માણસો બે પ્રકારના જોવા મળે છે. કેટલાક જે દેખાય તે જુવે છે અને કેટલાક જે જુવે તેને ધ્યાનથી જુવે અને તેના ઉપર મનન કરે અથવા કહો કે નિરિક્ષણ કરી તેના આગળ પાછળનો ય વિચાર કરે. આપણે જાણીએ છીએ કે અવલોકન એ નિરિક્ષણ માટે પાયાનું પગથીયું છે. હવે, આપણે બે વાર્તારૂપી ઉદાહરણથી આ વાત સમજવાનો પ્રયત્ન કરીએ.
(1) એક વાર એક ફકીર ચાલતો-ચાલતો વગડામાં જતો હતો. રસ્તામાં તેને એક વાણિયો સામો મળ્યો. ફકીરે તેને પૂછયું, ''શેઠ, તમારું એકાદ ઊંટ ખોવાય છે ?''
વેપારીએ કહ્યું, ''હા, હું તેને શોધવા જ નીકળ્યો છું.''
એટલે ફકીરે કહ્યું, ''તેની જમણી આંખ ફૂટેલી છે ને તે ડાબે પગે ખોડું છે. તેનો આગલો દાંત પડી ગયો છે. તમે તેની એક બાજુ મધ લાદ્યું છે અને બીજી બાજુ ઘઉં લાદ્યા છે, ખરું ?''
વેપારીએ કહ્યું, ''ખરી વાત, બાબા. તમે એને આટલું ધારી-ધારીને જોયું છે તો ચાલો, બતાવો તે કઈ તરફ ગયું છે અને ક્યાં છે?
ફકીરે જવાબ દીધો, ''શેઠ, મેં તમારું ઊંટ જોયું નથી, તેમ તમારા સિવાય બીજા કોઈને મોઢે એની વાત પણ સાંભળી નથી, પછી હું તમને તમારું ઊંટ બતાવું ક્યાંથી?''
વાણિયાએ કહ્યું, ''બાબા, એ બધી વાત રહેવા દો, અને કહો કે એના ઉપર ઝવેરાત હતું તે ક્યાં છે?''
ફકીરે કહ્યું, ''શેઠજી, તમે મારું કહ્યું માનતા નથી. હું સાચું જ કહું છું કે મેં તમારું ઊંટ નજરે જોયું પણ નથી, તેમ તમારું ઝવેરાત પણ ભાળ્યું નથી. હું એમાંનું કશું જ જાણતો નથી.''
એ સાંભળી વેપારીએ ફકીરને સિપાઈઓ દ્વારા પકડાવીને કચેરીમાં રજૂ કર્યો. ત્યાં તેની ઝડતી લેવામાં આવી, પણ તેની પાસેથી કશું નીકળ્યું નહિ. તેણે ચોરી કરી છે અથવા તે જૂઠું બોલ્યો છે, એના કોઈ સાક્ષી પણ મળ્યા નહિ. એટલે ન્યાયાધીશ પણ મૂંઝવણમાં પડી ગયો અને તેણે ફકીરને કહ્યું, ''બાબા, તમે ચોરી કરો કે જૂઠું બોલો એવું મને લાગતું નથી. પણ તમે ઊંટની જે નિશાનીઓ આપી તે ઉપરથી તો એમ જ લાગે છે કે તમે એ ઊંટને નજરોનજર જોયું હોવું જોઈએ. એ વાતનો ખુલાસો કરશો?''
ત્યારે ફકીરે કહ્યું, ''નામદાર, તમારી મૂંઝવણ હું સમજું છું, પણ તમે મારી વાત સાંભળશો એટલે એનો ખુલાસો મળી જશે. હું ઘણાં વરસો થયાં વગડામાં એકલો રહું છું. પણ એ વગડામાં મને ઘણું જોવા-વિચારવાનું મળી રહે છે. મને અવલોકન કરવાની ટેવ છે. રસ્તે ચાલતાં-ચાલતાં મેં ઊંટનાં પગલાં જોયાં. તેના માર્ગની એક જ બાજુનાં પાંદડાં કરડેલાં હતાં. એટલે મને થયું કે, તે આંખે કાણું હશે. વળી, જે પાંદડાં કરડેલાં હતાં તેમાં વચમાંનો થોડો ભાગ રહી ગયો હતો. આ બધા અવલોકન ઉપરથી મેં અનુમાન કર્યું કે, વચમાંનો આગલો દાંત પડી ગયો હશે. તેનાં પગલાંમાંનું એક-એક આછું પડેલું હતું, એટલે મને થયું કે એ એક પગે લંગડું હશે. તેના રસ્તાની એક બાજુએ ઘઉં વેરાયેલા હતા. તે લઈ જવા કીડીઓ ચઢી હતી ને બીજી બાજુએ માખીઓ બણબણતી હતી. તે પરથી મેં જાણ્યું કે તે ઊંટને એક બાજુ ઘઉં અને બીજી બાજુએ મધ લાદેલાં હશે, અને કોઈ માણસ જોડે હશે નહિ, કેમકે હોય તો ઘઉં વેરાય નહિ. આ બધા ઉપરથી મને થયું કે ઊંટ એના ધણી પાસેથી નાઠેલું હોવું જોઈએ.''
આ સાંભળીને ન્યાયાધીશ નવાઈ પામ્યો. આખી કચેરી પણ દંગ થઈ ગઈ. સૌ આ ફકીરની ઝીણી નજર એટલે કે અવલોકન કરવાની ટેવ તથા અનુમાન કરવાની શક્તિનાં વખાણ કરવા લાગ્યા.
(2) હવે, આવી જ બીજી વાત જોઈએ. એક શેઠ હતા. એમના ઘરે અને દુકાને કામ કરવા એક રામો રાખેલો હતો. એક દિવસ શેઠાણી પિયર જઈને આવેલા. તેમની સાથે તેમણો ભાઈ એટલે કે શેઠનો સાળો પણ આવેલો. બપોરે જમતી વખતે શેઠાણીએ શેઠને કહ્યું કે, આ રામાને આપણે વધારે પગાર આપીએ છીએ તેના કરતા મારા ભાઈને રાખી લો તો આપેલો પગાર પણ ઘરનો ઘરમાં જ રહે અને પારકા માણસની ઓશિયાળ પણ નહી. શેઠે કહ્યું, “સાંજે વિચાર કરીને નિર્ણય કરીએ” શેઠાણી કહે, “એમાં વિચાર શું કરવાનો? મારો ભાઈ મારી સાથે જ આવ્યો છે અને એ આપણું બધું કામ કરવા રાજી છે”. શેઠ કહે છતાં સાંજે વિચાર કરીને જોઈએ છીએ.
સાંજે જમીને શેઠ અને શેઠાણી હિંચકે બેઠા હતા ત્યાં શેઠે તેમના સાળાને કહ્યું, “ મહેમાન, આપણા ઘર પાછળના વાડામાં એક કુતરી વિયાણી છે, જરા નજર કરતા આવોને”. સાળાજી ગયા અને આવીને કહ્યું, “સાચી વાત છે કુતરી વિયાણી છે”. શેઠ કહે ‘કેટલા બચ્ચા છે?’ સાળાજી હમણા જોઈ આવું કહી જોવા ગયા. આવીને કહે, ‘છ બચ્ચાં છે.’ શેઠે ફરી પૂછ્યું, ‘કુતરા કેટલા અને કુતરીઓ કેટલી છે?’. ફરી સાળોજી જોઇને આવ્યા અને કહ્યું, ‘ચાર કુતરા અને બે કુતરીઓ છે.’
શેઠે સાળાજીને પાસે બેસાડ્યા અને રામુને બોલાવ્યો. રામુને કહ્યું, ‘રામુ, આપણા ઘર પાછળના વાડામાં કુતરી વિયાણી છે, જરા નજર કરી આવ તો.’ રામુ ‘હા શેઠ, કહી જોવા ગયો. આવીને કહ્યું, ‘ શેઠ, કુતરી વિયાણી છે અને છ બચ્ચાં છે, જેમાંથી બે કુતરી અને ચાર કુતરા છે, ત્રણ કાબરચીતરા અને બે કાળા બચ્ચા છે એક ઘોળું બચ્ચું છે. કાલથી શીરો કરીને ખવડાવવો પડશે, કેમકે કુતરી બીમાર છે અને નહી તો મરી જશે.’ શેઠ કહે સારું હવે સુઈ જાઓ.
રાત્રે સુતા સુતા શેઠે શેઠાણીને પૂછ્યું, ‘રામુને રાખવો છે કે તારા ભાઈને?’ શેઠાણી કહે, ‘રામુ જ બરાબર છે.’
વાર્તાનો સાર એટલો જ છે કે, ધ્યાન દઈને અવલોકન – નિરિક્ષણ કરવામાં આવે અને તેનું મનન કરી વિચારીને નિર્ણય લેવામો આવે તો નિર્ણય અને તેનાથી થતું કાર્ય બન્ને સુપેરે સિદ્ધ થાય.
(આવા પ્રેરક પ્રસંગો બાળકોની આંતરિક શક્તિઓને ખીલવવા માટે ઉપયોગમાંં લઈ શકાય.) http://www.zigya.com/gseb