યોગ્યતા વિના ઉત્તમ વસ્તુ મળે તોપણ તેનાથી કશો અર્થ સરતો નથી,
એ સત્ય કવિ દયારામે અહીં માર્મિક દષ્ટાંત આપીને સમજાવ્યું છે.
આપણા જીવનમાં આપણને ક્યારેક એવી ઘણી બધી વસ્તુઓ મળી જતી હોય છે
જેનો આપણે યોગ્ય રીતે ઉપયોગ કરી એનો કાંઈક અર્થ સારી શકીએ છીએ,
પરંતુ બીજી ઘણી વસ્તુઓ એવી પણ હોય છે જેનો આપણે યોગ્ય ઉપયોગ કરી શકતા નથી.
કેટલીક વાર વ્યક્તિને સુંદર અને ઉત્તમ ચીજ અનાયાસ મળી જાય છે.
પરંતુ જો મનુષ્યમાં લાયકાત કે આવડત ન હોય તો તેને માટે તે ઉત્તમ વસ્તુ પણ નકામી નીવડે છે.
બગલાને માછલાંની ભૂખ હોય છે. માછલાં એને મન સર્વસ્વ હોય છે.
એવા બગલાની સામે સાચા મોતીનો ઢગલો કરવામાં આવે તો તે એમાં ચાંચ લગાવશે નહિ.
બગલા માટે સાચાં મોતી પણ નિરર્થક છે. એને તો ફક્ત માછલામાં જ રસ છે.
કારણ કે માછલા જ એનો ખોરાક છે. એને મન મોતીની કાંઈજ કિંમત નથી.
યોગ્યતા વિના ઉપલબ્ધિ નકામી:
આંધળા આગળ આરસી શા કામની ? વાંદરાને રાજગાદી પર બેસાડો તેથી શો લાભ ? કુપાત્ર માણસના હાથમાં અપાર સંપત્તિ આવી જાય, તેથી કંઈ તેનામાં એ રૂપિયા સાચવવાની કે તેનો સદુપયોગ કરવાની યોગ્યતા કે સમજ આવી જતી નથી. રાજસિંહાસન પર બેસી જવાથી જ કોઈ માણસ નિષ્ણાત રાજનીતિજ્ઞ બની જતો નથી. અયોગ્ય માણસને અકસ્માતે જ કોઈ મૂલ્યવાન વસ્તુ કે ઉચ્ચ સ્થાન મળી જાય તોપણ એ તેને માટે છેવટે તો નિરર્થક જ પુરવાર થાય છે. સમાજમાં ઘણી વાર અયોગ્ય કે ગેરલાયક વ્યક્તિઓ સંજોગોવશાત્ ઉચ્ચ હોદ્દા પર કે ઉચ્ચ સ્થાને બેસી જાય છે, પરંતુ યોગ્યતાના અભાવે છેવટે તે નિષ્ફળ જાય છે અને લાંબા સમય સુધી ટકી શકતા નથી. માટે જ કોઈ પણ માણસે સારી વસ્તુની ઈચ્છા કરતાં પહેલાં તેને માટે યોગ્યતા કેળવવી જોઈએ. કવિ શ્રી કલાપીએ તેથી જ કહ્યું છે કે, ‘સૌંદર્ય પામતાં પહેલાં સુંદર બનવું પડે.’
દયારામ:
કવિ દયારામ એ ગુજરાતી સાહિત્યના ખૂબ જૂના અને પ્રતિભાવાન કવિ છે. દયારામની સાહિત્ય રચનાથી ગુજરાતના અનેક સાહિત્યકારો પ્રભાવિત થયેલા છે. આજે આપણે જેમને મહાન અને સ્વયંસ્ફૂરિત સાહિત્યકારોમાં ગણીએ છીએ તેવા અનેક ગુજરાતી સાહિત્યકારો કવિ દયારામની રચનાઓથી માત્ર પ્રભાવિત નથી થયા પરંતુ તેમના ઉપર દયારામની શૈલી અને રચનાઓની ઊંડી છાપ દેખાય છે. ગુજરાતી સાહિત્યમાં દયારામનું પ્રદાન અનેક રીતે યાદગાર છે. એ સંજોગોમાં આપણે સૌ ગુજરાતી સાહિત્યના આ મહાકવિને વંદન કરીએ.
(ધોરણ – 8 થી 10 માં વિચાર-વિસ્તાર અંતર્ગત આવી પંક્તિઓના ભાવાર્થ પૂછાઈ શકે છે.)