Press "Enter" to skip to content

અલંગ – દુનિયાનું સૌથી મોટું શીપ બ્રેકિંગ યાર્ડ

Pankaj Patel 0

વહાણ અથવા જહાજ એ દરિયાઈ મુસાફરી અને માલ-સામાનની હેરફેર માટેનું વાહન છે. જેમ હવાઈ જહાજ આકાશમાં ઉડતું હોવાથી તેની જાળવણી ખુબ સારી રીતે કરવી પડે છે, અને તેનું આયુષ્ય નિયત કરવામાં આવે છે. જહાજમાં માનવી તેમજ માલસામાનની હેરફેર ઊંડા સમુદ્રમાં કરવાની હોય છે. તેની જાળવણી યોગ્ય રીતે ના થાય તો ગંભીર અકસ્માતો સર્જાવાની શક્યતા હોય છે. વળી, ગમે તેટલી જાળવણી કરવા છતાં જહાજની આયુષ્યમર્યાદા નક્કી કરવામાં આવે છે. તે સમય પછી જહાજ ઉપયોગમાં લઇ શકાતું નથી. સામાન્ય રીતે કોઈ પણ જહાજનું આયુષ્ય 25 વર્ષની આસપાસ હોય છે, જે પછીથી તેનો ઉપયોગ કરી શકાતો નથી. આ ઉપરાંત નવી શોધો અને સંશોધનોના કારણે પણ જુના જહાજ બિનઉપયોગી બની જતા હોય છે. હવે આ સંજોગોમાં બિનઉપયોગી જહાજ એ તેના માલિક માટે બોજારૂપ બની જાય છે, કેમ કે બંદર ઉપર જહાજ રાખવાનો ખર્ચ, તેણી સાચવણી અને તેમાં જોઈતા માણસોના મહેતાણાનો બિનજરૂરી ખર્ચ કરવાનો થાય છે. આ સંજોગોમાં જહાજને ભંગાર તરીકે વેચી દેવાતું હોય છે અને તેને ભાગીને તેનો નિકાલ કરવામાં આવે છે. આવા જહાજ ને ભાગવા માટેનો એક આખો ઉદ્યોગ વિકસ્યો છે, જેને શીપ બ્રેકીંગ કહે છે. શીપ બ્રેકીંગ માટે ખાસ યાર્ડ હોય છે અને ત્યાં જહાજોના જુદા જુદા ભાગો છુટા પાડી તેનો ફરીથી ઉપયોગ કરવા માટે અથવા શીપ રીસાયકલીંગ કરવા માટે અનેક પ્રવૃત્તિઓ થતી હોય છે. શીપ રીસાયકલિંગમાં ઘણી બધી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. જેવી કે જહાજના બધા જ ભાગોને અલગ કરવા, એને કાપવું વગેરે પ્રવૃત્તિઓ દ્વારા જહાજને તોડવામાં આવે છે, જેથી એ ભાગોનો ફરીથી બીજે ક્યાય ઉપયોગ કરી શકાય.

અરબ સાગરમાં આવેલા ખંભાતના અખાતમાં દરિયાકિનારે આવેલું અલંગ એ ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાનું નગર છે. આ ગામનો જહાજવાડો વર્તમાન સમયમાં વિશ્વભરમાં જહાજ તોડવાના સ્થળ તરીકે જાણીતો થયેલ છે. અંગ્રેજી ભાષામાં અલંગને શીપ બ્રેકિંગ યાર્ડ કહેવામાં આવે છે. અલંગ એ ભૌગોલિક દ્રષ્ટિએ જહાજ તોડવા માટે અનુકૂળ છે. અહીં દરિયાકિનારે જરૂરી એવી બધી જ સાનૂકૂળતાને લીધે અલંગ શીપ બ્રેકિંગ યાર્ડ તરીકે આજે દુનિયામાં મોખરાનું સ્થાન ધરાવે છે. છેલ્લા ત્રણ દશકામાં અલંગ એ દુનિયા નું સૌથી મોટુ જહાજ ભાંગવાનુ સ્થળ બન્યું છે, જ્યાં દરેક જાતનાં નાનાં-મોટાં જહાજો (ટેન્કર, મુસાફરવાહક, માલવાહક વગેરે) ભાંગીને દરેક ભાગ અલગ કરવામાં આવે છે. 2009 માં દુનિયાના સૌથી મોટા જહાજને પણ દુબઈથી અહીં લાવીને તોડવામાં આવ્યું હતું.

ભાવનગરથી 50 KM દૂર આવેલ અલંગ એ ખંભાતના અખાતમાં આવેલ છે. સમુદ્રની ભરતી દરમિયાન અહીં મોટી ટેંકરો, કન્ટેનર જહાજો વગેરે જેવા નાના-મોટા અનેક જહાજો લાવવામાં આવે છે અને ઓટના સમયે અહીંના કામદારો દ્વારા તેને તોડીને જેટલો સામાન બચાવી શકાય તેટલો બચાવી બાકીનો ભંગાર તરીકે રાખવામાં આવે છે. હમણાથી અલંગમાં કામ કરતા કામદારોને કામ કરવાની પરિસ્થિતિ, એમના વસવાટ અંગેની તકલીફો અને પર્યાવરણને અસર કરતા પરિબળોને કારણે વિવાદનું વંટોળ સર્જાયું છે. અહીંની મોટી સમસ્યા એ છે કે કોઈ મજૂર જહાજ તોડતા કોઈ ગંભીર અકસ્માતનો ભોગ બને તો નજીકમાં કોઈ મોટું સારવાર કેંદ્ર નથી. નજીકનું સારવાર કેંદ્ર જે બધી જ સુવિધાઓથી સજ્જ હોવું જોઈએ તે 50 KM દૂર ભાવનગરમાં છે. તો આવા સમયે કોઈ મજૂરને અકસ્માતના સમયે ઝડપી સારવાર મળી શકતી નથી.

જહાજોને તોડીને એના ભાગો અલગ કરવાનો આ ઉદ્યોગ ભારત માટે નવો નથી. 1912થી કલકત્તા અને મુંબઈમાં આ ઉદ્યોગ સ્થપાયેલો જ છે. બીજા વિશ્વ યુદ્ધ પછી મધ્ય પૂર્વના દેશોમાં ખનીજતેલની ઉત્પાદકતામાં થયેલો વધારો અને અને તેને સ્થળાંતરિત કરવા માટે વપરાતી મોટી ટેંકરોના કારણે આ ઉદ્યોગને વેગ મળ્યો. 1970 ના દશકામાં પશ્ચિમી દેશોમાં શીપ બ્રેકિંગના ઉદ્યોગમાં ખૂબ જ તેજી આવી. 1980ના દશકામાં આવેલી પહેલી વૈશ્વિક આર્થિક મંદીને કારણે પણ આ ઉદ્યોગમાં ખૂબ જ તેજી આવી. પશ્વિમી દેશોના વિકાસમાં આવેલી તેજીને પરિણામે આ ઉદ્યોગ એશિયાના દેશો તરફ વળ્યો.

ભારતમાં શીપ બ્રૈકિંગ ઉદ્યોગમાં આવેલ વૃદ્ધિને કારણે એવુ સ્થળ પસંદ કરવાની ફરજ પડી કે જ્યાં શીપ બ્રેકિંગ માટે બધી જ અનૂકુળતા હોય અને ત્યાર બાદ અલંગ પર પસંદગી ઉતારવામાં આવી. પછીથી શીપ બ્રેકિંગ ઉદ્યોગ એ ગુજરાતનાં અલંગમાં એક નવા જ અવતાર સાથે વિકસિત થયો. ભારતના પશ્ચિમી ભાગમાં લોખંડ/સ્ટીલ માટે કોઈ કુદરતી સ્ત્રોત ન હોવાથી અલંગ એ લોખંડ/સ્ટીલના એકમાત્ર વિકલ્પ તરીકે ખૂબ જ મહત્વ ધરાવે છે. આજુબાજુના ઉદ્યોગો જેમને સ્ટીલની જરૂર હોય છે તે ઓછો પરિવહન ખર્ચ કરીને અલંગથી તે મેળવી શકે છે. આને કારણે પણ અલંગ એ ખૂબ જ અગત્યનું છે.

જહાજને તોડી નાખવાથી મળતા લોખંડ, કાચ, પ્લાસ્ટિક, એલ્યુમિનિયમ, લાકડાંનું રાચરચીલું તેમ જ અન્ય વસ્તુઓને લગતા વેપારધંધા તેમજ ઉદ્યોગો પણ અહીં વિકાસ પામ્યા છે. અહીંથી મળતા લોખંડને રીસાયકલ કરવામાં આવે છે જેથી અહીંના નાના અને મધ્યમ કદના ઉદ્યોગો માટે એ સહાયરૂપ છે. જહાજ તોડતા અગત્યના મશીનો અને તેના ભાગોને ખૂબ જ ઓછી કિંમતે વેચવામાં આવે છે જે નાના ઉદ્યોગોને ઓછા ખર્ચે મળી રહેતા, મશીનોમાં થતા રોકાણમાં તેમને રાહત મળે છે. મશીનોની સાથે સાથે અન્ય ઘણી બધી વસ્તુઓ પણ અહીં ખૂબ જ ઓછી કિંમતે મળી રહે છે, જેવી કે રસોડાનું ફર્નીચર, ઑફિસનું ફર્નીચર, ઘરવપરાશની વસ્તુઓ, પ્લાસ્ટિકની વસ્તુઓ, સ્ટીલની પાઈપો, કેબલ્સ, લાઈટ ફિટિંગનો સામાન, ઈલેક્ટ્રીક મોટર વગેરે જેવી અનેક વસ્તુઓ માટે પણ અહીં એક બજાર દ્વારા વેચાણ થાય છે.

જહાજ રિસાયકલ કરવાનો આ ઉદ્યોગ એ મજૂરો અને કામદારો પર આધારિત છે. આખો ઉદ્યોગ એ મજૂરોની ઉપલબ્ધતા પર આધારિત છે. જેને કારણે અહીં મજૂરોને ચૂકવાતી મજૂરી પણ ઊંચી હોય છે. પરિવહનની સગવડતા વધારવા અને અકસ્માત નિવારવા માટે અહીં 4 લેન રોડ બનાવવામાં આવ્યો છે. પાર્કિંગ ની સગવડ પણ ઊભી કરાઈ છે. મજૂરોને ચાલવા માટે ફૂટપાથ પણ બનાવવામાં આવ્યો છે. પાણી માટે કાયમી ધોરણે સગવડતા મળી રહે તે માટે પાઈપલાઈન પણ નાખવામાં આવેલ છે. અહીંના મજૂરો માટે તાલીમ કેંદ્ર પણ સ્થપાયું છે. બીજી અન્ય સગવડોમાં પોલીસ ચોકી, પોસ્ટ-ઑફિસ, બેંક, ટેલિફોન ઍક્ચેંઝ, કસ્ટમ ઑફિસ, સિનેમા હોલ વગેરે પણ વિકસાવવામાં આવ્યા છે.

ગુજરાત સરકાર અને જાપાન અલંગના વિકાસ માટે સાથે કામ કરવા રાજી થયા છે અને તે માટે ગુજરાત સરકાર અને જાપાન વચ્ચે સમજૂતી કરાર પણ થયા છે, જે મુજબ જાપાન ટેકનોલોજી અને નાણાકીય મદદ કરી અલંગમાં થતી કામગીરીમાં સુધારો લાવી અલંગને આંતરરાષ્ટ્રીય ધોરણો પૂરા પાડી તેનો વિકાસ કરશે. વિશેષમાં પર્યાવરણને લગતી સમસ્યાઓના નિવારણ માટે પણ જાપાન મદદ કરશે. આ સમજૂતી કરારનો મુખ્ય ઉદ્દેશ અલંગને વિશ્વના સર્વોત્તમ શીપ બ્રેકિંગ યાર્ડ બનાવવા માટેનો છે.

 

 

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *