વૈષ્ણવજન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે
પરદુ:ખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે
નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના પ્રથમ કવિ હતા. આથી તેઓ આદ્ય કવિ તરીકે ઓળખાય છે. નરસિંહ મહેતા એ ફક્ત ગુજરાતના જ નહિ પણ સમગ્ર ભારતના ઉત્તમ સંત-કવિઓમાં અગ્રસ્થાન ધરાવે છે. નરસિંહ મહેતાનો જન્મ ઈ.સ. 1414 માં ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં એક નાગર કુટુંબમાં થયો હતો. જન્મ ભલે તળાજામાં થયો પરંતુ નરસિંહ મહેતાનું વતન જૂનાગઢ બન્યુ હતું. વડનગરા નાગર એટલે કે બ્રાહ્મણ જ્ઞાતિમાં જન્મેલા નરસિંહ મહેતાની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હતી. નાનપણમાં જ માતા-પિતાનું અવસાન થતાં તેઓ તળાજા છોડી જૂનાગઢમાં પોતાના ભાઈ-ભાભીની સાથે રહેવા આવ્યાં. તેમનો ઉછેર તેમની દાદી જયગૌરીએ કર્યો હતો. નરસિંહ મહેતા 8 વર્ષની ઉંમર સુધી બોલી શકતા ન હતાં. તેમના લગ્ન માણેકબાઈ સાથે થયાં હતાં. તેમને શામળશા નામનો પુત્ર અને કુંવરબાઈ નામની પુત્રી હતી.
પોતાની મસ્તીમાં મસ્ત રહેતા અને સાધુ સંતોના સંગમાં સમય વ્યથિત કરતા નરસિંહ મહેતાને એમના ભાભી અવારનવાર મહેણાંં મારતા હતાં. એક વાર મહેણું સહન ન થવાથી તેઓ વનમાં આવેલા ગોપીનાથ મહાદેવના મંદિરમાં ચાલ્યા ગયાં. ત્યાં એમને મહાદેવની ભક્તિ અને તપ કર્યું. એમની ભક્તિ અને ઉપાસનાથી પ્રસન્ન થઈ મહાદેવજી પ્રગટ થયા અને નરસિંહને દ્વારિકામાં લઈ જઈ શ્રી કૃષ્ણની રાસલીલાના દર્શન કરાવ્યા. આ પછી એમને કૃષ્ણભક્તિની લગની લાગી અને પોતાની અનુભૂતિઓને શબ્દો દ્વારા લોકો સમક્ષ વહેતી કરી. નરસિંહ મહેતા એ વખતના તો શ્રેષ્ઠ કવિ છે જ પરંતુ ગુણવત્તાની દ્રષ્ટિએ પણ મધ્યકાલીન યુગના શ્રેષ્ઠ કવિ છે. એમણે 1500 થી વધારે પદો રચ્યા હતાં. નરસિંહ મહેતાના પદો કાવ્ય અને વક્તવ્યની દ્રષ્ટિએ સમૃધ્ધ છે. જેમાં શામળશાનો વિવાહ, કુંવરબાઈનું મામેરુ, હૂંડિનો પ્રસંગ ઉપરાંત વસંતના પદો, કૃષ્ણભક્તિના પદો, સુદામાચરિત વગેરેનો સમાવેશ થાય છે. નરસિંહ મહેતાની રચના ‘વૈષ્ણવ જન’ સૌથી સુપ્રસિદ્ધ છે, જે મહાત્મા ગાંધીને ખૂબ જ પ્રિય હતી. આ ભજનમાં સારા માનવીના ગુણોનું સરસ રીતે વર્ણન કરેલું છે. તેમણે રચેલા સાહિત્યમાં કૃષ્ણ ભક્તિના દર્શન થાય છે.
નરસિંહ મહેતાની કવિતામાં પ્રેરણા, સ્ફૂરણા, ચેતના, કર્મ, જ્ઞાન, વૈરાગ્ય, શ્રદ્ધા અને સંસ્કારનો સમન્વય દેખાય છે. તેમનું સર્જન વ્યાપક છે. તે ગુજરાતી ભાષાની ગંગોત્રી સમાન છે. તેમના સર્જનમાં કુળ, જ્ઞાતિ, સાંપ્રત અને ધાર્મિક પ્રવાહોનું અવતરણ થયું છે. પૂર્વાવસ્થામાં 'ભાગવત' અને 'ગીતગોવિંદ'ની અસર અને ઉત્તરાવસ્થામાં ઉપનિષદો, સાધુસંતોનો સંપર્ક અને ભાગવતના વેદાંતની સંયુક્ત અસર નરસિંહના સર્જનમાં જોવા મળે છે. નરસિંહ મહેતાનો પદ્ય રચનાનો પ્રકાર પદ છે. તેમાં નવી દેશીઓનો ઉપયોગ કરી સાધેલું વૈવિધ્ય અને ઝૂલણાં-બંધનો ઉપયોગ નોંધપાત્ર છે. ગરબીઓ તરીકે ઉપયોગમાં લઈ શકાય એવા સુંદર ઊર્મિગીતો ગુજરાતી સાહિત્યને નરસિંહ મહેતાએ આપ્યા છે. છૂટક પદોમાં લખાયેલું 'સુદામાચરિત્ર' આખ્યાનકારની બીજભૂત શક્તિ દર્શાવે છે. તેમના આત્મચરિત્રાત્મક કાવ્યોમાં શામળદાસનો વિવાહ, 'હાર' સમયના પદો ઉપરાંત હુંડી, મામેરુ અને શ્રાધ્ધના પ્રસંગોને લગતા પદો છે. ગોપોઓની વિરહવ્યાકુળતા અને તેમની કૃષ્ણભક્તિ અને એમના પ્રત્યેનો પ્રેમ વગેરેનું ચિત્રાત્મક વર્ણન ખાસ નોંધપાત્ર છે.
નરસિંહ મહેતાના પ્રભાતિયા એટલે ભક્તિબોધ અને જ્ઞાનના પદો, તે સંખ્યાએ ઓછા હતા, પરંતુ લોકપ્રિયતા પામી લોકકંઠમાં સ્થાન પામ્યા એટલે કે લોકોના મુખે ગવાતા રહ્યા છે. દેહની નશ્વરતા, મનુષ્ય અવતારની દુર્લભતા અને સંસારી સુખનું મિથ્યાત્વ દર્શાવતા અનેક પદો સંસારીઓ માટે પ્રેરણારૂપ બન્યાં છે. 'વૈષ્ણવજન તો તેને રે કહીએ' માં સંતના લક્ષણો અને 'સુખદુ:ખ મનમાં ન આણીએ' તથા 'જે ગમે જગતગુરૂ દેવ જગદીશને' વગેરેમાં બોધવાણી છે.
સાંસારિક જીવનનો બોજ પણ ઈશ્વરને સમર્પિત કરનાર નરસિંહના જીવનમાં એવા અનેક પ્રસંગો બન્યા કે જેણે તેમની અનન્ય ભકિતનાં દર્શન કરાવ્યાં. એમનું જીવન અનેક ચમત્કારોથી ભરેલું હતું. ભગવાન શ્રી કૃષ્ણ દરેક સમયે પોતાના ભક્ત નરસિંહની લાજ રાખવા સાક્ષાત આવી પહોંચતાં. તેમાં ભક્તિ અને શ્રદ્ધાનો સમન્વય થાય છે. હરિજનવાસમાં ભજન કીર્તન કરનાર નરસિંહને નગરજનો અને નાગરોએ પણ અપમાનિત કર્યા હતા. લોકોના હૃદયમાં તો એ ઘટનાઓ દ્વારા તેમની કૃષ્ણભક્તિનો પ્રભાવ પડેલો હતો.
એમની દીકરી કુંવરબાઇના મામેરા વખતે વડસાસુએ લાંબુંલચ લિસ્ટ લખીને કુંવરબાઇના હાથમાં આપી દીધું. કુંવરબાઇ રડતાં-રડતાં પિતાજીની પાસે આવ્યાં ત્યારે નરસિંહ મહેતા એક જ વાક્ય બોલ્યા, ‘મારો કૃષ્ણ બેઠો છે પછી શાની ચિંતા.’ અને ભગવાન દ્વારિકાધીશે ખરેખર લિસ્ટમાં લખેલી બધી જ વસ્તુ તેમના આંગણે પહોંચાડી. એક વાર એમના વેવાણે નાહવા માટે ગરમ પાણી આપ્યું ત્યારે નરસિંહ બોલ્યા, ‘થોડું ઠંડું પાણી હોય તો આપોને.’ ત્યારે વેવાણે મહેણું માર્યું, ‘તમે તો ભગવાનના ભગત છો તો વરસાદ વરસાવોને’ અને મહેતાજીએ હાથમાં કરતાલ લઇ એવો મલ્હાર ગાયો કે અચાનક વાતાવરણ પલટાઇ ગયું અને મૂશળધાર વરસાદ તૂટી પડ્યો. જ્યારે એમના ઉપર ચોરીનો આરોપ આવ્યો ત્યારે ભગવાન દ્વારિકાધીશે મહેતાજીને નિર્દોષ સાબિત કરવા માટે ગળામાં હાર પહેરાવ્યો. આ જોઇને ત્યાંના રાજા પણ નરસિંહ મહેતાના ચરણમાં ઝૂકી પડ્યો. આ જ રીતે પિતાજીનું શ્રાદ્ધ કરવા માટે વેપારીઓ પાસેથી પૈસા લઇને શામળશા શેઠના નામે હૂંડી લખી આપી અને ભગવાન દ્વારિકાધીશે શામળશા શેઠનો વેશ ધરીને હૂંડીનાં બધાં જ નાણાં યાત્રીઓને ચૂકવી આપ્યાં. શામળશાનો વિવાહ, પત્નીનું મરણ, પિતાજીનું શ્રાદ્ધ, બ્રાહ્મણ હોવા છતાં હરિજનવાસમાં ભજન ગાવા બદલ જ્ઞાતિએ કરેલો બહિષ્કાર આવા અનેક પ્રસંગોએ એમની શ્રદ્ધા સહેજ પણ ડોલી નહીં પરંતુ દ્રઢ જ રહી અને એથી ચમત્કારોનું સર્જન થયું.
નરસિંહ મહેતાની ઉદાર વૈષ્ણવ ભક્તિની અસર આજ સુધી ગુજરાતમાં ગુંજી રહી છે. ગુજરાતી ભાષાનાં શ્રેષ્ઠ કવિઓને તેમની યાદમાં નરસિંહ મહેતા એવોર્ડ આપવામાં આવે છે, જેની શરૂઆત 1999 થઈ છે. આ એવોર્ડ આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે. નરસિંહ મહેતાના નામે જૂનાગઢમાં એક યુનિવર્સિટી પણ બનાવવામાં આવી છે. હાલમાં જ આપણા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલના હસ્તે ‘ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી’નો જૂનાગઢ ખાતે શુભારંભ થયો. આજે ગિરનાર પર્વતની તળેટીમાં આવેલા જૂનાગઢમાં નરસિંહ મહેતાના જીવન સાથે સંકળાયેલા અનેક સ્થળો આ અનન્ય કવિની સ્મૃતિઓ સાચવતા અડીખમ ઊભા છે. ગુજરાતી સાહિત્યના આ આદર્શ કવિને ગાંધીજી પોતે પણ એક આદર્શ માનતા હતાં. આવા આપણા આદ્ય કવિ નરસિંહ મહેતાનું ઈ.સ. 1480માં જૂનાગઢમાં અવસાન થયું હતું.