તારીખ 26 જુલાઇ 2001 ના દિવસે ડાકુ રાણી તરીકે પ્રખ્યાત કે કુખ્યાત ફૂલંનદેવી ની તેમના સરકારી આવાસમાં નવી દિલ્હી ખાતે ગોળીઓથી ઉડાવી દઈને હત્યા કરવામાં આવેલી.
આજે મોબાઈલનો જમાનો છે અને યુવાનો સમય પસાર કરવા કે જ્ઞાન વર્ધન માટે પણ તેના બંધાણી બની જાય છે. પણ થોડા વર્ષો પહેલા આવું નહોતું. ત્યારે ઘણા લોકો સમય પસાર કરવા ડાકુઓની સાચી જૂઠી વાતો રજૂ કરતી કથાઓની પોકેટ બુક્સ વાંચતા, એ તો ખબર હશે જ ને. અહી ડાકુ મંગળ સિહ કે ચંબાલના કોતરોમાં જેવી ડાકુ કથા પણ રજૂ કરવી નથી. મારે એક વ્યક્તિની જીવનમાં બનેલી સત્ય કથા એવા આશયથી રજૂ કરવી છે કે જેમાં આજની સમસ્યાઓ સમજવા આપણી દ્રષ્ટિ વધુ વ્યાપક બને. આજે આપણે વિકાસ અને સમાજના છેવાડાના લોકો સુધી તેના ફળ પહોંચાડવાની વાતો કરીએ છીએ ત્યારે એ યાદ રાખવું ઘટે કે દેશના અનેક રાજ્યોમાં નકસલવાદ ઊંડે સુધી ફેલાયેલ છે. નકસાલવાદના પ્રચાર પ્રસારમાં સાચું ખોટું જે હોય તે પણ સમાજનો એક આખો વર્ગ જ્યારે વિકાસથી વંચિત હોય અને તેનું શોષણ થાય ત્યારે ઉદભાવતા સામાજિક આર્થિક પરિબળો આવી સમસ્યાઓના પાયામાં હોય છે એ વાત નિર્વિવાદ છે. આજના લેખમાં નકસલવાદની ચર્ચા નહીં પણ ચંબાલના ડાકુઓની વાત ચર્ચવી છે, પણ ઘણા લોકો એ સામાજિક પરિસ્થિતિને સમજી શકે તે આશયથી વર્તમાન સમસ્યાઓ સાથે અનુસંધાન કેળવવા માટે એનો ઉલ્લેખ જરૂરી હતો. વળી, આજે મારે ફૂલનદેવીનો મહિમામંડન પણ નથી કરવો કે તેના કામો અને જીવનને વખોડી પણ નથી કાઢવું. કાયદા એ પોતાનું કામ કર્યું છે અને તત્કાલિન સમાજે પોતાની રીતે તેની મુલવણી પણ કરી છે. આપણે તો માત્ર એક વ્યક્તિ તરીકે કોઈ સ્ત્રીને જ્યારે હદબહાર સતાવવામાં આવે ત્યારે ઊભી થતી સ્થિતિનો તેના જીવનને આધારે ક્યાસ કાઢવો છે. અને આજથી થોડાક જ વખત પહેલાની સામાજિક પરિસ્થિતી સમજવી છે.
ફુલનદેવી મલ્લાહ જ્ઞાતિ એટલે ગુજરાતમાં ખારવા કે માછવા જેવી માછીમારી અથવા નાવિક તરીકે ગણી શકાય તેવી ઉત્તર પરદેશની પછાત જ્ઞાતિમાં 10 ઓગસ્ટ 1963ના દિવસે જન્મી હતી. તેના જન્મ સમયે જ્ઞાતિ તો પછાત ખરી જ પણ તેના માબાપ પણ અતિ ગરીબ હતા. 4-5 ભાઈ બહેનો માથી ફૂલન અને તેની એક મોટી બહેન જીવિત હતા અને બીજા બાળકો નાની ઉમ્મરમાં જ મરણ શરણ થયેલા. કુટુંબની મિલકત ગણો તો એક એકર જમીન હતી જેમાં ફૂલનના પિતાના મોટાભાઈનો પણ ભાગ હતો. ફૂલન બાળપણ થી જ બોલવામાં ખૂબ અમર્યાદ હતી. જે મનમાં આવે તે ધડાક દઈને બોલી દેતી. હવે તેના દાદા દાદી ના મરણ બાદ તેનો પિતરાઇ તેમની જમીનમાં આવેલ એક મોટા લીમડાના ઝાડને કાપી નાખવા માંગતો હતો. કુટુંબના બીજા સભ્યો સંમત હતા, કેમકે લીમડો કોઈ ઉત્પાદન આપતો નહોતો અને ખેતી કરવામાં નડતરરૂપ હતો. પણ નાનકડી ફૂલનને એમાં એના પિતરાઈઓનો જમીન પર કબજો કરી લેવાનો ઇરાદો દેખાયો. તે બે બહેનો જ હતી અને તેના પિતાના મોટાભાઈને દીકરા હતા તેથી ફૂલનને લાગ્યું કે પિતરાઇઓ બધી જમીન હડપ કરી જશે. એટલે તેણે વિરોધ કર્યો. પણ તેની વાત સાંભળનાર કોઈ નહોતું. તેણે ગામની છોકરીઓ ભેગી કરી ધરણા પણ કર્યા. છેવટે તેને ખૂબ મારવામાં આવી અને આ પ્રસંગના થોડા જ મહિનામાં તેનાથી ત્રણ ગણી ઉંમરના પુરુષ સાથે તેનો વિવાહ કરી દેવાયો. આ સમયે ફૂલન માત્ર 11 વરસની ઉમરની હતી. તેણે વિરોધ કર્યો તો સખત અને વારંવાર શારીરિક માર મરવામાં આવ્યો. અહી એ જોવું રસપ્રદ છે કે નીચી જ્ઞાતિમાં જન્મ, બિલકુલ ઓછી ઉમ્મર અને શિક્ષણ નહીં છતાં ફૂલન બાળપણ થી જ ઉગ્ર વિચારોની અને મોફાટ બોલકી હતી, અને માર મારવા છતાં વિરોધ કરવામાં પાછી પડતી નહોતી. આ તેનો જન્મજાત સ્વભાવ હતો અને તેના આખા જીવનમાં એ દેખાઈ આવશે. કોઈ અત્યાચાર કરે તો તેને સહન કરી લેવો અથવા પોતાની વાતમાં પાછીપાની કરવાનું તેના સ્વભાવમાં નહોતું.
ફૂલન 11 વર્ષની કુમળી વયે તેના પતિના હાથમાં પડી. તે તેને શારીરિક અને જાતિય દુખ આપવામાં ઉણો ઉતરે તેમ હતો જ નહીં. પણ ફૂલન વિરોધ કરવાનું છોડે તેમ નહોતી. અંતે પતિના ઘેરથી ભાગીને પિતાને ઘેર નાસી આવવા ઘણા નિષ્ફળ પ્રયાસો માં એક સફળ થયો અને તે ભાગી ગઈ. પિયરમાં તો તેના પિતરાઈઓને સમાજમાં બદનામી થયાની અને આ માથાફરેલ છોકરીની સાન ઠેકાણે લાવવાની જરૂર જણાઈ. તે માટે તેમને એક નવીન રસ્તો સુજયો. એણે નજીકની ચોકીમાં ફૂલન ઘરમાથી સોનાની વીંટી અને બીજો સામાન ચોરી કરી છે એવા આરોપ સાથે ફરિયાદ કરી. સિપાઈઓએ ફૂલનને ત્રણ દિવસ સુધી જેલમાં રાખી થોડી મારી પણ ખરી અને પછી તેના કુટુંબીઓની ઇચ્છા મુજબ છોડી મૂકી.
જેલમાથી તે છૂટી કે તરત જ તેના પિયરિયા તેની સાસરીવાળાને તેને તેડી જવા મનાવવા લાગ્યા. સાસરિયાં તો તેને લઈ જવા જરાય તૈયાર નહોતા, પણ હવે ફૂલન 16 વરસની થઈ ગઈ હતી. તેનો પતિ એવી ઉમ્મરે પહોચ્યો હતો કે બીજી પત્ની મળવાની કોઈ શક્યતા જ નહોતી. આમ આણું (હિંદીમાં ગૌના) ની રસમ કરી ફરી તેને સાસરીમાં પરાણે રવાના કરવામાં આવી. થોડા જ મહિનામાં ફરી પાછી લડી ઝગડીને પિયર આવી ગઈ. આ વખતે તેના સાસરિયાં તેના આણામાં આપેલ વહેવાર પરત કરી ગયા અને તેનાથી છૂટકારો મેળવ્યો. હવે પતિના ઘરેથી ભાગી આવવું એટલે મોટો અપરાધ – ફૂલનને નાત બહાર કરવામાં આવી.
હવે ફૂલન જ્યાં જન્મી તે વિસ્તાર એટલે બુંદેલખંડ, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ ના ચંબલ નદીની આસપાસનો વિસ્તાર. આજે પણ પછાત અને વિકાસના નીચેના છેડે ઉભેલો વિસ્તાર છે. બુંદેલખંડમાં કેટલાક રાજા રજવાડા તેમજ અન્ય નામી હસ્તીઓ પણ થઈ છે તેની ના નથી પણ સામાન્ય રીતે આકાશી ખેતી ઉપર આધારિત આ વિસ્તારમાં ઉદ્યોગ ધંધા કે અન્ય રીતે આવકના સાધનો મર્યાદિત છે. એટલે જનસામાન્ય પછાત અને ગરીબ. અહી યુવાનો બંદૂક ઉઠાવીને બિહડોમાં ડાકુ બની જવાની નવાઈ નહોતી. કારણ કે પછાત વિસ્તારોમાં ગરીબોનું શોષણ કરી માલેતુજાર બનેલ એક વર્ગ હોય છે જેને લૂંટી જીવવા વાળા ઘણા લોકો થઈ ગયા છે. આપની મૂળ વાત પર આવીએ તો હવે ફૂલનને માટે ઘરમાં તો આગ લાગી જ ગઈ હતી. એને બૂઝાવવા જંગલમાં ગઈ વાળી વાત બને છે. કુટુંબ અને સમાજથી તિરસ્કૃત ફૂલન આશરે 1979 માં કોતરોમાં પહોંચી. તેના ડાકુ થવા અંગે ચોક્કસ માહિતી નથી કેટલાકના મતે ડાકુઓ તેને ઉપાડી ગયેલા જ્યારે અન્ય લોકો તે જાતે ડાકુ ટોળકીમાં ભળી ગયેલી માને છે. ( તેની પોતાની આત્મકથામાં તેણે એવું જણાવ્યુ છે ” કિસમત કો યહી મંજૂર થા.” આમ આ અંગે તેમાં પણ ફોડ પાડ્યો નથી) પણ તે ડાકુ ટોળકી સાથે ભળી ડાકુ બની ગઈ તે સ્પષ્ટ છે. હવે ઘરથી કંટાળી ડાકુમાં ભળી પણ મુશ્કેલીઓ પીછો છોડતી નથી. ડાકુ ટોળીના સરદાર બાબુ ગજ્જરની નજરમાં ફૂલનને ભોગવવાની તાલાવેલી લાગી અને તેણે ત્રણ દિવસ સૂધી તેને પૂરી રાખી બળાત્કાર કર્યા. અંતે ટોળીનો બીજા નંબરનો સાગરીત વિક્રમ મલ્લાહ જે ફૂલનની જાતિનો હતો તે વહારે આવ્યો અને ફૂલન છૂટી. વિક્રમે બાબુ ગજ્જરને ગોળીએ દીધો અને પોતે ટોળીનો સરદાર બની બેઠો. ફૂલન અને વિક્રમ બંને પરણેલા હતા પણ કોતરોનું એકાંત, વિક્રમે તેણે બચાવી હતી એ હકીકત, પ્રેમ કે લાગણી અથવા જરૂરિયાત અને વિક્રમનું ટોળીના સરદાર હોવું એ બધી બાબતો ભેગી મળી અને વિક્રમ અને ફૂલન પતિ પત્નીની જેમ જીવવા લાગ્યા. આ ગેંગ ફૂલનની સાસરીમાં ત્રાટકી ત્યારે ફૂલને જાતે પોતાના પતિને ખેચી લાવીને માર્યો અને સૌની સામે બધાને ચેતવણી આપી કે કોઈ બુઢ્ઢો નાની કન્યાને પરણશે તો તેનો આવો જ અંઝામ આવશે. અધમૂવો ફૂલન પતિ રસ્તામાં રઝડતો રહ્યો અને ડાકુઓ ગામ આખામાં ધાક બેસાડી રફુચક્કર થઈ ગયા. હવે ફૂલને વિક્રમ પાસેથી બંદૂક ચલાવતા પણ શીખી લીધી. તેમની ગેંગ લૂંટ, અને અપહરણ જેવા ગુન્હા કરતી તો ક્યારેક રોડ રોબરી પણ કરતી. ગેંગની એક માત્ર સ્ત્રી હોવા છતાં ફૂલન લૂંટમાં સામેલ થતી. દરેક લૂંટ પછી ફૂલન દુર્ગા માતાના દર્શને જતી અને પોતાને સુરક્ષિત રાખવા બદલ તેમનો આભાર માનતી.
થોડા સમયમાં શ્રીરામ અને લલ્લારામ નામના બે ભાઈઓ કે જે રાજપૂત હતા અને ટોળીના સભ્યો હતા પણ જેલમાં હતા તે છૂટીને બહાર આવ્યા. ટોળીમાં આવતાની સાથે બાબુ ગજ્જરની હત્યા સામે તેમણે વિરોધ ઉઠાવ્યો. ફૂલન જ એના માટે જવાબદાર છે તેમ ઠરાવી તેની સાથે ઝગડો કર્યો અને મારવા માટે પકડી પણ ખરી. થોડી ઝપાઝપી પછી વિક્રમે વચ્ચે પડી શ્રીરામને સ્ત્રી સાથે આવો વહેવાર કરવા બદલ થોડો ટપાર્યો પણ ખરો. બંને ભાઈઓ સમય પારખી પોતાનાથી નીચી જાતિના વિક્રમ અને ફૂલનના વહેવારથી સમસમી તો ગયા પણ ચૂપ રહ્યા. હવે તેઓ અને ગેંગના બીજા ઊંચી જાતિના સભ્યો લૂંટ વખતે મલ્હાર લોકોને પજવવાનો મોકો શોધતા અને એમને અપમાનિત કરવાનો કોઈ ચાંસ ગુમાવતાં નહીં. વિક્રમ હવે સમજી ગયો હતો કે ટોળીના રાજપુતો સાથે હવે તે લાંબો વખત ખેંચી નહીં શકે તેથી તેણે ટોળીનું રાજપુતો અને મલ્લાહો એમ બે ભાગમાં વિભાજન કરવાની દરખાસ્ત કરી પણ શ્રીરામ સહિત બધાએ તેનો વિરોધ કર્યો. વિક્રમની જાતિના તેના સાથીદારો પણ વિક્રમથી નારાજ હતા. એક તો વિક્રમ એકલા પાસે સ્ત્રી સાથીદાર હતી તેની ઈર્ષા અને કેટલાક તેની કાયદેસરની પત્નીના સગા હતા. આમ, વિક્રમ અને ફૂલન આખી ટોળીમાં અલગ પડી ગયા. થોડા દિવસમાં એક વખત શ્રીરામે ફૂલનના ચરિત્ર અંગે કઈક અજુગતું કહ્યું અને વિક્રમે રાજપુતોની સ્ત્રીઓ વિષે કાઈક કહ્યું. બોલાચાલી ઝગડો બની, ફૂલન અને વિક્રમ એકલા તો પડી જ ગયેલા, છતાં ગમે તેમ કરી ભાગી નીકળ્યા. પણ સામે વાળાઓએ તેમણે શોધી કાઢ્યા. વિક્રમને ગોળી મારી ઉડાવી દઈ ફૂલનને સબક શીખવવા શ્રીરામના ઘેર બેહમાઈ ગામે પકડી લઈ જવામાં આવી.
અહી વિક્રમ મરી તો ગયો પણ તેની એક વાત ફૂલનને હમેશા યાદ રહી ગઈ કે જો મારવાનો સમય આવે તો 20 મારવા એક નહીં. જો 20 ને ફૂંકી મારશો તો તમારી ખ્યાતિ ફેલાશે, લોકો ડરશે, અને એક મારશો તો ખૂની સમજી લટકાવી દેવાશો. ફૂલનના જીવનમાં ક્યારેય સારો સમય તો આવ્યો જ નહોતો પણ આ સમય તેની જિંદગીમાં ખૂબ કપરો હતો. ગામમાં એક ઓરડામાં તેને પૂરી દેવામાં આવી. તેને મારવામાં આવતી, પ્રતાડીત કરવામાં આવતી અને જુદા જુદા ઠાકુર પુરુષો દ્વારા તેના પર દરરોજ અને વારંવાર બળાત્કાર કરવામાં આવતો. દોખજની આ જિંદગી લગભગ ત્રણ અઠવાડીયા ચાલી. ત્યારબાદ તેને સંપૂર્ણ નિવસ્ત્ર કરી ગામમાં ફેરવવામાં આવી. એક દિવસ ગામના જ એક નીચી જાતિના માણસના સહયોગથી અને વિક્રમની ગેંગના માનસિંગ મલ્લાહ અને બીજા એક એમ બે સાથીદારોની મદદથી ફૂલન આ નરકમાથી ભાગવામાં સફળ રહી.
ફૂલન અને માનસિંગ હવે પ્રેમી બની ગયા. બંનેએ ભેગા મળી હવે નવી ગેંગ બનાવી પણ ફક્ત મલ્લાહ જાતિના જ લોકોની. આખા બુંદેલખંડમાં લૂંટ ફાટ કરવી શરૂ કરી. હમેશા નહીં પણ મોટેભાગે ઉચ્ચ જ્ઞાતીના લોકોને ટાર્ગેટ બનાવવા માંડ્યા. લોકોમાં એવી અફવાઓ ફેલાવા લાગી કે ફૂલન ઊંચી જાતિના લોકોને લૂંટી નીચી જાતિવાળાઓને લૂંટનો માલ વહેંચી દે છે. જો કે સરકારી તંત્ર આ વાત માનતું નથી અને તેમના મુજબ કદી તેણે લૂંટનો માલ કોઈને આપ્યો કે વહેંચ્યો નથી.
બેહમાઈથી ભાગી છૂટયાને હવે ઘણા મહિના થઇ ગયા હતા. એવામાં તારીખ 14 ફેબ્રુઆરી 1981 નો દિવસ આવ્યો. ફૂલન ફરીથી બેહમાઈ આવી પણ આ વખતે આખી ગેંગ સહિત બદલો લેવા આવી હતી. પોલીસના ડ્રેસમાં આવેલા બધા ડાકુ ગામમાં પહોંચ્યા ત્યારે કહે છે કે ગામમાં ઠાકુરોના કોઈ ઘરે લગ્ન પ્રસંગ હતો. ફૂલને ગામમાં બધાને ભેગા કરી પોતાના દુશ્મનો શ્રીરામ અને લલ્લારામ ને હાજર કરવા કહ્યું. પણ એ બંને હાજર ના થયા. ફિલ્મી સ્ટોરીની જેમ જ ફૂલને ગામના બધા યુવાનોને એક હારમાં કૂવા આગળ ઊભા કરાવ્યા. અને ત્યાથી નદી કિનારે લઈ જઇ ગોઠણભેર રાખી ધડાધડ ગોળીઓ છોડી એક સામટા 22 શબ ઢાળી દીધા. આ હત્યાકાંડ ખૂબ ગાજયો અને છાપે ચડ્યો. મીડિયાએ ફૂલનના ગુણગાન શરૂ કર્યા અને તેને દેવી કહેવાનું ચલણ શરૂ થયું. સમય જતાં દેશના વડાપ્રધાન બનનાર વી. પી. સિંહ ત્યારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી હતા. હત્યાકાંડના પગલે તેમણે રાજીનામું આપવું પડ્યું અને પોલીસે ચોતરફી ભીંસ વધારી દીધી. આમ છતાં, ફૂલન પકડાતી નહોતી. ગરીબ અને કચડાયેલા લોકો તેની સાથે થઈ ગયા. તેની રોબિન હૂડ ઇમેજ ઊભી થઈ ગઈ હતી. લોકો તેને ડાકુરાણી કહેવા લાગ્યા.
ફૂલન પકડાતી નહોતી અને પોલીસ પર લોકોનો વિશ્વાસ ઉઠી ગયો હતો ત્યારે બેહરાઈ હત્યાકાંડના લગભગ બે વર્ષ પછી તત્કાલિન ઇન્દિરા ગાંધી સરકારે ડાકુઓના સમર્પણ અંગે સ્કીમ કાઢી. વાતચીત કરીને તેમણે મુખ્યધારામાં લાવવા પ્રયત્નો શરૂ થયા. મધ્યપ્રદેશના તત્કાલિન મુખ્યમંત્રી અર્જુનસિંહે તેમાં અગત્યનો ભાગ ભજવેલો. ફૂલન પણ હવે થાકી ગઈ હતી. તબિયત બગડી હતી અને ગેંગના ઘણા માણસો પોલીસની ગોળીઓનો શિકાર બની ગયા હતા. ફેબ્રુઆરી 1983માં તેણે પોતાની કેટલીક શરતોને આધીન આત્મસમર્પણ કર્યું. તેની મુખ્ય શરતોમાં યુપી નહીં પણ એમપી સરકાર આગળ સમર્પણ કર્યું. વળી, દેહાંત દંડ ગેંગના કોઈ પણ સભ્યને નહીં મળે તેની સરકારે બાહેધરી આપવી પડી. નિશસ્ત્ર પોલીસ વડા તેને લેવા ચંબલના કોતરોમાં ગયા અને તેમની સાથે તે ભિંડ આવી અને સમર્પણની વિધિ કરી. તેણે પોલીસ આગળ નહીં પણ મહાત્મા ગાંધીના ફોટા અને દુર્ગા માતાની સાક્ષીમાં સમર્પણ કરી બંદૂક ગાંધીજીના ફોટાના ચરણે ધરી. હજારો લોકોની હાજરીમાં તેણે આત્મસમર્પણ કર્યું જેમાં તેના ઘરના સભ્યો પણ હાજર હતા. બીજા લોકોની સાથે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી અર્જુનસિંહ અને તેમના મંત્રીમંડળના કેટલાક સાથીઓ અને 300 જેટલા પોલીસ જવાનો પણ ત્યાં હાજર હતા. ઓગસ્ટ 1963 માં જન્મેલી ફૂલન ત્યારે 20 વરસની ગણાય.
ફુલનદેવી પર 48 ગંભીર ગુન્હાનો ચાર્જ લગાડવામાં આવ્યો હતો. જેમાં, ડકાઈતી અને અપહરણના 30 ગુન્હા હતા. 11 વરસના લાંબા સમય સુધી તેનો કેસ ઠેલાતો રહ્યો અને તે અંડરટ્રાયલ કેદી તરીકે જેલમાં રહી. 1994માં તેને પેરોલ મળી અને તેવામાં તત્કાલિન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવની સરકારે તેના ઉપર લગાવેલા બધા ચાર્જ પરત ખેંચી લઈ આરોપ મુક્ત કરી દીધી. અત્યાર સુધી કોતરોની ડાકુ રાણી ફુલનદેવી ની આસપાસ હવે રાજકારણ ફરવા લાગ્યું. તેને આરોપમુક્ત કરવા પાછળ એક કારણ એવું હતું કે આ સમયે નિમ્ન ગણાતી જ્ઞાતિઓના લોકોમાં ફૂલન પ્રત્યે સહાનુભૂતિ વાચાળ રીતે પ્રગટ થવા લાગી હતી. મલ્લાહ જાતિ યુપીમાં નિષાદ તરીકે પણ ઓળખાય છે અને તેના એક નેતા અને કાર્યકર વિશ્મ્ભર પ્રસાદ નિષાદ તેના માટે પ્રયત્નશીલ હતા. જોકે તેની જેલ મુક્તિ પણ આખા દેશમાં ચર્ચાનું કારણ બની હતી.
આજ સમયગાળામાં બે વખત કંગ્રેસ અને એક વખત બીએસપી ની ટિકિટ પર ચૂંટણી લડી ચૂકેલા ઉમેદસિંગ સાથે ફુલનદેવી એ લગ્ન કરી લીધા. ત્યારબાદ 15 ફેબ્રુઆરી 1995 માં દીક્ષાભૂમિ ખાતે તેમણે ધર્મ પરીવર્તન કરી બુદ્ધ ધર્મ અપનાવી લીધો. 11 મી લોકસભા માટે સમાજવાદી પક્ષની ટિકિટ પર તે ચૂંટણી લડી લોકસભામાં 1996માં માનનીય સભ્ય બની ત્યારે તેમની ઉમર હતી 33 વરસ. બારમી લોકસભાની ચૂંટણી હારી જઈને ફરીથી તેરમી લોકસભા માટે 1999 માં મિર્ઝાપુરથી જીતીને લોકસભામાં ફરીથી આવ્યા.
26 જુલાઇ 2001 ના દિવસે બપોરે દોઢ વાગે બુકાનીધારી ત્રણ શખ્શો તેમના નવી દિલ્હીના સહુથી સુરક્ષિત વિસ્તારમાં આવેલા લોકસભાના સાંસદોને ફાળવેલા આધિકારિક આવાસ પર પહોચ્યા. શસ્ત્રસજ્જ ખૂનીઓએ ફુલનદેવી ના શરીરમાં છાતી, માથે અને ખભે કુલ નવ ગોળીઓ ધરબી દીધી. તેમનો રક્ષક પણ ગોળીઓથી ગંભીર રીતે ઘાયલ થયો હતો. તાત્કાલિક નજીકના દવાખાને લઈ જતાં ડોકટરોએ તેમણે મૃત ઘોષિત કર્યા. ખૂનીઓ મારૂતિ 800 કારમાં ફરાર થઈ ગયા. સાધનો બદલતા રહી તે હવામાં ઓગળી ગયા હોય તેમ અલોપ થઈ ગયા. ખૂની ના પકડાવાના કારણે આ સમયે પણ પોલીસ ઉપર પસ્તાળ પડી. 14 ઓગસ્ટ 2014ના દિવસે મુખ્ય આરોપી શેરસિંહ રાણાને દિલ્હીની અદાલતે આજીવન કરવાસની સજા સાંભળવી.
એક અત્યાચાર પીડિત પોતાના સગાઓ દ્વારા ઉત્પીડિટ અને બહિષ્કૃત, જ્ઞાતિપ્રથાનો વરવો ભોગ બનેલ નાદાન છોકરી અને તેમાથી ડાકુરાણી બનવા છતા શારીરિક પ્રતાડના અને વારંવાર યૌન શોષણનો ભોગ બની બદલો લેતી, ક્રૂર સજા આપતી યુવતી માથી દેશની સર્વોચ્ચ પંચાયતની સભ્ય બની માત્ર 37 વરસે એવા જ ક્રૂર અંજામને પામતી ફુલનદેવી ની કથા અહી સમાપ્ત થઈ. તેના જીવન ઉપર આધારિત ફિલ્મ ‘બેન્ડિડ ક્વીન’ પણ બની છે. અને પોતે અશિક્ષિત હોવા છતાં બીજાની મદદ લઈ તેમણે પોતાની આત્મકથા પણ લખી છે. અહી મે પ્રસંગોને મારા શબ્દોમાં રજૂ એટલા માટે કર્યા છે કે હજુ આઝાદ ભારતમાં જ જન્મેલ લોકો માટે પણ જીવન કેટલું મુશ્કેલ કે સરળ છે તેનો અંદાઝ આવે. ડાકુગીરી કે નકસલવાદ લોકોની પ્રતાડના ચરમ પર પહોંચે ત્યારે ફેલાય છે. કોઈ વર્ગ કે જ્ઞાતિને વિકાસથી ઈરાદાપૂર્વક વંચિત રખાય તો તે ઝૂંટવી લેવા પ્રેરાય છે. લોકો તેમની પ્રવૃત્તિઓથી હેરાન થાય છતાં ડરથી કે સહાનુભૂતિથી તેમને સહકાર આપે છે. ભ્રષ્ટ તંત્રના અમલદારો અને નેતાઓ પોતાના આર્થિક કે રાજકીય લાભ માટે તેમની પ્રવૃત્તિઓને છાવરે છે. શસ્ત્રો અને દારૂગોળો ડાકુ કે નકસલીઓના હાથમાં આકાશમાથી નથી વરસતો. તંત્રની મિલીભગત વિના એ શક્ય જ નથી. અને આ બધાનો ભોગ નિર્દોષ નાગરિકો બને છે. સશસ્ત્ર સેના અને અર્ધ સૈનિક દળના જવાનોનું લોહી રેડી તેની સામે કાર્યવાહી કરવાની નોબત આવે છે. આપણા નેતાઓ આ બધી બાબતોથી પરિચિત હોય જ, પણ રાજકીય મજબૂરીઓ તેમના માટે કદાચ દેશહિતથી વધી જતી તો નહીં હોય ને?