Press "Enter" to skip to content

ઔષધીય ગુણધર્મોથી સમૃદ્ધ – કારેલા

Yogesh Patel 0

કારેલા, નામથી જ અમુક લોકોને તો એવું થાય કે આ તો નહિ જ. સામાન્ય રીતે યુવા વર્ગને કારેલાથી ખૂબ જ એલર્જી હોય છે. કારેલાનું નામ પડતા જ તેના સ્વાદના કારણે કદાચ ખાવાનું મન ના થાય પરંતુ કારેલા જેટલા કડવા છે તેના ગુણ અને લાભ એટલા જ મીઠા છે. કડવા લાગતા કારેલાનો દરરોજ સવારે એક નાનો ગ્લાસ જ્યુસ આપને આજીવનની ફિટ બોડી આપી શકે છે. લોકો ચોમાસાની ઋતુમાં કારેલાનું સેવન વધારે કરતાં હોય છે અને એવું માનવામાં પણ આવે છે કે આ ઋતુ દરમિયાન કારેલાનું સેવન ગુણકારી છે. આમ તો, એક આયુર્વેદિક ઔષધિ તરીકે કારેલાનું સેવન દરેક ઋતુમાં ગુણકારી છે. એવા બીજા ઘણા શાકભાજી છે જેનાથી આપણા શરીરમાં જરૃરી પોષકતત્વો મળી રહે પરંતુ કારેલાની વાત જ કંઇક અલગ છે. કારેલામાં જરૂરી પોષકતત્વો ઉપરાંત ખનિજતત્વ, પ્રોટીન, લોહતત્વ, જલતત્વ, વિટામીન એ-બી-સી, ફોસ્ફરસ, કેલ્શિયમ વગેરે યોગ્ય પ્રમાણમાં હોવાથી કારેલા સર્વ ગુણકારી છે. કારેલા એ અનેક રોગોની દવા છે જેમા તાવ અને ડાયાબીટીસ વાળા દર્દી માટે તો ખાસ હિતકારી છે. વળી તે લીવર, બરોળના દર્દી, મલેરીયા, બાળકની ઊલટી, રકતવિકાર, રતાંધળાપણુ, હરસ, કરમિયા વગેરે જેવી બીમારી કે રોગોમાં શ્રેષ્ઠ દવા છે.

કારેલાની કડવાશ ઓછી કરવા માટે શાકભાજીમાં મીઠું, લીંબુ, મસાલા વગેરે મેળવવામાં આવે છે. કારેલાનો સ્વાદ ભલે કડવા હોય, પરંતુ આપણા સ્વાસ્થ તથા સૌંદર્ય બંને માટે ખૂબ જ લાભકારી હોય છે. તેમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ અને પોષક તત્વો પ્રાપ્ત થાય છે. ઔષધીય ગુણધર્મોથી સમૃદ્ધ કારેલાના સેવન આરોગ્યની સુખાકારી માટેનું એક ઉત્તમ હથિયાર છે. કારેલાનું સીધુ સેવન આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. વિવિધ રોગોમાં કારેલાનો વપરાશ અલગ-અલગ રીતે કરાય છે. કારેલા એવું ઔષધ નથી કે જે લેવાથી તરત જ રોગ મટી જાય, પણ કેટલાક રોગોમાં કારેલાનો અને એના પાનના લાંબા ગાળાનો ઉપયોગ ખૂબ જ અસરકારક નીવડે છે.

 

કારેલા એક ઔષધી તરીકે :

  • ડાયાબીટીસ :

કારેલા ડાયાબિટિસમાં રામબાણ ઔષધીનું કામ કરે છે. કુણા કારેલાના ટુકડા કરી, છાયડાંમાં સુકવી, બારીક ખાંડી તેમા 1-10 ભાગે કાળા મરી નાખી સવાર સાંજ પાણી સાથે 5 થી 10 ગ્રામ રોજ લેવાથી પેશાબ માર્ગે સાકરનું પ્રમાણ ઓછુ થઇ જાય છે. તે ઉપરાંત કારેલાનો રસ 20 ગ્રામ, કડાછાણનું ચૂર્ણ 10 ગ્રામ, હળદર 5 ગ્રામ મેળવીને સવાર સાંજ પીવાથી ડાયાબીટીસ ધીમે ધીમે નાશ પામે છે. ઉપરાંત જેમને કારેલા ખાવા ન જ ગમતા હોય તેમણે કારેલાને બૂટમાં નાખી એનો ફાયદો પગ દ્રારા મેળવી શકે છે.

  • આંખની તકલીફો

કારેલાના પાનના રસમાં સફેદ મરી ઘસીને રોજ સવારે તેમ જ રાત્રે આંખમાં ટીપાં પાડવાથી થોડા જ દિવસોમાં લાભ થાય છે. કારેલાના પાનના રસમાં લીંડીપીપર મેળવી આંખની આજુબાજુ (બહારની તરફ) મર્દન કરવાથી રતાંધળાપણું મટે છે. આ રસ અને લીંડીપીપર ઘસીને બનાવેલા પ્રવાહીનાં ટીપાં આંખમાં નાખવાથી પણ ખૂબ ફાયદો થાય છે.

  • ચામડીના રોગો

કારેલાના પાનનું ચૂર્ણ કરી આ ચૂર્ણ 5-5 ગ્રામ લઈ એમાં 1-1 ગ્રામ હળદર ઉમેરી દરરોજ સવાર, બપોર, સાંજ દિવસમાં ત્રણ વાર ગરમ પાણી સાથે લેવાથી રક્તદોષ, ખરજવું, ખસ, ખૂજલી, દાદર, કોઢ જેવા તમામ ચામડીના રોગોમાં ફાયદો થાય છે.

  • સંધિવાત-આમવાત

કારેલાને ભઠ્ઠીમાં શેકી એના ગર્ભને સાકરમાં મેળવી દરરોજ બે વાર સવાર-સાંજ 200 મિલીલીટર પાણીમાં મેળવીને પી જવાથી આમવાત તેમ જ સંધિવાતમાં ખૂબ જ ફાયદો થાય છે. પીડા થતી હોય એ સ્થાનમાં રસને ગરમ કરી એમાં ગૂગળ મેળવી લેપ કરવાથી વેદના શમે છે.

  • મૂત્રરોગ અને પથરી

પથરી થઈ હોય ત્યારે કારેલાના પાનના રસમાં સહેજ યવક્ષાર નાખીને રોજ બે-બે વાર લેવાથી પથરી ઓગળીને સરળતાથી નીકળી જાય છે. પેશાબ અટકતો હોય, વેદના થતી હોય અને પેશાબ ધૂંધળો આવતો હોય ત્યારે કારેલાના આખા વેલાનો રસ કાઢી એમાં અડધો ગ્રામ હિંગ મેળવીને આપવાથી પેશાબની તકલીફ મટે છે.

  • કમળો અને કૉલેરા

કારેલાના પાનના રસમાં મોટી હરડે પ્રત્યેક ફળનું વજન 35 થી 40 ગ્રામવાળું ઘસીને પિવડાવવાથી કમળો-જૉન્ડિસ મટે છે. કારેલાને શાકરૂપે તલના તેલમાં રાંધીને ખાવાથી તેમ જ કારેલાના પાનના તેમ જ ફળના રસને તલના તેલમાં સિદ્ધ કરીને લેવાથી કૉલેરા મટે છે.

  • પેટના કૃમિ

કારેલા કૃમિઘ્ન છે. એટલે એના ફળનો તેમ જ પાનનો રસ કાઢી એમાં વાવડિંગનું ચૂર્ણ મેળવી પંદરથી વીસ દિવસ સુધી આપવાથી કૃમિનો તેમ જ કૃમિને કારણે થતા ઉપદ્રવોનો નાશ થાય છે.

  • એનીમિયા

કારેલાના પાનના રસમાં તેમ જ એના ફળના રસમાં અડધો ભાગ સાટોડીનો રસ તેમ જ પા ભાગ જૂનો ગોળ મેળવીને લેવાથી એનીમિયામાં સારો ફાયદો થાય છે.

  • સ્તન્યશુદ્ધિ

ધાવણ ભારે થઈ ગયું હોય અથવા બગડી ગયું હોય ત્યારે કારેલાના પાનનો રસ 20 મિલીલીટર લઈ એમાં એક ગ્રામ પહાડમૂળ તેમ જ એક ગ્રામ હળદર ઉમેરી સહેજ મધ મેળવી એકાંતરે લેવાથી ખૂબ જ ફાયદો થાય છે. ધાવણ ઓછું આવતું હોય તો કારેલાના પાનના રસમાં શતાવરી તેમ જ જીવંતી ઉમેરી મધ તથા દૂધમાં આપવાથી ધાવણ સારી રીતે વધે છે.

  • હાથ-પગની બળતરા

હથેળી અને પગનાં તળિયાંમાં દાહ થતો હોય તો 20 મિલીલિટર કારેલાના પાનના રસમાં 10 ગ્રામ ખડી સાકર મેળવીને પી જવાથી તેમ જ લગાવવાથી સારો આરામ મળે છે.

 

કારેલાના સેવનથી થતા લાભ :

  • ઈન્ફેક્શનથી બચવા માટે કારેલા કે કારેલાના પાનને ઉકાળીને તેનું સેવન કરો. તેનાથી રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે.
  • કારેલાના સેવનથી ચહેરાના દાગ-ધબ્બા, ખીલ અને સ્કીન ઈન્ફેક્શનથી છુટકારો મળી જાય છે. દરરોજ ખાલી પેટે કારેલાનો જ્યૂલ લીંબુની સાથે મેળવીને છ મહિના સુધી પીવો. તેને ત્યાં સુધી પીવો જ્યાં સુધી સ્કીન પ્રોબ્લેમ ખતમ ન થઈ જાય.
  • કારેલામાં ફાયબર હોય છે. તે ડાયજેસ્ટિવ સિસ્ટમને મજબૂત બનાવે છે. સાથે જ તે અપચા અને કબજિયાતની ફરિયાદને દૂર કરે છે.
  • કારેલા દિલના દર્દીઓ માટે ઘણા ફાયદાકારક હોય છે. તે આર્ટરી વાલ્વ ઉપર એકઠા થતા ખરાબ કોલેસ્ટ્રોલને ઓછા કરે છે. તેમાં હાર્ટ એટેકનો ખતરો ઓછો કરવાની ખાસ શક્તિ રહેલી છે.
  • કારેલાના પાનને સેકીને સિંધુ નમક મેળવીને ખાવાથી એસીડીટીના દર્દીઓને ભોજન કરતા પહેલા થનારી ઉલટી બંધ થઈ જાય છે.
  • વિટામીન-એની મોજુદગીને કારણે તેની શાકભાજી ખાવાથી રતાંધણાપણુનો રોગ થતો નથી.
  • સાંધાના દર્દમાં કારેલાની શાકભાજીનું સેવન કરવાથી સાંધા ઉપર કારેલાના પત્તાનો રસ લગાવવાથી આરામ મળે છે.
  • બિટર્સ તથા એલ્કેલાઈડની ઉપસ્થિતિને કારણે તેમાં રક્તશોધક ગુણ જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *