આજની આ હરીફાઈની દુનિયામાં સફળતા મેળવવા અને વધુ સુખ અને સંપત્તિ પાછળ બધા ઘેલા થયા છે. વધારે પડતી હરીફાઈને કારણે લોકો ટુંકા રસ્તે ઓછા સમયમાં સફળ થવાના સપનાઓ જુએ છે. એની લ્હાયમાં ઘણા લોકો છેતરપિંડીનો ભોગ પણ બને છે. તમે એકના ડબલવાળી વાત તો સાંભળી જ હશે. સફળતા મેળવવા માટે સંઘર્ષ તો કરવો જ પડશે. એના માટે તન અને મનથી લાગી જવું પડશે. ઘણી બધી નિષ્ફળતાઓ અને એ નિષ્ફળતાના અનુભવોમાંથી જ નવું શીખીને આપણે પણ સફળતાના શિખરો સર કરી શકીએ છીએ. કવિએ આપેલ પંક્તિમાં એ જ વાત કરી છે કે, સફળતા એ નિષ્ફળતાઓમાંથી મેળવેલા અનુભવ દ્વારા જ પ્રાપ્ત કરી શકાય છે. એના માટે બની શકે કે આપણને આપણા કોઈ નિર્ધારિત કરેલ લક્ષ્ય સુધી પહોંચવા માટે ઘણી બધી વાર અસફળતા મળે પણ ખરી. તો એ અસફળતાને કારણે નાસીપાસ થવાને બદલે ફરીથી એ લક્ષ્ય તરફ આગળ વધવું જોઈએ.
આપણને આપણા દરેક કાર્યમાં સફળતા મળે એવું જરૂરી નથી. આપણે ઘણી બધી મહેનત અને પ્રયત્નો કરીએ પણ નિષ્ફળતા મળે તો એનાથી નિરાશ થવાને બદલે જે અનુભવ મળે છે એની કિંમત કરતા શીખવાનું છે. આપણા જીવનમાં જો કોઈ સાચો ગુરુ હોય તો એ આપણે જીવનના વિવિધ પડાવમાં અને વિવિધ પરિસ્થિતિમાં મેળવેલા અનુભવ છે. આ અનુભવ જ આપણને વધારે ને વધારે પ્રયત્નશીલ બનાવે છે અને વધુને વધુ આગળ વધવા તરફ પ્રેરે છે. કોઈ ખેડૂત હોય કે કવિ, કલાકાર હોય કે વેપારી, વૈજ્ઞાનિક હોય કે પછી વિદ્યાર્થી સૌ કોઈને જીવનમાં ક્યારેક તો નિષ્ફળતા મળી જ હોય છે અને એના દ્વારા જ સૌ આગળ વધતા હોય છે. ધીરજ, ખંત, સહનશીલતા, આશા, ઉત્સાહ, એકાગ્રતા અને સાહસ દ્વારા આપણે નિષ્ફળતાઓનો સામનો આસાનીથી કરી શકીએ છીએ અને એ નિષ્ફળતાને આપણી આવનારી સફળતાનો માર્ગ બનાવી શકીએ છીએ. નાનું બાળક જ્યારે ચાલતા શીખે છે ત્યારે વારંવાર પડી જાય છે. ઘણીવાર કોઈ ઈજા પણ થાય છે. છતાં વારંવાર પ્રયત્નશીલ નાનું બાળક એક દિવસ ચાલતા શીખે છે. કોઈ વૈજ્ઞાનિક શોધ કાંઈ એક પ્રયત્નમાં નથી થતી, હજારો વખતની નિષ્ફળતા પછી જ એમાં સફળતા મળે છે. વીજળીના બલ્બની વાત કરીએ તો એના શોધક થોમસ અલ્વા એડિસન અને એમની ટીમ એક બે પ્રયત્ન નહી પરંતુ હજારો પ્રયત્નોની નિષ્ફળતા પછી વીજળીના ગોળાની શોધ કરી શકી હતી. નિષ્ફળતા આપણને સફળતાના માર્ગ તરફ લઈ જાય છે. કારણ કે નિષ્ફળતા એ કાયમી નથી. વધુ ને વધુ મહેનત અને પ્રયત્નો આપણને જરૂર સફળ બનાવે છે. એટલે જ કહેવાયું છે, Failure is half success.
(ધોરણ 8 થી 10 માં વિચાર-વિસ્તાર અંતર્ગત આવી પંક્તિઓ પૂછાઈ શકે છે.)