મિત્રો,
આજે 24 નવેમ્બર છે. વિજ્ઞાનના આધુનિક વિકાસમાં આજની તારીખ એક સીમાચિહ્નરૂપ દિવસ છે. આજથી દોઢસો કરતાં ય વધુ વર્ષ અગાઉ 24/11/1859 ના દિવસે ચાર્લ્સ ડાર્વિને તેની ઉત્ક્રાંતિના સિધ્ધાંત સમજાવતી થીયરીને પ્રકાશિત કરેલી. ડાર્વિનના પુસ્તકનું નામ On the Origin of Species by Means of Natural Selection છે. આ પુસ્તક એ સામાન્ય જનતા પણ સમજી શકે તેવી રીતે લખાયેલું પુસ્તક છે. એટલે કે માત્ર વૈજ્ઞાનિક વાચક વર્ગને ધ્યાનમાં રાખીને નહી પણ સામાન્ય લોકોને ધ્યાનમાં રાખીને લખાયેલું પુસ્તક હોવાથી લોકોમાં થોડાક જ સમયમાં ચર્ચાઓ જગાવવા નિમિત્ત બન્યું. આનુવંશીકતા સંદર્ભે ડાર્વિન બાદ પણ અનેક વાદ અને થીયરીઓ રજુ થઇ પણ આજે ય ડાર્વિનનો વાદ સૈથી વધુ પ્રચલિત અને સ્વીકાર્ય છે. આ થીયરી રજુ થયા અગાઉ ચર્ચના પ્રભાવમાં લોકો અને સમાજ એવું માનતા હતા કે દરેક સજીવ પ્રથમથી જ જેવા છે તેવા ઉદભવેલા છે અને મનુષ્ય સૌથી વિશિષ્ઠ સર્જાયેલો છે. આ વાદ રજુ થયા બાદ અનેક પ્રકારની વૈજ્ઞાનિક ચર્ચાઓ અને શોધખોળોનો રસ્તો મોકળો બન્યો. જોકે 1880 થી 1930 ના સમયગાળામાં ડાર્વિનની થીયરી કરતા અન્ય ઉત્ક્રાંતિ વાદોને વધારે સમર્થન મળેલું પરંતુ આજે ડાર્વિનનો ઉત્ક્રાંતિ વાદ વધારે સ્વીકૃત છે.
ચાર્લ્સ ડાર્વિનનો જન્મ 12મી ફેબ્રુઆરી 1809 ના રોજ ઈંગ્લેન્ડમાં થયો હતો. 1831ના ડીસેમ્બરની 27 તારીખે તેમણે પાંચ વર્ષ માટે વિશ્વ પ્રવાસે HMS Beagle માં મુસાફરી શરુ કરી. આ સફર દરમિયાન દુનિયાના જુદા જુદા ભાગોમાં પ્રાણીઓ, વનસ્પતિઓ તેમજ અશ્મિઓના અનેક નમૂનાઓ એકત્રિત કરી તેનો વિસ્તૃત અભ્યાસ કરીને ડાર્વિને પોતાનો ઉત્ક્રાંતિ વાદ રજુ કર્યો. ડાર્વિનના ઉત્ક્રાંતિ વાદ અનુસાર જે સજીવો કુદરતના ફેરફારોને અનુરૂપ પોતાનામાં ફેરફાર કરી શકે તે ટકે છે અને જે આવા જરૂરી ફેરફારો કરી શકતા નથી તે નાશ પામે છે. વળી, ઉત્ક્રાંતિ દરમિયાન ક્રમશ: વધુને વધુ ફેરફારો થતા જવાથી અલગ અલગ જાતિઓ અસ્તિત્વમાં આવેલી છે. માનવનો વાનરમાંથી ક્રમશ: વિકાસ આ મુજબ જ થયેલો છે. એમણે એ પણ સમજાવ્યું કે સૌ પ્રથમ જળચર સજીવો હતા તે ક્રમશ: સ્થળચર બન્યા. તેમણે અનેક જાતિઓ અને પ્રજાતિઓને જોડતી કડીરૂપ સજીવોના ઉદાહરણો ટાંકી ઉત્ક્રાંતિની આખી પ્રકિયા ખુબ રસપ્રદ રીતે સમજાવી છે.
પોતાના સંશોધનો માટે તેમણે અનેક પારિતોષિકો અને એવોર્ડો મળેલા અને 19 મી એપ્રિલ 1882ના રોજ લંડન ખાતે તેમનું દેહાંત થયું.