આપણે ત્યાં ગામડાના બાળકો નાના ટાઉનમાં અને નાના ટાઉનના હોશિયાર બાળકો નજીકના શહેરમાં ભણવા સ્થળાંતર કરતાં હોય છે. કેટલાક શહેરોમાં પહેલાના સમયમાં દાતાઓ, સામાજિક સંસ્થાઓ કે સમાજના આગેવાનો દ્વારા છાત્રાલયો બાંધવામાં આવતા, જેને બદલે હવે માતબર ફી લઈને વિદ્યાર્થીઓને રાખતી હોસ્ટેલોનું પ્રમાણ વધતું જાય છે. દરેક વિદ્યાર્થી પોતાના ગામ કે શહેરની શિક્ષણ સંસ્થા કે શિક્ષણ વ્યવસ્થા અધુરી અનુભવે છે. વાલીઓમાં પણ મોટા શહેરમાં ખર્ચ કરી બાળકને ભણવા મૂકવાનુ વલણ વધી રહ્યું છે. બાળકની ભણવાની કેટલીક મર્યાદા હોય છે, પરંતુ સમાજ અને વાલીઓ 90, 92 કે 95 ટકા માર્ક્સ લાવવા વાળા વિદ્યાર્થીને પણ પસંદગીની કૉલેજ કે વિદ્યાશાખામાં પ્રવેશ ન મળે તો ઉતરતી કક્ષાના ગણતાં હોય છે. પ્રશ્નનું મૂળ વિદ્યાર્થીઓની સંખ્યાના પ્રમાણમાં ઉચ્ચ શિક્ષણની બેઠકો ઓછી છે તે ન સમજતાં બાળકો ઉપર અપેક્ષાઓ અને આકાંક્ષાઓનો બોજો લાદતાં સમાજ, સરકાર અને વાલીઓની આંખ ઉઘાડતો, સમગ્ર દેશને સ્પર્શતો એક ઘટનાક્રમ હું આપ સૌની સમક્ષ મૂકવા માગું છું. ખાસ પ્રકારના તાલીમ વાળા શિક્ષકો, વિશિષ્ટ સંસ્થાઓ અને જરૂરી વાતાવરણ એ ઊંચી સફળતા માટે જરૂરી છે. આવાં કેન્દ્રોમાં સફળતાનો દર ઊંચો હોય છે. તેમ છતાં, તેની સાથે સમાજની એક અતિશય કરુણ વાસ્તવિકતા જોડાયેલી છે. તે તરફ મારે અંગુલી નિર્દેશ કરવો છે.
ઈજનેરી અને મેડિકલ જેવા ખૂબ જ ચમકદાર કારકિર્દીના ક્ષેત્રોમાં સારી શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ માટે દેશના તમામ સ્થળે વિદ્યાર્થીઓ ખૂબ જ મહેનત કરે છે. એમાંથી અમુક સફળ થાય છે અને તેમનાથી વધુ અસફળ થાય છે. આશાઓના દબાણ હેઠળ આ વિદ્યાર્થીઓ ઘણીવાર ખૂબ જ નબળાઈ અને એકલતાનો અનુભવ કરે છે. સપનાઓ અસફળ થતાં પછી જે થાય છે તેના માટે આપણી પાસે ચિંતા કર્યા સિવાય કશું જ બચતું નથી.
રાજસ્થાનના જયપુરથી 250 km દૂર ચંબલ નદીને કિનારે આવેલું કોટા શહેર એ મેડિકલ અને ઈજનેરીમાં પ્રવેશ પરીક્ષા માટેની તૈયારી માટે ખૂબ પ્રખ્યાત છે. છેલ્લા દશકામાં કોટા એ એક એવું નામ બની ગયું છે કે જેનાથી દેશનો દરેક વિદ્યાર્થી પરિચિત છે. રાજસ્થાનમાં આવેલો આ જિલ્લો કોચિંગ સંસ્થાઓ માટે આખા ભારતભરમાં જાણીતો છે. દેશના અલગ-અલગ રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ અહીં મેડિકલ અને ઈજનેરીની તૈયારી માટે આવે છે. પણ આ જ કોટા છેલ્લા કેટલાક વર્ષોથી વિદ્યાર્થીઓની આત્મહત્યાને માટે બદનામ થઈ રહ્યું છે અને વાલીઓ, કોચિંગ સંસ્થાઓ અને સરકારની પણ ઉંઘ હરામ થઈ ગઈ છે. તમામ સ્તરે તેને રોકવા પ્રયત્નો થાય છે પરંતુ હજુ સુધી ધારી સફળતા મળતી નથી.
આ વર્ષે જાન્યુઆરી થી અત્યાર સુધી 10 વિદ્યાર્થી આત્મહત્યા કરી ચૂક્યાં છે. કોટામાં આત્મહત્યા એ એક સામાન્ય બાબત બની રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં 100 થી વધુ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. આત્મહત્યાના આ કેસોમાં આપણી સામે કેટલાય સવાય ઉઠવા સ્વાભાવિક છે. શું એમના પર ભણતરનો ભાર છે ? શું એમના પર પરિવારની અપેક્ષાઓનો ભાર છે ? કે પછી આપણી આ શિક્ષણ પ્રણાલી એના માટે જવાબદાર છે.
કોટામાં છેલ્લા કેટલાક વર્ષોમાં કોચિંગ સંસ્થાઓનો જાણે રાફળો ફાટી નીકળ્યો છે. મોટી કોચિંગ સંસ્થાઓને બાદ કરીએ તો ગલી ગલીમાં નાની નાની ઘણી સંસ્થાઓ કાર્યરત છે. સમગ્ર શહેરમાં જાણે કે વિદ્યાર્થીઓના સમૂહ જ જોઈ શકાય છે. કોચિંગ ની સાથે અહી લોજ અને ટિફિન સર્વિસ જેવા ધંધા પણ પૂર જોશમાં ચાલી રહ્યા છે. કલાકોની મહેનત કરવાવાળા આ વિદ્યાર્થીઓ પર સફળતાનું ખૂબ જ દબાણ હોય છે. કોઈ પરિક્ષાનું પરિણામ આવે એટલે કોટામાં દિવાળી અને હોળી જેવું વાતાવરણ સર્જાય છે પણ જે વિદ્યાર્થીઓનું નામ આ લિસ્ટમાં નથી હોતું એમના માટે ખૂશીનો આ મોકો એક ભાર બનીને સામે આવે છે. જેના કારણે વિદ્યાર્થીઓ એમની અંદર જ કાંઈક એવું વિચારી લે છે કે જેના લીધે એ જાતે જ હતાશાનો ભોગ બની જાય છે. જેના કારણે જ આત્મહત્યાનું પ્રમાણ આટલું બધું વધી ગયું છે. ક્યારેક ગૃહકાર્ય ન કરી શકવાનું દબાણ તો ક્યારેક પરિક્ષામા નાપાસ થવાનું દબાણ, ક્યારેક માતા-પિતા અને સમાજ તરફથી આશાઓનું દબાણ તો ક્યારેક ખોટી કારકિર્દી પસંદ કરવાનું દબાણ, કારણ ઘણા-બધા છે પણ પરિણામ એક – આત્મહત્યા.
2014 માં ભારતભરમાં કુલ 2403 વિદ્યાર્થીઓએ પરિક્ષાને કારણે આત્મહત્યા કરી હતી, જેમાંથી ફક્ત કોટામાંથી જ 45 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી. વર્ષ 2013-2014ના એક સર્વે ના આંકડા પ્રમાણે જે શહેરોમાં આત્મહત્યાના પ્રમાણમાં વધારો થયો છે તેમાં કોટા બીજા નંબરે છે. જે રીતે આત્મહત્યાઓ વધતી ગઈ એ જ રીતે સરકાર પર પણ પ્રશ્નો ઊભા થતાં ગયા. સાથે સાથે કોચિંગ સંસ્થાઓ પર પણ આંગળીઓ ચિંધાઈ. આને કારણે કોટાના વિદ્યાર્થીઓ માટે 24 કલાક ની હેલ્પલાઈન પણ શરૂ કરાઈ જેથી કરીને વિદ્યાર્થીઓની મદદ કરી શકાય અને સરકાર દ્વારા પણ અન્ય ઘણા રસ્તા શોધાયા પણ સંજોગો ના બદલાયા.
કોટા એ રાજસ્થાનનું એક મહત્વનું ઔદ્યોગિક શહેર છે પણ અત્યારે એ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેના સુપર માર્કેટની જેમ ઊભરી રહ્યું છે. આમ તો અહી બધી જ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેની કોચિંગ સંસ્થાઓ છે પણ મેડીકલ અને ઈજનેરીનું મહત્વ વધારે છે. આમ તો કોટામાં ઘણી બધી કોચિંગ સંસ્થાઓ છે પણ મુખ્ય 43 સંસ્થાઓ કાર્યરત છે, જેમાંથી 28 પ્રાઈવેટ છે. એક સરકારી આંકડા પ્રમાણે કોચિંગ સંસ્થાઓની વાર્ષિક આવક 24 હજાર કરોડ રૂપિયા છે. કોટામાંથી દર વર્ષે 4000 વિદ્યાર્થી JEE Advance માટે અને 3000 PMT Medical માટે પસંદ થાય છે. ઈજનેરીમાં 20,000 થી વધુ વિદ્યાર્થીઓની પસંદગી કોટામાંથી જ થાય છે. અત્યારે લગભગ દોઢ લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ કોટા શહેરની કોચિંગ સંસ્થાઓ દ્વારા શિક્ષણ મેળવી રહ્યા છે. પણ દુઃખની વાત એ છે કે દેશભરમાં કોટા શહેરની જેટલી નામના કોચિંગ માટે વધી રહી છે તેટલા જ અહીં આત્મહત્યાના કિસ્સા વધી રહ્યા છે.
વિચારતા થોડું અજુગતુ લાગશે પણ ભારતમાં અત્યારે શિક્ષણ એ ફાયદા માટેનો સૌથી મોટો વ્યવસાય બની ગયો છે અથવા તો તમે એને ધંધો પણ કહી શકો. કોચિંગ સંસ્થાઓના આ ધંધા માટે એક પ્રકારે સરકારની નિષ્ફળતા પણ જવાબદાર છે. વિદ્યાર્થીઓ અને વાલીઓમાં એ બાબત ઘર કરી ગઈ છે કે શાળા અને ઉચ્ચ શિક્ષણ માટેની જે પરંપરાગત પદ્ધતિ છે તે એક સારા ભવિષ્યની ગેરંટી નથી આપતું. અને આપણી આ જ માનસિકતાનો ફાયદો ઊઠાવી કોચિંગ સંસ્થાઓનો એક પ્રકારનો રાફળો ફાટી નીકળ્યો છે.
થોડા વર્ષોથી જોઈએ તો કોચિંગ સંસ્થાઓ એ એક પ્રકારની ઈન્ડસ્ટ્રી બની ગઈ છે જેનું વાર્ષિક ટર્નઓવર હજારો કરોડોમાં પહોંચી ગયું છે. એક અંદાજ પ્રમાણે કોચિંગ સંસ્થાઓની એક વર્ષની કમાણી એક લાખ કરોડ રૂપિયા છે જેમાં દર વર્ષે 35 % નો વધારો થાય છે. એક સમય હતો કે જ્યારે વાલીઓ પોતાના બાળકને કોચિંગ ક્લાસિસમાં મૂકતાં પહેલા વિચારતા હતા પણ હાલના સમયમાં ફક્ત શાળાના શિક્ષણ પ્રત્યેથી લોકોનો વિશ્વાસ ઊઠી રહ્યો છે. હાલના સમયમાં 70 % વાલીઓ તેમના બાળકને કોઈક ને કોઈ કોચિંગ સંસ્થામાં પ્રવેશ આપવાનું વ્યાજબી સમજે છે. આવુ થવાના કેટલાક કારણો પણ સામે આવે છે. IIT ની 3500 સીટો માટે દર વર્ષે 3 લાખ કરતાં વધારે અરજીઓ આવે છે, AIEEE ની 9000 સીટો માટે 5 લાખ કરતાં વધારે અરજીઓ આવે છે અને AIPMT ની 1600 માટે 2 લાખ જેટલા વિદ્યાર્થીઓ અરજીઓ કરે છે. સીટો અને અરજીકરતા વિદ્યાર્થીઓનો તફાવત દર વર્ષે વધતો જ જાય છે. અને આ જ કારણે કોચિંગ સંસ્થાઓની આવક પણ વધી રહી છે.
એક સારા ભવિષ્યની ચિંતામાં બાળકો પર દબાણ વધી જાય છે અને પોતાના સપનાઓ પૂરા કરવાનું દબાણ પણ બાળકોના મન અને મગજ પર વિપરિત પરિસ્થિતિનુંં નિર્માણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. કેટલીક ભૂલો મા-બાપ સ્થાનેથી થાય છે તો કેટલીક આવી કોચિંગ સંસ્થાઓ દ્વારા અને સરકારની ઉદાસીનતા એ આ સમસ્યાના મૂળમાં છે. પરંતુ આ બધાની વચ્ચે આ બધો જ ભાર સહન કરતા બાળકોનું મન શું કહે છે એ જાણવું પણ જરૂરી છે.