માણ એટલે વિશિષ્ટ પ્રકારનું માટલું, જેનું મો પ્રમાણમાં સાંકડું હોય અને નીચેનો ભાગ મોટો હોય એટલે ગામડામાં જૂના જમાનામાં છાસ કરવા જે ગોળીઓ વપરાતી હતી તેનાથી નાનું અને હાલમાં ઘરોમાં વપરાતા માટલા કરતાં કંઈક અંશે મોટું એવું મધ્યમ પ્રકારનું માટલું એટલે માણ.
ગુજરાતમાં માણનો વાદ્ય તરીકે ઉપયોગ આમ તો સદીઓ પૂરાણો હશે, કેમ કે દક્ષિણ ભારતના રાજ્યોમાં અત્યારે પણ ઘટમ (ઘડો) એ વાદ્ય તરીકે પ્રચલિત છે અને ઘટમના ઉપયોગથી અનેક પ્રકારના સંગીતમય અવાજો ઉત્પન્ન કરી એક વિશિષ્ટ શૈલીમાં સંગીતની રચના કરવામાં આવે છે.
દક્ષિણના રાજ્યોમાં એક ઘટમ અને તેની સાથે તબલા કે એવા અન્ય વાજિત્રોના સહયોગ દ્વારા પણ સંગીત રચનાઓ થાય છે. તેમજ બે કે ત્રણ કલાકારો માત્ર ઘટમ દ્વારા જુદાં-જુદાં સંગીતમય અવાજો ઉત્પન્ન કરે છે. એવું કહેવાય છે કે ઘટમ દ્વારા અગ્નિ, પૃથ્વી, જળ, વાયુ અને આકાશ એમ પ્રકૃતિના પાંચેય મૂળભૂત તત્વોને દર્શાવતા નાદ (અવાજ) કાઢી શકાય છે, જે માટે ઘટમનું મોં સંપૂર્ણ કે અધ:ખુલ્લુ રાખી જુદાં-જુદાં અવાજો ઉત્પન્ન કરાય છે. તથા ઘટમના ઉપર નીચે જુદા જુદા ભાગોમાં અંગૂઠા અને આંગળીઓ કે હથેળીની થાપ દ્વારા પણ વિશિષ્ટ અવાજો ઉત્પન્ન કરવામાં આવે છે. આ ચર્ચા દક્ષિણ ભારતમાં પ્રચલિત ઘટમ વાદ્ય અંગે થઈ.
હવે, આપણી મૂળ વાત…. ગુજરાતમાં માણ વાદ્યની વાત કરીએ તો ઔરંગઝેબના શાસનકાળ દરમિયાન વડોદરાના વતની અને સમગ્ર ગુજરાતના સાહિત્યિક અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં ઘરેણા રૂપ મહાકવિ પ્રેમાનંદે ગુજરાતી સાહિત્ય અને લોકકલા ક્ષેત્રે આખ્યાનનો પ્રકાર વિકસાવી, જાતે લોકો વચ્ચે જઈ તેનો ફેલાવો કર્યો. પ્રેમાનંદ વડોદરાના વતની હતા. તેઓ વડોદરાનાં વાડી મહોલ્લામાં રહેતાં હતાં. તેઓ ચોવિસા મેવાડા બ્રાહ્મણ હતાં. તેમનાં પિતાનું નામ કૃષ્ણરામ હતુ. તેમની પત્નીનું નામ હરકોર ભટ્ટ હતું. તેમનો એક પુત્ર હતો જેનું નામ વલ્લભ ભટ્ટ હતું. ગુજરાતી ભાષાના સર્વોત્તમ આખ્યાન કવિ તરીકે પ્રખ્યાત થયેલા પ્રેમાનંદે લોકસમુદાયમાં આનંદ સાથે વિચારશક્તિ આપતી અનેક આખ્યાન રચનાઓ ગુંજતી કરી હતી. તેમનાં જમાનામાં તેઓ ‘રાસકવિ’તરીકે ઓળખાતાં હતાં. તેઓ આખ્યાન ગાન સમયે વાદ્ય તરીકે માણ નો ઉપયોગ કરતાં. વાસ્તવમાં માણ એ વાદ્ય તરીકે ઉપયોગમાં લેવાય તેવી રીતે વિશિષ્ટ બનાવટ ધરાવતું માટલું છે. જેમાં મોઢું ખૂબ સાંકડું અને કંઈક અંશે જાડું હોય છે.
પ્રેમાનંદના જીવન વિશે આપણે ત્યાં લગભગ ત્રણ સદીથી ચર્ચા ચાલે છે. પ્રેમાનંદનાં જીવન વિશે વિશ્વાસપાત્ર હકીકત બહુ ઓછી જોવા મળે છે. એમની ઘણી કૃતિઓમાં રચનાવર્ષ આપ્યા છે. તેવી કૃતિઓમાં સૌપ્રથમ કૃતિ “ચંદ્રહાસ આખ્યાન” આશરે ઈ.સ ૧૬૬૧માં અને “ઓખા હરણ” સંભવત ઈ.સ. ૧૬૬૭માં રચાયેલ હોવાનું મનાય છે. એમનું છેલ્લું આખ્યાન “દશમસ્કંધ” અધૂરું રહ્યુ હતુ. તે પછીથી સુંદરે ઈ.સ. ૧૭૧૭ કે ૧૭૪૦માં પુંરું કર્યું છે. આમ, પ્રેમાનંદે કાવ્યસર્જન વીસ-બાવીસ વર્ષે શરુ કર્યું . ઈ.સ. ૧૭૦૦ પછી તેઓ બહુ જીવ્યા નહી. એમ માનીએ તો એમનો જીવનકાળ ઈ.સ.૧૬૪૦ થી ૧૭૦૦ સુધીનો ગણી શકાય.
‘આખ્યાનો કરવાં’ અને માણભટ્ટ એટલે કે કથાકારનો પ્રેમાનંદનો વ્યવસાય હતો. વ્યવસાય અર્થે એમણે થોડાંક વર્ષો દક્ષિણ ગુજરાતમાં સુરત અને ત્યાંથી ખાનદેશમાં નંદનબાર અને બુરહાનપુરામાં વિતાવેલાં. આખ્યાનકાર મોટે ભાગે બ્રાહ્મણો રહ્યા છે અને સામાન્ય જનતામાં તેઓ માણ ભટ્ટ તરીકે પ્રચલિત થયા. વર્તમાનમાં આખ્યાનો અને માણ નું વાદ્ય તરીકેનું મહત્વ મૃતઃપ્રાય અવસ્થા તરફ જઈ રહ્યું છે. એમાં વડોદરાના જ ધાર્મિકલાલ પંડ્યા આ લોકકળાને ટકાવી રાખવા જીવનપર્યંત ઝઝૂમતા રહ્યાં છે અને નાદુરસ્ત તબિયત તથા ઉંમર હોવા છતા સતત પ્રયત્નશીલ છે. ધાર્મિકલાલે માણ ભટ્ટ તરીકે પોતાના પિતા પાસેથી શિક્ષણ મેળવ્યું અને હાલ તેમના પુત્રને આ કળા શિખવેલ છે. એટલે કે, આ કુટુંબ ત્રણ પેઢીથી આ જુની અને મૃતઃપ્રાય ગુજરાતી કળાને જાળવવાનો પ્રયત્ન કરી રહી છે.
હવે તો માણ માટીના બદલે ધાતુના બને છે અને કલાકાર પોતાની આંગળીએ તાંબા અને ચાંદીના વેઢ પહેરી માણ ઉપર થાપ આપે એટલે વિશિષ્ટ પ્રકારનો રણકાર થાય છે. જેનાથી આખ્યાન સાંભળવું એ જ્ઞાન પ્રાપ્તિ ઉપરાંત કર્ણપ્રિય સંગીત માણવા સાથે બેવડું કામ થાય છે. છતાં, દક્ષિણમાં જેમ ઘટમ વાદ્ય તરીકે બહોળા જન સમુદાયમાં પ્રચલિત છે તેવી રીતે ગુજરાતમાં માણ વપરાતું નથી. તે દુઃખ સાથે નોંધવું રહ્યું.