આ સુંદર સૃષ્ટિ અને એનું નયનરમ્ય અને આહલાદક ચિત્ર તથા પ્રકૃતિના અનેક રંગો એ ભગવાનની માનવજાત અને પ્રાણીઓને એક મોટી દેન છે. પરંતુ આ દુનિયા અને પ્રકૃતિ કેટલી સુંદર છે એ જોનારની આંખો પર આધારિત છે, એટલે કે જોનારના ઈરાદા અને એના મન પર આધારિત હોય છે. મનુષ્યનું શરીર અને એનું મન હંમેશા જોડાયેલું રહે છે. મનની શરીર પર અને શરીરની મન પર સતત અસર થતી રહે છે. જેવું આપણું મન એવું જ આપણું શરીર. વેદો અને શાસ્ત્રોમાં એ સ્પષ્ટ અને સિદ્ધ કરવામાં આવ્યું છે કે આખા સંસારની ગતિવિધિનું નિર્માણ મન દ્વારા જ થાય છે. એટલે એવું કહી શકાય કે શરીર અને મન એ એક સિક્કાની બે બાજુ જેવા છે.
અભિગમ:
જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ, એટલે કે આપણે જેવા હોઈએ તેવી જ આ દુનિયા આપણને લાગે છે. જો આપણો અભિગમ કે દ્રષ્ટિકોણ સકારાત્મક હોય તો આપણને બધું જ સકારાત્મક દેખાશે અને જો આપણો અભિગમ કે દ્રષ્ટિકોણ નકારાત્મક હશે તો આપણને આ દુનિયામાં કશું જ સારું કે સકારાત્મક નહી જ દેખાય. સામાન્ય રીતે એવું કહેવાય છે કે જેવો આપણો અભિગમ કે દ્રષ્ટિકોણ હોય તેવું આપણે જોઈ, સાંભળી કે સમજી શકીએ છીએ. જેવી આપણી ભાવના, ઈચ્છા, વાસના અથવા કલ્પના હોય તે જ પ્રમાણે આપણને શરીર મળે છે. આપણી બહારની દુનિયા એ આપણો પડછાયો માત્ર છે.
જો આપણી આંખોના ચશ્મા પર ધૂળ જામેલી હોય તો આપણને આખી દુનિયા ધૂંધળી જ દેખાય. જો આંખો પર કોઈ રંગના ચશ્મા પહેર્યા હોય તો આ દુનિયા એ જ રંગની દેખાય. પોતાની દ્રષ્ટિ અનૂરૂપ જ આ દુનિયા આપણને દેખાય છે. એક જ પ્રસંગ કે કોઈ બાબતને કોઈ વ્યક્તિ નકારાત્મક રીતે જોશે તો કોઈ એને હકારાત્મક રીતે. કોઈને પ્યાલો અર્ધો ભરેલો દેખાશે તો એ જ પ્યાલો કોઈને અર્ધો ખાલી.
યુધિષ્ઠિર અને દુર્યોધન:
મહાભારત કાળની એક ખૂબ જ પ્રચલિત કથા છે. જેમાં ગૂરૂ દ્રોણાચાર્ય દુર્યોધન અને યુધિષ્ઠિરની પરીક્ષા કરે છે.
સૌ પ્રથમ ગૂરૂ દ્રોણાચાર્યએ દુર્યોધનને બોલાવ્યો અને કહ્યું કે નગરમાં જાઓ અને કોઈ સારા માણસને શોધી લાવો.
ગૂરૂની આજ્ઞા માની દુર્યોધન નગરમાં સારા માણસની શોધમાં નીકળી પડ્યો.
થોડા સમય પછી તે પાછો આવ્યો અને ગૂરૂને કહે કે હે ગૂરૂદેવ, હું આખાયે નગરમાં ફર્યો પણ મને કોઈ સારો માણસ જડ્યો નહિ.
એ પછી ગૂરૂએ યુધિષ્ઠિરને બોલાવીને નગરમાંથી કોઈ એક ખરાબ માણસને શોધવાની આજ્ઞા કરી.
ગૂરૂની આજ્ઞા માની યુધિષ્ઠિર નગરમાં ખરાબ માણસની શોધમાં નીકળી પડ્યા.
જે રીતે દૂર્યોધનને કોઈ સારો માણસ ન મળ્યો તેવી જ રીતે યુધિષ્ઠિરને કોઈ ખરાબ માણસ ન મળ્યો.
તે પણ ખાલી હાથે પાછા આવ્યાં. અને ગૂરૂ સમક્ષ કહે કે ગૂરૂદેવ, મને કોઈ ખરાબ માણસ ન મળ્યો.
આ પછી ત્યાં હાજર અન્ય શિષ્યોએ ગૂરૂ દ્રોણાચાર્યને પૂછ્યું કે હે ગૂરૂદેવ, આ તે કેવું દુર્યોધનને કોઇ સારો માણસ ન દેખાયો.
જ્યારે યુધિષ્ઠિરને કોઇ ખરાબ ન દેખાયું.
ત્યારે ગૂરૂ દ્રોણાચાર્યએ કહ્યું કે આપણો જોવાનો દ્રષ્ટિકોણ જેવો હોય તેવું જ આ વિશ્વ આપણને દેખાય છે.
એટલે કે વાત આપણી નજરની છે.
આપણા દ્રષ્ટિકોણ ની છે.
જો આપણો દ્રષ્ટિકોણ સાફ હોય અને સકારાત્મક હોય તો જીવનની દિશા જ બદલાઈ જાય છે.
આપણા મનની સ્થિતિ સર્વોપરી છે.
આ દુનિયા પોતે જ શ્રેષ્ઠ કે ખરાબ નથી પણ એ એવી જ દેખાશે જેવી કલ્પના આપણે આપણા મનમાં કરીએ છીએ. આપણાં મનમાં આ દુનિયાનું જેવું સ્વરૂપ હશે તેવી જ આ દુનિયા આપણને દેખાશે. દુર્યોધન ખરાબ હતો તેથી એને કોઈ સારો માણન ન જડ્યો તેવી જ રીતે ધર્મરાજ યુધિષ્ઠિર એ સજ્જન માણસ હતા અને આ જ કારણે એમને કોઈ દુર્જન કે ખરાબ માણસ ન મળ્યો. સંસારમાં સારું કે ખરાબ, સજ્જ્ન કે દુર્જન, શ્રેષ્ઠ કે નિમ્ન, ભવ્ય કે કૂરૂપ વગેરે આપણા મન પર જ આધારિત છે. એટલે જ કહેવાય છે કે સંસારમાં સુખી કે દુઃખી રહેવું એ આપણા મનની સ્થિતિ પણ નિર્ભર કરે છે.
તેથી સંત કબીર સાહેબે કહ્યું છે :
બુરા દેખન મૈં ચલા, બુરા ન મિલાયા કોઇ,
જો મન ખોજા આપના, મુઝસે બુરા ન કોઇ.
આવા અન્ય વિચાર વિસ્તાર વાંચવા ‘સુવિચાર અને વિચાર વિસ્તાર‘ બ્લોગ કેટેગરી ફોલો કરો.