાવ જ નહીં બધા જ અગત્યના પ્રવાસન મથકો માટે કહી શકાય કે,
ગુજરાતમાં પ્રવાસન સ્થળોનો વિકાસ અને પ્રવાસન ઉદ્યોગ વિકસાવવામાં શરૂઆતના સમયમાં દૂર્લક્ષ સેવવામાં આવેલું.
ગુજરાતની બાજુમાં રાજસ્થાન અને મહારાષ્ટ્ર તેના જૂના રજવાડી સ્થાપત્યો અને પ્રજા તથા સરકારોના પ્રવાસન ક્ષેત્રે પ્રોત્સાહક કામગીરીના કારણે પ્રવાસનનો ખૂબ વિકાસ થયેલ છે.
ગુજરાતમાં ઐતિહાસિક સ્થળો અથવા પ્રવાસનને લગતા સ્થળો નથી તેમ નથી.
વળી, ગુજરાતી પ્રજા કદાચ સૌથી વધારે પ્રવાસન પ્રિય પ્રજા છે.
તેમ છતાં ગુજરાતમાં પ્રવાસનનો વિકાસ ઓછો છે તે નવાઈની વાત છે.
હાલના વર્ષોમાં સરકાર અને લોકોની પ્રવાસન પ્રત્યેની દ્રષ્ટી બદલાઈ છે અને ગુજરાતમાં પ્રવાસન પ્રવૃત્તિઓ વધુ વેગવાન બની છે.
ગુજરાતમાં સોલંકીકાલીન સ્થાપત્યો, મુસ્લિમ સ્થાપત્યો તેમજ ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિમાં મેળા અને ઉત્સવો પ્રવાસનના સૌથી મોટા આકર્ષણો છે.
રણોત્સવ, નવરાત્રી, તરણેતરનો મેળો, વૌઠાનો મેળો વગેરે પ્રવાસન માટે અતિ-ઉત્તમ પ્રસંગો છે.
આજે આપણે ગુજરાતની આગવી લાક્ષણિકતા ગણાતી વાવ વિશે વાત કરવી છે.
આમ તો ગુજરાતમાં અનેક વાવો આવેલી છે અને તેમાં સ્થાપત્ય તથા કલા અને કારીગરીની દ્રષ્ટીએ ખૂબ ઉત્ક્રૃષ્ટ ગણાય તેવી અગત્યની વાવોમાં અડાલજની વાવનો સમાવેશ થાય છે.
પાટનગરમાં અડાલજની વાવ
અડાલજની વાવ ગુજરાતનાં અમદાવાદ પાસેથી પસાર થતાં સરખેજ-ગાંધીનગર ધોરીમાર્ગ ઉપર ગાંધીનગર તાલુકાનાં અડાલજ ગામમાં આવેલી વાવ છે.
અડાલજની વાવ એ રૂડીબાઈની વાવ તરીકે પણ ઓળખવામાં આવે છે.
અડાલજ ગામની સીમમાં ઇ.સ. 1499ના વર્ષમાં વીરસંગ વાધેલાની પત્ની રાણી રૂડીબાઈએ આ વાવનું નિર્માણ કરાવ્યું હતું.
તેથી આ વાવ અડાલજની વાવ અથવા રૂડીબાઈની વાવના નામથી પ્રચલિત થઇ.
આ વાવનાં નિર્માણમાં તે સમયના અંદાજે 5 લાખ રુપિયાનો ખર્ચ થયો હતો.
આ વાવના સ્થપતિ શ્રીમાળી જ્ઞાતિના ભીમાના દીકરા મારણ હતા.
શ્રેષ્ઠ કળા-કારીગરીનો નમૂનો
ભારતમાં જોવા મળતી વાવમાં શ્રેષ્ઠ સ્થાપત્યમાં જેની ગણના થયા છે એવી અડાલજની વાવ એ દેશ અને દુનિયાના સંશોધકો માટે સંશોધનનું કેન્દ્ર બની ગઈ છે. પાંચ માળ ધરાવતી અડાલજ વાવને એવી રીતે ડિઝાઈન કરવામાં આવી છે કે સૂર્યનું સીધું કિરણ વાવના પાણી સુધી પહોંચી ના શકે અને ઉનાળામાં પણ પાણીનું સ્તર જળવાઈ રહે. પહેલાના સમયમાં ગુજરાતના અનેક ભાગમાં પાણીની સમસ્યા હોઈ રાજા-મહારાજાઓ મુસાફરો અને સ્થાનિક લોકો માટે વાવ બનાવતા હતા. આ વાવો માત્ર ખોદકામ ન બની રહેતાં સ્થાપત્ય અને કલાત્મક રીતે લોકો ઉપર અમીછાંટ પાડીને ઐતિહાસિક બની રહેતી હતી. અડાલજની વાવ પતિભક્તિ અને પ્રેમનું પ્રતીક છે. તે સમયે ગુજરાતમાં થતી સિંચાઈ અને પાણીની વ્યવસ્થાનું પણ પ્રતીક છે.
ઉત્કૃષ્ઠ ઈજનેરી કૌશલ્ય
આ વાવ ચુના અને પથ્થરથી નિર્મિત હિંદુ-મુસ્લિમ સ્થાપત્યકળાનો એક ઉત્કૃષ્ઠ નમુનો છે.
વાવમાં ત્રણ દિશાના પ્રવેશ દ્વાર પાસે ઊભા રહી સીધી લીટીમાં જોવા મળતો સીધોસટ્ટ અંત ભાગ તેની સૌથી મોટી વિશેષતા છે.
આ વાવ ત્રણ મુખ્ય પ્રવેશદ્વાર ધરાવતી હોવાથી શાસ્ત્રો મુજબના વર્ગીકરણ પ્રમાણે જયા પ્રકારની ગણાય છે.
ઉત્તર દક્ષિણ ધરી પર ગોઠવાયેલી આ વાવની કુલ લંબાઇ 251 ફૂટ છે,
જ્યારે ઉત્તર દિશામાં આવેલા કૂવાની ઊંડાઇ 50 ફૂટ જેટલી છે.
પાંચ માળની આ વાવ જમીનમાંનાં પાણીના પ્રથમ ઝરણા સુધી બનાવવામાં આવી છે.
જેના દ્વારા ગરમ અને સૂકા પ્રદેશમાં પાણીનું બાષ્પીભવન થયા વગર પાણી મળતું રહે.
પાણીની અછતવાળા પ્રદેશમાં અતિ ઉપયોગી એવા આ પ્રકારનાં સ્થાપત્ય વિશ્વમાં માત્ર ગુજરાત અને રાજસ્થાનમાં જ જોવા મળે છે.
જમીનમાં ઊંડા ખોદકામથી માટી ધસી ન પડે તે માટે પથ્થરની દીવાલ ચણવામાં આવી છે,
જેને સિમેન્ટ કે સળિયા વગર માત્ર પથ્થરના જ થાંભલા વડે ટેકવવામાં આવી છે.
પાંચસો વર્ષ પહેલાં બંધાયેલી આ વાવ ધરતીકંપ, પૂર જેવી કુદરતી હોનારતો સામે અડીખમ ઉભી રહી તેના બાધકામના ઇજનેરી કૌશલ્યનો સચોટ ખ્યાલ આપે છે.
વાવમાં પગથિયાં દ્વારા 50 ફૂટ ઊંડા પાણીના કૂવા સુધી પહોંચાય છે,
જ્યારે પશુને પાવા માટે તથા સિંચાઇને લગતા પાણી માટે 17 ફૂટ વ્યાસના ગોળ કૂવામાંથી ગરગડી દ્વારા પાણી ખેંચી શકાય તેવી વ્યવસ્થા છે.
પગથિયાનાં કૂવાની ફરતે ગેલેરી સ્વરૂપે પથ્થરના ચોતરાઓ અને બેઠકો વિસામા માટે રચવામાં આવી છે.
ધર્મ અને સમાજ જીવનનું પ્રતિબિંબ
ઈજનેરી કૌશલ્ય ઉપરાંત આધ્યાત્મિક ભાવ ઉપજાવતી આ વાવ પર માતાજીનું સ્થાનક સ્થાપિત છે. જેમાં પૃથ્વીના ગર્ભમાં જવાના ભાવરૂપે વાવનાં ગોખમાંની માતાજી, ત્રિશૂળ, વાઘ, ગાગર વગેરે અને છેક છેવાડેના કૂવાની દીવાલ પરનું ગણેશજીનું શિલ્પ દેખાય છે, જે પવિત્ર યાત્રાનો શુભારંભ સૂચવે છે. આવી આધ્યાત્મિક ભાવના સાથે કેટલાય કુટુંબમાં નવ દંપતિને ફળદ્રુપતાના આશીર્વાદ લેવા વાવમાં દર્શન અર્થે લાવવામાં આવે છે. વાવમાં ભારતીય સંસ્કૃતિ મુજબ જુદા જુદા ભગવાનનાં સ્થાપત્યો કોતરવામાં આવ્યાં છે. હાથી, સુંદરીઓ સાથે ઝીણી ઝીણી કોતરણી આપણા પર ભારે પ્રભાવ પાડી જાય છે. આ વાવના ઝરૂખા પણ મનમોહક છે. અષ્ટકોણીય આકાર ધરાવતી આ વાવ મુખ્ય ચાર સ્તંભ પર બાંધવામાં આવી છે. ઘણીખરી વાવ મહમદ બેગડાએ બનાવી હોઈ તેમાં ઇસ્લામિક સ્થાપત્યનો પ્રભાવ પણ મોટા પ્રમાણમાં જોઈ શકાય છે. આ ઉપરાંત જૈનધર્મનો પ્રભાવ પણ જોવા મળે છે.
સુરક્ષિત સ્મારક
શિલ્પ અને સ્થાપત્યની દ્રષ્ટિએ આ વાવ અનેરૂં મહત્વ ધરાવે છે અને ભારત સરકાર દ્વારા તેને સુરક્ષિત સ્થળ ઘોષિત કરવામાં આવી છે. હાલ અહીં વાવની આસપાસ સુંદર અને વિશાળ બગીચો પણ બનાવવામાં આવ્યો છે. ગુજરાતના પર્યટન વિભાગ દ્વારા આ વાવની સારસંભાળ થાય છે. અડાલજની વાવને એક પર્યટન સ્થળ તરીકે વિકસાવવાના પ્રયત્નો ચાલું છે. દેશ-વિદેશથી હજારોની સંખ્યામાં પર્યટકો આ વાવને જોવા માટે અહીં આવે છે. ખરેખર અડાલજની વાવ એ ગુજરાતના સ્થાપત્યની દ્રષ્ટિએ એક બેનમૂન ઉદાહરણ રૂપ છે.
પાટણની પ્રખ્યાત ‘રાણકી વાવ‘ વિષે પણ આ બ્લોગ સાઇટનો લેખ પણ જુઓ.