ઓનલાઈન શિક્ષણ અત્યાર સુધી કેટલાક વિશિષ્ટ લોકો, શાળાઓ, સંસ્થાઓ અને મોટે ભાગે Online Education Platforms માટેનો કોન્સેપ્ટ હતો. આપણે સહુ જાણીએ છીએ કે ઓનલાઇલ શિક્ષણ એ પ્રત્યક્ષ અથવા શાળાકીય શિક્ષણનું પૂરક હોઇ શકે, તેનો પર્યાય નહીં. આથી જ અત્યાર સુધી બધા ઓનલાઈન શિક્ષણ માં જે અગત્યની બાબતો શાળામાં રહી જતી હોય, ઓછું ધ્યાન આપી શકતું હોય અથવા એવું મનાતું હોય કે આ બાબત વિદ્યાર્થીએ જાતે કરવાની છે તેના પર વધુ ભાર મૂકતો હતો.
કોવિડ19 – વિશિષ્ટ સંજોગો
હવે, વર્તમાન સંજોગોમાં શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણ બંધ છે, અને તેના પર્યાય તરીકે આપણે ટેકનોલોજીથી ઓનલાઈન શિક્ષણ આપવાનું શરૂ કર્યું છે. મોટે ભાગે વિડીયો કોન્ફરન્સિંગ એપ્પના ઉપયોગથી જેવી રીતે શાળામાં વર્ગ ભણાવાતો હતો તેવું ભણાવવાનું શરૂ કર્યું છે. કેટલાક આગળ વધીને ટેસ્ટ પણ ગોઠવે છે. પણ શાળામાં થતી બધી પ્રવૃત્તિ તો દૂર બેસીને ના જ થી શકે ને ! આ સંજોગોમાં બાળકો કે શિક્ષકો કોઈને આ શિક્ષણ રસપ્રદ લાગતું નથી. આથી જે થોડું આપણે કરીએ છીએ તે પણ લેખે લાગતું નથી. તો હવે શું કરીએ કે કોરોના કાળની આ વિપત્તિમાં શિક્ષણને થનાર નુકસાન અટકાવી શકાય? આ આજનો આપણાં ક્ષેત્રનો યક્ષ પ્રશ્ન છે. આ અંગે શિક્ષણ સાથે સંકળાયેલા તમામ સરકાર, શિક્ષક, શાળા, વાલી, વિદ્યાર્થી, કે તજજ્ઞો સહુ એ મનોમંથન કરી હલ શોધવો પડશે. સરકારનું કામ ગોકળગાય જેવુ છે એ સહુ જાણીએ છીએ. ઉપરાંત, અગાઉ ચાલુ શાળાઓએ આવેલા બધા શિક્ષણ સુધારા પ્રોગ્રામોમાં પણ આપણે જોયું છે કે દેખાડો, ટાર્ગેટ, વહીવટી ગૂંચો જેવી અનેક બાબતો મૂળ ઉદ્દેશ ઉપર હાવી થઈ જાય છે. તેથી બાકી વાધેલા લોકોએ કાઇક કરવું રહ્યું.
શાળા
આ પૈકી શાળાનો રોલ જોઈએ તો દરેક શાળામાં બધા શિક્ષકો ટેકનોલોજીનો ઉત્કૃષ્ટ ઉપયોગ કરી શકતા હોય તેવું ના પણ બને. વિષયમાં સક્ષમ શિક્ષક ટેકનોલોજીમાં નબળો પણ હોય. તો શાળાની ફરજ છે તેને સમજ પાડવી, શીખવવું, માર્ગદર્શન આપવું. એક પણ શિક્ષકની નબળાઈ બેવડાઈને શાળાનું કાર્ય અને પરિણામ નબળું પાડશે. કોઈ શિક્ષક શિક્ષણ કાર્યમાં નબળો હોય પણ ટેકનોલોજીની બાબતમાં ઉસ્તાદ હોય તો તેનો ઉપયોગ માત્ર ટેકનિકલ સેવામાં લઈ બધાના કામને સુધારી શકાય. ઇન્ટરનેટ પર પ્રાપ્ય વિકલ્પો જુઓ અને તમારા અનુકૂળ સૉફ્ટવેર, એપ, પ્લેટફોર્મ વગેરે શિક્ષકો ને સૂચવો. એક વાત યાદ રાખો કે, દુનિયામાં માત્ર ઓનલાઈન શિક્ષણ પદદતિથી જ ચાલતી હોય તેવી યુનિવર્સિટીઓ પણ છે. અને મફત વાપરી શકાય તેવી તમામ શૈક્ષણિક સવલતો ઇન્ટરનેટ પર પહેલેથી જ છે, માત્ર આપણે તેનો ઉપયોગ નથી કર્યો. હવે થોડું રિસર્ચ અને સર્ફિંગ કરી પોતાને અનુરૂપ સાધનો શોધી, શિક્ષકો અને બાળકો સુધી તેને પહોંચાડીએ. આ સમય અને શ્રમ માગતું કામ છે, કંટાળાજનક પણ છે છતાં કર્યા વગર સ્તરમાં સુધારો નહીં થાય. બધા શિક્ષકોના કામનું મોનિટરિંગ અને કોઈ અગત્યનું પાસું રહી ના જાય એ પણ જોવું જ રહ્યું. વળી, શાળા એ તો શિક્ષણનું મધસ્થ કેન્દ્ર બિંદુ છે. તેથી તેની ફરજ અને કર્યો અન્ય કેમ કરી વર્ણવી શકે? આ સંસ્થા જ પોતાના સંજોગો અને શક્તિ મુજબ પોતાનો રોલ નિભાવે તો અને માત્ર તો જ શિક્ષણ શક્ય છે.
શિક્ષક
શિક્ષક પોતે શાળા છે. બધી સગવડ, બધા સંજોગો અનુકૂળ હોય તો પણ શિક્ષક ના કરે તો ક્યાં શિક્ષણ શક્ય બને છે? અત્યારે તો વિપરીત સંજોગોમાં ઓનલાઈન શિક્ષણ કરવાનું છે, અને એટલે જ શિક્ષક નો રોલ છે તેથી પણ વધી જાય છે. તમારી તમામ ક્ષમતા ઉપયોગમાં લેવી રહી. જે ટેકનોલોજી વાપરો તેનો સંપૂર્ણ અભ્યાસ પહેલા તમે કરી લેજો. માત્ર ટેકનોલોજીની ખામી તમારી તમામ મહેનત નકામી બનાવી શકે છે. તમારા બાળકોની ક્ષમતા, ઇન્ટરનેટથી તેમની કનેક્ટિવિટી, સંખ્યા, અભ્યાસ માટે ઉપલબ્ધ સમય જેવી પાયાની બાબતો તો તમે ધ્યાને લેતા જ હશો. પણ ટેકનોલોજીથી શિક્ષણ એ એક સંયુક્ત પ્રક્રિયા છે એ પણ ખ્યાલ રાખવો પડશે. તમારી માસ્ટરી તમારા સાથીની ઉણપ હશે તો તેની વિશિષ્ટતા તમારી ખામી પણ હોઇ શકે. મિત્રો, સાથો, શાળા અને જરૂરી હોય તો વિદ્યાર્થી કે વાલીની સૂઝ-બુઝનો પણ ઉપયોગ કરી સહુનું કામ સરળ અને પરિણામદાયક બનાવવું એક શિક્ષકના જ હાથમાં છે. મર્યાદાઓ અનેક છે પણ રસ્તો કાઢવો આપણાં હાથમાં છે.
શિક્ષકની મહેનત, સમય અને તત્પરતા વધશે તો જ પરિણામની અપેક્ષા રાખી શકાશે. વળી, બધા કરે એ જ હું પણ કરું અથવા હું બધાથી ઉત્કૃષ્ઠ થાય તો જ કરું એ ભાવના ત્યાગવી પડશે. સરવાળે તો સમગ્ર પરિણામ સુધારવાનું ધ્યેય રાખવું પડશે. તમારી છૂપી શક્તિઓ ઓળખો, જાણતા હોય અને વાપરતા ના હોય તો વાપરો પણ આ તમારાથી જ થઈ શકાશે એમ વિચારી કાર્ય કરશો તો પરિણામ મળશે જ. દરેક વિદ્યાર્થી સાથે તે આપણાથી દૂર છે ત્યારે પણ વ્યક્તિગત સંપર્ક જાળવીને કામને ઘણું સરળ બનાવવું પડશે. તમારા કરેલા કામ પછી વિદ્યાર્થીએ કરવાનું કામ પૂરું થાય તે જોવું જ પડશે. તેઓ નવા સંજોગોમાં છે તેમાં ગોઠવાઈ જાય તેમ કરવા એક શિક્ષક તરીકે મળતા સ્થાન, મોભો અને માન એ બધાનો ઉપયોગ કરીને નવી સ્થિતિ હળવી કરી શકાય.
વધુમાં
આપણે શિક્ષક તરીકેના કામ તો કરવા જ રહ્યા. વધુમાં બાળકો જે ટેકનોલોજી આપણે વાપરીએ છીએ તેનાથી માહિતગાર થાય, તેનો વ્યવસ્થિત અને યોગ્ય ઉપયોગ કરે તે પણ ધ્યાન રાખવું પડે. મોબાઈલ અનિચ્છનીય અનિષ્ટ છે તે ખ્યાલ બાળકો અને ખાસ કરીને વાલીઓના મનમાથી ભૂસવો પડશે. ટીવીના શૈક્ષણિક પ્રોગ્રામ અને ઇન્ટરનેટ પર ઉપલબ્ધ સવલતો જે તે વિદ્યાર્થી માટે કેટલી અને કેવા સંજોગોમાં વાપરવી એ પણ આપણે નહીં તો કોણ સમજવાશે? વાલીને શિક્ષણમાં હવે રીતસર જોતરવો પડશે. માં નું કામ બાળક માત્ર ગૃહકાર્ય કરે તે જોવાનું જ નથી રહેવાનુ. હવે તે બાળકની સાથે બેસી વિદ્યાર્થી બની ભણે તો તેનું બાળક ભણશે તે સમજાવવાનું પણ આપણાં શિરે છે. વધુમાં, શિક્ષક દરેકને શીખવે છે તો નવીન સંજોગોમાં તે શું કરી શકે અને તેણે શું કરવું જોઈએ તે પોતે જ નક્કી કરે અને ધગશ તથા ઈમાનદારીથી કરે તો થયા વિના રહેવાનુ નથી જ.
માં-બાપ અથવા વાલી
માં-બાપ કે વાલી તરીકે સામાન્ય સંજોગોમાં દરેક સારી શાળામાં પ્રવેશ અપાવવો, પૈસા ખર્ચી નાખવા, બાળક નિયમિત શાળાએ જાય એ જોવું. અને વધારે માં જરૂર હોય તો ટ્યુશન કે ક્લાસ બંધાવવા જેટલું કરીને આપણે ઘણું કર્યાનો સંતોષ માણીશું તો આ સમયમાં આપણે બાળકના ભવિષ્ય સાથે અન્યાય કરીશું. વાલી એ શિક્ષણના કેન્દ્રમાં હતો, છે અને રહેશે જ. હવેનો સમય એવો છે કે માં કે બાપ કોઈ એક એ વિદ્યાર્થી બનવું પડશે. સાથે બેસી બાળકને ઓનલાઈન શિક્ષણ થી અભ્યાસ કરાવડાવવો પડશે. પરીક્ષા સમયે જેમ વિદ્યાર્થીને અનુકૂળ આખા ઘરનું વાતાવરણ બનાવતા હતા તેમ દરરોજ તેણે અનુકૂળ થવું પડશે. હવે તમારા બાળકનો રૂમ કે ઘર શાળા બની ગઈ છે. મોનિટરિંગ તમારી ફરજ છે. ઘરનું વાતાવરણ શાળા જેવુ શિસ્તબદ્ધ, શિક્ષણને અનુરૂપ જોઈશે. બાળક માટે જરૂરી ઉપકરણ કે ગેજેટ્સ આપવા પડશે. તેની ઇન્ટરનેટ કનેક્ટિવિટી જાળવવી પડશે. અને સૌથી વધારે તે ગેજેટ્સ કે કનેક્ટિવિટીનો શિક્ષણમાં જ ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવું પડશે. મોબાઈલ કે લેપટોપ ગેમ રમવા કે માત્ર સોશિયલ મીડિયા માટે નહીં ભણવા માટે છે તે બાળકને સમજાવવું પડશે. બાળકના સમયનું આયોજન તમારી રૂબરૂ થાય અને તે આયોજન મુજબ કાર્ય થાય તેનું નિયમિત ધ્યાન રાખવું પડશે. મોટે ભાગે વાલી બાળકને શાળાને સોંપી નિશ્ચિંત થઈ જતાં હોય છે, એ સામાન્ય સંજોગોમાં પણ યોગ્ય નથી તો આ સંજોગોમાં તો કેવી રીતે ચાલશે? આપણે એક વાત તો ગાંઠે બાંધવી જ પડશે કે સામાન્ય સંજોગોમાં પણ બાળક શાળા કે ટ્યુશન ક્લાસમાં જેટલો સમય રહે છે તેથી વધુ આપણી પાસે રહે છે, તેથી જવાબદારી આપણી જ વધુ છે. અને અત્યારે તો પૂરો સમય આપણી સાથે છે તેથી બધી જવાબદારી આપણી છે. અહી એક વાતનો ખ્યાલ રાખશો કે આપણું બાળક પણ ભણવા માંગે છે, તેને તેમાં રસ પણ છે અને ક્ષમતા પણ છે. તેથી એવું ના બને કે તેની તમામ હિલચાલ પર જાસૂસી કરતાં દેખાઈએ. તેનામાં વિશ્વાસ રાખીએ અને તેને અનુકૂળ થઈ જઈએ તો કશું મુશ્કેલ નથી. દુનિયામાં અનેક મહાનુભાવો ઘરે રહીને ભણ્યા છે. અનેક લોકો વિપરીત સંજોગોમાં ઉત્કૃષ્ઠ પરિણામ લાવે છે, આપણું બાળક પણ તેમના જેટલું જ કરી શકે તેમ છે. વળી, માં એ પ્રથમ શિક્ષક છે એ આપણે ક્યાં નથી જાણતા.! આ થોડું વધારે છે અને આપણે કરી જ શકીશું.