નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી
હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી
પવિત્ર શ્રાવણ માસમાં તહેવારોની ભરમાળ વચ્ચે જન્માષ્ટમી એ સૌથી વધારે મહત્વનો તહેવાર માનવામાં આવે છે. જન્માષ્ટમી એ ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિવસ તરીકે મનાવવામાં આવે છે. શ્રાવણ વદ આઠમના દિવસે સૃષ્ટિમાં સર્જાયેલા અંધકારને દૂર કરી ધર્મની સ્થાપના કરવા માટે પૂર્ણપૂરૂષોત્તમ ભગવાન શ્રી હરિ વિષ્ણુએ એમના આઠમા અવતાર તરીકે પૃથ્વી પર કૃષ્ણવતાર લીધો જેને આપણે કૃષ્ણ જન્માજન્મોત્સવ, ગોકુલાષ્ટમી અને જન્માષ્ટમી જેવા વિવિધ નામે ઉજવીએ છીએ. જન્માષ્ટમી દેશ-વિદેશમાં ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ગોકુલ, મથુરા, દ્વારિકા, ડાકોર જેવા શ્રી કૃષ્ણ ભગવાનના અતિ મહત્વના તીર્થ સ્થળોએ ભગવાનના દર્શનાર્થે ભક્તોની મોટી ભીડ ઉમટી પડે છે. સૌ કોઈ આંનદથી કાનૂડાના જન્મદિવસને ઉજવે છે.
શ્રી કૃષ્ણ જન્મ વિષે વાત કરીએ તો, ભગવાનનો જન્મ કારાવાસમાં થયો હતો. પૌરાણિક કથા પ્રમાણે મથુરા નરેશ કંસ પોતાની બહેન દેવકીના વિવાહ બાદ એને વળાવવા માટે જાય છે ત્યારે આકાશવાણી થાય છે કે દેવકીનું આઠમું સંતાન કંસના મૃત્યુનું કારણ બનશે. આ ભવિષ્યવાણી પછી કંસે ભયભીત બની પોતાની બહેન દેવકી અને બનેવી વાસુદેવને જેલમાં પૂરી દીધા. એક પછી એક એમ સાત સંતાનોનો કંસે વિનાશ કર્યો. ભગવાને દેવકીના આઠમા સંતાન તરીકે બરાબર રાત્રે 12 વાગ્યે જન્મ લીધો અને સર્વત્ર પ્રકાશ ફેલાયો. ભગવાને વાસુદેવને દર્શન આપી પોતાને ગોકૂળમાં નંદરાજને ઘરે મૂકી આવવા કહ્યું અને ભયંકર વરસાદ વચ્ચે વાસુદેવ ભગવાને ગોકૂળમાં મૂકી આવ્યાં. સવાર પડતા જ સમગ્ર ગોકૂળવાસીઓએ નંદરાજને ઘરે પૂત્ર જન્મની ખૂશીમાં ઉજવણી શરૂ થઈ અને સમગ્ર ગોકુળમાં ‘નંદ ઘેર આનંદ ભયો’નો નાદ ગૂંજી ઊઠ્યો. આ રીતે ભગવાનનો જન્મ કારાવાસમાં થયો અને તેમનો ઉછેર ગોકુળમાં નંદરાજને ઘરે માતા યશોદાની કોખમાં થયો.
જન્માષ્ટમી એ સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક હર્ષોલ્લાસથી મનાવવામાં આવે છે. જન્માષ્ટમીને દિવસે ઠેર-ઠેર મેળાઓ ભરાય છે. આપણા દેશના અને સંસ્કૃતિના લોકમેળાઓ પૈકી જન્માષ્ટમીના મેળાઓનું વિશેષ મહત્વ છે. જન્માષ્ટમી દરમિયાન લોકોના હૈયામાં અનેરો ઉત્સવ અને થનગનાટ જોવા મળે છે. નંદ ઘેર આનંદ ભયો ,જય કનૈયા લાલ કી….. હાથી ઘોડા પાલખી ,જય કનૈયા લાલ કી…… , જય રણછોડ, માખણ ચોર…. મંદિરમાં કોણ છે, રાજા રણછોડ છે જેવા ભક્તિસભર નાદથી વાતાવરણમાં અનેરો આનંદ અને ઉત્સાહ સર્જાય છે. આ દિવસે ઉપવાસનું પણ ઘણું મહત્વ છે. ગામડું હોય કે શહેર દરેક જગ્યાએ લોકો કૃષ્ણ જન્મોત્સવના આ ઉત્સવમાં લીન જોવા મળે છે.કૃષ્ણ મંદિરોને શણગારવામાં આવે છે અને ઠેર ઠેર દહી હાંડીના કાર્યક્રમો અને રથયાત્રા પણ યોજાય છે. દહી હાંડી દરમિયાન બાળ કાનૂડા દ્વારા મટકી ફોડવાની પરંપરા છે જેમાં લોકો આનદ અને ઉત્સાહથી ભાગ લે છે. દેશમાં નાની નાની ગલીઓથી લઈને મોટા શહેરો સુધી દરેક જગ્યાએ આવા દહી હાંડીના કાર્યક્રમો યોજાય છે. દેશમાં મુખ્યત્વે મુંબઈની દહી હાંડીની વિશેષ નોંધ લેવાય છે. અહીં વિવિધ સંગઠનો દ્વારા જમીનથી ખૂબ જ ઊચેં દહી હાંડી રાખવામાં આવે છે અને એ તોડનાર ટીમને ઈનામ અને પારિતોષિક આપવામાં આવે છે. એ સિવાય લોક ડાયરો, સંગીત સંધ્યા અને કેટલાય સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. બરાબર રાત્રે 12 વાગ્યે કૃષ્ણ કનૈયા લાલકી જયના જયઘોષ સાથે ભગવાનનો જન્મ દિવસ મનાવાય છે અને ઠાકોરજીને પારણે ઝૂલાવવામાં આવે છે. ભગવાનના વિવિધ પ્રકારે હિંડોળા પણ શણગારવામાં આવે છે.
ભગવાન શ્રી કૃષ્ણના જન્મ સમયે પૃથ્વી પર ચારે બાજુ પુષ્કળ પાપકૃત્યો અને અધર્મ ફેલાયો હતો. અસુરોનો નાશ કરવા અને ધર્મનું સંસ્થાપન કરવા માટે શ્રી હરિ સ્વયં પૃથ્વી પર અવતર્યા. ભગવાને અધર્મનો નાશ કરી પૃથ્વી પર ધર્મની સ્થાપના કરી, ગાયો, બ્રાહ્મણો અને સાધુ-સંતોનું રક્ષણ કરી એમનો ઉદ્દેશ પૂર્ણ કર્યો. શ્રી કૃષ્ણ આ પૃથ્વી પર બધી જ કળાઓથી પરિપૂર્ણ થઈને અવતરિત થયા હતા. ભગવાનના આ અવતારને પરિપૂર્ણ માનવામાં આવે છે. તેમણે જે પણ કાર્યો કર્યા એ ઇતિહાસમાં મહત્વપુર્ણ કાર્યો તરીકે બધે ગવાય છે. શ્રી કૃશ્ણ ભગવાનનું જીવન એ એક સંદેશ છે. ગીતામાં આપેલા એમના ઉપદેશ એ જીવન જીવવાની સાચી દિશા પ્રદાન કરે છે. પૃથ્વી પરથી બધા જ પાપીઓનો નાશ કરી દેવાના પોતાના ઉદ્દેશ્યને પરિપૂર્ણ કરવા માટે તેમણે સામ-દામ-દંડ-ભેદ બધાનો જ ઉપયોગ કર્યો હતો. ભગવાન શ્રી કૃષ્ણે કરેલી લીલાઓ અપાર છે. જ્યારે આ સૃષ્ટી પર અંધકાર છવાઈ જાય છે, ચારેબાજુ નિરાશાનું વાતાવરણ હોય છે, સંકટનો વરસાદ તૂટી પડે, દૂઃખના કાળા વાદળો છવાયેલા હોય ત્યારે ભગવાન પોતે જ જન્મ લે છે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યુ હતું કે, “હે ભરતવંશી, જ્યાં અને જ્યારે ધર્મનું પતન અને અધર્મનું ભારે વર્ચસ્વ જામે છે, તે વખતે હું સ્વયં અવતરૂ છૂં”
यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत ।
अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥
જય રણછોડ, માખણ ચોર