ગુજરાતી સાહિત્ય એ ખૂબ જ વિશાળ અને સાહિત્ય સમૃદ્ધિથી ભરેલું છે. આપણા ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવવામાં કેટલાય મહાનુભાવો જીવન પર્યત સુધી પ્રયત્નશીલ રહ્યા. અનેકવિધ લેખકો અને કવિઓએ જુદી-જુદી પ્રકારના સાહિત્ય સર્જન દ્વારા આપણા ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે. પ્રકૃતિને લગતા, ભક્તિરસથી તરબોળ, સામાજીક પ્રશ્નો અને દુષણો, આધુનિક જીવન પ્રણાલી વગેરે બાબતોને કવિતા, નવલકથા કે નિબંધ અને આખ્યાન દ્વારા રજું કરી આપણા સાહિત્યને સમૃદ્ધ બનાવનાર સાહિત્યકારો પૈકીના એક સાહિત્યકાર વિશે આપણે વાત કરવાની છે. મિત્રો, આજે આપણે ગોવર્ધનરામ ત્રિપાઠી કે જેમણે ગુજરાતી સાહિત્યની પ્રથમ મહાનવકલથા ‘સરસ્વતીચંદ્ર’ લખી હતી તેમનો પરિચય મેળવીએ.
ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીનો જન્મ 20 ઑક્ટોબર, 1855ના રોજ ખેડા જિલ્લાના નડિયાદમાં થયો હતો. પિતા માધવરામ અત્યંત ધાર્મિક વ્રુત્તિના અને માતા શિવકાશી એક વ્યવહારુ નારી હતા. પિતા પાસેથી ધર્મનિષ્ઠા અને માતા પાસેથી વ્યવહારુતાના સંસ્કારો ગોવર્ધનરામને વારસામાં જ મળ્યા હતા. ઘરના ધાર્મિક વાતાવરણને કારણે બાળપણથી જ ગોવર્ધનરામ પર ભક્તિભાવનો રંગ ચડી ગયેલો. વળી, વાંચનના શોખને કારણે નાનપણથી જ ગોવર્ધનરામને આપણી સંસ્કૃતિ પ્રત્યે લગાવ વધી ગયેલો. ગોવર્ધનરામનું પ્રાથમિક શિક્ષણ મુંબઈની બુદ્ધિવર્ધક શાળામાં થયું હતું. પછી થોડો સમય નડિયાદમાં અભ્યાસ કર્યા પછી તેઓ પાછા મુંબઈ ગયા અને મુંબઇની એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં બાકીનો અભ્યાસ કર્યો. આ સમય દરમિયાન ગોવર્ધનરામના વિવાહ હરિલક્ષ્મી સાથે થયા. મુંબઈમાં જ મેટ્રિક પાસ કરી તેઓએ B.A. નો અભ્યાસ પણ પૂરો કર્યો. સાથે સાથે ગોવર્ધનરામે કાવ્યરચના અને લેખ લખવાનો પ્રારંભ કરી પોતાના સાહિત્ય ક્ષેત્રેના પ્રેમને ઉજાગર કર્યો. શરૂઆતના વર્ષોમાં ગોવર્ધનરામે સંસ્કૃત કવિતાઓ લખી, ત્યારબાદ અંગ્રેજી ભાષામાં પણ ઘણા બધા લેખો લખ્યા. પછી તેઓ ગુજરાતી સાહિત્ય તરફ વળ્યા. કૉલેજકાળ દરમિયાન ગોવર્ધનરામે પોતાના જીવન માટે ત્રણ સંકલ્પ કર્યા હતાં, (1) એલ.એલ.બી. થઈ મુંબઈ માં વકીલાત કરવી, (2) ક્યારેય નોકરી કરવી નહિ અને (3) ચાળીસ વર્ષે નિવૃત્ત થઈ સાહિત્ય અને સમાજની સેવામાં લાગી જવું.
વર્ગખંડના અભ્યાસમાં ગોવર્ધનરામ થોડા કાચા રહી ગયા હતા કારણ કે તેમનુ ધ્યાન પાઠ્યપુસ્તકો કરતાં બહારના સામાન્ય પુસ્તકો વાંચવામાં વિશેષ રહેતું હતુ. જેને કારણે તેઓ શાળામાં પ્રથમ કે બીજો નંબર લાવી શકતા ન હતા. કૉલેજકાળ દરમિયાન તેમણે સાહિત્ય તથા કવિતા ક્ષેત્રે ખૂબ જ અભ્યાસ કર્યો અને સાહિત્ય સર્જનમાં પોતાનો વિશેષ સમય પસાર કરવા લાગ્યા. શરૂઆતના વર્ષોમાં સંસ્કૃત કવિતાઓ પ્રત્યે એમને વિશેષ રૂચિ રહેતી. આ સિવાય ઇતિહાસ એ એમનો મનગમતો વિષય હતો. વિવિધ વિષયોના ઊંડાણ સુધી ઉતરી તેનો અભ્યાસ કરવાની ગોવર્ધનરામની એક આગવી વિશેષતા રહી છે. કૉલેજકાળ દરમિયાન એક સમય એવો પણ આવ્યો કે ગોવર્ધનરામના આખા જીવનને તહેસ-નહેસ કરી નાખ્યું. 1874માં તેમના પત્નીનું સુવાવળ દરમિયાન અવસાન થયું, નવજાત બાળકી પણ મોતને ભેટી, પોતે B.A. માં નાપાસ થયા, પિતાનો ધંધો પડી ભાંગ્યો અને આખા કુટુંબને મુંબઈથી નદિયાદ રહેવાની ફરજ પડી. ગોવર્ધનરામ કૉલેજનો અભ્યાસ પૂરો કરવા માટે મુંબઈમાં જ રહ્યા. ત્યારબાદ 1879માં આર્થિક કટોકટીને કારણે ઈચ્છા ન હોવા છતા પોતે ભાવનગરના દીવાનના અંગત સેક્રેટરી તરીકે થોડો સમય નોકરી શરૂ કરે છે. 1883ના અંત ભાગમાં તેમણે ભાવનગર છોડ્યુ ત્યારે દિવાનસાહેબે તેમને ₹ 250 ના પગારથી ભાવનગરના ન્યાયખાતામાં રાખવાની ઈચ્છા બતાવી. આ ઉપરાંત જૂનાગઢના દીવાનસાહેબે ₹ 300 ની નોકરીની ઑફર કરી, પરંતુ હવે ગોવર્ધનરામ ત્રિપાઠી ને લાગ્યું કે પોતે જે સપનાઓ જોયા હતા તે માટે કાર્ય કરવાનો સમય થઈ ગયો છે એટલે નોકરી છોડીને સ્વતંત્ર વકીલાત કરવાનો દ્રઢ નિશ્ચય કર્યો. ભાવનગર થી માત્ર ₹ 50 ની મૂડી સાથે મુંબઈ આવીને વકીલાત શરૂ કરી. એમના દ્રઢ મનોબળ અને કાર્ય નિપુણતાના કારણે વકીલાત સરસ ચાલવા માંડી. આ સમય દરમિયાન એમણે પોતે 40 વર્ષે નિવૃત્ત થઈ શું શું કરશે, શૂં વાંચવું કે લખવું વગેરે બાબતોનો વિચાર પણ કરી રાખેલો.
સાહિત્યકાર તરીકે તો ખરા જ પરંતુ ગુજરાતી સાહિત્યમાં નવલકથાનો યુગ લાવનાર ગોવર્ધનરામ ત્રિપાઠી ‘સરસ્વતીચંદ્ર’ મહાનવલકથા માટે વિશેષ ઓળખાયા. ગૃહ, રાજ્ય અને ધર્મ વિશેના પોતાના વિચારો પ્રજાના બહોળા વર્ગ સુધી પહોંચી શકે એ હેતુથી પોતે નિબંધને બદલે નવલકથા લખવાની શરૂઆત કરી. ‘સરસ્વતીચંદ્ર’ એ ફક્ત એક સાહિત્ય સર્જન ન રહેતા એક જીવ ગ્રંથ સાબિત થઈ. સરસ્વતીચંદ્રને કલયુગના પુરાણની ઉપમા અપાઈ હતી. સરસ્વતીચંદ્ર નવલકથા એ 4 ભાગમાં પ્રકાશિત કરવામાં આવી હતી. જેનો પહેલો ભાગ ઈ.સ. 1887 માં પ્રકાશિત કરાયો હતો. સરસ્વતીચંદ્ર નવલકથા એ કુલ 15 વર્ષના ગાળા દરમિયાન લખાઈ હતી. આ નવલકથાનો છેલ્લો ભાગ ઈ.સ. 1902માં પ્રકાશિત કરાયો હતો. આશરે 1800 પાનાની આ નવલકથાએ એ સમયે ગુજરાતી સમાજના જીવન, ધર્મ અને વ્યક્તિ તથા કુટુંબ પર પ્રબળ અસર પાડી હતી. બીજા વિવિધ સાહિત્ય સર્જનમાં નજર કરીએ તો ‘સ્નેહ મુદ્રા’ ગોવર્ધનરામ ત્રિપાઠી નો પ્રથમ કાવ્ય સંગ્રહ છે. લીલાવતી જીવનકલા, નવલરામનું કવિ જીવન, દયારામનો અક્ષર દેહ, સમલોચક, સદાવસ્તુ વિચાર, ગુજરાતની કવિતાઓ, સ્ક્રેપ બુક ભાગ 1, 2 અને 3 વગેરે એમમા અન્ય સાહિત્ય સર્જનો છે. આ સિવાય એમણે અંગ્રેજી ભાષાનો પણ ખૂબ જ ઊંડાણ પૂર્વક અભ્યાસ કર્યો. પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવને ખાળીને એમણે એ સંસ્કૃતિના સારા વિચારોને આપણી સંસ્કૃતિમાં સમાવ્યા અને સરસ્વતીચંદ્ર મહાનવલકથા લખી.
પોતે 40 વર્ષના થતા વકીલાતનો વ્યવસાય છોડી સાહિત્ય અને સમાજ સેવામાં લાગી ગયાં. એ વખતે એમણે ₹ 1500 મહિને પગારવાળી નોકરીનો પ્રસ્તાવ મળ્યો જેનો તેમણે અસ્વીકાર કરી પોતાના સંકલ્પને સિદ્ધ કર્યો. સમય જતા તેઓ મુંબઈમાં જ રહ્યા. 1905માં તેઓ ગુજરાત સાહિત્ય પરિષદના પ્રથમ પ્રમુખ પદે ચૂંટાયા અને ગુજરાતી સાહિત્યની પોતાની અવિરત સેવા ચાલુ રાખી. 1907માં 52 વર્ષની ઉંમરે મુંબઈમાં એમનું અવસાન થયું અને ગુજરાતના સાહિત્યક્ષેત્રના એક રતન દીવડાનો અસ્ત થયો. પરંતુ એમના સાહિત્ય સર્જનો અને વિશેષમાં ‘સરસ્વતીચંદ્ર’ દ્વારા આજે પણ ગોવર્ધનરામ ત્રિપાઠી સાહિત્ય પ્રિય લોકોમાં એક આગવું સ્થાન ધરાવે છે. વર્ષ 2016માં ભારત સરકાર દ્વારા ગોવર્ધનરામ ત્રિપાઠીના નામે ટપાલ ટીકીટ પણ બાર પાડવામાં આવી છે.