અહિંસા પરમ ધર્મ છે.
આ ભારતીય તત્વજ્ઞાન ભાગવદગીતા અને મહાવીરનો સંદેશ છે. ગાંધીજી પણ એ જ કહે છે.
આપણા વિચારોમાં અને વર્તનમાં એ પ્રતિબિંબ પડે તો સમજવું કે શાંતિનો માર્ગ મળ્યો છે.
અહિંસા પરમ જ્ઞાન છે અને અહિંસા જ પરમ પદ છે.
– શ્રીમદ ભગવદગીતા
અહિંસા એટલે કાર્યોની અહિંસા,
જીવદયા એટલે હ્રદયની અહિંસા,
અનેકાન્ત એટલે વિચારોની અહિંસા
અને અપરિગ્રહ એટલે વ્યવહારની અહિંસા.
– ભગવાન મહાવીર
અહિંસા પ્રચંડ શસ્ત્ર છે,
તેમાં પરમ પુરુષાર્થ છે,
તે કાયરોથી દૂર ભાગે છે
અને વીર પુરુષોની તે શોભા છે.
તે શુષ્ક, નીરસ અને જડ પદાર્થ નથી.
તે આત્માનો વિશેષ ગુણ છે.
– મહાત્મા ગાંધી.
અહિંસા એટલે
બીજાના જીવન પ્રતિ
તેમના વ્યક્તિત્વ પ્રતિ આદર
– કાકાસાહેબ કાલેલકર
હિંસા ના કરવી એટલે અહિંસા એમ કહેવું ભૂલભરેલું છે.
અહિંસાનો અર્થ છે પ્રાણીમાત્ર પર પ્રેમ રાખવો.
– ઓશો રજનીશ.
અહિંસા માટે દરેક ઉપદેશકે કઈક કહ્યું છે. ગાંધી અને મહાવીરે તેને જીવીને બતાવી છે. આ કોરો આદર્શ નથી પણ સામાન્ય માણસ પણ જીવનમાં તેને અપનાવી શકે છે. એવું કહેવાય છે કે દુનિયાની દરેક સભ્યતામાં ગુલામી પ્રથા જોવા મળે છે. ભારત અને ચીન તેમાથી બાકાત છે. કદાચ આપણી જીવન પ્રણાલીમાં હિંસા પ્રત્યે જે અણગમો રહ્યો છે તેના મૂળ ખૂબ ઊંડા હોવાથી આવું બન્યું હોઇ શકે.
આજે વિશ્વ અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે. તેમાં આતંકવાદ હોય કે ગૃહયુધ્ધ દરેક જગ્યાએ હિંસાનું તાંડવ છે. આપણો દેશ પણ તેનાથી ત્રસ્ત છે. દુનિયાએ બે ભયાનક વિશ્વયુધ્ધો જોયા છે. યુધ્ધ વિનાશ વેરે છે અને માણસ શાંતિ અને પ્રેમની શોધમાં છે.
મહાવીર, બુધ્ધ, સમ્રાટ અશોક અને ગાંધી – એક જ રસ્તો અને એક જ ઉપદેશ, પ્રેમ
ધર્મ પ્રેમનો માર્ગ બતાવે છે. જે ધર્મ હિંસાને પ્રોત્સાહિત કરે તે ધર્મ જ નથી. આજે દુનિયામાં ધર્મના નામે યુવાનોને ગેરમાર્ગે દોરી હિંસાનું જે તાંડવ ખેલાઈ રહ્યું છે, તેનું પરિણામ ક્યારેય સકારાત્મક હોઇ જ ના શકે. ગાંધી અને મહાવીરની પ્રસ્તુતતા હમેશા છે જ, પણ આજે કદાચ તેમની શીખ વધારે જરૂરી છે.
ભારતના ઈતિહાસમાં સમ્રાટ અશોકનું નામ સુવર્ણ અક્ષરે અંકિત છે. શક્તિ અને સાધન હોવા છતાં, તેણે પ્રેમના માર્ગે દુનિયા જીતવાનો પ્રયાસ કર્યો. ભગવાન બુધ્ધનો શાંતિ અને કરુણાનો સંદેશ ફેલાવ્યો. ચીન, જાપાન કે આજે ભારત બહાર જ્યાં પણ બૌધ્ધ ધર્મ ફેલાયેલો છે ત્યાં અશોકનો પ્રેમ અને ભાઈચારાનો સંદેશ ફેલાયેલો છે. દુનિયા હિંસાથી નહીં પ્રેમથી નજીક આવશે તો વિકાસ અને ઉન્નતિ જલ્દી પ્રાપ્ત થશે.