વિશ્વ આજે પ્રગતિના પંથે છે. વિકાસની આંધળી દોટમાં દુનિયાના તમામ દેશો આંધળા બની ગયા છે. વિનાશક શસ્ત્રો અને નવી નવી ટેકનોલોજી એ આજે મુખ્ય માંગ છે. સુપરફાસ્ટ મોબાઈલ અને સુપરફાસ્ટ કૉમ્પ્યુટરનો જમાનો છે. દુનિયાનો અમુક વર્ગ આજે બધી જ ભૌતિક સુખ-સુવિધાઓ પાછળ દોટ મુકે છે જે આપણે જાણીએ છીએ. આ વિકાસ અને ટેકનોલોજીની દુનિયામાં એક વર્ગ એવો પણ છે કે જે આ વિકાસ અને તેનાથી મળતી બધી સુખ-સુવિધાઓથી હજારો માઈલ દૂર છે. એટલે કે વિકાસ નામની કોઈ વસ્તુ હજી આવા લોકો સુધી પહોંચી જ નથી કે પહોંચાડવાના પ્રયત્નો થયાં જ નથી. આજેય દુનિયાના એવા ઘણા દેશો અને વિસ્તારો છે જ્યાં આ બધા વિકાસના ચિત્રો સાવ ઊંધા જ પડી જાય છે. કોઈ સુખ-સુવિધાની તો વાત જ જવા દો, પણ ત્યાં પ્રાથમિક સુવિધાઓ પણ નથી. અરે પ્રાથમિક સુવિધાઓ નહી ખાવા માટે પણ વલખા મારે છે લોકો. મિત્રો, આજે આપણે કુપોષણ વિશે વાત કરવાની છે.
ચીન પછી સૌથી વધુ વસ્તી ધરાવતો આપણો ભારત દેશ વિકાસશીલ દેશોમાં સૌથી વધારે ઝડપથી વિકાસ કરતો દેશ છે. ઔદ્યોગિકરણ અને શહેરીકરણમાં વેગ આવ્યો છે. આપણા ભૌતિક સુખ અને સુવિધાઓમાં વધારો થયો છે. પરંતુ આ જ ભારત દેશમાં દુનિયાના સૌથી વધારે લોકો ભુખ્યા રહે છે અથવા એવું કહી શકાય કે દુનિયામાં ભારત એવો દેશ છે કે જ્યાં સૌથી વધારે લોકોને ખાવા માટે અન્ન નથી મળતું. ભારત એ કુપોષણની દ્રષ્ટિએ દુનિયાનો પ્રથમ નંબરનો દેશ છે. ભારતમાં અમીરોની સંખ્યા વધી રહી છે પરંતુ બીજી બાજુ આવા કુપોષણવાળા લોકો પણ વધી રહ્યાં છે. આ કુપોષણના દુષણમાં સૌથી વધારે નુકસાન જો કોઈને થતું હોય તો એ બાળકો છે. ભૂખમરો અને એનાથી થતી અનેક બીમારીઓ વચ્ચે આ નાના બાળકો પોતાનો જીવ ગુમાવે છે. આપણી સરકારોએ યોજનાઓ બનાવી અને એમાં સુધારા પણ કર્યા પણ આપણે હજી સુધી આ સમસ્યામાં કોઈ નોંધપાત્ર સુધારો કરી શક્યા નથી જે ખૂબ જ ગંભીર અને દુઃખદ બાબત છે.
કુપોષણનો શિકાર ફક્ત ભારત છે એવું નથી. દુનિયાના ઘણા દેશો આ દૂષણના શિકાર છે. પરંતુ વાત એ છે કે નેપાળ, બાગ્લાદેશ, કેન્યા વગેરે જેવા દેશોએ આ ક્ષેત્રે આપણાથી વધુ સારા પરિણામો મેળવ્યા છે. તો આપણે એ કેમ ન કરી શક્યા ? ભારત આજે જો દુનિયાની મહાસત્તાઓમાં ગણાતો હોય તો આવા પાયાના પ્રશ્નોનો ઉકેલ કેમ હજી સુધી લાવી શકાયો નથી ? ચંદ્ર પર કે મંગળ પર પહોંચતા આપણા યાનો અને અરબપતિ ઉદ્યોગપતિઓ કે બોલિવૂડના કોઈ સ્ટારની ખબરો વચ્ચે આવા પ્રશ્નો સમાજ સામે આવતા નથી એ પણ એક ગંભીર બાબત છે.
ભારતના ઓરિસ્સા રાજ્યમાં છેલ્લા 2 મહિનામાં 22 જેટલા બાળકો કુપોષણની ઝપેટમાં આવી ગયા અને મૃત્યુ પામ્યા. આ વિસ્તારમાં ઝુઆંગ જાતિના આદિવાસીઓ રહે છે. આ આદિવાસી વિસ્તાર સરકારી સવલતો અને સુવિધાઓથી પૂરી રીતે વંચિત છે. એવું નથી કે આ વિસ્તાર છેલ્લા બે મહિનામાં જ કુપોષણનો શિકાર છે પરંતુ આટલા બધા બાળકોના મોત પછી આ મુદ્દો પ્રકાશમાં આવ્યો છે. આ વિસ્તારો એટલી હદે પછાત અને વંચિત છે કે હજી મૃત્યઆંક વધવાની પૂરી શક્યતાઓ છે. આ તો ફક્ત એક કિસ્સો છે જે પ્રકાશમાં આવ્યો છે પરંતુ આ સિવાય પણ ભારતના બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં કુપોષણ એક મહામારીની જેમ સમસ્યા બનતી જાય છે. આ પરથી કહી શકાય કે કુપોષણ એ ભારત માટે એક વિકરાળ સમસ્યા બની રહી છે જેનો જલદીથી નિરાકરણ લાવવાની તાતી જરૂરિયાત છે.
ભારતમાં આજે 15 થી 35 વર્ષની 40% થી પણ વધારે મહિલાઓ કુપોષણનો શિકાર છે. આવી મહિલાઓ જ્યારે ગર્ભવતી બની બાળકને જન્મ આપે છે ત્યારે નવું જન્મ લેનાર બાળક જન્મજાત જ કુપોષણનુ શિકાર હોય છે. જેને કારણે આવા બાળકો નવી નવી બીમારીઓના ભોગ બને છે. એક સરકારી આંકડા પ્રમાણે ભારતના લગભગ 49% થી વધારે બાળકો લોહીની કમીથી પીડાઈ રહ્યા છે અને આ આંકડો રોજ-બરોજ વધતો જ જાય છે. ભારતના દર 1000 નવા જન્મતા બાળકોમાં 39 તો જન્મતાની સાથે જ મૃત્યુ પામે છે. ભારતમાં સૌથી વધારે કોઈ જો આ મહામારીનો ભોગ હોય તો આદીવાસી વિસ્તારો છે. જો એકલા આદીવાસીઓની જ વાત કરીએ તો ભારત આફ્રિકા કરતા પણ ક્યાય પાછળ છે. ભારતની કુલ વસ્તીના લગભગ 15 થી 20 % લોકો ભૂખમરા અને કુપોષણનો શિકાર છે.
પ્રાથમિક સ્વાસ્થ અને એની સુવિધાઓનો અભાવ અને એની સાથે પ્રાથમિક શિક્ષણ અને રોજગારીના અભાવે ભારત દેશ કુપોષણનો શિકાર બન્યો છે. ઔદ્યોગિક વિકાસની સાથે આપણી સરકારો પ્રાથમિક અને પાયાની જરૂરિયાતો પૂરી પાડી શકી નથી તે સ્વયંસ્પષ્ટ છે. હા, પહેલાની તુલનાએ કુપોષણનો દર ઓછો જરૂર થયો છે પરંતુ તે બીજા નાના અને ગરીબ દેશોની તુલનાએ ખૂબ જ ઓછો છે. નેપાળ અને બાંગ્લાદેશ જેવા દેશો જો આપણા કરતાં સારી રીતે આ સમસ્યાનો સામનો કરી શકતા હોય તો આપણે કેમ ન કરી શક્યા તે પણ એક પ્રશ્ન છે.
આપણો દેશ એ ખેતીપ્રધાન દેશ છે. અનાજ ઉત્પાદનમાં આપણે ઘણા આગળ છીએ પણ એ જ અનાજ ભૂખ્યા લોકો સુધી પહોચડવાનું હજી પણ શક્ય બન્યું નથી. સરકારે નેશનલ ફૂડ સિક્યુરીટી ઍક્ટ દ્વારા દરેક લોકો સુધી ભોજન પહોચાડવાનું લક્ષ્ય રાખેલ છે. ઘણાબધા વિલંબ બાદ આ ઍક્ટ લાગુ થયો છે પણ એમાં હજી ગંભીરતાથી કામ થઈ રહ્યુ હોય તેવું દેખાતુ નથી. આજના વિશ્વમાં કલ્યાણ રાજ્યની વિભાવના ખૂબ પ્રચલિત છે. ભારત જેવા લોકશાહી દેશમાં સત્તામાં આવતી સરકારો પ્રચાર સમયે ભલે પોતાની પ્રાથમિકતા અન્ન ઉત્પાદનની વૃદ્ધિ, ભૂખમરો અને કુપોષણ દૂર કરવું, ગરીબી હટાવવી, શિક્ષણ અને સ્વાસ્થની સેવાઓ વ્યાપક બનાવવી વગેરે જેવી લોભામણી જાહેરાતો કરતી હોય પરંતુ વાસ્તવિકતા એ છે કે, આ સમસ્યાઓ સમયાંતરે વધુ વિકરાળ બનતી જાય છે. એવું લાગે છે કે વિકાસ અને GDPની લ્હાયમાં આપણે સમાજના એક વર્ગ પ્રત્યે હંમેશા અન્યાય કરી રહ્યા છીએ. દેશની આતંકવાદ, નક્સલવાદ જેવી સમસ્યાઓના મૂળમાં કેટલાક વર્ગના લોકોનો વિકાસમાં સહયોગ નથી તથા કહેવાતા વિકાસના લાભો તેમના સુધી પહોંચાડવામાં આપણી અક્ષમતા જવાબદાર છે. આપણે બ્રિટીશ શાસન દરમિયાન દેશમાં દુષ્કાળ અને મહામારીથી લાખો લોકો મૃત્યુ પામ્યાના દાખલા જોયા છે પણ આ તો આજના સમયમાં આપણા પોતાના સ્વરાજ્યમાં નિતિઓની નિષ્ફળતાથી લાખો કરોડો લોકો મૃત્યુ પામે તે દરેક જાગૃત નાગરિક માટે આઘાતજનક બનવું જોઈએ. આશા રાખીએ કે દેશના નિતિ-નિર્માતાઓ આ અંગે સકારાત્મક અને પરિણામદાયી કાર્ય કરે.