એપ્રિલફૂલ દિવસ એટલે મિત્રો, પડોશીઓ કે અન્યોને મુર્ખ બનાવવાનો દિવસ. અનેક યુરોપીય તહેવારોની જેમ આ પરંપરા પણ યુરોપમાંથી શરુ થઇને આખી દુનિયામાં ફેલાયેલી છે, ભારતમાં પણ લાંબા અંગ્રેજી શાસનની અસરથી ઘણા લોકો નિર્દોષ આનંદ અર્થે એપ્રિલફૂલ દિવસ ઉજવે છે.
ઉદભવ:
યુરોપમાં પ્રાચીન સમયમાં પહેલી એપ્રિલથી નવું વર્ષ ઉજવાતું હતું. જયારે નવું કેલેન્ડર શરુ થયું એટલે પહેલી જાન્યુઆરીથી વર્ષની શરૂઆત થઇ. આમ છતાં, અનેક લોકો પહેલી એપ્રિલથી નવું વર્ષ ગણતા, આથી તેવા લોકો મુર્ખ છે એમ દર્શાવવા આ દિવસ મુર્ખાઓનો દિવસ તરીકે ગણાવા લાગ્યો. ઈ.સ. 1392 જેટલા જુના સમયથી આ પરંપરાના લેખિત ઉલ્લેખો જોવા મળે છે. ફ્રાન્સમાં ઈ.સ. 1508 માં પણ ‘ફિશ ઓફ એપ્રિલ’ તરીકે આ દિવસ ઉજવાતો અને તે રજાનો દિવસ રહેતો. આમ, યુરોપના જુદા જુદા દેશોમાં એપ્રિલફૂલ દિવસ જુદાજુદા નામે ઓળખાતો હતો અથવા ઓળખાય છે. હાલમાં દુનિયાભરમાં આ દિવસ ઉજવાય છે તેમ છતાં, મહદઅંશે યુરોપ અને અમેરિકામાં તેનું મહત્વ વધુ છે.
ઉજવણી:
મોટેભાગે પહેલી એપ્રિલે બપોર સુધી લોકોને મુર્ખ બનાવી નિર્દોષ આનંદ મેળવવાની પરંપરા છે. સગા, ઓળખીતા, પાડોશી કે મિત્રોને કોઈ ખોટી વાતમાં ફસાવી દઈ બપોર સુધીમાં તેમને ખબર પડે કે પોતે મુર્ખ બન્યા છે અને પછી મુર્ખ બનાવનાર અને બનનાર બધા આનંદ મેળવે તેવી રીતે તેની ઉજવણી થાય છે. છાપાં, ચેનલો અને હવે તો સોશિયલ મીડિયામાં પણ ભળતા સમાચાર પ્રસારિત કરો મોટા લોકસમુહને મુર્ખ બનાવાય છે. આવા ખોટા સમાચારોની વચ્ચે કે અંતે આ એપ્રિલફૂલ છે તેવો કંઇક ગર્ભિત ઈશારો પણ હોય છે. કેટલીકવાર બીજા દિવસે કહેવાય છે કે ફલાણા સમાચાર એપ્રિલફૂલ હતા. આમ છતાં, એપ્રિલફૂલ બનાવતા સામાવાળાને કોઈ નુકશાન ના પહોંચે તેનું ધ્યાન રખાય છે.
યુરોપ અને અમેરિકામાં કેટલીક વખત લાખો લોકો એપ્રીલફૂલના કારણે મુર્ખ બનેલા જોવામાં આવેલું છે. આવી પરંપરામાં કોઈ અફવા ના ફેલાય અને અફરાતફરી ના ફેલાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. સાથે સાથે અન્ય દેશો કે સંસ્કૃતિઓની પરંપરાઓ માટે આપણે જેટલા ઘેલા થઈએ છીએ તેનાથી વધુ આપણી પરંપરાઓ અને ઉત્સવોને ઉજવીએ એ પણ જરૂરી છે.