પ્રમાણિકતા એ એવો સદગુણ છે જે માત્ર કેળવવાથી સાદ્ય બને મેળવવા જવાય નહી. રામરાજ્ય એ આદર્શ સમય હતો કે સતયુગ કહેવાતો કેમ કે ત્યારે લોકો પ્રમાણિક હતા, આજના સમયના સફળ વ્યક્તિ તરીકે વોરેન બફેટનું ક્વોટ છે ‘પ્રમાણિકતા ખુબ કિમતી ભેટ છે અને દરેક પાસે તેની અપેક્ષા ના રાખો’. પ્રમાણિકતા એટલે નિખાલસતા એવું પણ કહી શકાય. આજના સમયમાં ભપકો, ભ્રામક પ્રતિષ્ઠા, જે હોઈએ તેનાથી વધુ સારા દેખાવાની ભાવના, દેખાદેખી વગેરેને કારણે પ્રમાણિકતા કેળવવી મુશ્કેલ બની છે. જોકે તેથી જ પ્રમાણિક લોકોની કીમત છે. પ્રમાણિકતા આપણને સરળતા અને સાથે મનની શાંતિ બન્ને બક્ષે છે. બેન્જામીન ફ્રેન્કલીન કહે છે તેમ, Honesty is the best policy .. એટલે કે પ્રમાણિકતા એ ઉત્તમ નીતિ છે. આમ, પ્રમાણિકતા આપણને નીતિવાન બનાવે છે. સરળતા અને નીતિમત્તા આવે એટલે મનની શાંતિ જરૂર મળે. આધુનિક સમયમાં લોકો ભૌતિક સુખો પાછળ ગાંડા થયેલા છે અને સમાજમાં શાંતિની ખુબ જરૂર છે. પ્રમાણિકતા વ્યક્તિમાં જે સારા ફેરફારો લાવે છે તેવી જ રીતે કોઈ સંસ્થા, ધંધો કે સમાજ દરેક સ્તરે સુધાર પ્રેરે છે.
પ્રમાણિકતા એ આપણું વાસ્તવિક વ્યક્તિત્વ લોકો સમક્ષ પ્રસ્તુત કરે છે જેને કારણે આપણે બીજા કોઈ માટે વિશ્વાસને પાત્ર બનીએ છીએ, પરિણામે આપણા લોકો સાથેના સબંધો ટકાઉ બને છે. લોકો અપ્રમાણિક વ્યક્તિઓથી છેતરાતા હોય છે તેથી તેવા લોકો પર કોઈ વિશ્વાસ કરતું નથી અને ઔપચારિક સંબંધોની દુનિયા વિસ્તરતી જાય છે. આમ, પ્રમાણિકતા એ એક વર્તમાન સમયમાં મોટી મૂડી સમાન છે, જે આપણને ઘણી રીતે ફાયદાકારક હોવા ઉપરાંત તે કુદરતી છે જેથી તેના માટે કોઈ ખર્ચ થતો નથી. પ્રમાણિકતા આપણને આપણા લક્ષ્યાંકો તરફ દોરી જાય છે જ્યારે અપ્રમાણિકતાથી થયેલ ખોટું કાર્ય આપણને ખૂબ જ મુશ્કેલી તરફ દોરી જાય છે.
મિત્રો, મોહન નામે એક બાળક હતો. બાળપણમાં એના કોઈ ખરાબ મિત્રની સંગતે તેને બીડી કે સિગારેટ પીવાની લત લાગી. જેના કારણે મોહનની ઉધારી વધવા માંડી અને તે માટે મોહનને પૈસાની ખૂબ જરૂર પડવા લાગી. જ્યારે ઉધારી ખૂબ જ વધી ગઈ તો મોહને એના મોટાભાઈના ઘરેણાના ડબ્બામાંથી સોનાનું એક કડું ચોરી લીધું અને તે વેચીને બધી જ ઉધારી ચૂકવી દીધી. પણ થોડા સમય પછી મોહનને એની ભૂલ સમજાઈ અને એને ખૂબ પસ્તાવો થયો. મોહને એક ચિઠ્ઠીમાં એના ગુનાની તમામ વિગત લખી અને માંદગીના બિછાને પડેલા પોતાના પિતાના હાથમાં મૂકી. મોહનના પિતાએ મોહનને કશું જ કહ્યું નહિ અને ઊંડા નિશાસા સાથે એ કાગળ ફાડી નાખ્યો. મોહન ખૂબ જ ઉદાસ થઈ ગયો અને ખૂબ જ રડવા લાગ્યો. હવે, મોહનએ સત્યની તાકાત સમજાઈ ગઈ હતી. મિત્રો, મોહને ફક્ત ધૂમ્રપાન જ ન છોડ્યું પણ મોટા થઈને આપણા ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત પણ કરાવ્યું. જી હા મોહન બીજું કોઈ નહિ પણ મોહનદાસ કરમચંદ ગાંધી એટલે કે મહાત્મા ગાંધી હતા.
પ્રમાણિકતા એ એક એવી મૂડી છે જે આપણને સારા અને સફળ જીવન તરફ લઈ જાય છે. પ્રમાણિકતા આપણને જે વસ્તું જરૂરી છે તેના પર આપણું ધ્યાન દોરવામાં ઉપયોગી છે. જો આપણે પ્રમાણિકતાની એક આદત નહિ પાડીએ તો જીવનમાં ક્યારેય સરળતા કે સારી બાબતો આવશે જ નહિ. આપણે કહી શકીએ કે સરળતા વગર પ્રમાણિકતા હોઈ શકે પણ પ્રમાણિકતા વગર સરળતા ક્યારેય ના હોઈ શકે.