બાળકો ના વિકાસ અને તેમની આંતરિક શક્તિઓના વિકાસ અંગે દુનિયામાં મહાન ચિત્રકાર તરીકે ગણાતાં પાબલો પિકાસો કે જે સ્પેન દેશના વતની હતા અને 90 કરતાં વધારે વર્ષોની યશશ્વી ઉંમર પછી મૃત્યુ પામ્યા. તેમણે ચિત્રકાર તરીકે પોતાના જીવનમાં અનેક અનુભવો પછી કોઈક સંદર્ભે બાળક અને કલાકાર એ બંનેને સાંકળતું વાક્ય કહ્યું છે કે દરેક બાળક કલાકાર હોય છે પરંતુ વધતી ઉંમર સાથે એ કલાકાર રહેતું નથી. તેમના આ વાક્યો કહેવાનો સંદર્ભ જુદો હોઈ શકે પરંતુ વાતનો મર્મ એવો છે કે સમાજ, માતા-પિતા અને આસપાસનું વાતાવરણ બાળકની કુદરતી શક્તિઓને ખીલવાનું અથવા તેનો નૈસર્ગિક વિકાસ થવા જરૂરી વાતાવરણ પૂરૂ પાડી શકતાં નથી. બાળક એ શક્તિઓ અને શક્યતાઓનો ખજાનો હોય છે. તેને યોગ્ય કેળવણી મળે અને પોતાનામાં રહેલી શક્તિઓને ઓળખવાની તથા ખીલવવાની તક મળે તો બાળક વધુ સારો નાગરિક બની શકે છે.
આજના સમયમાં માતા-પિતાની આકાંક્ષાઓનો બોજ, સામાજિક રિતિ-રિવાજો અને આર્થિક-સામાજિક અસમાનતાઓને કારણે અનેક બાળકો પોતાનો વાસ્તવિક વિકાસ કરી શકતાં નથી. અને તેથી જ આજનો નાગરિક એ બનાવટી મૂખોટો પહેરીને ફરે છે. વ્યક્તિનાં સમાજ સાથેના સંબંધો ઔપચારિક બની ગયા છે. માહિતી અને જાણકારીનો જેટલો ધોધ આજે વહી રહ્યો છે તે કદાચ ઇતિહાસમાં ક્યારેય નહોતો. છતાં આજનો માનવી પોતાના નજીકના સંબધીઓ અથવા જેની સાથે તેને દરરોજ રહેવાનું અથવા કામ કરવાનું થાય છે તેમને પણ ઓળખી નથી શકતો. આજનો નાગરિક પોતાના બાબતે હૈયુ ખોલીને કાંઈક કહી શકે તેવા મિત્રો કે સગાનો અભાવ અનુભવે છે. જેના માટે બાળકની કેળવણીમાં રહેલી નૈસર્ગિકતાનો અભાવ એ એકમાત્ર નહિ તો મુખ્ય કારણ છે. આશા રાખીએ કે હવે પછીનો સમાજ બાળકના નૈસર્ગિક વિકાસને વધુ તક આપી વધુ સારા સમાજનું નિર્માણ કરે.